- તન્મય વોરા
આપણા વ્યાપાર ઉદ્યોગને ચલાવવામાં કે પ્રોજેક્ટ્સનાં સંચાલન કરવામાં આપણે બહુ સ્પષ્ટ ધ્યેય નક્કી કરતાં હોઈએ છીએ, એકદમ ચીવટથી તે માટેની યોજનાઓ ઘડી કાઢતાં હોઈએ છીએ, બધી જ રચનાત્મકતાને કામે લગાડીને અનોખી વ્યૂંહરચનાઓ બીછાવતાં હોઈએ છીએ અને વળી તેના અમલ પર બાજ નજર રાખવા માટે સુનિશ્ચિત સીમાચિહ્નો પણ નક્કી કરતાં હોઈએ છીએ. પરંતુ, જીવનની જેમ જ નેતૃત્વ આનાથી સાવ જૂદો અનુભવ છે. કાયમની અનિશ્ચિતતા અને ચોતરફનો વિરોધાભાસ તેની આગવી લાક્ષણિકતા છે. લોકો ભૂલો કરતાં જ રહેવાનાં, વાતેવાતે વિરોધ અને અથડામણો થયે જ રાખશે, ગ્રાહકો તેમની જરૂરિયાતો છાસવારે બદલી નાખતાં રહેશે, માંગ અને પુરવઠાની પરિસ્થિતિઓ કાચીંડાને જેમ રંગ બદલતી રહેશે, ધાર્યા મુજબ તો કંઈ જ થાય નહીં, જ્યાં હાથ નાખો ત્યાં વિલંબ હોય, કોઈ સવાલ સહેલો તો હોય જ નહીં, અને સાવ ઉત્તરદક્ષિણ ધ્રુવ જેવા અભિપ્રાયો વણમાગ્યે મળતા રહેતા હોય છે. આવી ઘોર અનિશ્ચિતતાનાં વાતવરણમાં અગ્રણીએ હાથ ઊંચ કરી દેવા ? જવાબ છે, ના - એકદમ સ્પષ્ટ, ના. લિયોનાર્દો દ વીન્સીનું કહેવું છે કે, “શંકાઓ વગરનો ચિત્રકાર ખાસ કંઈ સિદ્ધ નહી કરી શકે.”
આજના ઝડપથી બદલતા રહેતા જમાનામાં અસ્પષ્ટતા જેટલી વ્યાપક છે તેટલી જ ભ્રામક નિશ્ચિતતા છે. એટલે એક અગ્રણીએ, કે પછી સંચાલન વ્યાવસાયિકે, પોતે નક્કી કરેલા વિકાસના માર્ગ પર પ્રગતિનાં શિખરો સર કરતા રહેવા માટે આવાં અનિશ્ચિતતામય ધુંધળાં વાતવરણમાં પૂરાં જોશ અને સૂઝથી આગળ તો ધપતાં જ રહેવું રહ્યું.
આ અનિશ્ચિતતા અને સંદિગ્ધતામાં આપણી રચનાત્મકતા સોળે કળાએ ખીલી ઉઠે છે, આપણી સાહજિક વિચારશક્તિ સ્ફુરતી રહે છે અને નવા નવા ઉપાયો અને રસ્તાઓ મળતા જ રહે છે. ધુંધળાહટ ભર્યા માર્ગ પરની આપણી સફરમા અવનવા દૃષ્ટિકોણ વિકસતા રહે છે અને કોઠાસૂઝ નવા આયામો ખોજતી રહે છે.
આ બધી અનિશ્ચિતતાઓનાં વાતવરણમાં જ્યારે આપણે આપણી નિશ્ચિત મંજિલ પાર કરી લઈએ છીએ ત્યારે થતો સંતોષનો અનુભવ અલૌકિક જ જણાય છે. લક્ષ્ય સિદ્ધ કરવાની ખુશીની સાથે ભાતભાતનાં લોકો, સંજોગો અને વિરોધાભાસો સાથે થતા અવનવા અનુભવોમાંથી અનિશ્ચિતતા સાથે કામ લેવા બાબતે કંઈ કેટલું શીખવા પણ મળતું રહે છે. પ્રતિબદ્ધતા અને સંન્નિષ્ઠતાથી કરેલાં આપણાં કામો દીપી રહે છે.
ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ગમે કે ન ગમે, અનિશ્ચિતતા સાથે આપણો સંબંધ તો નાભિનાળના સંબંધ જેવો અને જેટલો રહેવાનો જ છે. અનિશ્ચિતતા સાથે સક્રિયતાનો સંબંધ રાખીએ કે પછી પ્રતિક્રિયાત્મક વહેવાર રાખીએ, પણ એટલું તો નિશ્ચિત જ રાખીએ કે એક અગ્રણી તરીકે એ અનિશ્ચિતતા અને અસંદિગ્ધતાનું કારણ તો કદાપિ ન જ બનીએ. બાહ્ય અનિશ્ચિતતાઓનાં વાતવરણમાંથી આપણાં સહયોગીઓને શક્ય તેટલી નિશ્ચિતતાની અનુભૂતિ કરાવવી એ તો અગ્રણી તરીકેની આપણી પ્રાથમિક ફરજ છે.
૨૦૧૫નાં વર્ષના અંતમાં આપણે બધાં હવે આવનારાં વર્ષ માટેની તૈયારીઓ કરવાનું શરૂ કરવામાં હશું. એ તૈયારીઓ કરતી વખતે, આ સવાલો પણ, જરૂરથી, ધ્યાનમાં લઈએ:
- નિશ્ચિતતા બાબતે આપણા અનુરાગ અને આપણી ક્ષમતાની તળસ્પર્શી સમીક્ષા કરીએ. અનિશ્ચિતતા કે વિરોધાભાસ આપણને હતાશ કરી મૂકે છે ? મનમાં ધરપતના અહેસાસ માટે આપણને પૂરતી નિશ્ચિતતાની દેખાતી રહે તે આવશ્યક છે ?
- જો જવાબ હા હોય, તો બાહ્ય અનિશ્ચિતતાઓ અકળાવે નહીં, તે પરિસ્થિતિઓમાં સુપેરે કામ કરતાં રહીએ અને આપણી રચનાત્મ્કતાને કુઠિંત ન થવા દઈએ. એમ કરી શકવા માટે આપણે આપણામાં શું શું પરિવર્તનો લાવવાં પડશે ?
- અસલ અંગ્રેજી લેખ, Ambiguity: Embrace It, But Don’t Be a Source પરથી થયેલ ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો