બુધવાર, 1 જુલાઈ, 2015

ગુણવત્તા-સંસ્કૃતિ - ૧૨ || સંચાલનતંત્રનું મધ્ય સ્તર સંસ્થાના લાંબા ગાળાના ઉદ્દેશ્યો અને ટૂંકાગાળાની સુધારણા પ્રવૃત્તિઓને જોડતી કડી છે.

# ૧૨ # સંચાલનતંત્રનું મધ્ય સ્તર સંસ્થાના લાંબા ગાળાના ઉદ્દેશ્યો અને ટૂંકાગાળાની સુધારણા પ્રવૃત્તિઓને જોડતી કડી છે.
- તન્મય વોરા
કંપનીના નિયામકમંડળ કક્ષમાં ઘડાતી વૃદ્ધિ અને સુધારણાની વ્યૂહરચનાઓનો અમલ સંચાલન તંત્રના દરેકે દરેક સ્તરેથી થતો હોય છે. ઉચ્ચ સંચાલન મંડળના બૃહદ ઉદ્દેશ્યો અને દીર્ઘદૃષ્ટિ-કથનને સ્થળ પરની પહેલી હરોળની ટીમ માટે અમલ કરી શકાય તેવી પ્રવૃત્તિઓમાં રૂપાંતરિત કરવાનું કામ મધ્યસ્તરના સંચાલનતંત્રનું છે. કંપનીના બૃહદ ઉદ્દેશ્યો અને મૂલ્યો અનુસાર કામ કરવા માટે લોકોને તૈયાર કરવામાં મધ્ય સ્તરનું સંચાલનતંત્ર મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

'ગુણવત્તા સુધારણા' પરનાં મોટા ભાગનાં સાહિત્યમાં "ઉચ્ચ કક્ષાએથી પ્રતિબદ્ધતા' બાબતે ખાસ ભાર મુકાતો જોવા મળતો રહે છે, પણ આ તો પહેલું જ પગલું છે. મારી દૃષ્ટિએ "મધ્ય કક્ષાની પ્રતિબદ્ધતા' પણ તેટલું જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ઉચ્ચ કક્ષા અને પહેલી હરોળને સાંકળતી તે બહુ જ મહત્ત્વની કડી છે.

વરિષ્ઠ સંચાલકોએ મધ્ય સ્તરનાં સંચાલકોને સંવારવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે સંસ્થાના વિકાસની ગતિને વેગ આપવામાં આ ગ્રૂપ બહુ મહત્ત્વનું યોગદાન આપી શકે છે. સંસ્થાની સંસ્કૃતિનાં મૂળ અહીં પકડ લેવાનું શરૂ કરે છે, જેના કારણે પહેલી હરોળમાં કામ કરતાં લોકોનાં સૂર અને વર્તન ઘડાય છે. જેટલું સબળ અને સક્ષમ મધ્ય સ્તરનું સંચાલન એટલી સંસ્થા સબળ અને સક્ષમ.

મધ્ય સ્તરનાં સંચાલન મંડળની ગુણવત્તા સંચાલનમાં ભૂમિકા, ખાસ તો આ સ્વરૂપે જોવા મળી શકે છે:
  • બધી જ પ્રવૃત્તિઓ, કામ અને વર્તન બૃહદ દીર્ધદૃષ્ટિ અને ઉદ્દેશ્યો સાથે સંકળાયેલાં રહે તે સુનિશ્ચિત કરવું.
  • યોગ્ય ઉદાહરણોની મદદથી ગ્રાહકોન્મુખ સંસ્કૃતિનું ઘડતર કરવું.
  • ગ્રાહકની જરૂરિયાતો તરફ જ દૃષ્ટિ રાખવી, અને તેનાથી જ દોરવાવું; જેથી ગ્રાહકોન્મુખ સંસ્કૃતિમય વાતાવરણ બન્યું રહે.
  • લોકોનું સંચાલન માત્ર કરીને બેસી ન રહેવું ,પણ તેમને ખરા અર્થમાં નેતૃત્વ પૂરું પાડવું.
  • ઉચિત નિર્ણયપ્રક્રિયાને સુગમ કરી આપતી વ્યાપારી કુશાગ્રતા કેળવવી.
  • સંસ્કૃતિના ઘડતરની જવાબદેહી સ્વીકારવી, હંમેશાં ઉપર તરફ દિશાનિર્દેશ માટે જોતા ન રહેવું.
  • લોકોમાં ગુણવત્તા વિષે જોશ બનાવ્યે રાખવું.
  • પ્રક્રિયા સુધારણાના દરેક તબક્કામાં દરેક સ્તરનાં લોકોને સાથે રાખવાં.
  • દરેક સ્તરે યથોચિત માહિતીનો પ્રવાહ વહેતો રાખવો.
  • કર્મચારીઓના વર્તનને ટીમના ગુણવત્તા પૂરી પાડવાના પ્રયાસો પર કેન્દ્રિત રાખવું.
વરિષ્ઠ સંચાલકોએ પ્રક્રિયાસુધારણાની જવાબદારી કોઈ એક ગ્રૂપ કે વ્યક્તિને વિધિપુરઃસર સોંપવી જોઈએ. ગુણવત્તા એ દરેકનું કામ છે તે ભાવના તરીકે સાવ ખરું, પણ ગુણવત્તાસુધારણા જો બધાંનું કામ હોય, તો સરવાળે એ કોઈનું કામ નથી બની રહેતું.

લોકો પોતાનાં અગ્રણીઓને આદર્શ તરીકે જુએ છે અને એમ માને પણ છે કે તેઓ જે કંઈ કરે છે તે અપેક્ષિત નીતિઓ અને મૂલ્યોને સુસંગત જ છે. એટલે વરિષ્ઠ સંચાલન મંડળ તેમનાં વાણી અને વર્તન વડે અનુકરણીય ઉદાહરણો પૂરાં પાડે છે. પરંતુ મધ્ય સ્તરનાં સંચાલન મંડળ દ્વારા તે કામ કરતી પહેલી હરોળ તરફ પરાવર્તિત થાય છે. આમ સંસ્થાની સંસ્કૃતિનું વાતાવરણ મધ્ય સ્તરનાં સચાલનગણ દ્વારા આકાર પામે છે. જો સંસ્થાની રગ માપવી હોય, તો ત્યાંના મધ્ય સ્તરનાં સંચાલકનાં પ્રત્યાયન અને સંવાદનાં વસ્તુને નિહાળજો. સકારાત્મક પ્રત્યાયન અને પ્રેરણા કર્મચારીઓને સંસ્થાનાં મિશનની સિદ્ધિમાં ખરા અર્થમાં સાથે જોડી લે છે. સંસ્થા તેનાં દીર્ઘદર્શન-કથનને સિદ્ધ કરવાની સફરમાં એકસૂર બની રહે છે. આંતરિક ગ્રાહકો પ્રત્યેનાં પ્રત્યાયન અને નેતૃત્વનું મહત્ત્વ બાહ્ય ગાહક સાથેનાં પ્રત્યાયન કે નેતૃત્વથી જરા પણ કમ નથી.

સંચાલકો એ જ વાત કહેતાં હોય છે જે તેમનાં લોકોને સાંભળવી છે અને જે તેઓ અપનાવશે. તેથી વરિષ્ઠ સંચાલકગણની એ પ્રાથમિક ફરજ બની રહે છે કે મધ્ય સ્તરનું સંચાલન મંડળ જે વાત કરે તે અંતે તો ઉચ્ચ ગુણવત્તાની જીવંત સંસ્કૃતિનું વાતાવરણ જ ઘડે અને પોષે.

જે સંસ્થાનું મધ્ય સંચાલકમંડળ સંસ્થાનાં લાંબા ગાળાનાં ઉદ્દેશ્યો અને મૂલ્યો તેમ જ તેને લગતી વ્યૂહરચનાઓ બાબતે એકરાગ હશે, ત્યાં ગુણવત્તા સંસ્કૃતિનું ઘડતર સરળ બની રહેશે.