શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

સતત નવું નવું શીખતી રહેતી સંસ્થાના અગ્રણીએ કરવા યોગ્ય સૌથી મહત્ત્વનાં ૧૦ કામ- તન્મય વોરા
જૅક વેલ્શનું કહેવું છે કે,

"નવું નવું શીખતાં રહેવાની અને એ જાણકારીને ઝડપથી કામે લગાડી શકવાની ક્ષમતા સસ્થામાટે સૌથી મોટું સ્પર્ધાત્મક સરસાઇ અપાવનાર બળ બની રહી શકે છે."

જ્યાં નવું નવું શીખવા માટે વાતાવરણ હંમેશાં બની રહેતું હોય તેવી સંસ્થા માટે પીટર સેન્જનું કહેવું છે કે,'અહીં લોકો પોતાની અપેક્ષા મુજબનાં પરિણામો મેળવવા માટે પોતાની ક્ષમતાને સદા વિસ્તારતાં હોય છે, નવા અને વિસ્તરતા રહેતા વિચારોની હંમેશાં સંભાળ લેવાતી રહે છે, સામુહિક મહાત્વાકાંક્ષાને મુક્તપણે ખીલવા દેવામાં આવે છે અને નાના નાના ભાગોને નહીં પણ સમગ્ર ચિત્રને એક સાથે જોવા માટેનું સામુહિક દર્શન  બધાં જ લોકો સાથે મળીને શીખતાં રહે છે."
સંસ્થામાંની દરેક વ્યક્તિ, વ્યક્તિઓની બનેલી જૂદાં જૂદાં કામો માટેની ટીમો, અને એ બધાનાં એકત્ર થવાથી બનતી સમગ્ર સંસ્થાને હંમેશાં નવું નવું શીખવાના માર્ગ પર આગળ ધપાવવા માટે જરૂરી વાતાવરણ રચવા માટે સંસ્થાના અગ્રણીએ આ દસ બાબતો કરવા પર ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ :

  •  'જે શીખે તે કરે અને જે કરે તેમાંથી શીખે' - અસરકારક પરિણામો મેળવવા માટે લોકો પોતાની જાણકરીને પોતાનાં કામમાં વાપરે તેમ જ કામ કરતાં કરતાં મળતી સફળતા કે નિષ્ફળતાના પદાર્થપાઠ શીખતાં રહે તે મહત્ત્વનું બની રહે છે.
  • પ્રશિક્ષણ એ જાણકારી વધારવા માટેનું એક સાધન માત્ર છે - તે ઉપરાંત જાણકારી અને અનુભવો એકબીજાં સાથે વહેંચવાથી, તેની સાથે સંકળાયેલ વાતો એકબીજાંને કહેવાથી, જાણકારીને કામે લગાડતા રહેવાથી, ભૂલો થાય તેમાં શીખતાં રહેવાથી અને સુધારણાઓ કરતાં રહેવાથી પણ કંઇને કંઈ નવું શીખતાં રહી શકાય છે.

  • મધ્ય સ્તરનાં સંચાલન મંડળને નવું શીખવાનું વાતાવરણ બનાવ્યે રાખવામાં સક્રિયપણે સાથે રાખવું - સૌથી નીચેનાં લોકોને શીખવા માટેની તકો મળતી રહે તે માટે સૌથી પ્રબળ ચાલક બળ મધ્ય સ્તરનું સંચાલન મંડળ પૂરૂં પાડી શકે છે.તે જ રીતે નીતિઓનાં અમલમાં આવતી અડચણો કે પહેલી હરોળ દ્વારા સિધ્ધ થતાં પરિણામોમાં જે શીખ મળે તેને વરિષ્ઠ સંચાલન મંડળ સુધી પહોંચાડવાનાં સંવાહકની મહત્ત્વની ભૂમિકા પણ મધ્ય સ્તરનું સંચાલન મંડળ જ ભજવે છે.

  •  કાર્યમૂલક શિક્ષણને સંસ્થાની પ્રક્રિયાઓમાં વણી લેવું  -  શું ધાર્યા મુજબ થયું (કે ન થયું) અને શા માટે થયું તેની નિયમિત સમયાંતરે થતી સમીક્ષામાંથી નિપજતા પદાર્થપાઠને હવે પછીની રણનીતિમાં આવરી લેવાને સંસ્થાની સ્વાભાવિક પ્રવૃત્તિનો ભાગ બનાવી રાખવો જોઈએ.

  • તમારી ટીમને નવું શીખવાના એકથી વધારે સ્ત્રોત કેળવવા માટે તૈયાર કરો - પુસ્તકો, સામાજિક માધ્યમો, ઓનલાઈન દૃશ્યશ્રાવ્ય માહિતી સંસાધનો, જૂદાં જૂદાં વાતાવરણમાં કે સ્થળોએ કામ કરતી ટીમો સાથે વિચારો, કાર્યપદ્ધતિઓ, અનુભવો અને પદાર્થપાઠોનું સક્રિય આદાનપ્રદાન જેવા અનેકવિધ સ્ત્રોત કેળવવાની ક્ષમતા વિકસતી રહે તે માટે ટીમોને પ્રોત્સાહિત કરતાં રહો   

  • શીખવાની પ્રક્રિયાને પ્રવેગમાન બનાવવામાં તેમજ નવી જાણકારી મેળવવામાં ટેક્નોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરો - વિકસતી જતી માહિતી ટેકનોજીની ક્ષમતાઓ હવે નવી નવી જાણકારીને આપણા સુધી લાવવામાં અને તે પછી તેને ગ્રહણ કરવામાં અવનવી રીતે ફાળો આપી શકે છે. તેનો મહત્તમ લાભ ઉઠાવો.

  • પરિવર્તનની દરેક નાનીમોટી પહેલમાં લાગતાં વળગતાં લોકોને સામેલ કરો - જેથી તેઓ પરિવર્તન સાથે પ્રત્યક્ષરીતે સંબંધ ધરાવતાં બને, જૂદા જૂદા સંજોગો અને લોકો સાથે કામ લેતાં શીખે. પરિવર્તનની નદીના પ્રવાહમાંથી શીખવું હોય તો પ્રવાહની સાથે તરવું જ પડે, કિનારે ઊભીને તો માત્ર આચમનીના થોડા ઘુંટડા જ મેળવવાનું શક્ય છે.

  • લોકો એકથી વધારે વિકલ્પો શોધે અને વિવિધ દૃષ્ટિકોણ વિકસાવે તેવા અભિગમને કેળવો - સમસ્યાઓમાં જેટલું વૈવિધ્ય છે તેમાંનું મોટા ભાગનું વૈવિધ્ય સમસ્યાઓના યાર્દચ્છિક ઘટનાક્રમ સાથે સંકળાયેલ હોય છે,માટે તેની સાથે દરેક વાર સફળતાથી કામ પાર પાડવામાટે સમસ્યાના ઉપાયોમાં એટલું જ વૈવિધ્ય બની રહે તે જરૂરી બની રહેતું હોય છે. શક્ય તેટલા વધારે વિકલ્પો ખોળવા માટે, તેમનું વૈવિધ્યપૂર્ણ આકલન કરતાં રહેવા માટે અને અમલ કરવા માટે નવા નવા માર્ગ ખોળવા માટે દરેક લોકોએ વ્યક્તિગત રૂપે, તેમ જ સામુહિકરૂપે, સભાનપણે અભિગમ કેળવવો પડે. તે માટે જરૂરી વાતાવરણ અને પ્રોત્સાહન પૂરૂં પાડતાં રહો.(સંદર્ભિત વાંચન માટે જૂઓ : On Leadership, Opening Up and Being Prepared)

  • નવું શીખવાનું માપણીનાં કોષ્ટકોની અંદર છે તેનાથી વધારે બહાર છે - પદાર્થપાઠોની શીખ એ આંકડાનાં માહિતીમાં થતાં મંથનમાંથી ટુંકા ગાળે જેટલું શીખવા મળે છે તેનાથી ઘણું વધારે એ કોષ્ટકોને ઘડવામાં, તેમાં થતા ફેરફારોમાંથી અને તેને સંબંધિત પરિમાણોમાંથી મળતા લાંબા ગાળાના પદાર્થપાઠમાંથી શીખવા મળે છે. તેનાં પરિણામો લાંબા ગાળે જ જોવા મળી શકે છે. તે માટે પૂરતી ધીરજની પણ જરૂર રહે છે.

  • પુરતી નિષ્ઠા અને પ્રયત્નો છતાં પણ થતી ભૂલો થવા દો (અને તેમાંથી શીખવાનું વાતાવરણ બનાવો) - જે કામ કરશે તે જ ભૂલ કરશે. શુદ્ધ ભાવનાથી થયેલ ભૂલ માટે જો લોકોએ બહુ મોટી શિક્ષા ભોગવવી પડશે તો લોકો નવા પ્રયોગો કરવાનું જોખમ જ લેવાનું ટાળવા લાગશે. નાની ભૂલોની જે નાનીમોટી કિંમત ચૂકવવી પડે છે તેના કરતાં કંઇ જ ન કરીને ભૂલ ન કરવાની વ્રુત્તિની કિંમત ઘણી વધારે પરવડી શકે છે. ભૂલ થઈ તે જેટલું મહત્ત્વનું છે તેનાથી વધારે તે શા માટે થઈ , એ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે શું કરી શકાય  જેવી બાબતો વિષે શીખવું તે મહત્ત્વનું છે.

નિર્ણાયક સવાલ :
તમે, તમારી ટીમ અને તમારી સંસ્થા સતત નવું શીખતી રહે, અને તેમાંથી મળતી શીખને સકારાત્મક પરિણામો મેળવવામાં કામે લગાડાતી રહે, તે માટે કઇ કઇ બાબતો અને કાર્યપદ્ધતિઓ સાનુકુળ (કે પછી પ્રતિકુળ) રહેતી આવી છે ?