બુધવાર, 17 ડિસેમ્બર, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પાંચમો - ગુચ્છ ૩

#211 – નાટકીયતાથી સચેત રહીએ
| જુલાઇ ૨૯,૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image002
હું જે કહેવા માગું છું તે સમજાવવા મારે એક કહાની કહેવી પડશે.તમારામાનાં ઘણાંએ ભારતીય ફિલ્મો જોઇ હશે, કેટલાંકે કદાચ નહીં પણ જોઇ હોય. જેમણે ભારતીય ફિલ્મો જોઇ છે તે લોકો તો આ કહાની વાંચીને હસી ઉઠશે, પણ જેમણે (ખાસ કરીને 'મસાલા') ભારતીય ફિલ્મો નથી જોઇ, તે લોકો કદાચ હવે પછી એ ફિલ્મો ક્યારે પણ ન જોવાનું પણ નક્કી કરી દેશે !

# ૧: કૉલેજ

કૉલેજમાં એક છોકરો એક છોકરીને ભેટી જાય છે.બંને પ્રેમમાં પડે છે, અને પરણી પણ જાય છે. પછી તો એ..ય, ખાઇ પીને લહેર કરે છે.

શું માનવું છે તમારૂં ?

નાપાસ.

અરે કેમ નાપાસ ? આવું વાસ્તવિક જીવનમાં પણ બનતું જ હોય છે. પણ ચાલો દલીલમાં ઉતર્યા સિવાય વાર્તામાં થોડો મસાલો ઉમેરીએ

# ૨: કૉલેજ

રવિને બેંગલુરુ માટે ખાસ ચાહત હતી.ત્યાં ભણવું એ તેનું સ્વપ્નું હતું. આ કદાચ તેનાં ગામથી માંડ ત્રીજી ટ્રીપ હશે. આ પહેલાંની બંને ટ્રીપ એક દિવસથી વધારે લાંબી નહોતી.પણ આ વખતે સમય માટે હશે. નેશનલ કૉલેજના શરૂઆતના દિવસોમાં તો કંઇ ખાસ બન્યું નહીં. પણ જે દિવસે પ્રિયાએ વર્ગમાં પગ મૂક્યો, તે દિવસથી બધું બદલી ગયું.તેની તરફ શા કારણે આકર્ષાયો તે તો રવિને પણ ખબર ન પડી.કદાચ તેની નીલી આંખો કે તેના હોઠપરનું એ હાસ્ય...! અને તેના ગાલોમાં પડતાં ખંજન. આહ. ભલભલાંનો શ્વાસ અટકી જાય !

સો વાતની એક વાત. બંને પ્રેમમાં પડ્યા, પરણી પણ ગયાં, અને પછી, ખાધું પીધું અને મજા કરી...

બોલો, હવે તમારૂં શું માનવું છે ?

ફરી નાપાસ ?

અરે હોતા હશે, પહેલા કિસ્સા કરતાં તો વાતમાં ઘણું ઉમેર્યું છે. કેમ ખરૂંને ?

ઠીક છે, ઠીક છે, ચાલો દલીલોમાં નહીં ઉતરી પડીએ...

હજૂ એક વધારે પ્રયત્ન ....

# ૩: કૉલેજ

રવિને બેંગલુરુ બહુ જ ગમતું. ત્યાં ભણવું એ તેનું સ્વપ્નું હતું.તેનાં ગામની બહાર કદાચ આ ત્રીજી ટ્રીપ માંડ હશે.આ પહેલાં તો ગામની બહાર માંડ એકાદ દિવસ જ રહ્યો હશે. પણ આ વખતે તો વધારે સમય માટે રહેવાનું થશે. નેશનલ કૉલેજના શરૂઆતના દિવસો તો ખાસ કંઇ બન્યા વગર જ પસાર થઇ ગયા. પણ જે દિવસે પ્રિયાએ વર્ગમાં પગ મૂક્યો, તે દિવસથી બધું જ બદલાઇ ગયું. શા કારણે તેની તરફ આકર્ષાઇ ગયો, તે તો રવિને સમજ જ ન પડી - કદાચ તેની નીલી આંખો કે તેના હોઠપરનું એ હાસ્ય...! અને તેના ગાલોમાં પડતાં ખંજન. આહ. ભલભલાંનો શ્વાસ અટકી જાય !

રવિને પ્રિયા વિશે બધું જ જાણવું હતું. તેનો પોષાક કે તેની ગાડી જોતાં એક વાત તો નક્કી હતી કે બંનેની આર્થિક કે સામાજિક કક્ષામાં તો આસમાન જમીનનો ફેર હતો. પોતે ભણવામાં ઘણો પ્રતિભાશાળી હતો, પણ તેમનું જોડું જામવા માટે તો કોઇક ચમત્કાર જ થવો ઘટે ! પછીના થોડા દિવસોમાં, ક્યારેક લાયબ્રેરીમાં, તો ક્યારેક કેન્ટીનમાં કે ક્યારેક એક જ સાથે વર્ગમાં દાખલ થતી વખતે કે ક્યારેક બંને પોતપોતાનાં મિત્રવર્તુળમાં મગ્ન હોય ત્યારે... બંનેની આંખો મળતી રહી. તેની નજર તો કાયમ પ્રિયાની પાછળ જ દિવાની બની રહેતી, પણ પ્રિયાએ પલટીને હજૂ જોયું નહોતું.

રવિ પણ એમ ગાંજ્યા જાય એમાંનો નહોતો.

સો વાતની એક વાત... બંને પ્રેમમાં પડ્યા, પરણી પણ ગયાં, અને પછી, ખાધું પીધું અને મજા કરી...

બોલો હવે તમારે શું કહેવું છે?

ના પાસ..?

અરે હોતા હશે.. પણ.. ખેર.. ચલો હજૂ એક પ્રયાસ કરીએ

# ૪: કૉલેજ

રવિને બેંગલુરુ બહુ જ ગમતું. ત્યાં ભણવું એ તેનું સ્વપ્નું હતું.તેનાં ગામની બહાર કદાચ આ ત્રીજી ટ્રીપ માંડ હશે.આ પહેલાં તો ગામની બહાર માંડ એકાદ દિવસ જ રહ્યો હશે. પણ આ વખતે તો વધારે સમય માટે રહેવાનું થશે. નેશનલ કૉલેજના શરૂઆતના દિવસો તો ખાસ કંઇ બન્યા વગર જ પસાર થઇ ગયા. પણ જે દિવસે પ્રિયાએ વર્ગમાં પગ મૂક્યો, તે દિવસથી બધું જ બદલાઇ ગયું. શા કારણે તેની તરફ આકર્ષાઇ ગયો, તે તો રવિને સમજ જ ન પડી - કદાચ તેની નીલી આંખો કે તેના હોઠપરનું એ હાસ્ય...! અને તેના ગાલોમાં પડતાં ખંજન. આહ. ભલભલાંનો શ્વાસ અટકી જાય !

રવિને પ્રિયા વિશે બધું જ જાણવું હતું. તેન પોષાક કે તેની ગાડી જોતા એક વાત તો નક્કી હતી કે બંનેની આર્થિક કે સામાજિક કક્ષામાં તો આસમાન જમીનનો ફેર હતો. પોતે ભણવામાં ઘણો પ્રતિભાશાળી હતો, પણ તેમનું જોડું જામવા માટે તો કોઇક ચમત્કાર જ થવો ઘટે ! પછીના થોડા દિવસોમાં, ક્યારેક લાયબ્રેરીમાં, તો ક્યારેક કેન્ટીનમાં તો ક્યારેક એક જ સાથે વર્ગમાં દાખલ થતી વખતે કે ક્યારેક બંને પોતપોતાનાં મિત્રવર્તુળમાં મગ્ન હોય ત્યારે... બંનેની આંખો મળતી રહી. તેની નજર તો કાયમ પ્રિયાની પાછળ જ દિવાની બની રહેતી, પણ પ્રિયાએ પલટીને હજૂ જોયું નહોતું.

રવિ પણ એમ ગાંજ્યા જાય એમાંનો નહોતો...પણ એ દિવસ..રવિ કદી ભૂલી નહીં શકે...તે પોતાના બે મિત્રો સાથે હૉસ્ટેલ તરફ જઇ રહ્યો હતો. પ્રિયા પણ તેની મિત્રો સાથે આગળ હતી. બંને વચ્ચે ઠીક ઠીક અંતર હતું. તેના મિત્રો કંઇક વાત કરી રહ્યા હતા, પણ રવિની નજર તો પ્રિયા પર જ ચોંટી રહી હતી. એક કાળી BMW પાછળથી એ છોકરીઓ પાસે આવીને ઊભી રહી, પ્રિયાની મિત્રો હાથ ઊંચો કરીને જતી રહી, વાદળી સ્યુટ પહેરેલા એક ભાઇ ગાડીમાંથી ઉતર્યા અને પ્રિયાની સામે હસ્યા. નક્કી પ્રિયાના પિતાજી હશે..રવિનાં પગલાં થોડાં ધીમાં પડ્યા, પણ એટલામાં જ તેનો એક મિત્ર બોલી ઊઠ્યો, "બાપ રે.. આ તો શંકર છે..ચાલો ચાલો અહીંથી જલ્દી જલ્દી ચાલતી પકડો.' તેમણે રવિનો હાથ પકડીને ભાગવાવાળી કરી. ભાગતાં ભાગતાં પણ રવિ તો ગુંચવાયેલો જ રહ્યો..પાછળ વળીને તેણે શંકર કોણ છે તે જોવા કોશીશ કરી... તેના મિત્રએ તેને સલાહ આપી, 'રહેવા દે રવિ.. આપણે માથાકૂટ્માં પડવું નથી. એમાં કંઇ ભલી વાર પણ નથી'. રવિએ હકારમાં ડોકું ધુણાવ્યું અને પાછળ નજર સાથે દોસ્તોની સાથે ઘસડાતો રહ્યો.

ખેર.. સો વાતની એક વાત. બંને પ્રેમમાં પડ્યા, પરણી પણ ગયાં, અને પછી, ખાધું પીધું અને મજા કરી...

બોલો હવે તમારે શું કહેવું છે?

ચાલો, આપણે મૂળ મુદ્દા પર આવીએ.

તમે દરેક તબક્કે 'નાટ્યાત્મકતા'નાં તત્ત્વનો થતો વધારો જોઇ શક્યાં હશો. જો કે પહેલાં ત્રણ સ્વરૂપ ન વાંચ્યાં હોય, તો ચોથાં સ્વરૂપમાં અમુક નાટ્યાત્મક તત્ત્વો નજતે પણ ન ચડે એમ પણ બને.

મોટા ભાગની ફિલ્મોમાં આવું કંઇકને કંઇક 'નાટકીય' તત્ત્વ તો હોય જ. જો તે આપણી નજરે ન ચડે તો આપણે કદાચ એ નાટ્યાત્મકતાને સાચી પણ માનવા લાગી જઇએ, જે ક્યારેક તો આપણને જ નુકસાનકર્તા પણ બની રહે.

આપણાં જીવનમાં બીનજરૂરી નાટ્યત્મકતા ન પ્રવેશે એવી શુભેચ્છાઓ ...

#212 – સ્વ-અવમૂલ્યનવડે પોતાની જાતને ઉતારી પાડવાનો યથોચિત ઉપયોગ કરીએ
| ઑગસ્ટ ૧૮, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image004

પોતાની જાતને ઉતારી પાડવી એટલે પોતાની આવડત કે સિદ્ધિઓનું ઓછું મૂલ્ય આંકવું. તેનો અર્થ એમ પણ થાય કે આપણે પોતે જ આપણા માટે ઊંચો અભિપ્રાય નથી ધરાવતાં. સામાન્ય રીતે, એનો અર્થ એવો પણ થાય કે આપણામાં ખુદ પર જ વિશ્વાસની કમી છે. અને જો બહુ જ આત્યંતિક અર્થઘટન કરીએ તો એમ પણ કહી શકાય કે આપણે લઘુતા ગ્રંથિથી પીડાઇએ છીએ.

આટલી બધી નકારાત્મક વાતોને વળી આપણાં વિશિષ્ઠ થવા સાથે શું લેવા દેવા ?

ખૂબી છે તો યથોચિત ઉપયોગ.

જો તેનો બરાબર સમજીને ઉપયોગ કરવામાં આવે તો તે એકરાગની કડી જોડવામાં અને લોકોને નજદીક લાવવામાં બહુ શક્તિશાળી સાધન પરવડી શકે છે.

કેમ ?

(જો બરાબર ઉપયોગ કરવામાં આવે તો) સ્વ-અવમૂલ્યન આપણામાં રહેલ માનવીય તત્ત્વ બહાર લાવી આપે છે. સામેની વ્યક્તિને 'કોર્પોરેટ અવતાર' સમી કૃત્રિમ મૂર્તિ કરતાં 'માનવ' અંશો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ રાખવો વધારે જ પસંદ આવે.

આવું શી રીતે કરી શકાય ?

આ બાબતે થોડા વિચારો સાદર રજૂ કરેલ છે:

૧. ભૂતકાળની વાતોનું અવમૂલ્યન કરવું.:

જેમ કે, વિદ્યાર્થી અવસ્થામાં કંઇક મૂર્ખામી કરી બેઠા હતા. અણસમજ અવસ્થામાં બધાં જ કંઇકને કંઇક તો (નાની યા મોટી) ભૂલ કરી બેસતાં હોય છે - એટલે એ મૂર્ખામીઓને યાદ કરવામાં એક પ્રકારનું નિખાલસપણું છે.

૨. પોતાનાં વ્યક્તિત્વ (કે ક્ષમતા)નાં સબળ પાસાંના દાયરામાં સ્વ-અવમૂલ્યન કરવું:

જો તમે સારા વાટાઘાટકાર હો તો કોઇ મંત્રણા દરમ્યાન તમે કેવો છબરડો વાળ્યો હતો તે વિષે કહી શકાય. પોતાનાં સબળ પાસાંના ક્ષેત્રમાં પણ બધાં જ ક્યારેક થાપ ખાઇ જતામ હોય છે. એટલે યોગ્ય સંદર્ભમાં આ પ્રકારનું ઉદાહરણ ટાંકવાથી તમે તમારી બીજી વાત માટે પણ ધ્યાનાકર્ષિત કરી શકો છો.

3. લોકો જ્યાં ભૂલો કરી જ બેસતાં હોય તે બાબતોમાં સ્વ-અવમૂલ્યન કરો:

સર્વસામાન્ય છબરડા અને ભૂલોને સ્વીકારી લેવાથી આપણે પણ બીજાં જેવાં જ - ભુળ કરવા પાત્ર - ક્ષમ્ય વ્યક્તિ છીએ તેમ પ્રતિપાદિત કરવાનો સારો મોકો કહેવાય.

૪. જે બાબતમાં આપણે આગળ વધી ચૂક્યાં છીએ ત્યાં પણ સ્વ-અવમૂલ્યન કરી શકાય:

દરેક વ્યક્તિ એક જ જગ્યાએ સ્થિર નથી બની રહેતી, સફળતા હોય કે નિષ્ફળતા, આગળ તો વધતાં જ રહેવું પડે.આપણને જ્યાં અનુકૂળ ન પડ્યું, ત્યાંથી આગળ નીકળી ચૂક્યા પછી, એ વિષે આપણી વ્યથા અને શું ખોટું થયું તે વિષેની સમજ લોકો સાથે વહેંચવાથી તેમની સાથેનો તંતુ જોડવામાં મદદ મળી શકે છે.

૫. આપણાં અજ્ઞાત (કે અજાણ) ક્ષેત્રમાં સ્વ-અવમૂલ્યન કરી શકાય:

જેમ કે, પહેલાં જ ઔદ્યોગિક સાહસના અનુભવો. ઘણી વસ્તુઓ એવી હોય ચે સ્વાનુભવ વગર શીખી નથી શકાતી.આવા પ્રસંગોએ મોટા ભાગનાં લોકો ઠોકર ખાઇ ચૂક્યાં હોય છે. જો આ બાબત પ્રસ્તુત વિષય સાથે સંદર્ભ ધરાવતી હોય, તો તમે લોકો સાથે અનુભવ વહેંચવા માટે તૈયાર છો તેવો સકારાત્મક સંકેત આપી શકાય છે.આમ, સમઅનુભવી લોકોનું એક વર્તુળ પણ બની રહે છે.

સ્વ-અવમૂલ્યન બહુ નાજૂક બાબત છે, એટલે વધારે ઉદાહરણો આપવાને બદલે હું મારા અનુભવો જ તમારી સાથે વહેંચીશ. હા, મારા ફાળે પણ છબરડાઓનો હિસ્સો તો હોયજ ને !

Rajesh Setty: The Story So Far…

Photo Courtesy: ktpupp at Flickr

#213 – બંધ બેસતાં ન હોય તેવાં તુલનાત્મક માપદંડો વિષે સચેત રહીએ
| ઓગસ્ટ ૨૩, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image006
જેના માટે આપણને માન હોય તેને આદર્શ બનાવવું એ ઝડપથી આગળ વધવા માટેનો એક અસરકારક માર્ગ છે.કોઇ પણ ક્ષેત્રનાં આદર્શ વ્યક્તિત્વો આપણને ઊંચાં તુલનાત્મક માપદંડનાં લક્ષ્ય વડે વધારે સારી કામગીરી કરવામાં જરૂર મદદરૂપ નીવડી શકે.આદર્શને અનુસરવામાં કે તુલનાત્મક માપદંડ સિદ્ધ કરવામાં ખૂબી એ છે કે આપણામાં થતા ફેરફારો જોવા માટે આપણે એ સ્તર સુધી પહોંચવાની જરૂર નથી પડતી. એ સફરના માર્ગમાં જ ફાયદાઓ દેખાવાના શરૂ થઇ જઇ શકે છે.

આમ આદર્શ કે/અને માપદંડનાં અનુકરણમાં બેવડો ફાયદો છે - સફરના અંતે થનારો મોટો ફાયદો અને સફર દરમ્યાન થતા નાના ફાયદાઓ.

જો કે, જો એ આદર્શ બરાબર બંધબેસતો ન હોય, તો મુશ્કેલીઓનો પાર ન રહે એમ પણ બને. બધાં એટલાં તો સમજુ હોય જ છે, એટલે ભૂલનાં કુંડાળાં તો ફસાઇ પડવાની ભૂલ નહીં જ થાય તેની મને ખાત્રી છે. આદર્શ બરાબર હોય પણ તુલનાત્મક માપદંડ બરાબર ન હોય, ત્યારે થોડી નાજૂક સ્થિતિ બની રહે છે. ફરક એટલો સૂક્ષ્મ છે કે શરૂમાં કદાચ નજરે પણ ન ચડે. પણ જો અહીંયાં ભૂલ થઇ ગઇ, તો એવું લાગશે આપણી સફર બહુ જ સહી માર્ગ પર આગળ ધપી રહી છે, પણ જ્યારે અપેક્ષિત અંતિમ પરિણામથી કંઇક સાવ જૂદું પરિણામ નજર સામે આવવા લાગે છે, ત્યારે આ સફરનો થાક અનુભવાય છે.

એક ઉદાહરણ (આને માત્ર, અને માત્ર, ઉદાહરણ જ ગણવા ખાસ વિનંતિ)

એક મિત્ર સાથે સામાજિક માધ્યમો વિષે વાત થઇ રહી હતી. વાત ટ્વીટર પર આવી પહોંચે તે તો સ્વાભાવિક જ છે.તેમણે ખાસ્સો સમય ટ્વીટરનો ઉપયોગ જર્યો હતો, પણ તેમનો અનુભવ કંઇક અંશે નિરાશાજનક રહ્યો હતો.તેઓ હજૂ સુધી ૧૦૦૦ 'ફોલોઅર્સ'નો આંકડો પાર નહોતા કરી શક્યા. તેમને નવાઇ લાગતી હતી કે લોકોને હજારોની સંખ્યામાં 'ફોલોઅર્સ' કેમ મળી જતા હશે ? તેમનું કહેવું હતું કે આમાંના કોઇ એકાદને પણ જો તેઓ અનુસરી શકે, તો તેમને પણ હજારો 'ફોલોઅર્સ' મળી રહે ! બસ, એ માટે થોડો સમય કાઢવાની જરૂર હતી.

માત્ર કુતુહલવશ, મેં તેમને બહુ જ પસંદ એવાં બે ત્રણ નામો કહેવા કહ્યું. હજૂ થોડી પૂછપરછ કરતાં, શામાટે તેઓ તેમનાથી અભિભૂત છે, અને શામાટે તેમને પોતાના આદર્શ માને છે વિષે પણ તેમણે કહેવા માંડ્યું. હજૂ થોડાં વધારે ઊંડાં ઉતરતાં તેમને સમજાયું કે એ લોકોને તો આટલાં બધાં ફોલોઅર્સ તેમના મૂળ વ્યવસાયના વિકાસ માટે જ જરૂરી હતાં. તેમનાં જીવન અને વ્યવસાયની તે (ફરજિયાત) જરૂરીયાત હતી. આમ, ચોક્કસ સાધ્ય માટે જરૂરી સાધનોનો આ તો સીધો સીધો દાખલો હતો.

જ્યારે સામે પક્ષે, મારા એ મિત્ર ટ્વીટર પર ફોલોઅર્સ કેમ વધારવા એ સમજવામાં જે સમય વ્યતિત કરે તે સમયમાં બીજું ઘણું કરી શક્યા હોત.ખેર, અમારી લાંબી પહોળી ચર્ચા બાદ પણ અમે એવા કોઇ જ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યા જેમાં તેમની અપેક્ષા મુજબનાં પરિણામ સિદ્ધ કરવા માટે આ વ્યૂહરચના કોઇ પણ હિસાબે બધબેસતી હોય.

આ એક એવો દાખલો છે, જેમાં તેઓ ધારેલું પરિણામ મેળવ્યા બાદ પણ કંઇ ન મેળવી શક્યા હોત.

જો જો, હું એવું નથી કહેતો કે ટ્વીટર પર બહુ ઘણાં ફોલોઅર્સ મેળવવાંનો કોઇ અર્થ નથી !પણ સવાલ એ છે કે "જે કંઇ આપણે સિદ્ધ કરવા માગીએ છીએ તેને માટે એટલી કિંમત ચૂકવવી જરૂરી છે ખરી ?" અથવા, 'ટ્વીટર પર એટલાં ફોલોઅર્સ મેળવવા માટે કોઇ બીજો માર્ગ છે કરો?' [કદાચ, કદાચ જ હોં, આપણું દિલ જે ચાહે છે તેને પૂરી લગનથી કરવાથી એટલાં ફોલોઅર્સ આપોઆપ જ મળી રહે !]

બીજા શબ્દોમાં કહીએ, તો આપણને કોઇની અમુક બાબત બહુ જ પસંદ પડી શકે, પણ તેનો અર્થ એ નથી કે એ જે કંઇ કરે તે બધું જ આપણે કરવું જ. તેઓ જે કંઇ કરે છે તે શામાટે કરે છે તે વિષે આપણી પાસે બધી જ માહિતી હોય તેમ જરૂરી નથી. આ તો કોઇ કોયડાની વિખરાયેલ પડેલ કડીઓ જેવી વાત છે. આપણને તો છૂટી છવાયી કડીઓ જ દેખાતી હોય, આખો કોયડો કેમ ઉકેલાશે તે તો માત્ર તેમને જ ખબર હોય. એ લોકો તો સ્માર્ટ છે, તેમને ખબર છે કે તેમને શું ઉપયોગી છે. તેમની પાસેથી શીખવામાં વાંધો નહીં, પણ બધું જ અનુકરણ કરતાં પહેલાં આપણાં અપેક્ષિત પરિણામો અને તેન સિદ્ધ કરવા માટે જરૂરી વ્યૂહરચના સાથે એ સુસંગત છે કે નહીં તે તો સમજી જ લેવું જોઇએ.

બંધ બેસતું ન હોય તેવું તુલનાત્મક માપદંડ લાંબે ગાળે બહુ નુકસાન કરી શકે છે. બહુ વધારે રોકાણ કરવાનું નક્કી કરી બેસતાં પહેલાં એ જોડાણનો હિસાબ માડી લેવાની જવાબદારી માત્ર આપણી પોતાની જ છે.

Photo Courtesy: communitiesuk on Flickr

#214 – આભાર ગણત્રીના જાદૂનું સામંજસ્ય ખોળી કાઢીએ
| ડીસેમ્બર ૨, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image008
મહિનાના અંતે કરવા માટેની આ એક બહુ જ સરસ કસોટી છે.

કસોટી

મહિનાની પહેલી અને છેલ્લી તારીખ વચ્ચેની કોઇ પણ એક તારીખ પસંદ કરો. હવે તમારાં ઇ-મેલનાં ઇનબોક્ષમાં એ તારીખ પર જાઓ.

સહુથી પહેલાં Sent Items ખોલીને દરેક ઇ-મેલ પર એક સરસરી નજર નાખી જાઓ. જે જે ઇ-મેલમાં તમને દિલથી કહેલ "આભાર" નજરે ચડે, તેના માટે તમારી "કહેવાયેલા આભાર ગણત્રી'માં એ દિવસ એક એક સંખ્યા ઉમેરતાં જાઓ.

તે પછી એ દિવસનાં ઇનબોક્ષમાં પણ તે જ રીતે, દિલથી માનેલા આભાર ખોળી કાઢો. આ વખતે તેને 'આવેલા આભારની ગણત્રી'માં ઉમેરતાં જાઓ.

હવે તમને યોગ્ય લાગે તે મુજબની એક "આભારની નિર્ધારીત ગણતત્રી'ની સંખ્યા નક્કી કરો. આજની આ કસોટી માટે ધારો કે આપણે ૭(મી) તારીખ પસંદ કરી હતી.

વિશ્લેષણ

"કહેવાયેલા આભાર ગણત્રી" પર નજર કરો. જો કહેલા આભાર ની સંખ્યા સંખ્યા કરતાં "આભારની નિર્ધારીત ગણતત્રી'ની સંખ્યા ઓછી હોય, તો તેનાં કારણો તો ઘણાં હોઈ શકે, પણ બે કારણ ખાસ યાદ રાખવા જેવાં છે :

૧. આપણી આસપાસ આભાર માનવા યોગ્ય વ્યક્તિઓ ઓછી છે. બહુ ઇચ્છનીય સ્થિતિ તો ન કહેવાય !

                                 કે પછી

૨. લોકોને આપણે ખરાં દિલથી આભાર માનવામાં કંજૂસાઇ કરીએ છીએ કે ચૂકીએ છીએ. આ પરિસ્થિતિ પણ ઇચ્છનીય તો ન જ કહેવાય.

બંને કિસ્સામાં આપણે બદલવાની જરૂર તો છે જ.

હવે નજર કરો 'આવેલા આભારની ગણત્રી' પર. જો અહીંયાં પણ સંખ્યા "આભારની નિર્ધારીત ગણતત્રી'ની સંખ્યા ઓછી હોય ઘણી શક્યતાઓમાંથી એક શક્યતા ખાસ યાદ રાખવી જોઇએ:

લોકો આપણો દિલથી આભાર માને તેવાં કામ આપણે ઓછાં કરતાં હશું. પરિસ્થિતિ તો આ પણ ઇચ્છનીય નથી.

અહીં પણ કંઇક બદલવું જોઇશે.

ખેર, કોઇ ચોક્કસ પદ્ધતિ મહત્ત્વની નથી. આપણે તો સરળ રીત શોધી કાઢવાની છે. રીત નહીં પણ વિચાર મહત્ત્વનો છે.

મોટા ભાગનાં લોકો આભાર માનવામાં ઊણાં પડતા હોય છે. હશે, કદાચ તેઓ પોતાની બાબતોમાં વધારે પડતાં વ્યસ્ત હશે. પરંતુ, એટલે આપણે પણ બીજાં જેવું જ થવાનું ? જ્યારે જ્યારે કોઇએ આપણને મદદ કરી હોય, ત્યારે તેમનો આભાર માનવા માટેનો સમય તો કાઢવો જ જોઇએ. તેમનો દિવસ સુધરી જશે. શક્ય છે કે ભવિષ્યમાં તેઓ વધારે સારી રીતે મદદ કરવા પણ પ્રેરાય !

એ જ રીતે જે જે લોકો મહત્ત્વનાં યોગદાન કરી શકે છે, તેઓ તે પ્રમાણમાં ખરેખર યોગદાન કરતાં નથી. કારણ એ જ - વ્યસ્તતા ! અહીં પણ આપણે લોકોને ચીલે જ ચાલવાની કોઇ જરૂર નથી. જો મદદ કરીએ તો જ શકય તેટલી મહત્તમ મદદ કરવાની (નવી[! ?]) કેડી પાડીએ.

Photo Couresty: the little list on Flickr

#215 – સફરના માર્ગમાં ક્યારે પણ કામ એવા બિલ્ડીંગ બ્લૉક ઘડતાં રહીએ
| ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ
clip_image010
લેગોના બ્લૉક્સ યાદ આવે છે ! લગભગ દરેક વ્યક્તિએ લેગોના, કે એના જેવા બીજા કોઇ પણ, બ્લૉક્સથી નાનપણમાં કંઇને કંઈ રમત તો રમી તો હશે જ.

લેગોના બ્લૉક્સનાં કોઇ પણ ખોખાંમાંના સોએક બ્લૉક વડે કેટલીય રસપ્રદ રચનાઓ ઘડી શકાય છે. જેટલી આપણી સૂઝ વધારે, એટલી વધારે રસપ્રદ રચનાઓ બને.

બીલ્ડીંગ બ્લૉક એ રચનાનાં ઘડતરની સંભાવનોનું એક મહત્ત્વનું ઘટક છે.

આ શક્યતાઓ અંતવિહિન બની શકે છે.

શરત માત્ર એટલી કે જ્યારે જોઇએ ત્યારે લેગો બ્લૉક હાથવેંત હોવા જોઇએ.

આપણાં જીવનનું પણ કંઇક એવું જ છે - જાણ્યે અજાણ્યે આપણે પણ કોઇને કોઇ પ્રકારના બિલ્ડીંગ બ્લૉક આપણાં જીવનમાં ઘડતાં જ રહેતાં હોઇએ છીએ. જો કે એ બધા યોગ્ય પ્રકારના હોય તેમ જરૂરી નથી. આપણે જ્યારે આ બાબતે સભાન હોઇએ છીએ, અને યોગ્ય પ્રકારના જ બિલ્ડીંગ બ્લૉક જ બનાવતાં રહીએ, તો ભવિષ્યને અનંત શક્યતાઓનાં જાદૂ હાથવેંત બની રહે છે.

તેમનાં, બહુ જ જાણીતાં, ૨૦૦૫ની સ્ટૅનફોર્ડનાં વ્યકત્વ્યમાં કંઇક આવી જ વાત કરે છે. તેમનાં એ વ્યક્તવ્યમાં બિંદુઓને જોડતા જવાના વિષય પર જે વાત હતી તેને બહુ જ ટૂંકમાં જોઇએ :

એ સમયે દેશમાં સુલેખનકળા વિષે સહુથી સારૂં રીડ કૉલેજમાં ભણાવાતું હતું.આખા કેમ્પસમાં કોઇ પણ પૉસ્ટર કે કોઇ પણ ખાનાં પરનાં લેબલ બહુ જ મરોડદાર હસ્તલેખનથી જ સુશોભિત કરાયેલાં જોવાં મળતાં. મેં તો કૉલેજ છોડી દીધી હતી, એટલે મારે નિયમિતપણે વર્ગો ભરવાના થતા ન હતા, તેથી મેં સુલેખનકળાના વર્ગ ભરવાનું નક્કી કર્યું. હું ત્યાં સૅરીફ અને સૅન સૅરીફ પ્રકારની અક્ષરાકૃતિ અને જુદા જુદા શબ્દસમૂહો વચ્ચે રખાતી જગ્યા અક્ષરાકૃતિ સુંદર બનાવવામાં શું ભૂમિકા ભજવે છે એવી બધી બાબતો વિષે શીખ્યો. બહુ જ રસપ્રદ, ઐતિહાસિક અને કળાની દૃષ્ટિએ સુક્ષ્મ કહી શકાય એ રીત હતી, જે વિજ્ઞાન કદાચ કદી ગ્રહી ન શકે. મને તેમાં બહુ જ મજ પડી.

આમાંનું કંઇ મારાં જીવનમાં વપરાશે એવી કોઇ આશા તો શેની જ હોય ! પણ દસ વર્ષ પછી, જ્યારે અમે શરૂઆતનાં મૅકીન્તોશ કમ્પ્યુટર ડીઝાઈન કરી રહ્યાં હતાં, ત્યારે મને એ બધું આંખ સામે તરવા લાગ્યું. અમે મૅકમાં એનો ભરપૂર ઉપયોગ કર્યો, જેને પરિણામે એ બહુ જ સુંદર ટાઇપોગ્રાફીવાળું કમ્પ્યુટર બની રહ્યું. મારા કૉલેજકાળમાં એ એક વિષય ભણ્યો ન હોત, તો કદાચ મૅકમાં વિવિધ અક્ષરાકૃતિ અને સપ્રમાણ માપનાં ફૉન્ટ્સનો ઉપયોગ થયો જ ન હોત. વળી વિન્ડૉઝ્માં પણ મૅકની નકલ કરાઇ હતી એટલે કોઇ પણ કમ્પ્યુટરમાં એનો ઉપયોગ ન થયો હોત. મેં જો નિયમિત વર્ગો છોડી ન દીધા હોત, અને સુલેખનના વર્ગો ન ભર્યા હોત, તો કમ્પ્યુટરમાં પણ સુલેખનક્ષમતા આવરી ન લેવાઇ હોત. ભવિષ્યની દષ્ટિએ કૉલેજકાળનાં આ બિંદુઓને કદાચ સાંકળી શકાયાં ન હોત, પણ જ્યારે આજે પાછળ વળીને જોતાં, એ બધું સ્પષ્ટ દેખાય છે.

બીજા શબ્દોમાં, ભવિષ્યની દૃષ્ટિએ બિંદુઓને ભલે જોડવાનું શક્ય ન દેખાતું હોય છે, પણ પાછળ નજર કરતાં તે શક્ય બની રહે છે. એટલે બિંદુઓ ભવિષ્યમાં સારી રીતે જોડાશે જ એવી શ્રદ્ધા રાખવી જોઇએ. આપણે આપણી કોઠાસૂઝ, નિયતિ, જીવન, કર્મ જેવી બાબતમાં શ્રદ્ધા રાખવી જોઇએ. આ અભિગમે મને કદી નિરાશ નથી કર્યો, મારાં જીવનમાં હંમેશાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

જો આપણી પાસે યોગ્ય બિલ્ડીંગ બ્લોક્સ હશે તો ભવિષ્યમાં બિંદુઓ જોડવાની ક્ષમતા બની રહેશે.

યુવાનીમાં કોઇ રચના કરવા બાબતે કદાચ કોઇ આપણા પર ભરોસો ન કરે, પણ તેને કારણે આપણે બિલ્ડીંગ બ્લૉક્સ બનાવતા રહેવામાં તો કોઇ આપણને ક્યાં રોકે છે ?

આવો એક મહત્ત્વનો બિલ્ડીંગ બ્લૉક છે સંબંધો.

જે અહેસાન અરસપરસનાં આદાન-પ્રદાનમાં પરિણમે છે એ પણ બહુ મહત્ત્વનાં બિલ્ડીંગ બ્લૉક છે.

કંઇક ખરેખર કામની વાત કરતી બ્લૉગ પોસ્ટ પણ એ જ રીતે એક મહત્ત્વનો બિલ્ડીંગ બ્લૉક છે.

શ્રોતાઓને જકડી રાખતું પ્રેઝન્ટેશન પણ મહત્ત્વનો બિલ્ડીંગ બ્લૉક છે.

કોઇની વર્તમાન કે ભાવિ ક્ષમતામાં અર્થપૂર્ણ વધારો કરી શકે તેને પણ મહત્ત્વના બિલ્ડીંગ બ્લૉક કહી શકાય.

યોગ્ય બિલ્ડીંગ બ્લૉક ઘડવામાં રેડેલ પ્રયત્નો એ ભાવિ ક્ષમતમાં રોકાણ છે. એટલે આપણા ભાથામાં જેટલા બિલ્ડીંગ બ્લૉક વધારે, તેટલી આપણી સ્પર્ધાત્મકતા સોળે કળાએ ખીલી ઉઠવાની શક્યતાઓ વધારે.

Photo Courtesy: Oce_Technologies

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ પાંચમો - ગુચ્છ ૩ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૧૭, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો