શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2016

વિરોધ અને વિવેચન : ૮ તથ્યો અને ૮ બોધપાઠ



 - તન્મય વોરા

નેતૃત્વની ભૂમિકામાં મૂકાતી દરેક વ્યક્તિઓએ -

§  કંઇક કરો તો  પણ, કે કંઈક ન કરો તો પણ, ટીકા કરતાં લોકો

§  દરેક વાતે વાંકું પાડતાં (કે ખોળતાં) લોકો

§  ખોટા પડતા આપણા નિર્ણયો

§  આપણે કરેલ પહેલ માટે લોકોનો વિરોધ

§  માર્ગમાં નંખાતાં વિઘ્નો

§  આપણા નિર્ણયોની બહુ બારીકીથી છણાવટો

§  કંઈ કરવા (કે ન કરવા) માટે ન ધારેલા આશયો હોવાના આક્ષેપો

§  બદઈરાદા કે ભળતા જ એજંડા ધરાવતાં લોકો

                        -  જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડતો હોય છે.

આવી પરિસ્થિતિઓમાં શું કરવું ?

હાથ ઊંચા કરી દેવા ? અકળાવું? ગુસ્સે થવું? પીછે હઠ કરવી? નિરાશ થવું? સંજોગો (કે કોઈ અન્ય) પર દોષનો ટોપલો ઢોળી દેવો? સામી ચાલાકીઓ કરવી? જેમ છે તેમ ચાલવા દેવું?

અહીં સૂચવેલા ૮ બોધપાઠ, આવી પરિસ્થિતિઓમાં, બહુ કામ આવી શકશે -

§  ટીકા તો થવાની જ - ટીકાઓ જો હકારાત્મક હોય તો લોકો પણ વિચારવાની બાબતે સક્રિય છે તેમ જાણી શકાય. જો ટીકાઓ નકારાત્મક હોય, તો લોકો સાથેના સંબંધોનાં જોડાણમાં કોઈ મહત્ત્વની કડી ખૂટે છે, તેવો સવળો અર્થ લેવો, અને  સંબંધોનાં સઘળાં પાસાંઓની તલસ્પર્શી સમીક્ષા કરી લેવી જોઈએ.

§  હરીફો કે ટીકાકારો દ્વારા રચાતું હરીફાઈનું વાતાવરણ આપણી દેખીતી ક્ષમતાઓને ખીલવા માટેનું ચાલક પર્યાવરણ પૂરૂં પાડી શકે છે. ટીકાઓ માટે અપનાવાયેલ સકારાત્મક અભિગમ, આપણી છૂપી ક્ષમતાઓને પણ મહોરાવી શકે છે.

§  દરેક ટીકા કે વિરોધમાંથી કંઈ ને કંઈ નવું શીખવાની તક ખોળી કાઢવી જોઈએ.

§  લોકોની કામ કરવાની રીત અને તેમનાં તે અંગેનાં માનસિક વલણો સમજવામાટે વિરોધ એક મહત્ત્વનું સાધન બની રહી શકે છે. નેતૃત્વ ભૂમિકામાં મુકાતા કોઈ પણ અગ્રણી માટે આ એક બહુમૂલ્ય ક્ષમતા છે જે આવી પરિસ્થ્તિઓમાં જ ખીલી શકે.

§  ભગવાન બુદ્ધનું કહેવું છે કે સામી વ્યક્તિએ કરેલી ટીકા (કે તેની નકારાત્મક લાગણી)નો આપણે સ્વીકાર નથી કરતાં તો એ તે વ્યક્તિ પાસે જ પાછી જતી રહે છે. માટે જ સત્કાર્યનો સ્વીકાર કરવામાં ક્યારે ઢીલ ન કરવી જોઇએ.

§  ટીકાની ઈંટનો જવાબ ઉદાહરણીય કામના પથ્થરથી જ આપી શકાય. ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ કથની અને કરણીમાં વિસંગતતા ન હોય તેવાં ઉદાહરણોના સંદેશ બહુ લાંબે સુધી પડઘાતા હોય છે.

§  ખુલ્લાં મનથી વિચાર કરવો એ ટીકા સામે સંરક્ષણ માટેની સૌથી વધારે અસરકારક ઢાલ બની રહી શકે છે. તેમાંથી કંઈ નવું શીખી શકવાની કળા તો ટીકાને દર્દમાંથી દવામાં ફેરવી નાખી શકે છે.

§  ટીકા, વિરોધ અને વિઘ્નો આપણી વિચારસરણી અને કાર્યપધ્ધતિને ઊંચાઈઓ પર લઇ જવાની સીડીનાં પગથિયાં તરીકે જોવાં જોઈએ.

Ø  અસલ અંગ્રેજી લેખ, Resistance and Criticism: 8 Facts and 8 Lessons પરથી ભાવાનુવાદ
Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો