મંદિરો પહેલેથી જ
નહોતાં. મંદિરો બંધાયાં તે પહેલાં લોકો પથ્થરો, નદીઓ અને તારાઓની પૂજા કરતાં. આ
પ્રકારની પ્રાચિન પરંપરાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કુંભમેળો છે, જ્યાં માનવ સર્જિત કોઈ પણ કૃત્રિમ
બાંધકામનો ક્રિયાકાંડમાં ક્યાંય ઉપયોગ નથી થતો.આસામમાં કામખ્યા દેવીનાં કે
જમ્મુનાં વૈષ્ણોદેવીનાં મંદિરમાં જેને 'મંદિર' માનવામાં આવે છે તે તો ખરેખર
પથ્થરોની કુદરતી રચનાની આસપાસ સલામતી માટે દિવાલ જેવું કોઈ બાંધકામ છે. આ
બાંધકામનો ઉદ્દેશ તો પોતાની મેળે, કુદરતી રીતે, બનેલ કંઇક આકારવાળી પવિત્ર
જગ્યાને અલગ પાડવાનો જ જણાય છે. દિવાલોની આ રચના પિતૃપ્રધાન સમાજવ્યવસ્થાનો
પ્રારંભ દર્શાવે છે.
જૂદા જૂદા વર્ગો
માટેના ભાગલાઓ કે ઊંચનીચ જેવી અમુક વિશિષ્ઠ લોકોના વર્ગના પ્રભાવને બનાવી રાખવા
માટેની એક વ્યવસ્થાને સલામતી પૂરી પાડવાની શરૂઆત આવી દિવાલોની સાથે સાથે થઈ ગણાય.
દેવી દેવતાઓ કે તેમની આસપાસનાં બાંધકામો અસ્તિત્વમાં આવ્યાં તેના પણ બહુ પહેલાંથી
જ સમાજમાં માનસિક સ્તરની સીમાઓ તો ખેંચાઈ જ ગઈ હતી. માણસ પશુ અવસ્થામાંથી બહાર
નીકળ્યો અને માનવી તરીકે પોતાનું વજૂદ બનાવવા લાગ્યો ત્યારથી જ ખેંચાતી માનસીક
સીમાઓને આ ભૌતિક સીમાઓ એ કોઈ ચોક્કસ આકાર આપવાનું કામ કર્યું. તો પછી મંદિરો શા
માટે બંધાયાં?
હિંદુસ્તાનનાં લગભગ
દરેક ગામડાંને પોતપોતાનાં ગ્રામ્યદેવી કે ગ્રામ્યદેવ હોય જ છે, જે સામાન્યપણે પ્રજોત્પતિની દેવી
કે રક્ષણહાર દેવની ભૂમિકામાં ભજવામાં આવતાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, નારી દૈવીશક્તિ ભરણપોષણ કરે અને
પુરુષ દૈવીશક્તિ રક્ષણ કરે. નારી દૈવીશક્તિ માટે પુરુષ એ માત્ર નરબીજ પૂરૂં પાડવા
માટે છે, તેનાથી વધારે કંઈ જ નહીં. પુરુષ
દેવીશક્તિએ નારી દૈવીશક્તિની રક્ષા કરવાની છે અને જ્યારે જરૂર પડે ત્યારે નરબીજ
પૂરૂં પાડવાનું છે. એ સિવાય તેણે હનુમાન કે ભૈરોબાબા કે ઐયનરની જેમ બ્રહ્મચર્ય
પાળવાનું રહે છે. બ્રહ્મચર્યનાં પાલન દ્વારા આ રક્ષક દેવ તેમની જનની એવી નારી
દૈવીશક્તિ માટેનો પોતાનો આદર ભાવ વ્યક્ત કરે છે. તે સાથે એમ પણ માનવામાં આવે છે કે
બ્રહ્મચર્યને પરિણામે થતાં તેમનાં વીર્યનું સિંચન તેમની વધારે શક્તિશાળી બનાવે છે.
બ્રહ્મચર્ય અલૌકિક
શક્તિ આપે છે એ માન્યતામાંથી મઠ વ્યવસ્થાઓનો જન્મ થયો. પાણી પર ચાલવું કે હવામાં
ઉડવું, આકાર બદલી નાખવા, કે અમર થવા જેવા અભ્યાસોની મદદથી
સંન્યાસીઓ કુદરતી શક્તિઓ પર નિયંત્રણ સિદ્ધ કરવા મથતા હતા. એ લોકો ભય પર નિયમન કે
પીડામાંથી મુક્તિ મેળવવા માટે મન પર નિયંત્રણ સિદ્ધ કરવાના અભ્યાસ કરતા રહેતા
હતા.આ બધું સિદ્ધ કરેલ પુરુષો, માત્રિકાઓ કે
મહાવિદ્યાઓ તરીકે જૂદાં જૂદાં જૂથોમાં ભમતી યોગિનીઓનાં સ્ત્રૈણ આકર્ષણોનાં
કામોત્તેજક કામણટુમણથી દૂર રહેતા.
હિંદુસ્તાનનો સૌથી
પહેલી, સંસ્થા તરીકે ચલાવતી સંન્યાસી
વ્યવસ્થા ભગવાન બુદ્ધે સ્થાપી. તેમના મઠ - વિહાર-માં સ્ત્રીઓને પ્રવેશ વર્જિત હતો.
સંન્યાસીનીઓને પોતાની ઈંદ્રિયો પર તો નિયમન કરવાનું રહેતું જ હતું, પણ તે સાથે બીજા સંન્યાસીઓને 'લલચાવવા'ના પણ નહોતા, એટલે ઘણા સમય બાદ જ્યારે તેમને મઠમાં
પ્રવેશ માટે પરવાનગી મળી, ત્યારે તેમણે પુરુષોથી
વધારે નિયમોનું પાલન કરવું પડતું હતું. આ વિહારો બુદ્ધનાં સ્મૃતિચિહ્નો પર બનાવાતા
સ્તુપને સમાવી લેતા ચૈત્યોની આસપાસ બંધાતા હતા. શિલાઓમાંથી કોતરી કઢાયેલાં
હિંદુસ્તાનનાં આ સૌથી પહેલાં ભવ્ય બાંધકામો હતાં.પ્રજોત્પતિ દેવીઓ કે રક્ષણહાર
દેવોનાં, દિવાલો કે છાપરાં વગરનાં એ
પહેલાંનાં, દેવાલયો નદીઓની બાજુમાં કે
ગુફાઓમાં, ઝાડ નીચે હતાં.
બૌદ્ધ વિચારધારાના
પ્રભાવને ખાળવામાટે કરીને ગૃહસ્થ જીવન જીવવાના આનંદને ઉજાગર કરવાને પ્રચલિત કરવામા
આશયથી પથ્થરોનાં મંદિર બાંધવાનું શરૂ થયું. મંદિરની દિવાલો અને વિધિઓમાં ગીત, નૃત્ય, ખોરાક અને પોષાક નાં ચિત્તાકર્ષક
સ્વરૂપો પ્રદર્શિત કરાતાં થયાં. તેમાં સ્થપાયેલ દેવી
દેવતાઓનાં લગ્ન વિધિઓની ઉજવણી, તિરુપતિમાં ઉજવાતા
બ્રહ્મોત્સવની જેમ,
ભવ્યસ્તરે કરાવા લાગી.
આ સમારંભોની વ્યવસ્થા મંદિરોનાં પૂજારીઓ અને નર્તકીઓ સંભાળી લેતાં હતાં. વિહારની
નિર્મળતા અને શાંતિથી આ મંદિરો બહુ દૂર બની રહ્યાં. અહીં તો શક્તિ અને સુખાનંદની
ભવ્ય સ્તરે ઉજવણી થતી. પણ બૌદ્ધ વિહારોની જેમ જ અહીં પણ અધિપત્ય, બ્રાહ્મણ, પુરુષોનું જ હતું. મંદિરની નર્તકીઓ, દેવદાસીઓ,નો પ્રભાવ જ્યારે બહુ વધી ગયો
ત્યારે તેમના પર 'ગણિકાઓ'ની છાપ મારી તેમને ભગાડી મૂકવામાં
આવી. આ વિષયમાં બ્રિટિશરો પણ થોડેઘણે અંશે,ક્યાંક, મદદરૂપ બન્યા.
પણ સંજોગોની વક્રતા એ
છે કે ગૃહસ્થ જીવનનાં મહત્ત્વને પ્રસ્થાપિત કરવા માટે રચાયેલ એક સમયનાં આ મંદિરો
પર આજે સાધુ મહંતોનો કબજો છે. બ્રહ્મચર્ય એ ધાર્મિકતા અને શુદ્ધતાની અધિકૃતતાની
છાપ બની રહેલ છે,
જે સ્ત્રીઓથી દૂર
રહેતા શનિ કે અયપ્પા જેવા દેવોમાં મૂર્તિમંત કરાયેલ જોઈ શકાય છે. આજના આધુનિક
ગુરુઓના આશ્રમોમાં પુરુષ સન્યાસીઓને માલિકીભાવજનક 'સ્વામી' તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સંન્યાસિનીઓને 'મા' તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં પણ
પુરુષના પરંપરાગત રક્ષક કે માલિકી ભાવ અને સ્ત્રીઓની પ્રજોત્પાદન અને ભરણપોષણ
કરનાર ભૂમિકાને જ પ્રાધાન્ય મળતું જોઈ શકાય છે.
આ બ્રહ્મચર્યને સ્ત્રી
જાતિ માટે માનસૂચક ગણવું કે તેના તરફના તિરસ્કારનું ચાલાકીભર્યું પ્રદર્શન ગણવું? રક્ષક દેવો, ગુરુઓ, સાધુઓ અને પુરુષ ભક્તો નારીજાતિથી
દૂર કેમ રહે છે ?
તાંત્રિક સાહિત્યમાં
સામાન્યપણે જેમ માનવામાં આવે છે તેમ તેઓ પણ માને છે કે અલૌકિક શક્તિઓને મેળવવા માટે વીર્ય બચાવવું
જરૂરી છે? કે પછી પોતાની જાતને શુદ્ધ રાખવા રજસ્વલા સ્ત્રીનાં શરીરમાંથી (મનાતી)
અશુદ્ધિઓથી દૂર રહેવા માગે છે ? આ ડબલાંઓ ખોલવામાં
તેમાંનાં જીવજં તુઓ બહાર આવી પડશે એમ માનીને આ બધી પ્રચલિત (કે પછી પરંપરાગત કે
અંધશ્રધાળુ) માન્યતાઓથી આજના કર્મશીલો એટલે અંતર રાખે છે.
દેવોને કોઈ પણ જાતપાત
કે જાતિથી પર બતાવીને,
વીસમી સદીના પ્રારંભના
પુરુષ પ્રભાવ હેઠળના હિંદુ મઠો અને આશ્રમોમાં પ્રચલિત એવી સ્ત્રી પુરુષને સમાન
ગણવાની નવ્યવેદાંતી બીન-પ્રજોત્પાદકતા આપણને ગોઠી ગઈ જણાય છે. માત્ર પુરુષને જ
પ્રવેશની અનુમતિ છે તેવાં મંદિરોમાં સ્ત્રીઓ દ્વારા કરાતા આક્રમક પ્રવેશમાં, પુરુષ હક્કોની અભેદ્ય કાચની છતમાં
એક વધારે ગાબડું પાડવાની નાટ્યાત્મકતા જરૂર છે, પરંતુ બ્રહ્મચર્યપાલનમાં વિશુદ્ધતા, અને કામુકતાને પ્રદુષણકારી, ભાળતી પિતૃપ્રધાન માનસીકતાનો તો
કાંગરો પણ તેનાથી નથી ખરતો.
- 'ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' માં જાન્યુઆરી ૩૧, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Gender bias in temples as old as the walls around them વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૧, ૨૦૧૬ના રોજ Indian Mythology • SocietyBuddhism, Celibacy, Devdutt Pattanaik, Hinduism, Monks, Temple, The Times of India ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો