શુક્રવાર, 11 માર્ચ, 2016

પ્રક્રિયામાં થતાં પરિવર્તન તેમજ વિક્ષેપ એ બંનેને સંભાળી લેવાં રહ્યાં- તન્મય વોરા
પરિવર્તન વિષે બે બાબતોથી આપણે સારી પેઠે પરિચિત છીએ :

  • આપણી રોજબરોજની કામ કરવાની રીત (કે વિચારસરણી)માં જે કંઈ પરિવર્તન લાવે, તેનો વિરોધ આપણે સ્વાભાવિકપણે જ કરતાં હોઈએ છીએ.
  •  હાલમાં જે સ્થિતિમાં છીએ તેમાં રહેવાથી પડતી તકલીફો કરતાં તે સ્થિતિમાં પરિવર્તન કરવાથી થતી તકલીફો ઓછી હશે તો જ પરિવર્તન થશે.

ભવિષ્યની ઘટનાઓને જોઈ શકવું, આવનારા સંજોગો સાથે સાનુકુળ બની રહે તે રીતે પરિવર્તનનું આયોજન કરવું અને અમલ કરવો તેમ જ, સરવાળે, અપેક્ષાથી વધારે સારાં પરિણામો મેળવતાં રહેવું એ બહુ મોટી સ્પર્ધાત્મક સરસાઈ છે.
અર્થપૂર્ણ પરિવર્તન કરવા માગતાં દરેકે 'હાર્વર્ડ બીઝનેસ રિવ્યૂ'માં બ્રૅડ પાવરનો  બહુ જ રસપ્રદ લેખ, Overcoming The Disruption of Process Change, અને તેના પરની પ્રતિક્રિયાઓ જરૂરથી વાંચવાં જોઈએ. મને તેમાંથી આટલું નોંધપાત્ર લાગ્યું હતું:
પ્રક્રિયાનાં નવીનીકરણમાં લાગતાંવળગતાં લોકોને સામેલ કરવાથી, જે સુધારણા કરવા માગતાં હોઈએ તેના અમલમાં તેની સાથે સંકળાયેલાં લોકો ખુદ જ પરિવર્તનનાં ચાલક બળ બની રહે તે લાભ તો મળે છે, તે સાથે સાથે તેમનો પૂરો સાથ પણ મળી રહે છે. તેમ કરતાં કરતાં લોકોને પોતાને ઠીક લાગે તેવા પ્રયોગો કરવાની, સંજોગવશાત તેમાં નિષ્ફળ જવાની અને એ નિષ્ફળતાઓમાંથી, કંઈકને કંઈક, શીખવા જેટલી મોકળાશ પણ મળવી જ જોઈએ.
એ લેખમાં બ્રૅડ પાવરનું કહેવું છે કે -
પ્રક્રિયા નવીનીકરણને કારણે થતા વ્યય અને જોખમોને અતિક્રમવા માટે તેને ઝડપી, ઓછા ખર્ચાળ અને લવચીક પ્રયોગો  થકી અમલ કરવું જોઈએ. જરૂરી સંસાધનો માટે મંજૂરી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ અલગ રીતે કામ કરવાની મંજૂરી પર ભાર મૂકાવો જોઈએ.  નિષ્ફળતાને, તેમ જ તેને અતિક્રમવા માટે ફરી ફરીને થતા પ્રયાસોમાંથી પદાર્થપાઠો શીખવાને, સુધારણા પ્રક્રિયામાં જ આવરી લેવાં જોઈએ.
૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૬ના લેખ,  વિરોધ અને વિવેચન :૮ તથ્યો અને ૮ બોધપાઠ ,માં આપણે જોયું હતું કે વિરોધ અને ટીકાને નવું શીખવાની તકનાં રૂપમાં જોવાં જોઈએ. કહે છે ને કે જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે તેમ માનવું. ખેર, એ કક્ષાએ પહોંચવા માટે દરેક પરિવર્તનને, અને પરિવર્તન સામે થતા સ્વાભાવિક વિરોધ તેમ જ ટીકાને, નવું નવું શીખવાની તક તરીકે તો જોવું જ જોઈએ. જેમ કે :
પોતાના કર્મચારીઓની પસંદગીમાં ટોયોટા નવું શીખવાની તૈયારીને બહુ મહત્ત્વ આપે છે. એક વાર કામે લગાડ્યા પછી તેમની કામ કરવાની આદતોને તેઓ સતત અભ્યાસથી ઘડે છે. પ્રક્રિયા સુધારણા અને અનુકૂલનમાં દરેક સંચાલક પૂરા રસપૂર્વક ભાગ લે તે અપેક્ષિત  છે. શું અને કેમ ભૂલો થઈ તે સમજવામાં સમસ્યાઓ મદદરૂપ થશે તેમ માનીને સમસ્યાઓને આવકાર્ય ગણવામાં આવે છે.
હા, એક બાબત સાથે તો આપણે બધાં જ સહમત થશું કે કોઈ પણ સંસ્થા એવાં જ પરિવર્તનો પર ધ્યાન આપવા માટે વિચારશે જેના કારણે થતા ફેરફારો હકારાત્મક તો હોય જ, પણ તેની સાથે સાથે ગ્રાહકોનો સંતોષ કે ઉત્પાદકતમાં સુધારા જેવી તેની અસરો દૂરગામી હોય તેમ જ લાંબા સમય સુધી ટકી રહી શકે તેમ પણ હોય.
આપણે ફરી એક વાર ભારપૂર્વક કહીશું કે -
અગ્રણીઓ ગ્રાહકના સંતોષ જેવાં મૂલ્યોને ઉચ્ચ અગ્રીમતા આપે છે તે તેમણે પોતાનાં વાણી, વર્તન અને વિચારોના ઉદાહરણો વડે બતાવતાં રહેવું જોઈએ. અત્યારે જે સિદ્ધ કરી રહ્યાં છીએ અને હવે શું સિદ્ધ કરવું છે તે વચ્ચે જે અંતર છે તે બધાંની નજર સામે જ રહેવું જોઈએ.

અસલ અંગ્રેજી લેખ, Managing Process Changes and Disruption પરથી ભાવાનુવાદ