# કહાની ૧ # મહાસાગર પાર કરીને લંકા પહોંચવા બાબતે હનુમાનને પોતાની તાકાત પર બહુ ભરોસો નથી અનુભવાતો. ત્યારે જાંબવાન તેમને બાળપણની શક્તિની કથા કહી સંભાળાવે છે અને તેની છુપાયેલી શક્તિને શૂરાતન ચડે તેવાં ગીતો સંભળાવે છે. આમ યોગ્ય પ્રકારનાં પ્રોત્સાહન વડે હનુમાન સાવ જ અશક્ય લાગતું કામ સિદ્ધ કરી કાઢી શકે છે.# કહાની ૨# હનુમાન લંકાથી પાછા આવીને તેમણે સીતામૈયાને જોયાં એવા સમાચાર કહે છે. સમાચાર સાંભળી રામ ખુશ થાય છે. હનુમાન આગળ સમાચાર આપતાં કહે છે કે રાવણે તેમનું પુંછડું બાળવાનો હુકમ કર્યો ત્યારે એ સળગતાં પુંછડાંથી તેમણે આખી લંકા સળગાવી દીધી. આ વાત સાંભળીને રામ નાખુશ થયા. એ જોઈને હનુમાન કહે છે કે હવે પછી રામને દુઃખ થાય તેવું તે ક્યારે પણ નહીં કરે. રામની દરેક ઈચ્છા તેમને શિરોમાન્ય રહેશે.# કહાની ૩# લંકાને ઘેરો ઘાલ્યો હતો ત્યારે હનુમાનને ભાગે લક્ષ્મણને મૂર્છામાંથી પાછા લાવી શકાય તે માટે મેરૂ પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી શોધી લાવવાનું કામ સોંપાયું. એ જવામાં જ હતા ત્યારે જાંબવાને કહ્યું કે હનુમાન એટલા અજ્ઞાંકિત છે કે જો તેમને એ જડીબુટ્ટી લાવવાની પણ સ્પષ્ટ સુચના નહીં આપવામાં આવે તો તે માત્ર ખોળીને આગળ શું કરવું તે સુચનાની રાહ જોશે.# કહાની ૪# રાવણના મિત્ર મહિરાવણના હાથે રામ પોતાને ઉપાડી જવા દે છે. રામને શોધવા માટે હનુમાને પોતાની મેળે જ પહેલ કરવી પડે છે. આ નિર્ણય લેવાનું તેમને માથે આવી પડે છે. તે તેમાં ખરા ઉતરે છે અને રામને એકલા હાથે ખોળી કાઢે છે. એ માટે તેમણે ગરુડ, સુવર, સિંહ અને અશ્વનાં ચાર માથાં પણ ચઢાવવાં પડે છે. આમ તે એક વાનરથી પણ અદકી શક્તિઓને પોતાનામાં વિકસાવે છે. ત્યારથી મહાબલિ તરીકે ઓળખાયા છે.
રામાયણમાં વર્ણવાયેલ આ
ચાર કહાનીઓમાં હનુમાનમાં થતાં પરિવર્તનના તબક્કા સમજાવાયા છે.
પહેલી કહાનીમાં હનુમાન
એક દેવતા છે, પણ અશક્ય જ જણાતાં કામ કરી
શકવાની પોતાની શક્તિઓને પામવા માટે તેમને
તેમની શક્તિઓ બાબતે પ્રેરિત કરવા પડે છે.
બીજી કહાનીમાં દેવતા
એક અનુચર, કાર્યકર્તા, બની રહે છે. કાર્યકર્તા તરીકે
હનુમાન રામના એટલા આદર્શ દાસ બની રહે છે કે તેમને જે કંઈ કરવાનું કહેવામાં આવે તે
કોઈ પણ સવાલ કર્ય વગર એ કરતા રહે છે.
ત્રીજી કહાનીમાં રામને
સમજાય છે કે આંધળી ભક્તિવાળા કાર્યકર્તાઓ તેમને સોંપેલ કામ કરવામાં પોતાની
વિવેકબુદ્ધિ સાવ જ ન વાપરે તેવી પરિસ્થિતિ ઊભી થવાનું જોખમ રહેલ છે.રામ સમજી જાય
છે કે હનુમાનની અનુપાલન ભક્તિ પર વધારે
પડતું ધ્યાન આપવાથી તેમની પોતાની નૈસર્ગિક
ક્ષમતા કુંઠિત થતી જોવા મળે છે.
ચોથી કહાનીમાં રામ એવી
પરિસ્થિતિ ઊભી કરે છે કે હનુમાને પોતે પહેલ કરીને સમસ્યાના
હલ ઉપાય ખોળવા પડે. આમ, જરૂર પડે, રામ તેમના
કાર્યકર્તાને કર્તા તરીકે પણ સક્રિય થવા માટે
તૈયાર કરે છે. આમ રામ હવે એવા યજમાનની ભૂમિકા ભજવે છે જે તેમના
કાર્યકર્તાઓને જ્યાં જોખમ સ્વાભાવિક છે ત્યાં પણ અગ્રસક્રિય કર્તા થવા માટે પૂરતો
અવકાશ પૂરો પાડે છે.
દરેક સંસ્થામાં આ ચાર
પ્રકારનાં લોકો જોવા મળતાં હોય છે :
૧. દેવતા -
એવાં અનુયાયી કે જેને પોતાની શક્તિ મુજબ કામ કરવા માટે મનાવવાં પટાવવાં પડે, ક્યારેક લાલ આંખ કરીને પણ પ્રેરિત
કરવાં પડે.
૨. કાર્યકર્તા
- પ્રતિક્રિયાશીલ અનુયાયી, જે કહ્યું છે તેટલું
અચૂક કરશે, જેટલું કરવાનું છે તેટલું કરવા
માટે મનાવવા પટાવવાની જરૂર નથી, પણ કહ્યું તેનાથી
વધારે પણ નહીં કરે.
૩. કર્તા - સક્રિય આગેવાન જે કામ કરવા માટે, તે અંગે વિચાર કરવા અંગે, નિર્ણય લેવા અંગે કે જવાબદારી
સ્વીકારવામાં, આપમેળે પહેલ કરશે.
૪. યજમાન: એવા નેતા જે બીજા આગેવાનો તૈયાર કરે છે.
માનવ સંસાધન વિભાગના
વડા, રાજેશ, સમજે છે કે તેણે અમલમાં મૂકેલ પ્રતિભા વિકાસ કાર્યક્રમને
ધારી સફળતા નથી મળતી કેમ કે, મુખ્ય સંચાલક બહુ જ
અસલામતી અનુભવે છે. અંકુશ અને ધાર્યાં જ પરિણામો મેળવવા બાબતે તેને એટલું ઘેલું
લાગેલું રહે છે કે નાનામાં નાની વાતમાં તેમનો ચંચુપાત હોય જ છે. તેઓ એટલી હદ સુધી
વિગતવાર પ્રક્રિયાઓ ઘડતા રહે છે કે તેમના સહયોગીઓની પહેલવૃતિ સાવ જ મરી પરવારે છે.
જે લોકો ખરેખર પ્રતિભાવાન છે તેમને એટલી હદે ગુંગળામણ થાય છે કે તેમને નિર્ણય લેવા
માટેની જરા સરખી મોકળાશ જ્યાં જોવા મળે છે ત્યાં તેઓ તેઓ ચાલતી પકડે છે. રાજેશને
હવે ચારે બાજૂ કાર્યકર્તાઓ જ જોવા મળે છે.
કંપનીના મુખ્ય કર્તા જ
જ્યારે યજમાન થવા તૈયાર નથી ત્યારે કાર્યકર્તાઓ એવા દેવતા જ બની રહે જેમને પોતાની
શક્તિ મુજબનું પોતાનું જ કામ કરવા માટે પણ મનાવવા પટાવવા કે ડરાવવા ધમકાવવા પડે.
મોટા ભાગના નેતાઓને પોતાની ટીમોમાં દેવતાઓ જ જોવા મળતા હોય છે જે પહેલ કરવાની કે
જવાબદારી લેવાથી પાછળ હટતા રહેતાં હોય છે. એટલે જ કદાચ, મોટા ભાગની સંસ્થાઓમાં પોતાનાં કામ અંગે સ્વપ્રેરણાનું
મહત્ત્વ સમજાવતા અને માલિકીભાવ જગાવવા
માટેના પ્રેરણાત્મક કાર્યક્રમો વધારે પ્રચલિત થતા જોવા મળે છે.
મોટા ભાગના નેતાઓને
તેમની ટીમમાં કાર્યકર્તાઓ જ જોઈતા હોય છે જે તેમની સૂચનાઓનો
સવાલ પૂછયા વિના અમલ કરે. બીજાંએ શું કરવું એ માત્ર પોતે જ નક્કી કરવું,
કે પોતે કહે તેટલું જ
બીજાં કરતાં રહે, એવી સત્તાનો નશો અતિપ્રભાવશાળી
કર્તાનાં દિલોદિમાગમાં છવાઈ જતો હોય છે. પણ સંસ્થાને માથું નીચું કરીને પાછળ
ચાલતાં ઘેટાં બકરાં કે સતત ડચકારા બોલાવીને ધણને હંકારતા ગોવાળ જેવા કર્તાઓની નહીં
પણ યજમાનોની જ જરૂર છે, જે બીજા સ્વપ્રેરિત
સક્ષમ કર્તાઓને પેદા કરતા રહે અને કેળવતા રહે. જો કે આવા યજમાનોની ખેંચ સવત્ર જ
રહેતી હોય છે, તે એક બહુ અનિચ્છનિય, પણ કમનસીબે વાસ્તવિક, ઘટના છે.
મોટા ભાગનાં લોકોને
માટે હનુમાન એવા આદર્શ કાર્યકર્તા છે, જે ખુદ છે તો બહુ
પ્રતિભાવાન, પણ કરે છે એટલું જ જેટલું તેમને
કહેવાયું હોય. એ લોકો રામને એવા નેતા તરીકે જૂએ છે જેમને લોકો પોતાને અનુસરે તેવું
જ પસંદ હોય. પણ હકીકતે, રામને આંધળા
ભક્તિભાવથી ભરેલા અનુયાયીઓ નથી જોઈતા. તેમને તો બીજા નેતાઓ બનાવતા રહેવામાં વધારે
રસ છે. એ ખરા અર્થમાં આદર્શ યજમાન છે. યજમાન થવા માટે પોતાના અનુયાયીઓને લંકા દહન
જેવા નિર્ણયો પણ લેવા દેવા પડે કે જે પોતાને બહુ ઓછા પસંદ પણ કદાચ હોય. આમ થશે તો
જ હનુમાન પહેલ કરી શકશે. પહેલ કરવામાં, કે કરવા દેવામાં, જોખમ તો રહેલું જ છે. દરેક વખતે જે
જેટલું ધાર્યું હોય તેમ તેટલું ન પણ થાય.
પરિણામ અણધાર્યાં, કે કંઈક અંશે અણગમતાં, પણ આવે. પોતાના નિર્ણયોમાં, અને નિર્ણયોના અમલમાં, ભરોસો બંધાવા દેવા થવા માટે જે નાની મોટી ભૂલો થાય તે થવા દેવાની
હિંમત પણ એકઠી કરવી પડે અને એ ભૂલોમાંથી નવું નવું શીખવાની માનસિકતા પણ કેળવવી
પડે. એ ભૂલોને ખોટા નિર્ણયો થી થતા બગાડ ગણવાને બદલે
સક્રિયતાની કેળવણી માટેનું રોકાણ ગણવા માટેનું વાતાવરણ ઘડવું જોઈએ.
કર્તા થવા માટે
કાર્યકર્તાએ એવા યજમાન થવું રહ્યું જે પોતાના, અને પોતાના સાથીઓના, નિર્ણયોને ખરાં દિલથી સરાહે અને શુદ્ધબુદ્ધિપૂર્વક થયેલા
અમલને પરિણામે મળતી નાનીમોટી નિષ્ફળતાઓને વખોડી કાઢવાને બદલે તેમાંથી પદાર્થપાઠ
શીખવાના સંન્નિષ્ઠ પ્રયાસોને અનુમોદન આપે.
'ધ સ્પીકિંગ ટ્રી' માં એપ્રિલ
૧૧,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, Leaders who create Leaders વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુન ૩૦, ૨૦૧૪ના રોજ Indian Mythology • Leadership •
Ramayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૨, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો