બુધવાર, 31 ડિસેમ્બર, 2014

મુશ્કેલ સમયમાં સાચી રીતે લંગર નાખવાના ૯ નુસ્ખા

- કૌશલ માંકડ
clip_image002


ભરતી આવે ત્યારે તો બધી હોડીઓ પાણીમાં ઊંચકાઇ જતી હોય છે. પણ જ્યારે ઓટ આવે ત્યારે જે હોડીઓ સાચી રીતે લાંગરવામાં ન આવી હોય તેમને બહુ નુક્સાન થઇ શકે છે. મુશ્કેલ સમયની ઓટમાં જો ભરાઇ ન પડવું હોય, તો લંગર નાખતી વખતે બરાબર ધ્યાન આપવું જોઇએ. પાણીના પ્રવાહમાં તણાઇ જતાં કે ખરાબે ચડી જતાં સાચી રીતે નંખાયેલું લંગર જ સલામતી બક્ષી શકે છે.

વ્યાપાર-ઉદ્યોગ કે વ્યવસાય વિશ્વમાં સંસ્થાના અગ્રણીમાટે અનુભવી અને ઠરેલ માર્ગદર્શકો પાસેથી મળતું માર્ગદર્શન આવાં જ સાચી રીતે નંખાયેલાં લંગરની ભૂમિકા ભજવે છે.

નાની મોટી સલાહો આપણને સૌને મળ્યા જ કરતી હોય છે. મોટા ભાગે આ પ્રકારની સલાહો 'વિના મૂલ્ય' પણ હોઇ શકે છે. સહુથી કામની તેમ જ ઉપયોગી સલાહ વણમાગી પણ હોઇ શકે છે. પણ તે પોતાની નિશાની તો છોડી જ જતી હોય છે. જ્યારે આપણે કોઇ વિવાદાસ્પદ વિષયનાં નીરાકરણ માટે વિચારમંથન બેઠકમાં ભાગ લઇ રહ્યાં હોઇએ કે લાંબા સમયથી ગુંચવાયેલા પ્રશ્ન અંગે વિચારણા કરી રહ્યાં હોઇએ, ત્યારે આપણાં મનના કોઇ ઊંડે ખૂણેથી એ સલાહ ડોકીયું પણ કરી લેતી હોય છે. સંચાલનમાં સફળતા મેળવતા રહેવા માટે આ બધી સલાહોમાંથી કઇ, ક્યારે અને શી રીતે ઉપયોગમાં લઇ અને ફાયદો કરી લેવો તે કળા અને કૌશલ્ય પર નિપુણતા મેળવવી રહી. અને હા, અહીં આપણે 'ફાયદો' એટલે નાણાંકીય કે ભૌતિક લાભની જ વાત નથી કરી રહ્યાં.

જ્યારે બધું જ બરાબર દોડી રહ્યું હોય, વિકાસનું એન્જીન પૂર ઝડપે દોડી રહ્યું હોય, ત્યારે આમાંની એક પણ સલાહ ન સાંભળીએ તો કદાચ ચાલી જશે, પણ જ્યારે કપરો સમય સામે દેખાતો હોય ત્યારે પણ ઘણી વાર આમાંની બહુ જ કામની સલાહ આપણને યાદ નથી આવતી. આજે જે ૯ નુસ્ખાની વાત કરીશું તે મુશ્કેલ સમયમાં કામ આવતો પટારો છે.

૧. સાતત્યપૂર્ણ કામગીરી પોરસીને લોકોને ખીલવા દો:

અગ્રણી દ્વારા થતા સતત સંવાદ અને સંયોજિત ધ્યાનલોકો ખીલી ઊઠે તેવું વાતાવરણ પેદા કરવામાં મહ્ત્વનો ફાળો આપે છે. સહકર્મચારીને નવું નવું શીખવાની અને તેમ કરીને વિકસવાની, અને જુસ્સો ટકી રહે તે પ્રકારની તકો મળતી રહે તો તેઓ જરૂરથી ખીલી ઉઠશે અને પોતાની સંસ્થાને પણ ખીલવી દેશે.

૨. સહુથી ઉચિત વ્યક્તિને કામ આપો - ઉત્કૃષ્ટતા જ માપદંડ રાખો :

સફળ અગ્રણી માત્ર સફળ વ્યૂહરચના ઘડનારી કે યોજનાઓનો અસરકારક અમલ કરનાર ટીમ જ સંગઠિત નથી કરતાં, પણ તે સાથે સંસ્થાનાં દીર્ઘ દર્શનને પણ ખરા અર્થમાં મૂર્ત કરે તેવાં લોકોને પણ આકર્ષે છે.

૩. તમારો અંતરાત્મા તમારો સાચો સાથી છે :

મુશ્કેલ સમયમાં, આપણાં મૂલ્યોથી ઘડાયેલ આપણો અંતરાત્મા તે સમયે ઉચિત નિર્ણય લેવામાં આપણો રાહદર્શક બની રહે છે. ગમે તેટલા આંકડાઓ કે વિશ્લેષણો કે કંપનીના અનુભવો કંઇ પણ ભલે કહેતા હોય, તમારા અંતરાત્માના અવાજને ચોક્કસ સાંભળજો. તમારા અંતરાત્મા અને તમારી આત્મસૂઝ પર ભરોસો કરજો. જો તેને ખરી વિચારસ્રણીથી પોષ્યો હશે, તો તમારો અંતરાત્મા જરૂર તમારા માટે દીવાદાંડી બની રહેશે.

૪. હંમેશા ધોરી માર્ગ જ પકડો :
મંઝિલ સુધી પહોંચવા માટે જ્યાં સુધી મુખ્ય ધોરી માર્ગ ખુલ્લો હોય ત્યાં સુધી આસપાસની શેરીઓ ન પકડવી.

૫. જોખમોનું વ્યવસ્થાપન સમજદારીપૂર્વક કરવું :

જોખમ વ્યવસ્થાપન આમ જૂઓ તો બહુ જ શિસ્તબધ્ધ અભિગમ અને ટકી રહેવાની કે સફળ થવાની શક્યતાઓ સુધારવા માટેની જહેમત જ છે. જેમ સમય વધારે કપરો એમ શિસ્ત અને જહેમત વધારે સઘન જોઇએ. યુદ્ધના સમયમાં અગ્રણીએ દરેક પગલું માપી માપીને લેવું જોઇએ. હા, જ્યારે બધું સમું સુતરૂં ચલી રહ્યું હોય, ત્યારે છલાંગો મારી શકાય.

૬. તમારા સહુથી આકરા વિવેચકને તમારાથી દૂર ન થવા દેશો :

કહે છે કે ને કે કડવી દવાજ દર્દ ભગાડી શકે છે. આલોચના માટે કાન ખુલ્લા રાખવાથી દરેક પ્રકારની શકયતાઓ અને સંભાવનાઓ નજર સામે રહી શકે છે, જેથી કરીને નિર્ણય લેતી વખતે એક પણ વાત ધ્યાન બહાર ન જાય.

૭. નવી રમતના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિઓ અજમાવતાં રહો :

‘જૈસે થે'ને સ્વીકારી ન લો અને પરિવર્તનના પવનની સામે પારોઠનાં પગલાં ન ભરો. નબળા સંકેતો પર ધ્યાન કેન્દ્રીત કરીને તેમાંથી પણ નવી સંભાવનાઓ ખોળતાં રહો. આ સંકેતોને વધારે શક્તિશાળી બનાવો અને તેમાંથી નીપજતી વ્યાવસાયિક સંભાવનાઓને દરેક નવા સંદર્ભે ફરી ફરીને ખોળી કાઢી શકવાની શક્તિ ખીલવીને પરિસ્થિતિઓનો મહત્તમ લાભ લઇ શકાય તેવું વાતાવરણ ખડું કરો. 'નવા નિયમો અને નવા ખેલ' જ 'હવે પછીની કાર્યપ્ધ્ધતિ' છે.

૮. મનમાં જરા પણ સંદેહ કે ભય રાખ્યા વિના દરેક બાબતને બધી બાજૂએથી તપાસો:

સામે જે માર્ગ દેખાતો હોય તેના પર ચા્લતા થવું એ તો સહેલો ને સટ ઉપાય છે. પણ દરેક શકયાતાઓ ને દરેક દૃષ્ટિએ ચકાસી જવાથી ઘણી નવી સંભાવનાઓના માર્ગ પણ ખૂલી જઇ શકે છે. એ સમયે મનમાં ઊઠતા સવાલોને સંદેહ કે ભયથી મુર્ઝાવા ન દેશો. શકય છે કે આપણે કદી કલ્પના પણ ન કરી હોય તેવો કોઇ જવાબ પણ મળી આવે !

૯. નવા નવા આઇડીયાને અજમાવતા રહો - મુશ્કેલ જણાય એવા નિર્ણયો લેવામાં પાછીપાની ન કરો, અને પડકારોને તકમાં ફેરવવા કટિબદ્ધ રહો :

નવા આઇડીયાની અજમાયશ કરવામાં કે મુશ્કેલ જણાતા નિર્ણયો લેવામાં ઢીલ ન કરશો, કારણ કે પાઘડીની બહાર, નવી જ રીતે, વિચારવાનું કૌશલ્ય જ ઉત્કૃષ્ટ પરિણામો લાવવા માટેના માર્ગ ખૂલા કરી આપી શકે છે. વણખેડાયેલો માર્ગ ઘણી વાર અદ્‍ભૂત અને સર્વોત્તમ સફળતા આપણા કદમોમાં લાવી મૂકી શકે છે. હા, દરેક સિક્કાની જેમ બીજી બાજૂ પણ હોય છે તેમ દરેક પરિસ્થિતિને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ પણ હોય છે તે વાત પણ ભૂલાય નહીં. આમ કરવાથી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવાશે.

મૂળ  લેખ 9 Tips for Setting The Anchor Rightly To Ensure Safety In Troubled Times નો અનુવાદ



વેબ ગુર્જરી પર ૨૨ ઑગસ્ટ, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો