બુધવાર, 24 ડિસેમ્બર, 2014

આયુધધારી દેવતાઓ - દેવદત્ત પટ્ટનાઈક

clip_image003સદીઓથી, હિંદુઓ હાથમાં આયુધો ધારણ કરેલા દેવી દેવતાઓને પૂજતાં રહ્યાં છે. શિવના હાથમાં ત્રિશૂળ, કાલીકાના હાથમાં દાતરડું, વિષ્ણુના હાથમાં ગદા,રામના હાથમાં ધનુષ્ય, કૃષ્ણના હાથમાં ચક્ર કે પરશુરામના હાથમાં કુહાડી.. યાદી લાંબી છે. દુર્ગાપૂજાના મંડપોમાં દેવી મનુષ્યને ભાલાથી વીંધી નાખતાં હોય તેવી મૂર્તિઓ જોવા મળશે.

જે લોકો શાબ્દિક અર્થ પકડે છે તેઓને મન તો સવાલ થાય છે કે શું ભગવાન હિંસાને અનુમોદન આપે છે ? જવાબ છે : ના, તેઓ તો માત્ર દુષ્ટ લોકોનો જ વધ કરે છે.પણ દુષ્ટ લોકોને મારી નાખવાં એ હિંસા ન કહેવાય ? જવાબમાં જાણવા મળે છે 'મારી' નાખવું એ રૂપક માત્ર છે. એટલે શું મહાભારતનાં યુદ્ધમાં કે રામાયણનાં યુદ્ધમાં જે મહા માનવ સંહારની વાતો છે તે માત્ર પ્રતિકાત્મક જ છે ?.... હવે જો આવા અઘરા સવાલો જ પૂછતાં રહીશું તો આપણી સામે કરડી નજરનો પ્રત્યુત્તર આવશે, અને આપણે શાંત પડી જવું પડશે.

હકીકત તો એ છે કે અહિંસાના ગુણ ગાનારાં લોકોને ખરેખર તો હિંસા શું છે તે જ ખબર નથી. મોટા ભાગે લોકો તો જાહેરમાં જે યોગ્ય કહેવાય તેવાં પોપટીયાં કથન દોહ રાવતાં ફરતાં હોય છે.

હિંસા એ કુદરતનું બહુ મહત્ત્વનું ઘટક છે, જેના વડે પ્રાણી જગત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ખોરાક માટે કરીને તેમના માટે હિંસા જરૂરી બની રહે છે - ઘેટાં બકરાંએ ટકી રહેવા જમીનમાંથી ઘાસ ખેંચી કાઢવું પડે અને સિંહ વાઘે એ ઘેટાંબકરા કે હરણનુંનું માંસ ખેંચી કાઢવું પડે. વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પાણી માટે ખેંચતાણ કરે છે, પશુઓ તેનાં સાથી સાથે પણ ઝઘડી પડે છે. શિકારી પોતાનાં પેટ માટે કરીને શિકાર કરે છે. કુદરતની વ્યવસ્થાને જાળવી રાખતી ખોરાકની સાંકળ અને અગ્રતા ક્રમ એ બંને હિંસા પર જ આધારિત છે. ખોરાકનાં વખાણ કરતા કેટલાય શ્લોકો વડે વેદ પણ આ સત્ય સ્વીકારતા જણાય છે.

શહેરનાં વાતાવરણમાં વસતાં લોકોને કુદરતની આ વરવી વાસ્તવિકતાથી રક્ષણ મળતું રહે છે. પ્રજનન પર નિયમન પ્રસ્થાપિત કરવા માટે બળદ કે ડૂક્કર કે કુતરાની ખસી કરી નખાતી તેમને જોવા નથી મળતી. પક્ષીઓ શી રીતે સાપને ખાઇ જાય છે અને સાપ ઉંદરને ખાઇ જાય છે તે તેમના ઉછેર દરમ્યાન તેમને જોવા નથી મળતું. એટલે તેમને ગણેશની કમર વીંટળાયેલ સાપ અને ગણેશનાં વાહન મૂષક વચ્ચેનો સંબંધ દેખાતો નથી. ખોરાકને લગતી હિંસા સભ્ય સમાજ બીજાંની માથે નાખી દે છે. આપણા માટે આ કામ ખેડૂતો,માછીમારો,પશુપાલકો કે કસાઇઓ કરી આપે છે. આપણે તો માત્ર તૈયાર માલ ખરીદી આવીએ છીએ. પણ પરોક્ષ હિંસા પણ એક રીતે જૂઓ તો હિંસા તો કહેવાય જ ને !

માનવી માટે માનસિક જગતની એક નવી દુનિયા ખૂલી જાય છે.આ દુનિયા વિષેની સમજ બહુ કાચી છે. આપણને શારીરીક હિંસા નથી જોવા મળતી, પણ માનસિક હિંસા આપણી આંખ સામે હોય તો પણ તે આપણને દેખાતી નથી. જો કે હમણાં હમણાંથી ન્યાયાલયોએ કુટુંબમાં માનસિક ત્રાસની નોંધ લેવા માંડી છે. લોકો પર અંકુશ કરવો આપણને ગમે છે,એટલે આ પણું ધાર્યું કરાવવા માટે આપણે તેમના પર નિયમો, પુરસ્કારો, દંડ જેવાં સાધનો અખત્યાર કરીએ છીએ. આ નિયમન પણ એક પ્રકારની હિંસા જ છે. પણ આપણે તેને હિંસા તરીકે વર્ગીકૃત કરતાં નથી, એટલે દબાયેલી આશાઓ કે કચડાયેલાં અરમાનો કે ઉતરડી કઢાયેલા અભિપ્રાયોની ચીખો અને લોહી અને ઉઝરડા આપણને દેખાતાં નથી !

ઘણી વાર અહિંસાના ભગત લોકો નિયમનનાં શોખીન હોય છે. તેઓ માનસિક ધાકધમકીથી કામ કઢાવી લેતાં હોય છે. આધુનિક ભાષામાં તેને પરોક્ષ આક્રમકતા કહેવાય છે. અહિંસાનો પ્રચાર ઘણી વાર આ માર્ગે જતો દેખાય છે. આ માનસિક હિંસા ચલાવી લેવાય છે; ઘણીવાર તો તેની, જાણ્યે અજાણ્યે, પ્રશંસા પણ થતી હોય છે. તેનો ઉપયોગ શારીરીક હિંસાના જેવા જ, દુનિયાને બદલી નાખવાના કે લોકોને કોઇ એક ચોક્કસ શિષ્ટાચાર ગળે ઉતારવાના હેતુથી કરાતો હોય છે. માનસિક વિશ્વમાં આધિપત્ય, પ્રાદેશિકવાદ, આક્રમકતા છે જે ઘણી વાર તો શારીરીક બળનાં વિશ્વનાં માપ વડે માપી શકાય તે કક્ષાનાં પણ હોય છે. આ માનસિક હિંસા હતાશા અને ક્રોધનાં બીજ વાવે છે, જે જતે દહાડે શારીરીક હિંસાનાં રૂપમાં ઊગી નીકળે છે.

આજનો આધુનિક સમાજ શારીરીક હિંસાને અસભ્ય ગણે છે, પણ માનસિક હિંસા વિષે તે ઘણું ચલાવી લે છે. દેવીદેવતાઓની નજરે આ બધું ચડે છે, પણ પોતાનાં ત્રિશુળો કે ખડગો કે તીરની સામે દૃષ્ટિ કરીને, તેને હસી કાઢતાં જણાય છે.
clip_image001 'મીડ ડે'માં ઑક્ટોબર ૦૬, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો