છેલ્લા કેટલાક સમયથી કામવાસના, ભ્રષ્ટાચાર અને હિંસાનાં ભાવરેચન દ્વારા ભાત ભાતના
ગુરુઓના આશ્રમોમાંનાં ઘેરાં,ચટપટાં રહસ્યો બહાર આવતાં જ રહ્યાં છે !
ગુરુઓનાં અનુયાયીઓ રહસ્યો 'ઉઘાડાં પાડનાર'ની ક્યાં તો સાવ અવગણના કરતાં જોવા
મળે છે અથવા તો તેમના પર હિંસક હુમલા કરવા જેવા સાવ સામા છેડાની પ્રતિક્રિયાઓ
આપતાં જોવા મળે છે, કે પછી ‘આ લોકો સાવ ધૂર્ત છે’, ‘બ્લૅકમેલ કરે છે’ કે ‘સાવ જૂઠાડાં છે’ કે ‘આપણી સંસ્કૃતિ સામે
કાવતરૂં છે’ તેવો શોરબકોર મચાવી
મુકતાં જોવા મળે છે. જ્યાં સુધી ગુરુઓના વિરોધમાં રાજકીય અર્થ સરતો ન જણાય ત્યાં
સુધી કાયદો ચુપચાપ તાલ જોઈ રહેતો જોવા મળે છે. ટેલીવીઝન પરની ચર્ચાઓમાં બૌદ્ધિકો 'સાચા' અને 'પાખંડી' ગુરૂઓની બાબતે
ગરમાગરમી મચાવતા રહે છે. જોકે, આ બધું તો પહેલાં પણ થતું રહ્યું છે અને હવે પછી પણ થતું રહેશે. ખેર, ગુરુઓ અને તેમના
વિવિધ સંપ્રદાયો ભારતમાં, કે વિશ્વમાં બીજે ક્યાંય પણ, પેદા થતા અને ફૂલતાફાલતા રહ્યા છે અને રહેશે.
ગુરુપદ ભારતમાં પ્રાચિનકાળથી ચાલ્યાં આવે છે. પરંપરાગત
રીતે, સૌથી પહેલા ગુરુ
આદિ-નાથ તરીકે ઓળખાતા, અત્રિ અને અનસુયાના પુત્ર, દત્ત, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
ત્રણેયનું સ્વરૂપ અભિવ્યક્ત કરતા હોય તેમ માનવામાં આવે છે. ઘણા સાંપ્રત ગુરુઓ
તેમની કુળપરંપરાને તેમની સાથે સાંકળતા જોવા મળે છે.
દત્તના પોતાના કોઈ ગુરુ નહોતા. તેમને જ્યારે પૂછવામાં
આવ્યું કે તેમને કોણ શિક્ષા આપે છે તો તેમણે કુદરતનાં મૂળ તત્ત્વો, ઝાડપાન અને પશુપક્ષીઓ
કે વિવિધ વ્યાવસાયિક માણસો તરફ નિર્દેશ કર્યો અને કહ્યું કે, 'આ બધાં મારાં ગુરુઓ
છે. બધાં જ મને કંઈને કંઈ શીખવાડતાં રહે છે.' જે કોઈ કે જે કંઈ પણ આંતરસૂઝને ખીલવે તે ગુરુ. જો કે
અનુયાયીઓને આ વાત થોડી ઓછી પસંદ છે. તેમના પર તો આને કારણે શીખતા રહેવાની જવાબદારી
આવી પડે છે. તેમને તો ગુરુઓએ પહેલેથી જ તૈયાર કરી રાખેલું જ્ઞાન બેઠેબેઠે મળી જાય
તેમ જોઈએ છે. તેમને વિચાર કરવાની તસ્દી નથી ઉઠાવવી. શું વિચારવું અને શું કરવું એ ગુરુઓ તેમને જણાવતા રહે એ
તેમને ફાવે. એટલે તેઓ ગુરુઓના દરેક આદેશને પૂરેપૂરાં શરણે જતાં રહે છે. તેમના માટે
આ તેમની ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ છે.
દત્ત એક હાથમાં મદિરાની પ્યાલી અને ખોળામાં એક સુંદરી
સાથે બેઠેલા જોવા મળતા હોય તેવો એક ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. તેમને જ્યારે
આવી 'અશુધ્ધ ચીજો' સાથે નોબત રાખવા બાબતે સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબમાં
એક મર્માળું સ્મિત માત્ર કર્યું હતું. આપણે આ વાતને એક સાંકેતિક રહસ્ય ગણી લઈ
શકીએ. કે પછી 'સમરથકો નહીં દોષ
ગોંસાઈ'ના હિસાબે ગુરુઓને
નૈતિકતાની આવી નાની બાબતો લાગૂ ન પડે તેમ માની લઈ શકીએ. મોટા ભાગે, ગુરુઓનાં અનુયાયીઓ
તેમની આ અયોગ્ય, વધારે પડતી અને કંઈક
અંશે બંને તરફના લાભ ઉઠાવવાની રીતભાત વિષે આ બીજી સમજૂતી સ્વીકારી લેતાં જોવા મળે
છે. અનુયાયીઓ માટે આ સમર્પણનો ભાવ છે.
દત્તને તેમની આગળ કૂતરાઓ અને પાછળ ગાયોને લઈને ચાલતા જતા
હોય તેમ પણ બતાવાયું છે. કૂતરાઓ અસલામતી અને જરૂરિયાતમંદતાનું પ્રતિક છે, અને તેમના માલિક અને માલિકનાં
પ્રભાવ ક્ષેત્રની આક્રમકપણે રક્ષા કરવાની સ્વાભાવિક વૃત્તિ ધરાવે છે. માલિક
પ્રત્યે વફાદારી પણ તેમની પ્રકૃતિ છે. એટલે થોડી થોડી વારે તેઓ પાછળ ફરીને જોતા
રહે છે કે માલિક તેમની સાથે તો છે ને ! તેનાથી વિરૂધ્ધ ગાય સાવ જ સ્વતંત્ર પ્રકૃતિ ધરાવે છે. માલિકનાં પોષણ માટે
તે દૂધ આપે, પણ ગમે ત્યાંથી
પોતાનાં ઘર ભણી જ પાછાં આવતાં રહેવાની પ્રકૃતિ હોવા છતાં, પોતાના નિર્વાહ માટે માલિક પર સાવેસાવ આધાર રાખવાની
તેમની વૃત્તિ નથી. આ ચિત્ર બતાવે છે કે કૂતરાઓ જેવા વારેવાર ધ્યાન આપવું પડે તેવા, વફાદાર, અનુયાયીઓને આગળ કરતા
રહેવાને બદલે ભલે કંઇક અંશે સ્વતંત્ર પણ, કામ આવે એવાં ભરોસાપાત્ર, પોતાની પાછળ સ્વાભાવિકપણે અનુસરતાં અનુયાયીઓમાં પરિવર્તિત કરવાની ભાવનાવાળા
ગુરુઓ હોવા જોઈએ. જોકે મોટા ભાગે અનુયાયીઓ તો ગુરુ પર જ પરવશ થઈ રહેતા જોવા મળે
છે. ગુરુઓ અને શિષ્યો આને વફાદારીનો ગુણ (!) કહે છે.
આખી વાત ખરાબે તો ત્યારે ચડી જાય છે જ્યારે ખુદ ગુરુઓ જ
તેમના અનુયાયીઓનાં ભક્તિભાવ પર આધાર રાખતાં થઈ જાય છે. શિષ્યો તેમને ન છોડતાં હોય
તો સામે ગુરુઓ પણ તેમને નથી છોડી શકતાં.
- ' 'ધ મિડ ડે''માં માર્ચ ૧૬,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ Gurudom or Holy Hell, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુન ૧૮, ૨૦૧૪ના રોજ Indian Mythology • Leadership • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૬, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો