દક્ષિણ ભારતનાં મંદિરોમાં આ વિધિનું સામાજિક અને આર્થિક મહત્ત્વ પણ જોઈ શકાય છે.
આરતીની વિધિને હાથી, સર્પ, અશ્વ, સિંહ કે સ્ફિંન્ક્સ જેવી પુરુષ-મૃગ આકૃતિઓથી પણ સજાવવામાં આવે છે. આની પાછળ કોઈ કારણ હશે?
એક સમજ મુજબ આમ કરવા પાછળ આરતી પર જોવા મળતાં પશુની શક્તિને આરતીમાં ઉતારવાની ભાવના રહેલી છે. પશુનો સાંકેતિક ભોગ ધરાવવાની ભાવના પણ કહી શકાય. બીજી વધારે તર્કસંગત સમજ મુજબ જેમ જેમ મંદીરો સમૃદ્ધ થતાં ગયાં તેમ તેમ પૂજારીઓ વધારે ને વધારે વિધિ-પ્રચુર કર્મકાંડ ઉમેરતા ગયા. જૂદા જૂદા પ્રકારના આકારોવાળી દીવીઓની આરતી આ વધારે સમ્રુદ્ધ વિધિઓનું પ્રતિક છે. આને કારણે ઘણા કલાકારો, કારીગરો અને પુજારીઓને આજીવિકા મળતી થઈ. આસપાસના સમાજની સ્થિતિ તો સુધરી જ, તે સાથે મંદિરનું માહાત્મ્ય પણ વધ્યું. અન્ય મંદિરોએ જતાં ભક્તો હવે આ વધારે સ્વીકૃત, અને તેના કારણે વધારે સફળ અને વધારે સમ્રુદ્ધ, મંદિરો તરફ વધારે ઢળવા લાગ્યાં.
શાસ્ત્રોનાં કહેવા મુજબ તો દેવીદેવતાને તેમની આસપાસ આમ દીવી ફરાવવાની કોઈ જરૂર નથી. તેમને તો ભકતનાં હૃદયમાં સળગતી 'સમજણની જ્યોત'માં વધારે રસ છે. એ દૃષ્ટિએ તો આ વિધિની જ કોઈ જરૂર નથી. અને તેમ છતાં દીવાબત્તીનું ઘણું જ મહત્ત્વ તો છે જ. કર્મકાંડી વિધિઓ કરતાં અંદરના વિકાસની વિધિઓ વધારે મહત્ત્વની નહીં? આ વિધિને સ્થાનિક આર્થિક વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કદાચ આ વિધિઓને મળતું મહત્ત્વ ઉચિત જણાશે.
સમૃદ્ધ સમયમાં, ધનવાન લોકો વિધિ વિધાનોના ખર્ચા કરી જરૂરતમંદ કલાકારો, કારીગરો અને પૂજારીઓને આજિવિકાનાં સાધન પૂરાં પાડે, જ્યારે ગરીબ લોકોનું ધ્યાન એ તરફ દોરીને જીવનની તકલીફો સહન કરવામાં મદદરૂપ બને. વળી સમૃદ્ધ લોકોની વિધિઓમાં ભાગ લેવાથી તેમનાં ટાંચાં સાધનોને આ પ્રકારની વિધિઓ પાછળ ખર્ચવાની પણ જરૂર ન રહે.
જો કે, ધનવાન લોકો પણ વિધિવિધાનો પણ સંપત્તિ વેડફવી ન જોઈએ તેમ પણ કહી શકે. પણ તેમ કરવાથી આ વિધિઓની આવક પર નભતા સમાજના જરૂરતમંદ લોકોને મદદ કરાવની તક પણ તેમણે જતી કરવી પડે છે. આમ આ ખેલના નિયમો ધનવાનો અને ગરીબ લોકો માટે અલગ બની રહે છે. ગરીબોને માટે વિધિવિધાનોમાં પરોક્ષ રીતે ભાગીદાર થવાની ફિલોસૉફી પૂરતી ગણાય, પણ તવંગર લોકો માટે તેમની ફિલોસૉફીની સાથે લાંબાં ચોડાં વિધિ વિધાનો પણ જોડાયેલાં રહેવાં જોઈએ. એ લોકોને તો એ પોષાય છે ને !
આમ મંદિરનાં વિધિ વિધાનો સામાજિક વાસ્તવિકતાઓથી સાવ વિમુખ નહોતાં. આ ક્રિયાઓ વડે સમાજમાં આજિવિકાના સ્ત્રોત ઊભા કરાતા હતા. ઘણાં મંદિરોમાં આરતીનાં દાન કરનાર ભક્તે તેના માટે જરૂરી ઘી પૂરૂં પાડવા જરૂરી ગાય કે બકરાં પણ સાથે દાનમાં આપવાં પડતાં. મંદિરના પશુપાલક સેવકો આ ગાયો કે બકરાંને પાળે અને તેમાંથી પોતાનો જીવનનિર્વાહ પણ કરે. આમ મંદિરની સંપત્તિ અને વિકાસ તેમને પણ ફળતાં. એક પ્રજ્વલિત જ્યોત ઘણાં લોકોનાં પેટના અગ્નિને શાંત રાખવામાં મદદરૂપ કડી બની રહેતી. જેટલી દરકાર ભક્તો મંદિરનાં દેવીદેવતાઓની લેતાં, એટલી જ દરકાર મંદિર પોતાનાં ભક્તોની પણ લેતું.
- અસલ અંગ્રેજી લેખ, Lamp for the Gods , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૧૬, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઈ ૮, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો