બુધવાર, 24 જૂન, 2015

જૂદા જ પ્રકારની દેવી - દેવદત્ત પટ્ટનાઈક


નારીવાદ, પિતૃતંત્ર, ધર્મ અને પૌરાણિક કથાઓ કે ભગવાન /દેવ કે દેવીઓ જેવા જે શબ્દો આપણે વાપરીએ છીએ તે પશ્ચિમની યુનિવર્સિટીઓની નીપજ છે તે કાયમ યાદ રાખવું જોઇએ. તેના અર્થ પણ મહદ્‍ અંશે પાશ્ચાત્ય સંદર્ભમાં જ પ્રસ્તુત થતા રહે છે. તે હંમેશાં સાર્વત્રિક નથી હોતા.

જેમ કે પશ્ચિમમાં દેવીપૂજાને સક્રિયપણે દબાવી દેવામાં આવી હતી : તંદુરસ્તી, લગ્ન અને ડહાપણની દેવી આઈસિસ, પ્રજનન, પ્રેમ, યુધ્ધ અને કામની દેવી ઈશ્તર કે સીબૅલૅ જેવી દેવીઓ અને અન્ય દેવીદેવતાઓનાં નામોનિશાન મીટાવીને માત્ર પુરુષ સ્વરૂપ ઈશ્વર માટે સ્થાન બનાવી દેવાયું.મેસોપિટીયાનાં ઐતિહાસિક મહાકાવ્ય ઍન્યુમા ઍલિશમાં આદિકાળની અવ્યવસ્થાનાં સ્ત્રી-પ્રતિક સમી ટિયામતના પુરુષ નાયક મર્દુકના હાથે પરાજય દ્વારા આ વાતને સ્પષ્ટ સ્વીકૃતિ મળતી જણાય છે. ઝૅવ્સ વડે કુમારિકાઓ સાથેના દુર્વ્યવહારને ગ્રીક પૌરાણિક કથાઓ પુરુષ-દેવતાની અનેક માતા-સ્વરૂપ સ્ત્રી-દેવીઓમાટેની આસ્થા પરના વિજયનાં પ્રતિક તરીકે પણ સમજી શકાય.ઘણા યહૂદી વિદ્વાનો ઈશ્વરની કૃપાની શકીના તરીકે સ્ત્રી ભાવનાથી ચર્ચા કરે છે, પણ તેને દેવીની કક્ષા ક્યારે પણ મળી ન શકી.મેરીની પૂજા વડે ખ્રિસ્તી ધર્મમાં દેવી પૂજાને આવરી લેવાનો પ્રયાસ જરૂર થયો પણ ચર્ચ અને પોપસાથે જોડાયેલ દરેક બાબતોની અસ્વિકૃતિની સાથે પ્રોટેસ્ટંટોએ તેને પણ નકારી દીધી.

આ પ્રકારનાં દમન ભારતમાં ક્યારે પણ નહોતાં થયાં. અહીં દેવી હંમેશાં શક્તિશાળી રહી છે. તેમના સિવાય દેવનાં અસ્તિત્વની કોઇ કિંમત જ નથી ગણાતી, તે એટલી હદે કે શિવ કે વિષ્ણુ જેવા ભગવાન પણ એકલા નથી રજૂ થતા.

જો કે કોઇ એમ દલીલ જરૂર કરી શકે જે દેશમાં દેવીની આટલી પૂજા થતી હોય તે દેશમાં નારીનું સ્થાન આટલું બધું નીચું કેમ હોઈ શકે. દેવીની પુજાની સાથે નારીનાં સ્થાનને સરખાવવાનો આ પ્રયાસ એમ માની લે છે કે પુરાણોમાં દેવી નારીત્વનું પ્રતિનિધિત્વ કરે છે. પશ્ચિમમાં આમ જરૂર થયું છે, જ્યાં પ્રતિકાત્મકતા કરતાં શાબ્દીકતાને વધારે મહત્ત્વ મળેલ છે : એટલે જ ઈવ અને પેન્ડોરાની કથાઓ નારીનાં દમનને સમજાવવામાટે અને ઉચિત ઠેરવવા માટે વપરાયેલ છે. પરંતુ હિંદુ પૌરાણિક કથાઓ તો પ્રતિકાત્મકતાને જ પ્રાધાન્ય આપતી રહી છે: આમ જેનાથી સાધુઓ ભય પામે છે તે પુરાણોની કુમારિકા, એક સ્ત્રીનું ભૌતિક નહીં પણ દુન્યવી મોજમજાનું પ્રતિક છે. સ્વરૂપ (સ્ત્રી)ને વિચાર (વિષયવસ્તુ) સાથે ભેળસેળ કરી નાખવાનું તો બહુ સામાન્ય બાબત છે.

આજે ધાર્મિક કે બિનસાંપ્રદાયિક શક્તિઓ ‘ઈશ્વર'નો પ્રયોગ પાશ્ચાત્ય પરંપરાઓના સંદર્ભમાં જ કરે છે. તેમાં પણ યહૂદી - ખ્રિસ્તી કે ઈસ્લામિક પરંપરામાં તો સિસ્ટિન દેવળમાં છે તેમ તેને પ્રમુખપણે નર સ્વરૂપમાં જ કલ્પવામાં આવે છે.

બૌધ્ધ ધર્મ પહેલાંના સમયમાં તો હિંદુઓ માટે ઈશ્વર એ એક અમૂર્ત પરિકલ્પના હતી, જેને બુધ્ધ પશ્વાત સમયમાં નક્કર સ્વરૂપ અપાયું. બુધ્ધને તો ઈશ્વરના વિચારમાં ખાસ રસ નહોતો. તેમનું તો માનવું હતું કે જ્યારે 'કોઇ ઘવાય, ત્યારે શિકારી કરતાં ચિકિત્સકની શોધ પર વધારે ધ્યાન આપવું જોઈએ'. પણ સામાન્ય લોકોને તો ઈશ્વરની માન્યતામાં વધારે રસ પડતો હતો. હિંદુ ધર્મમાં ઈશ્વરની માન્યતાને દેવી સિવાય સમજાવવી શકય નથી. હિંદુ માન્યતા મુજબ દેવ એ મનની અંદર રહેલ દેવત્વ છે, જ્યારે દેવી એ મનની બહારનાં વિશ્વમાં સમાયેલ દેવત્વ છે.

જ્યારે મન એકાંતવાસી સંન્યાસી શિવની માફક વર્તે છે ત્યારે તે બધાં જ દુન્યવી આકર્ષણોને ફેંકી દે છે; તે સમયે કાલિ અને ગૌરીની માફક તેમની આસપાસની દુનિયા તેમનું ધ્યાન ખેંચવા ફરતી રહે છે. જ્યારે મન ગૃહસ્થ, વિષ્ણુની માફક વર્તે છે ત્યારે લક્ષ્મી,સીતા, રાધા, રૂકમણિ કે સત્યભામાની માફક તેમની આસપાસની દુનિયા ખુશી અને જવાબદારીના બેવડા સ્ત્રોત બની રહે છે. જો કે મોટા ભાગે મન બ્રહ્માની જેમ, આસપાસની દુનિયા પર અંકુશ અને આધિપત્ય મેળવવાની રીતે વર્તતું હોય છે. એ સમયે દેવી, જેને કબ્જે નથી કરી શકાતી એવી કુમારિકા, શતરૂપા,નું સ્વરૂપ લઇ લે છે. બ્રહ્મા તેને પકડવા મથે છે પણ સફળ નથી થતા. આવા અસફળ પ્રયત્નોમાંથી અટકીને તે જ્યારે ધ્યાનથી જૂએ છે ત્યારે શતરૂપા, જ્ઞાનનાં દેવી, સરસ્વતીમાં રૂપાંતર થઇ જઇ બ્રહ્માનું શિવ કે વિષ્ણુમાં રૂપાંતરણ શકય બનાવે છે.


  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુન ૨૪, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો