સામાન્ય રીતે જે સમયમાં બહુ શુભ કાર્યો નથી કરાતાં એવા મહિનાના કૃષ્ણ પક્ષમાં હિંદુઓને મન મહત્ત્વના એવા
શિવરાત્રિના પર્વની ઉજવણી કેમ કરાતી હશે ? શિયાળાના અંતમાં જ તેની ઉજવણી પાછળ કોઈ ખાસ કારણ છે? શિવરાત્રિ સાથે આવા કેટલાય સવાલો સંકળાયા છે જેનો 'સાચો' જવાબ કદાચ ક્યારે પણ જાણવા નહીં મળે. પણ, એ વિષે વિચાર કરવા સામે ક્યાં કોઈ પ્રતિબંધ છે ! અનુમાનોના અડસટ્ટાના ઘોડાઓ દોડાવવાથી કંઈ
કેટલાંય પાવન મનાતાં ધાર્મિક રહસ્યોનાં પડ ઉખેળીને અલૌકિક ધર્મપ્રેરણાઓની
દુનિયામાં ડોકીયું કરી શકવાના ફાયદા તો થવાના જ છે.
એક પરંપરાગત કથા મુજબ, એક અંધારી રાતે એક ચોર તેની પાછળ પડેલાં લોકોથી સંતાઈ જવા માટે બિલિનાં ઝાડ
પર ચડી ભરાણો. બિલિનું ઝાડ શિવનું વૃક્ષ હોવાનું ગણાતું હોવાથી તે અતિપવિત્ર હતું
તે તો તેને ક્યાંથી ખબર હોય ? રાતનો સમય પસાર કરવા માટે તે ઝાડનું એક એક પાંદડું તોડી તોડીને નીચે ફેંકતો
જતો હતો. નીચે એક શિવ
લિંગ હતું જેના પર આ પાંદડાઓ અર્ધ્ય સ્વરૂપે ચડતાં ગયાં ! આમ અજાણતાં જ એક ચોરના
હાથે થયેલ પવિત્ર કામે તેને શિવના અદના ભક્તમાં પ્રસ્થાપિત કરી દીધો. શિવના ભક્તોએ
શિવનાં મંદિરોમાં આખી રાતનાં આવાં જાગરણ કર્યાં હોય એવી તો અનેક કથાઓ સાંભળવા મળશે.
જો કે આ બધી કથાઓથી આપણને એટલું જ જાણવા મળે છે કે શિવરાત્રિ એ શિવની પૂજા માટે
શ્રેષ્ઠ સમય છે, પણ શિવરાત્રિ
ખુદ શા માટે આટલી પવિત્ર છે તે તો જાણવાનું બાકી જ રહ્યું છે.
દક્ષિણ ભારતના અમુક ભાગમાં બહુ પ્રચલિત એક કથા મુજબ આ
રાતે શિવ ભગવાને સમુદ્રમંથનમાંથી નીકળેલ હળાહળ વિષ પીધું હતું. એ વિષ તેમનાં ગળાની
નીચે ન ઉતરે તેમ કરવા માટે દેવી પાર્વતી આખી રાત તેમનું ગળું દબાવીને તેમની
બાજૂમાં જાગતાં બેઠા. તો સામે દેવો પણ એમ ઈચ્છતા હતા કે એ વિષનું એક ટીપું પણ
તેમના મોંમાંથી બહાર ન આવી પડે. એટલે તેઓએ આખી રાત શિવની સ્તુતિઓ ગાતા રહ્યા. આખી
રાતના ઉજાગરા દરમ્યાન દેવોના મનમાં ઉચાટ રહ્યો કે, પાર્વતી દેવીને નારાજ કર્યા સિવાય, શિવનાં મોંમાં ભરેલાં હળાહળ વિષથી વિશ્વને કેમ બચાવવું. આખરે, પરોઢિયે, એ વિષ શિવનાં ગળાંમાં જ શાશ્વત સ્વરૂપે સ્થગિત ગયું, તેમનું ગળું તેને કારણે નીલ રંગનું બની ગયું, (અને શિવ 'નીલકંઠ" તરીકે પણ હવે ઓળખાયા). એ રાતે થયેલ આખી રાતનાં જાગરણ સાથે
સંકળાયેલ શિવજીના માનવ જગત પરના ઉપકારના ભાવને હવે શિવરાત્રિનાં સ્વરૂપે ઉજવવામાં
આવે છે.
શિવની ભક્તિ કૃષ્ણ પક્ષની અંધારી રાતમાં કરવાની કંઇક
અંશે બિનરૂઢિગત કહી શકાય તેવી પ્રથા આમ તો
નવાઈ ન પમાડવી જોઈએ, કેમકે શિવને
લગતી કોઈ પણ બાબત આમ પણ પ્રચલિત માન્યતાઓને ક્યાં અનુસરતી હોય છે ! તે જ એક એવા
ભગવાન છે જેમના શૃંગારમાં ફૂલો કે ઝવેરાત નથી વપરાતાં. તેમનાં સમગ્ર અંગ પર તે
ભભૂત જ લગાડે છે, કમરની આસપાસ
હાથીનું ચામડું કે પોતાનાં શરીરની આસપાસ તેઓ વ્યાઘ્રચર્મ વીંટાળે છે, તેઓ ગળાંની આસપાસ નાગની માળા ધારણ કરે છે, તેમની માળાના મણકાઓ તરીકે જંગલી ધતુરાનાં ફૂલ અને રૂદ્રાક્ષ જોવા મળે છે.
ભાંગ તેમનું પ્રિય પીણું છે. ડરામણા ગણો તેમની આસપાસ નૃત્ય કરતા રહે છે. તેમનો
નિવાસ ઉજ્જડ બર્ફીલા પર્વતમાં છે. શિવરાત્રિએ આકાશમાં જે ચંદ્ર દેખાય તેવો જ અર્ધ
ચંદ્ર તેમની જટાને શોભાવે છે. આમ કૃષ્ણ પક્ષની તેરસની ઘટતી જતી કળાવાળો ચંદ્ર
શિવની પૂજામાં શા કારણથી પવિત્ર મનાય છે તે માટેનું એક કારણ અહીં મળે છે.
ચંદ્રનાં લગ્ન ૨૭ પ્રકાશપુજ નક્ષત્રો સાથે થયેલાં, પણ તેને તેમાંથી રોહિણી જ વધારે પ્રિય હતી. અણમાનીતી
રાણીઓએ પોતાના પિતા, પ્રજાપિતા દક્ષ,ને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રને સુધરી જવાનો આદેશ કર્યો.
ચંદ્રએ આ આદેશ માન્યો નહીં, એટલે દક્ષના શ્રાપને પરિણામે ચંદ્રને કાંસાં(ક્ષય)રોગ લાગુ પડ્યો. જેમ જેમ
દિવસો વીતતા ગયા તેમ તેમ ચંદ્રનું તેજ ઘટતું ગયું.દક્ષના ભયને કારણે કોઈ જ ચંદ્રને
તેની આ અવદશામાં મદદ કરવા તૈયાર નહોતું. થાકી હારીને, ચંદ્રએ શિવજીનું શરણ લીધું. શિવજી એ ચંદ્રને પોતાની જટામાં સ્થાન આપ્યું, જ્યાં દક્ષના શ્રાપની કોઈ અસર પહોંચતી નહોતી. શિવજીની
કૃપા દૃષ્ટિએ
ચંદ્રને કેવો ઉગારી લીધો, તે વાતની યાદ શિવજીની જટામાં
સ્થિત આ અર્ધચંદ્ર અપાવતો રહે છે. જેમને મ્રુત્યુનો ભય સતાવે છે, જેમનાથી જીવનની ક્ષણભંગુરતા નથી જિરવાતી તેઓ, જન્મ અને મૃત્યુનાં શાશ્વત ચક્રને અતિક્રમી ગયા છે તેવા, આ દૈવી યોગીનું શરણ શોધે છે.
તાંત્રિક પુરાણોમાં ચંદ્ર કુદરતનાં શીત, વિનમ્ર અને ક્ષણભંગુર પાસાંને દર્શાવે છે. જ્યારે સૂર્ય, કુદરતનાં ગરમ, પ્રભાવશાળી અને શાશ્વત પાસાંને દર્શાવે છે. બંને મળીને જીવનની સકળતા, બે વિરોધી બળોનાં મિલનને, દર્શાવે છે. શિવ જો ચંદ્રની
શક્તિનું રૂપ છે તો વિષ્ણુ સૂર્યનું. શિવ જીવનને અતિક્રમી ગયા છે, તો વિષ્ણુ તેમાં સક્રિય છે. શિવને તો લગ્ન પણ નહોતાં
કરવાં, પણ વિષ્ણુ
તેમને પરાણે જીવનચક્રમાં ઘસડી લાવ્યા છે.દેવીના દૂલ્હા થવાની તેમની સ્વીકૃતિને
કારણે મહાશિવરાત્રિની ઉજવણી વસંતના આગમનના થોડાં જ પહેલાં કરવામાં આવે છે. યાદ રહે કે હિંદુ પંચાંગ મુજબ શિવરાત્રિ પછી ફળદ્રુપતા, પ્રેમ અને આનંદનો તહેવાર, હોળી, આવે છે.
શૈવ કથાનકોમાં
શિવજીનાં પાર્વતી સાથેના વિવાહ એ બહુ મહત્ત્વની ઘટના છે અને મોટે ભાગે
શિવરાત્રિમાં એ કહેવાતી રહે છે.આ વિવાહે જોગીને ગૃહસ્થમાં ફેરવી નાખી, દુનિયાના ત્યાગને દુનિયાની સ્વીકૃતિ સાથે સાંકળી લીધો. દેવીનું
તેમની બાજુમાં સ્થાન થવાથી જોગી હવે ભોગી બની રહ્યા. આત્મા અને શરીર વચ્ચે, અહં અને અનંત વચ્ચે એક સંતુલન બની રહ્યું. શિવરાત્રિનું
માહાત્મ્ય પણ એમાં જ રહેલું છે એમ કહી શકાય. જીવનની નશ્વર વાસનાઓ અને અવિનાશી આનંદ, દુન્યવી જવાબદારીઓ અને દિવ્ય અપેક્ષાઓ, કે ભૌતિક જરૂરિયાતો અને આધ્યાત્મિક માંગ જેવાં જીવનનાં દ્વૈત પાસાંઓ
વિષે આ રાતનું જાગરણ આપણને વિચાર કરતા કરી
મૂકે છે. જ્યારે શિવ શક્તિના આશ્લેષમાં ભળે છે, જ્યારે ન્રુત્ય સંપૂર્ણ સંવાદિતાની કક્ષાએ પહોંચે છે, જ્યારે પરસ્પર વિરોધી એવી કોઈ પણ બે દ્વૈત વિચારધારાનું
સંતુલન સિદ્ધ થાય છે, ત્યારે સત્ય, જાગૃતિ અને આનંદ – સત્ચિતાનંદ- ની અમૂર્ત કક્ષા મૂર્ત બની રહે છે.
- 'ધ સ્પીકિંગ ટ્રી' માં ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Celebrating Shiva’s Holy Night વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર સપ્ટેમ્બર ૨, ૨૦૦૫ના રોજ Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૧૬, ૨૦૧૬
અનુવાદકની
પાદ નોંધઃ
ગયે અઠવાડિયે શિવ રાત્રિનું પર્વ ગયું.
શિવ તો અજન્મા છે, તો શિવરાત્રિ તેમના
જન્મની ઉજવણી તો નહીં જ હોય તેમ માની લઈએ. તો પછી શિવરાત્રિનું આટલું માહાત્ત્મ્ય
કેમ હશે? એવા પ્રશ્નોના જવાબ
ખોળવા માટે શ્રી દેવદત્ત પટ્ટનાઈકના જૂના લેખોમાંથી આજે અહીં રજૂ કરેલો આ લેખ બહુ
મદદરૂપ બની રહે છે. આ વિષય પર વધારે પ્રકાશ નાખતા 'ગુજરાત
સમાચાર'ની ૬-૩-૨૦૧૬ની 'રવિ પૂર્તિ'માં પ્રસિદ્ધ થયેલા બે અન્ય લેખની પણ
લિંક અહીં મૂકી છેઃ
- મહાશિવરાત્રી - શિવતત્ત્વમાં એકાકાર થવાનો ઉત્સવ - ડૉ. કુમારપાળ દેસાઈ
- શિવ તત્વને પામવામાં જ જીવ અને જીવન – શિવરાત્રિ: આ વિદેશીઓ પણ બીલીપત્રોને લાયક છે - હોરાઈઝન - ભવેન કચ્છી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો