- ગૅરી મૉન્ટી
ક્યારેય
વાંધાવચકા પાડતા ગ્રાહક સાથે કામ પડ્યું છે ?
એ ગ્રાહકોને જે જોઈએ તે તો તમારે પૂરૂં પાડવું પડે,
તે તો સમજાય, પણ
વધારામાં તમારી દરેક વાતે તેમના સવાલો પર સવાલો કે તમારાં સંન્નિષ્ઠ સૂચનો કે દરેક વધારાનાં પગલાં માટે તેમનાં
વિચારવર્તનમાં ભળાતા સંદેહને પણ હસતે મોંએ સ્વીકારવાં પડે. તેઓ આમ કેમ વર્તતાં હશે? તેનો જવાબ આપણને
પરંપરાગત માન્યતાઓનાં બીજાં પાસાં,
પ્રાકૃતિક \ physical,માં મળી શકશે. આ
પાસાંને બ્રહ્માંડમીમાંસક \ cosmological તરીકે
પણ ઓળખવામાં આવે છે. વિશ્વની ગતિવિધિઓ કેમ કરીને થાય છે તે અંગેની પરંપરાગત
માન્યતાઓ સાથે આ પાસાંને નિસ્બત રહે છે. આપણા પ્રસ્તુત સંદર્ભમાં એ નિસ્બત વ્યાપાર
વિશ્વની ગતિવિધિઓની સાથે રહેશે.
બ્રહ્માંડમીમાંસા, ગ્રાહકો અને સૂર્યગ્રહણો
બ્રહ્માંડમીમાંસા
આપણી સમજ-પ્રક્રિયાનો એક અગત્યનો હિસ્સો છે. તે આપણને નિર્ણયનાં માળખાનાં કારણો
અને અસરો પૂરાં પાડે છે. જ્યાં સુધી એ સમુંસુતરૂં ચાલતું રહે ત્યાં સુધી તો
વર્તનની બધી વિલક્ષણતાઓને 'હકીકત' તરીકે સ્વીકારી
લેવામાં આવતી હોય છે, પછી ભલે
ને તે તંત્રવ્યવસ્થામાં સાવ અકસ્માતવશ થતી હોય.
આ કહાની છે એક
સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીની જે ફરતો ફરતો એક વાર એક ગામમાં સુર્યગ્રહણની બરાબર
પહેલાં આવી પહોંચ્યો. ગામના મુખી અને લોકોને તેની તરફ ધ્યાન આપવાની ફુર્સત નહોતી
કારણકે તેમને તો પોતાનો જીવ બચાવવા માટેની તૈયારીઓ કરવાની વધારે પડી હતી. તમે બધાં
આ શું કરી રહ્યાં છો એવા નૃવંશશાસ્ત્રીના સવાલના જવાબમાં મુખીએ એટલું જ કહ્યું કે
અહીં બેસ અને જે થાય તે જોયા કર.
જેમ જેમ
ચંદ્ર સૂર્યની સામે આવતો ગયો તેમ તેમ મુખીએ લોકોને જોર જોરથી નગારાંત્રાંસાં
વગાડતા જવાનું કહ્યું. નગારાં એ જ રીતે વગાડવાનાં હતાં જેમ તેમના પૂર્વજો પેઢીદરપેઢી
વગાડતા આવ્યા હતા. જેમ જેમ ગ્રહણ આગળ વધતું ગયું તેમ તેમ નગારાં વધારે જોશથી વાગવા
લાગ્યાં.આ વખતે નગારાંત્રાંસાં કારગત થશે કે કેમ તેની કલ્પનામાં ગામનાં અન્ય લોકો
જાણે થીજી ગયાં હતાં. આખરે ગ્રહણ પૂરૂં થયું અને સૂર્ય પાછો દેખાયો એટલે બધાં
લોકોએ હાશનો શ્વાસ લીધો.
આપણા
મુસાફર નૃવંશશાસ્ત્રીને લાગ્યું કે તેણે આ ભોળાં ગામ લોકોને ન્યુટનનાં બ્રહ્માંડ
વિજ્ઞાન વિષે પ્રાથમિક સમજ તો આપવી જોઈએ. ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતોને સમજાવવાની
સાથે સાથે તેણે સૂર્ય, પૃથ્વી અને
ચંદ્રની ભ્રમણકક્ષાઓને જમીન પર દોરીને ગ્રહણ વખતે કેમ તેઓ એકબીજાની સામે આવી જાય
છે તે પણ સમજાવ્યું. ગામનાં બધાં લોકોએ તેને ખૂબ ધ્યાનથી સાંભળ્યો. ગામ છોડતી વખતે
તે આનંદ અને ગર્વના ભાવથી ગદગદીત હતો.
પછી
પાછું ફરીથી જ્યારે ગ્રહણ થવાનું હતું ત્યારે તે ફરીથી એ જ ગામની મુલાકાતે આવ્યો.
અને લો કરો વાત ! ગામવાળાંઓએ તો નગારાંત્રાંસાં વગાડવાની વિધિ ફરીથી એટલા જ ભાવથી
કરી. આપણો નૃવંશશાસ્ત્રી હવે ખાસ્સો ચીડાઈ ચૂક્યો હતો. એ ચીડમાંને ચીડમાં જ તેણે
મુખીને પૂછી કાઢ્યું,
"અરે ભાઇ મારા,
આ ગ્રહણના સિદ્ધાંત તો મેં તમને ગયે વખતે સમજાવ્યા જ હતા.
તે પ્રમાણે જ આ ગ્રહણ થાય છે." મુખીએ ઠંડે કલેજે તેની સામે નજર કરી અને
બોલ્યા, "પણ ધારો
કે આ વખતે એમ ન થાય તો ?'
ગ્રાહકનાં માનસને બદલવામાં મદદ કરવી
૨૦મી
સદીના નોબેલ પુરસ્કાર વિજેતા, ગણિતશાસ્ત્રી અને દાર્શનિક બર્ટ્રાન્ડ રસેલનું
માનવું રહ્યું છે કે બ્રહ્માડમીમાસાનું કોઈ ખંડન નથી કરતું, તેને તો સીધેસીધી
ત્યજી જ દેવાતી હોય છે. બહુ સીધી ભાષામાં કહીએ તો, ગ્રાહકને તેમનાં
નગારાં છોડી દેવા માટે સમજાવવાનો કોઈ અર્થ નથી. તેમને ક્યાં દબાવવાથી તેમની કઈ
દુઃખતી નસ પર અસર થશે તે શોધી કાઢવું જોઈએ. બાકી બીજું કંઈ પણ કરો તો દુખતું હોય
પેટ અને તમે માથાં પર બામ ચોળો એવા તાલ પણ કદાચ થાય. તેમની હાલની સમસ્યાઓમાટે
તેમના વર્તમાન ઉપાયો કામ નથી કરતા એવી લાગણી તીવ્ર થશે ત્યારે જ તમારા સૂચવેલા
ઉપાયો તેમના કાનમાં દાખલ થવાનું શરૂ કરી શકશે. જ્યાં સુધી એ કક્ષાએ આખી વાત
પહોંચતી નથી, ત્યાં
સુધી તેમનાં નગારાં સાંભળવા જેટલી ધીરજ રાખવામાં શાણપણ છે.
મેં તો
મારા અનુભવે જોયું જ છે કે ગ્રાહક વિષે અભિપ્રાય બાંધવાનો પ્રયાસ જ ન કરવો જોઈએ.
જ્યારે છેડો આવશે ત્યારે જ વિશ્વ વિષેના લોકોના ખયાલોનાં પોટલાંની ગાંઠ છૂટશે. શાંતચિત્ત, ધીરગંભીર અભિગમ
જાળવી રાખવા માટે કંઇક અંશે વિનમ્રતાનો ભાવ તો કેળવવો જ રહ્યો.
આપના વિચારો, પ્રતિભાવો કે પ્રતિક્રિયાઓ જરૂરથી જણાવશો.
- શ્રી ગૅરી મૉન્ટીનાલેખ, Leadership and Mythology #3: Cosmology and Clientsનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁજાન્યુઆરી ૨૯, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો