એક સમય હતો જ્યારે રાજાના દરબારમાં વિદૂષકનું હોવું એ
બહુ મહત્ત્વની બાબત ગણાતી હતી. જે દરબારી મશ્કરા તરીકે વર્તતો તેને ભારતમાં વિદૂષક
તરીકે ઓળખવામાં આવતો હતો. એક માત્ર વિદૂષકને જ રાજાની મશ્કરી કરી શકવાની છૂટ
રહેતી. તે રાજાની ઠઠ્ઠા-મજાક કરી શક્તો, નિંદા કરી શકતો, રાજાની નકલ કરી શકતો, કે પછી રાજવી ફરમાનો કે નિર્ણયોને હળવાશથી અવગણી પણ શકતો. બીજા શબ્દોમાં
કહીએ તો, દરબારમાં જે બાબતે
બોલવાની હિંમત કરવાનું કોઈ જે વિચારી પણ ન શકે, તે વિદૂષક છૂટથી કરી શકતો. વિદૂષકનાં વ્યંગ બાણો રાજાને
પોતાના નિર્ણયો વિષે પ્રશ્ન કરતાં, તેના વિચારોને પડકારતાં. જે પ્રતિભાવો કે પરિણામો રાજાના ભયથી તેના કાન
સુધી ન પહોંચી શકે તે બધું રાજાને અવગત થવા માટે તેની હરકતો માધ્યમ બની રહેતી. એ
માટે મશ્કરાની વેશભૂષા પહેરવી કે મૂર્ખા દેખાતા રહેવું જેવી કિંમત પણ તેણે ચૂકવવી
પડતી. તેણે મૂરખ તો બનવું જ પડતું. જ્યારે જ્યારે તેણે રાજદ્વારી શિષ્ટાચારની રેખા
ઓળંગવી પડે ત્યારે રાજાની ખફગી સામે એ મૂર્ખતા તેની ઢાલ બની રહેતી.
રાજવટનો અંત આવે તેના બહુ પહેલાં જ વિદૂષકની પરંપરા અસ્ત
થઈ ચૂકી હતી. એમ પણ કહી શકાય કે વિદૂષક પ્રથા વિદાય થઈ એટલે રાજવટ પર પડદો પડી
ગયો. હવે જ્યારે ટીકા કરી, ભૂલ સામે આંગળી ચીંધવાવાળું જ કોઈ ન રહ્યું, તો પછી સાચા માર્ગની દિશા કોણ બતાવે ?
લોકશાહી અને તેની અર્વાચીન સંસ્થાઓના ઉદયે, હવે કદાચ વિદૂષકનું
સ્થાન પણ બિનસાંપ્રદાયિક બનાવી નાખ્યું છે. વ્યંગ ચિત્રકારો કે જાહેર મંચ પર
મજાકમસ્તી લહેરાવતા હાસ્ય કલાકારો કે ટીવી પરની ચર્ચાઓના સંકલનકારો હવે આધુનિક
વિદૂષકનો પાઠ ભજવે છે. રાજયકર્તાઓની દેખીતી ભૂલો અને તેમના નિર્ણયોની અનઅપેક્ષીત
અસરો તરફ ધ્યાન ખેંચવા માટે તેઓ કટાક્ષ કે વક્ર હાસ્યને પોતાનાં હથિયાર બનાવે છે.
પણ તેમની કળાની બહુ ચડતી નથી થવા દેવાતી. બહુ હિંમતવાન
થવા માટે વ્યંગચિત્રકારોને જેલો ભેગા કરી દેવાય છે. જાહેર ચર્ચાઓના વીંટા વાળી
દેવામાં આવે છે. હાસ્ય કલાકારોને ઘરે છાપા પડે છે. મશ્કરાઓની તીખી ધાર રાજાને, કે પછી લોકશાહી
શાસકને, વાણીસ્વાતંત્ર્યનો
હક્ક હોય તો પણ કે ન હોય તો પણ, ડરાવતી રહી છે.
જોકે, આમ તો વાત વાણી સ્વાતંત્ર્યની નહીં, પણ સત્તાના કાન સુધી વાત પહોંચાડવા માટે વિનોદનાં
માધ્યમની છે. શાસકનું ધ્યાન આકર્ષવા માટે કરાયેલ ઈશારા સ્વરૂપ ટીકાની તીખાશને રમૂજ
વડે થોડી હળવી કરવાની વાત છે. પણ મોટે ભાગે, શાસકો આવા ઈશારા સમજતા નથી, એટલે રમૂજને થોડી ધારદાર બનાવવી પડતી હોય છે. વ્યંગકારો
એમ માને છે કે તેમની મજાકની અણી જો થોડી
ધારદાર હશે તો જ તેનો સંદેશો શાસકને પહોંચશે. પણ કમનસીબે, યાદ રહી જાય છે એ ધારની ચુભનની પીડા, અન એ પીડાથી થતી ચીડ.
પછી એક દિવસ 'બસ, હવે બહુ થયું'નું મોજું શાસકનાં મન
પર ફરી વળે છે.
હાસ્યની અંધારી બાજૂ આપણામાંનાં મોટા ભાગનાં લોકોને
દેખાતી નથી કે સમજાતી નથી.દરરોજ લાખો લોકો હાસ્ય કાર્યક્રમો કે ઠઠ્ઠામશકરીના ખેલ
જોતાં હોય છે. ખોળી ખોળીને આપણે રાજકીય કાર્ટૂન્સ વાંચતાં હોઈએ છીએ.કટાક્ષમય લેખો
પણ આપણને પસંદ પડે છે. એમાંથી નિપજતું હાસ્ય આપણને ઉપકારક પણ લાગે છે. એ હાસ્ય
આપણાં દબાણો હળવાં કરી ને હવે પછીની આવી તકલીફોને સહન કરવા માટેની શક્તિ પણ આપે
છે. જીવનની મૂર્ખી જણાતી બેહૂદીઓને આપણે હસી કાઢીએ છીએ. પણ તે સાથે આપણે એ વાત
ભૂલી જઇએ છીએ કે કોઇને હસી કાઢવામાં તેનાથી વધારે સારૂં હોવાની આપણી વૃતિ પણ
ક્યાંક ભાગ ભજવી જતી હોય છે. બીજાં કરતાં સારૂં હોવા માટેની એ ભાવનાએ સરદારજી પરના
કે મદ્રાસીઓ પરના કે આલોક નાથ 'બાબુજી' પરના કે સમલૈંગિકો
પરના કેટલાય ટુચકાઓને જન્મ આપ્યા હશે ! આપણું ચઢિયાતાપણું સાબિત કરવા આપણે
સામેવાળાને નીચા પાડવાની કોશીશમાં પડી જઈએ છીએ. તેને હાસ્યાસ્પદ બનાવીને આપણે
તેનાં સામર્થ્યનાં હથિયાર બુઠ્ઠાં બનાવી નાખવા મથીએ છીએ. પણ સમાજનાં કમનસીબે, શાસકને એવી રમૂજ
હસાવતી નથી.
- 'ધ મિડ ડે''માં ફેબ્રુઆરી ૨૩,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલઅંગ્રેજીલેખ, The Death of the Vidushakવૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પરજુન ૨૭, ૨૦૧૪નારોજ Indian Mythology • Leadership • Modern Mythmaking • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૩, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો