શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2016

પીટર ડ્રકર : વ્યાપારનો સિદ્ધાંત \ The Theory of Businessપીટર ડ્ર્કર સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતોને કળાકૌશલ્યમાંથી એક માન્ય વિજ્ઞાનના સ્વરૂપે રજૂ કરનાર વિચારક તરીકે બહુ જ અગ્રણી હરોળમાં સ્થાન પામે છે. સાથી બ્લૉગ પરની 'મૅનેજમૅન્ટ ગુરુઓ' શ્રેણીમાં આપણે તેમનો પરિચય કરી ચૂક્યાં છીએ. સંચાલન વિજ્ઞાન પરના તેમના પથદર્શક મનાતા કેટલાક લેખોનો આપણે આ માધ્યમપર નિયમિતપણે પરિચય કરીશું.
******
Theoryના - ગૃહીત સિદ્ધાંત, માની લીધેલો સિદ્ધાંત, તાત્વિક સિદ્ધાંત- અને Principleના - મૂળ કારણ, મૂળ તત્ત્વ, મૂળભૂત સત્ય, આચારનો માર્ગદર્શક નિયમ, સિદ્ધાંત - એ બંને ગુજરાતી અનુવાદમાં પારિભાષિક શબ્દ તરીકે "સિદ્ધાંત"  સામાન્યતઃ સ્વીકારાતો રહ્યો છે. મેરીઅમ-વેબસ્ટર શબ્દકોશમાં  Theoryનાં જે કોઇ વૈકલ્પિક અર્થઘટનો સૂચવાયાં છે તે પૈકી "a belief, policy, or procedure proposed or followed as the basis of action" આપણે જે સંદર્ભમાં Theoryનો  પ્રયોગ કરવાનાં છીએ તેના માટે વધારે ઉપયુક્ત છે. Theory શબ્દનાં મૂળ મનાતા ગ્રીક thorósનું અંગ્રેજી સમાનાર્થ spectator (ગુજરાતીમાં: 'દર્શક') મૂળ શબ્દમાં અભિપ્રેત 'વાસ્તવિકતાની આપણી સમજનો માનસિક ચિતાર' જેવાં અર્થઘટનનાં હાર્દ ઉપર ભાર મૂકે છે. આ જ શબ્દકોશમાં Principle માટે સૂચવાયેલ અર્થઘટન "a comprehensive and fundamental law, doctrine, or assumption " સાથેનાં Theoryનાં અર્થઘટનની સરખામણી કરવાથી Theory  અને  Principle વચ્ચેનો અર્થ વધારે સ્પષ્ટ બની રહે છે. આ લેખનાં સંદર્ભે આપણે 'સિદ્ધાંત'ને 'સામાન્યતઃ સ્વીકૃત માન્યતા કે વિચાર'ના પર્યાય તરીકે વાપરતાં રહીશું.
શબ્દકોશની મદદ વડે Theory (કે તેના ખૂબ જ નજદીકના ગુજરાતી સમાનાર્થી સિદ્ધાંત’) જેવા શબ્દના અર્થની ચર્ચા માંડવાનો ઉદ્દેશ્ય સંસ્થા વડે ઘડાતી વ્યૂહરચનાઓ અને તેના અમલ માટેનાં પગલાંઓના સંદર્ભમાં "વ્યાપારનો સિદ્ધાંત' ને લઈને થતી રહેતી વ્યાપક ચર્ચાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો છે. 
****
૧૯૪૦-૫૦ના દાયકાથી સંચાલનક્ષેત્રમાં 'કેમ કરવું' એવી અવનવી તકનીકોની ચર્ચાઓ તો અમેરિકાનાં વ્યાપાર-ઉદ્યોગ જગતમાં વ્યાપક બની જ ચૂકી હતી. પરંતુ માત્ર અમેરિકામાં જ નહીં પણ ઔદ્યોગિક ક્રાંતિમાં સફળતાની હરણફાળ ભરી ચૂકેલા  યુરોપના દેશો કે જાપાનમાં પણ વેપારની ચડતી પડતીની ભરતી ઓટના ખેલમાં લાંબા ગાળા સુધી સ્પર્ધાત્મક રીતે ટકી રહેવા "શું કરવુ" એ યક્ષ પ્રશ્ન તો સંચાલન નિષ્ણાતો અને વ્યાવસાયિકો માટે વણઉકેલાયેલો જ જણાતો હતો.
એવું પણ ન હતું કે જે કંઇ થઈ રહ્યું હતું તે બરાબર ન હતું. મોટા ભાગના કિસ્સાઓમાં જે કંઈ થવું જોઈએ તે જ કરાતું હતું, પણ ફળમાં નિરાશા જ મળતી દેખાતી હતી. સંસ્થાનાં બજાર, ગ્રાહકો કે હરીફોનાં મૂલ્યો, અપેક્ષાઓ અને વર્તન કે કંપનીની ટેક્નોલોજીની બદલતી જતી તાસીર જેવાં અનેક પૂર્વાનુમાનો પર આધારિત પરિબળોનાં આવરણ વડે કંપનીનાં કાર્યક્ષેત્રનું વાતાવરણ રચાતું હોય છે. આ જ પૂર્વાનુમાનોના આધાર પર વ્યાપારની શરૂઆત પણ થતી હોય છે અને વ્યાપારનો વિકાસ પણ થતો હોય છે. જેની આવતી કાલ સદા અચોક્કસ છે એવાં વાતાવરણની વચ્ચે, સંસ્થાએ પોતાની પાસે ઉપલબ્ધ સંસાધનોના કાર્યક્ષમ વહીવટ વડે નફો રળતા રહેવાનું છે. આ પૂર્વાનુમાનોના સમુહને પીટર ડ્રકરે ૧૯૯૪માં હાવર્ડ બીઝનેસ રિવ્યૂના સપ્ટેમ્બર- ઓક્ટોબરના અંકના એક લેખમાં "વ્યાપારનો સિદ્ધાંત \ The Theory of Business" તરીકે ઓળખાવીને એક નવો જ માર્ગ કંડાર્યો.  
પીટર ડ્ર્કરનું કહેવું છે કે  સંસ્થાનાં વર્તનના પાયામાં આ પ્રકારનાં પૂર્વાનુમાનો રહેલાં હોય છે જે શું કરવું અને શું ન કરવું તે નક્કી કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે અને પરિણામોની સફળતા અને અસરકારકતા વિષે ફેંસલાઓ કરે છે.
૧૮૮૮માં કૉડૅક બ્રાઉની બજારમાં મૂકાયો ત્યારે એ સમયના સૌથી મોટા, સફળ અને શ્રેષ્ઠ કૅમેરાના ઉત્પાદક, જર્મન કંપની, ઝૈસના મુખ્ય અધિકારીએ તેને થોડાં વર્ષોમાં ભુલાઈ જશે તેવાં રમકડાં તરીકે હસી કાઢેલ. પણ એ પછી એક દસકાની અંદર જ કોડૅક એ ફોટોગ્રાફીનીની પહેચાન તરીકે સ્વીકૃત થઈ ચૂકેલ બ્રાંડ તરીકેનું સ્થાન મેળવી ચૂકી હતી. લગભગ છ-સાત દસકાનાં ફોટોગ્રાફીનાં ક્ષેત્રનાં વણથંભ્યા, બેરોકટોક નેતૃત્વના એક લાંબા અરસા પછી, જોતજોતામાં ડીજીટલ ફોટોગ્રાફીના ઉદયે કોડૅકનું અસ્તિત્ત્વનું નામોનિશાન મિટાવી કાઢ્યું.
એક જમાનામાં વિશાળકાય યંત્ર જેવાં કમ્પ્યુટીંગ મશીનના સર્જક આઈબીએમ (મૂળનામ - ઈન્ટરનેશનલ બીઝનેસ મશીન્સ)પણ એપલનાં રમકડાં 'મેકીન્તોશ'ને હસી કાઢી શકત. પણ તેણે તેમાં ભવિષ્યની અપાર શકયતાઓ જોઈ અને આજે આપણે જેને પીસી (પર્સનલ કમ્પયુટર) તરીકે ઓળખીએ છીએ તેને બે જ વર્ષમાં બજાર મૂક્યું, અને એક વાર તો એપલના છક્કા છોડાવી નાખ્યા.આજે એ જ આઈબીએમ પીસી નથી બનાવતું, પણ કમ્પ્યુટીંગ વ્યવસાયમાં એક સફળ કંપની તરીકે અસ્તિત્વમાં છે એટલું જ નહીં, પણ એ વ્યવસાયની ઘણી નવી પહેલનાં નેતૃત્વની સ્પર્ધામાં અગ્રીમ હરોળમાં સ્થાન ટકાવી રહેલ છે.
વ્યાપાર ઉદ્યોગનાં ક્ષેત્રમાં હોય કે પછી કોઈ પણ અન્ય ક્ષેત્રે પ્રવૃત્ત હોય, દરેક સંસ્થાના કાર્યવ્યાપારમાટે કોઈ એક મુખ્ય સિદ્ધાંત જરૂરથી હોય જ છે. જે કંપનીઓએ, કે સરકારો કે સમાજોએ, આ સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજ્યો અને અમલ કર્યો છે, તેમણે અપ્રતિમ સફળતાઓ સિદ્ધ કરી, અને જે તેમ કરવામાં થાપ ખાઈ ગયા તેઓ પાયમાલ પણ થઈ ગયા. એક સમયની અતિસફળ એવી કોઈ પણ સંસ્થા જ્યારે ઉલટા પ્રવાહનો સામનો કરવા લાગે છે, ત્યારે અર્થકારણની મંદી, કે અસહિષ્ણુ સરકારી નીતિઓ, કે સફળતાના નશાના અહંકારમાં દિવાલ પરના સંદેશ ન વાંચી શકવાની ભૂલ, કે લાલ ફીતાંની અમલદારશાહીની સામંતશાહી રીતરસમો જેવાં કારણોને આગળ કરતી જોવા મળે છે.
વાતનો મૂળ સૂર તો એ હોય છે કે કંપની કે સંસ્થાની આસપાસનાં વાતાવરણની વાસ્તવિકતાઓ બદલાઇ ચૂકી હોય છે, પણ ક્યાં તો કંપની એ બદલાવ સમજી  નથી શકતી કે પછી ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે તેમ બદલાવને સમજવા છતાં તેનો સ્વીકાર નથી કરાતો હોતો. આ માટે કારણો કે તાર્કીક જણાતા બચાવની દલીલો અનેક હોઈ શકે છે. પરંતુ, જો કંપનીની તેની કામગીરીમાં ઢીલી પડી રહી હોય, તો એ બધાંનું કોઈ જ મહત્ત્વ કે વજૂદ નથી
વ્યાપારના સિદ્ધાંતનાં ત્રણ ઘટક છે.
પહેલું ઘટક છે સંસ્થાની આસપાસના સમાજ તેમ જ સંસ્થાના માળખાંકીય આંતરપ્રવાહો, તેનાં બજાર, ગ્રાહકો અને સ્પર્ધા જેવાં પરિબળોથી રચાતાં સંસ્થાની આસપાસનાં વાતાવરણને લગતાં પૂર્વાનુમાનો.
બીજું ઘટક છે સંસ્થાનાં મુખ્ય ઉદ્દેશ્યને લગતાં પૂર્વાનુમાનોનું. જ્યારથી ધીરૂભાઈ અંબાણી માનવ-સર્જિત કૃત્રિમ ફાઈબરનાં ટ્રેડીંગના વ્યવસાયમાં દાખલ થયા ત્યારથી તેમનું સ્વપ્ન હતું કાપડથી કરીને કુદરતી તેલ સુધીની સમગ્ર પુરવઠા સાંકળમાં અગ્રણી સ્થાન ધરાવતા વ્યવસાયનું. રિલાયન્સે જ્યારે મોબાઈલ દૂરસંચાર વ્યવસાયમાં દાખલ થવાનું નક્કી કર્યું ત્યારે નાનામાં નાના માણસને પોષાય તેવો વ્યવસાય ઊભો કરવાની તેમની નેમ હતી.
ત્રીજું ઘટક છે સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા જરૂરી, પાયાનાં, કાર્યસામર્થ્ય વિષેનાં પૂર્વાનુમાનો. કૉડેકે ફોટોગ્રાફીના વ્યવસાયમાં કૅમેરા અને વિવિધ રંગોમાં ફોટોગ્રાફ લઇ શકાય તેવી ફિલ્મો અને તેને છાપી શકાય તેવા કાગળને પોતાનું પાયાનું સામર્થ્ય બનાવ્યું. જેને પરિણામે ડીજીટલ ફોટોગ્રાફીના ઉદયને કારણે ઉભરી રહેલાં નવાં માધ્યમો તરફ તેમણે જાણે ધ્યાન જ ન આપ્યું. પોતાની વ્યૂહાત્મક ભૂલની તેમને સમજ પડી ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હતું.
સંસ્થાનાં પૂર્વાનુમાનો દ્વારા રચાયેલ કંપનીની સંસ્કૃતિ અને તેનું પર્યાવરણ જો તેની આસપાસનાં વાતવરણ સાથે બંધ બેસતું હોય તો જ સંસ્થાનો વ્યવસાય નાણાં અને સફળતા રળી આપતો રહે છે.
આ જેટલું સરળ દેખાય છે તેટલું હકીકતમાં સરળ નીવડતું નથી. કંઈ કેટલાંય વર્ષોની આકરી મહેનત, બહુ જ સ્પષ્ટ વિચારસરણી, સફળતા-નિષ્ફળતાઓના પ્રવાહોમાં તરતા રહેવા સાથે તે અનુભવોમાંથી નવું નવું શીખતાં રહેવાની કશ્મકશ, અગાઢ ધીરજ અને અથાગ ખંત જેવાં કેટલાંય પરિબળોનાં સમીકરણોનો હિસાબ બેસે ત્યારે વ્યાપાર સિદ્ધાંતનું એક સાચું સંયોજન નીપજતું હોય છે. અને તે પણ કાયમ માટે સત્ય નથી રહેતું. સમયની સાથે થતાં આંતરિક તેમ જ બાહ્ય પરિવર્તનોની સાથે કદમ મેળવી શકે, તેમ જ ત્રણે સ્તરનાં પૂર્વાનુમાનો અને કૌશલ્યોમાં પણ સતત પરિવર્તન કરી આપે, એવી જડીબુટ્ટીની ખોજ અવિરતપણે ચાલુ જ રહે છે.
વ્યાપારના સિદ્ધાંતની યથોચિતતા ચાર બાબતો પર અવલંબે છે :
૧. વાતાવરણ, મૂળ ઉદ્દેશ્ય અને પાયાનાં કૌશલ વિષેનાં પૂર્વાનુમાનો વાસ્તવિકતા સાથે બંધબેસતાં હોવાં જોઈએ.
રિલાયંસનાં પહેલાં બે ઔદ્યોગિક સાહસો - નરોડાની કૃત્રિમ કાપડની મિલ અને પાતાળગંગા ખાતેનું પેટ્રોકેમિકલ એકમ વિશ્વસ્તરની ઉત્પાદનક્ષમતા નહોતાં ધરાવતાં. તેનું કારણ એ સમયે સંસ્થા પાસે ઉપલબ્ધ નાણાં સાધનો અને નાણાં સાધનોના સ્ત્રોત હતાં. વિશ્વસ્તરની ઉત્પાદનક્ષમતા ઊભી કરવા માટે નાણાંની મુશ્કેલી કાયમ માટે દૂર કરવા માટે ધીરૂભાઈએ તે સમયે નવપલ્લવિત થયેલ નાણાં બજારની ખૂબીઓને પોતાની આગવી સૂઝથી વિકસાવી અને એ રીતે નાણાંના સ્ત્રોત સાથે પોતાનો સીધો સંપર્ક સ્થાપિત કર્યો.
૨. ત્રણેય પ્રકારનાં પૂર્વાનુમાનો એકબીજાં સાથે સુસંબંધિત હોવાં જોઈએ.
રિલાયંસે પેટ્રોકેમિકલ્સના વ્યવસાયમાં ટકી રહેવા માટે ઉત્પાદન ખર્ચમાં વિશ્વસ્તરીય સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા માટે વિશ્વસ્તરીય ઉત્પાદનક્ષમતાનું મહત્ત્વ સમજી લીધું હતું. પાતાળગંગા પછીનાં તેમનાં બધાં જ એકમો માત્ર ટેકનોલોજી કે ઉત્પાદનક્ષમતાની દૃષ્ટિએ જ વિશ્વસ્તરીય ન બન્યાં પણ એ એકમો સ્થાપવા અને ચલાવવા માટેની સંચાલન કુશળતા પણ વિશ્વસ્તરીય બની રહી.  
૩. સસ્થામાં, અને સંસ્થા સાથે કામ કરતાં, બધાં જ લોકોને સંસ્થાના વ્યાપાર સિદ્ધાંતની બહુ જ સ્પષ્ટપણે જાણ અને સમજ હોવી જોઈએ.
કોઈ પણ વ્યાપાર સાહસ જ્યારે તેનાં શરૂઆતના તબક્કામાં હોય છે ત્યારે આ કામ કદાચ એટલું મુશ્કેલ નથી પરવડતું. પણ સંસ્થા જેમ જેમ સફળતાની સીડી ચડતી જાય તેમ તેમ સફળતાનો કેફ સફળતા માટેનાં મૂળ કારણોને અને તેના માટેની સજાગતાને વિસારે પાડવા લાગે છે. તે જ રીતે નિષ્ફળતાઓ પણ સંસ્થાના વ્યાપારના સિદ્ધાંત તરફથી દુર કરી નાખવાની ભૂમિકા પણ ભજવે છે. સંસ્થાની સફળતા, કે નિષ્ફળતા,નો આ સમય સંસ્થાની લાંબા ગાળાની સફળતા માટે બહુ નિર્ણાયક સાબિત થઈ શકે છે. 
૪. સંસ્થાના વ્યાપાર-સિદ્ધાંતને સતત ચકાસણીની એરણે રાખવો જોઇએ.
સંસ્થાનો વ્યાપાર-સિદ્ધાંત એ કોઈ પથ્થરમાં કંડારેલો શિલાલેખ નથી, એ તો છે ટેક્નોલોજી, બજાર, ગ્રાહકની અપેક્ષાઓ અને જરૂરિયાતો કે સમાજ જેવાં હંમેશાં પરિવર્તનશીલ પરિબળો વિષેની એક સીધીસાદી પૂર્વસ્વીકૃતધારણા. જે ઝડપથી, અને જે સ્તરે, આ પરિબળોમાં ફેરફાર થતા રહે છે એ જ ઝડપથી સંસ્થા પોતાના વ્યાપાર-સિદ્ધાંતમાં પણ યથોચિત ફેરફાર કરવા માટે સતત સક્ષમ બની રહે તે પણ મહત્ત્વનું બની રહે છે.
છેક પાયાની વિચારધારાથી માંડીને તેની ઉપરનું વ્યૂહરચનાઓના અમલનાં  ઘડતર સુધીનું વ્યાપાર-સિદ્ધાંતોનું સમગ્ર ચણતર એટલું ખમતીધર હોય છે કે તેની આવરદા ઘણી લાંબી રહી શકે, પણ શાશ્વત ક્યારેય નહીં. ગમે તેટલો પ્રસ્તુત અને નિરપવાદ જણાતો વ્યાપાર-સિદ્ધાંત પણ ક્યારેક તો કાલગ્રસ્ત બનીને અપ્રસ્તુત થવા લાગે જ છે. જે જે સંસ્થાઓના વ્યાપાર-સિદ્ધાંતના કાંગરા ખરવા લાગે છે, તેમની પ્રતિક્રિયા શાહમૃગની જેમ રેતીમાં માથું સંતાડી આંધી ટળી જશે તેમ માનવાની હોય તેવું મોટા ભાગે જોવા મળતું હોય છે. એક પ્રતિક્રિયા બીનસરકારક નીવડે એટલે પછી બીજા ઉપચાર થાગડથીગડ કરવાના હોય છે. ૨૦૦૫થી મકાનો પરની લોનનો મુદ્દો બહુ મોટી ત્સુનામીમાં પરિવર્તિત થઈ શકે શકે છે તેવું માનનારા અર્થશાસ્ત્રીઓને નઝર અંદાજ કરાયા. જ્યારે ૨૦૦૮માં સબપ્રાઈમ ઘટનાનાં વાદળોના અંધકારમાં એક પછી એક બેંક ડૂબવા લાગી ત્યારે વિશ્વની આદર્શ મૂડીવાદી અર્થવ્યવસ્થાની મશાલધારક મનાતી અમેરિકન સરકારને, પોતે ડૂબે તો બીજાં કેટલાંયને લઈ ડૂબે તેવી, નાણાંકીય સંસ્થાઓને સહાયનાં વિવિધ પૅકેજીસ વડે બચાવી લેવાની કાર્યવાહી કરવાની ફરજ પાડવી પડી.પડી. આભ ફાટ્યું હતું ત્યારે મારેલાં થીગડાના એક સાંધો તો તેર તૂટે એવા ટેભા મારવામાં આજે પણ આંતરરાષ્ટ્રીય નાણાંસંસ્થાઓ વ્યસ્ત છે.  
જે સંસ્થાઓ આવી રહેલાં પરિવર્તનનોની આંધીના અણસારા પારખી શકે છે તે સંસ્થાઓ તેમના પ્રવર્તમાન વ્યાપાર-સિદ્ધાંતની હવેના સમયમાટેની અધુરાશને સ્વીકારે છે અને આંધી આવ્યાં પહેલાં જ સંરક્ષણાત્મક પગલાંઓની પાળ બાંધે છે. એને કારણે સંસ્થાને જે સમય મળી જાય છે તેનો સદુપયોગ કરીને પોતાના વ્યાપાર-સિધાંતને નવેસરથી વ્યાખ્યાયિત કરવાની સાથે સાથે તે પોતાની નીતિરીતિઓમાં ફેરફારો કરે છે, સંસ્થાના લોકોને નવા સંજોગો અને નવા વિચારોને અનુકુળ કરવા સક્ષમ કરે છે અને નવાં કૌશલ્યોથી સજ્જ થવા લાગે છે.
નુકસાન ટાળવા માટેનાં નિવારક પગલાંને બે સ્તરે વહેંચી શકાય - એક છે પરિત્યાગનું અને બીજું છે સંસ્થાના દાયરાની બહાર બની રહેલી ઘટનાઓ, ખાસ તો બિનગ્રાહકોની વિચારસરણી અને વર્તણૂકનો અભ્યાસ.
પરિત્યાગ એટલે જે નીતિરીતિઓ, ઉત્પાદનો, વહેંચણી વ્યવસ્થા, સ્પર્ધાત્મક વ્યૂહરચના જેવાં પોતાના વ્યાપારનાં એક ચોક્કસ સમયગાળા મુજબ સફળ રહેલ દરેક પાસાંને તલસ્પર્શી રીતે ફેરચકાસણી માટે લેવું અને જે કંઈ આજ કે આવતી કાલ માટે પ્રસ્તુત નથી જણાતું તેને વળગી ન રહેવું. આ ફેરતપાસણી બહુ જ વિધેયાત્મક હોવી જોઈએ. દરેક પૂર્વાનુમાનો અને દરેક પરિણામોને પડકારાવાં જોઈએ, જેથી કરીને કંપનીની પોતાના વ્યાપર-સિદ્ધાંત અંગેની વિચારસરણી પણ ધરમૂળથી ચકાસાય. સંજોગો અતિક્રમી જાય તે પહેલાં જે નિર્ણયો લેવા જોઈએ તે લેવાય જ એવાં પરિણામો આવે તેવા સ્વપરિત્યાગની કક્ષાની આ ફેરચકાસણી હોવી જોઈએ. આ પરીક્ષાની કસોટીમાંથી પસાર થયા બાદ  સંસ્થામાં છેક ઉપરથી લઈને છેક નીચે સુધી તરોતાજાપણાંની લહેરો ઊઠતી જોવા મળી જોઈએ. વ્યાપાર-સિદ્ધાંતની દરેક ફેરતપાસણીને ભવિષ્યની નવી તકોના પ્રાદુર્ભાવ સ્વરૂપે જોવાવી જોઈએ.
બીજું સંરક્ષણાત્મક નિરોધક પગલું છે સંસ્થાની વિચારસરણી, પ્રવૃત્તિઓ અને ઘટનાક્રમોની દેખીતી સીમાઓની બહારની તરફ પણ નજર રાખતાં રહેવાનું. એ તો સ્વાભાવિક જ છે કે સંસ્થાની અંદર જે કંઈ ઘટનાવિશ્વ છે તેનાથી તો ઘણી વધારે વિશાળ દુનિયા તેની બહાર હોય. મોટા ભાગનાં પરિવર્તનો બહારની દુનિયામાં થતાં  હોય છે, પણ તે આપણને અસર નહીં કરે તેવા ભ્રમમાં, કે અતિવિશ્વાસમાં એ પરિવર્તનો આપણે ઉંબરે આવીને ઊભાં રહે નહી ત્યાં સુધી આપણે તેમના તરફ જોતાં નથી હોતાં. માહિતી ટેક્નોલોજીની હરણફાળથી પ્રવેગમાન થયેલ ઇન્ટરનેટની અસરો પરંપરાગત મુદ્રિત પ્રકાશન માધ્યમ, પરંપરાગતરીતે ચાલી આવતી જીવનજરૂરિયાતની ખરીદીની પદ્ધતિઓથી માંડીને ટેલીફોનદ્વારા થતા સંદેશા વ્યવહાર કે ટપાલ દ્વારા થતા પત્રવ્યવહારો જેવાં અનેક માધ્યમોને મૂળથી હચમચાવી ચૂકેલ છે. ટેલીવીઝન કે સિનેમાગૃહો જેવાં મનોરંજનનાં માધ્યમો કે બેંકો થકી થતા નાણાંવ્યવહારોનો હવે પછી વારો આવશે એવાં એંધાણો પણ ચોક્કસપણે જોવા મળી જ રહ્યાં છે !
આવનારાં તોફાનના અણસાર
દરેક સંસ્થાના દરેક સ્તરના સંચાલકોએ તેમના ટુંકા ગાળાનાં ધ્યેયસિદ્ધિની સકારાત્મકપણે સમીક્ષા કરતાં રહેવું જોઈએ. આવી સમીક્ષાઓ લાંબા ગાળાના ઉદ્દેશ્યોની સિદ્ધિમાં આવી પડનાર અડચણોની આલબેલ પોકારી આપતી તે કક્ષાની બની રહે તે પણ જરૂરી છે. બહુ વધારે પડતો, સાવ જ અણધાર્યો, ઝડપી વિકાસ, કે કોઈ જ દેખીતાં કારણોની ગેરહાજરી છતાં થતી પ્રગતિમાં ઢીલ, આવનારાં તોફાનનાં છડીદારની ભૂમિકા ભજવી રહેતાં હોય છે. આવી અણધારી સફળતા, કે નિષ્ફળતા, સંસ્થાના સ્પર્ધકને ત્યાં પણ થતી હોય તો તેમાંથી પણ સંસ્થા પોતાને માટે મહત્ત્વના બોધપાઠ મેળવી શકે છે. ખૂબજ ઇર્ષાપાત્ર હદે એવી સફળ હતી એવી લાંબી ભાગીદારીનાં માધ્યમ સમાન કંપની હીરોહોન્ડામાંથી જાપાની કંપની હોન્ડા છૂટી પડી ત્યારે તેમણે ભારતમાંના પોતાના નવા અવતાર સ્વરૂપ કંપનીનાં નામમાં સ્કૂટર્સ પણ રાખેલ. તે સમયે કોઈને પણ એવી કલ્પના ન હતી કે તેમની જ ભાગીદારી કંપની હીરોહોન્ડાની અપ્રતિમ સફળતાએ જેને ભવ્ય ભૂતકાળ બનાવીને બજાજ જેવી કંપનીઓને પણ સ્કૂટર બનાવવાનું છોડાવી દીધેલું, એ સ્કૂટર્સ હવે પછીનાં થોડાં વર્ષોમાં ફરીથી કુદકે ભુસકે વધતી દ્વિચક્ર વાહન શ્રેણી બની જશે. પણ આ એંધાણને બરાબર પારખવાનો ફાયદો મહિન્દ્ર એન્ડ મહિન્દ્રએ  બખૂબી ઉઠાવ્યો, સ્કૂટર્સ બનાવતી એ સમયની એક માત્ર કંપની કાઈનેટિક હોંડાની અસ્કયામતો મહિન્દ્ર એન્ડ મહિન્દ્રએ ખરીદી લઈ દ્વિચક્રી વાહનોનાં ક્ષેત્રમાં વૈવિધ્યકરણમાટેનું પહેલું પગલું માંડી દીધું હતું.
ઉપાયો
મોટા ભાગે વેરણ છેરણ થતી જણાતી સંસ્થાની ઉપાય શોધવાની પહેલી પ્રતિક્રિયા કોઈ કિમિયાગર શોધીને તેના હાથમાં જહાજનું સુકાન સોંપી દેવાની હોય છે. પણ કોઈ જ જાદુની છડીથી આ કામ પાર પડ્યું નથી અને પડશે પણ નહીં. આ સમયે, પ્રકૃતિદત્ત પ્રતિભાની નહીં પણ કમર કસીને થતી મહેનતની જરૂર છે; ચપળતાની નહીં પણ શુદ્ધ દાનતની જરૂર છે. વ્યાપાર જગતના ઈતિહાસમાં જે કોઈ એકલદોકલ ચમત્કારીક મુખ્ય સંચાલન  અધિકારીના દાખલા જોવા મળે છે, તેની સામે એવા કેટલાય અપ્રસિદ્ધ સંચાલકો છે જેમની મહેનતને કારણે સંસ્થા હરીભરી રહી શકી હોય છે. 
પણ કોઈ મેધાવી મુખ્ય સંચાલકનો ઈલમ કે ખૂબ જ મહેનતુ સંચાલકની ટીમ પણ કાલગ્રસ્ત થયેલ વ્યાપાર-સિદ્ધાંતને ફરીથી યુવાનીનું જોશ ન અપાવી શકે. એ સમયે ઢીલ કરવાથી મંદવાડ જીવલેણ બની શકે છે. એ સમયે તો પાટી કોરી કરીને નવો હિસાબ માંડી દેવા માટે કોઇ જ કારણ આડું ન આવવા દેવામાં જ ખરૂં શાણપણ છે.


રજૂઆતકારની નોંધઃ
થોરસ્ટાઈન વેબ્લેને, ૧૯૦૪માં સર્વપ્રથમ વાર પ્રકાશિત થયેલ, The Theory of Business Enterprise નામક એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક  વ્યાપાર-સિદ્ધાંતનાં કેટલાંક મૂળભૂત તત્વોની પાયાની ચર્ચા કરે છે. આ પુસ્તકનાં નામ પર ક્લિક કરવાથી એ પુસ્તક વાંચી શકાશે યા ડાઉનલોડ કરી શકાશે.