- તન્મય વોરા
અત્યારે જ્યાં છીએ ત્યાંથી, વાંછિત
કે પૂર્વનિયોજિત કે બાહ્ય પરિબળો દ્વારા નિર્મિત થયેલ, પણ
મૂળતઃ કંઈક જૂદી, સ્થિતિમાં પહોંચવું એટલે પરિવર્તન. અંગત કે
વ્યાવસાયિક બાબતે વ્યક્તિગત સ્તરે, કુટુંબ કે ટીમનાં સ્તરે, સમુદાય કે વિભાગનાં સ્તરે કે
સમગ્ર સમાજ કે સંસ્થાગત સ્તરે, સાવા નાનેથી માંડીને ધરખમ
કક્ષાની, સુધારણાની કોઈ પણ પહેલના દરેક તબક્કામાં આ
પ્રકારનું પરિવર્તન અનિવાર્ય ઘટક જ હોય છે. દરેક પરિવર્તનની પોતાની ખૂબીઓ હોય છે.
તેમાં ક્યારેક સુખદ તો ક્યારેક દુઃખદ,ક્યારેક સાવ સરળ તો
ક્યારેક અતિ જટિલ, બાબતો અને ઘટનાઓ પણ હોય જ ! પણ પરિવર્તન એ
કુદરતનો નિયમ છે, માત્ર મોઢું ફેરવી લેવાથી તે ટાળી ટળી નથી
જતી.
પ્રક્રિયા સુધારણાથી માંડીને વ્યૂહાત્મક સુધારાઓનો અસરકારકપણે અમલ
કરવા માટે અતિઆવશ્યક છે કે સાવ બીનજોખમી જણાતી આ પાંચ બાબતો સાથે દૂરથી જ લટક
સલામનો વહેવાર જ કેળવીએ :
§ જો મોટા પાયે પરિવર્તન આવશ્યક જ હોય તો તે માટેની
વિચારણાનું સ્તર નાનું રાખવું:
બહુ મોટાં પરિવર્તનો પહેલી નજરે બહુ ડરામણાં હોઈ શકે. તેનાં ફલકની
વિશાળતા જ અભિભૂત કરી નાખીને લડ્યા સિવાય જ હથિયાર હેઠાં મૂકી દેવા મજબૂર કરી શકે.
પણ કોઈ પણ હાથીને પૂર્ણતયા જોવો-સમજવો હોય તો પેલા પાંચ અંધજનોની જેમ તેના એક એક
ભાગને પકડવાની ભૂલ ન જ કરવી જોઈએ. હા, આયોજનનાં
સ્તરે સમગ્ર ફલકને આવરી લીધા પછી, તેના અમલીકરણ સમયે ઉપલ્બધ
સંસાધનો અનુસાર, આખા પ્રકલ્પને નાનાં નાનાં એકમોમાં જરૂરથી
વહેંચી નાખવા જોઇએ. અતિમહત્ત્વની બાબતોને નિશ્ચિત કરી તેને બીજી બધી બાબતો કરતાં
પ્રાથમિકતા પણ આપવી જોઈએ. અમલીકરણના દરેક તબ્બકાઓના પેટાધ્યેય નજર પહોંચે એ
કક્ષાના રાખવાથી નાની સફળતાઓ આખરી વિજય સુધી પહોંચવાની સફરને સુનિશ્ચિત કરવામાં
સહાયક બને છે તે બાબતે કોઇ વિવાદ નથી.
§ ઝડપી અને સ્થાયી પરિવર્તન કરવા માટે કડક હાથે કામ
લેવાનું પૂરતું દબાણ કરતાં રહેવું
પરિવર્તનની જેમને સીધી, કે
આડકતરી પણ, અસરો થવાની છે તેમના માટે કામ કરવાની હાલની
આદતોમાં કે હાલની વિચારસરણીમાં કે પછી બંનેમાં, કોઇ પણ
પરિવર્તનમાં ઓછાવત્તા અંશે ફેરફાર તો થતો જ હોય છે. એ લોકો આવા ફેરફારોને જેટલી
હદે દિલથી સ્વીકારતાં નથી, પરિવર્તનની સફળતાની શક્યતાઓની
સંભાવનાઓ એટલી હદ સુધી અચોક્કસ બની રહે છે. આદત કે વિચારસરણીમાં બદલાવને બીજા
શબ્દોમાં સાંસ્કૃતિક ફેરફાર તરીકે પણ ઓળખવામાં આવે છે. દિલથી સ્વીકારાય એવો કોઈ પણ
ફેરફાર માત્ર દબાણથી ક્યારે પણ શક્ય નથી બન્યો. યથોચિત દબાણની સાથે માનસિક સ્તરે
સ્વીકૃતિ માટે સમજાવટ અને ભૌતિક સ્તરે સામર્થ્યીકરણના ટેકાને યોગ્ય માત્રામાં
ભેળવવાં પણ અતિઆવશ્યક બની રહે છે.
§ જે વાત હાથ બહારની છે તેનો જ વિચાર કર્યા કરવો
એવી તો ઘણી બાબતો છે જે આપણા હાથમાં જ ન હોય. આવી બાબતો માટે
વિચાર્યા જ કરવાથી જે આપણી પહોંચમાં છે તેના તરફ પર ધ્યાન ન અપાતું હોય તેમ પણ થવા
લાગે. એક પ્રાર્થનામાં કેટલું સાચું કહ્યું છેઃ
"હે
ઈશ્વર, મારાથી જે બદલી નથી શકાતું તે સ્વીકારી શકવા જેટલી
મને શાંતિ આપ, જે બદલી શકું છું તે બદલવા માટેની હિંમત આપ
અને આ બંને વચ્ચેનો તફાવત સમજી શકવાની સમજણ આપ."
§ પ્રક્રિયાઓમાં ફેરફાર કરીએ
એટલે પરિવર્તન તો આપોઆપ થાય
પણ
હકીકતમાં આમ થતું નથી હોતું. પરિવર્તન ત્યારે જ પૂરૂં થયેલું ગણાય જ્યારે તેની
સાથે સંકળાયેલ લોકોની ટેવો પણ એ પ્રમાણે બદલી ચૂકી હોય. પ્રક્રિયાઓ તો પરિવર્તનની
સફર માટેનું દિશાસૂચક યંત્ર છે. પણ તેનું આંધળું અનુસરણ કરવાથી કે માત્ર માર્ગ પર
જ વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરવાથી મૂળ ધ્યેય, સફરમાં સંકળાયેલ લોકોના પ્રતિભાવો જેવી ઘણી
બાબતો પરથી ધ્યાન ખસી જ ઇ શકે છે. પરિવર્તન સંચાલનના ઘણા કન્સલટન્ટ અનુપાલન,
માનકો કે પ્રક્રિયાઓ પર જ વિશેષ ભાર મૂકી દેતા જોવા મળે છે. તેની
સાથે સંલગ્ન લોકોના પ્રતિભાવોને પણ ધ્યાનમાં લેવામાં, અને
પરિવર્તનની સઘળી બાબતો તેમના મનમાં ઉતરી જાય તેમ કરવામાં પણ, ચૂક ન થાય એ પણ જોવું જ જોઈએ. લોકોને જો આખી વાત મનમાં ઉતરી ગઈ હશે તો
પ્રક્રિયાઓ અને પાલકોનું માત્ર શાબ્દિક સ્તરે જ નહીં પણ તાત્વિક સ્તરે પણ અનુપાલન
થશે.અને તમે ધાર્યાં ન હોય તેવાં પરિણામો પણ એ લોકો જ લાવી આપશે.
§ પરિવર્તનનો યજ્ઞ એકલા હાથે
પાર પાડી લેવાશે
આપણી
શક્તિ ગમે તેટલી હોય, સંકલ્પ ગમે તેટલો દૃઢ હોય, ગમે તેટલી નિષ્ફળતાઓ
પચાવી પડાવાનું ધૈર્ય હોય, તો પણ પરિવર્તનનો યજ્ઞ એકલા હાથે
પાર નથી પાડી શકાતો. દરેક પરિવર્તનમાં ઉપરનો લોકોનો પૂરેપૂરો ટેકો અને સાથેનાં
/નીચેનાં લોકોનો મનથી સહકાર ન હોય, તો આ કામ પાર પાડવું
અશક્ય જ બની રહેતું હોય છે. ઉપરનાં લોકોનો ટેકો બીજાં લોકોને મન હૈયાધારણ છે કે
આપણે જે કરીશું તે માટે આપણાં વરીષ્ઠોની સંમતિ છે. આમ, લોકોના
મનમાં ભય કે સંશયને સ્થાન નથી રહેતું.તેથી
લોકોનાં મન આખી વાતને હવે ખુલ્લાં દિલથી સમજવા તૈયાર હશે. મુક્ત વાતાવરણમાં કામ
કરતી ટીમ પરિવર્તનની સફળતાનું અતિમહત્ત્વનું ઘટક છે.
યાદ
રહેઃ જેમ છે તેમ રહેવામાં પડી રહેલી મુશ્કેલીઓ અને પીડાઓ કરતાં પરિવર્તનની
મુશ્કેલીઓ અને પીડાઓ ઓછી હશે તો જ લોકો પરિવર્તન તરફ ઢળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો