વ્યક્તિની લાગણીઓનો
(ગેર)લાભ લઈને થતાં
ભાવનાત્મક
બ્લૅકમેલની પરંપરા લગભગ આદિકાળથી પ્રચલિત હોવી જોઈએ. રામાયણનું, સૌથી પહેલું, અને બહુ પ્રચલિત ઉદાહરણ બધાંને જ
ખબર છે - કૈકેયીએ રૂસણાં ત્રાગાં કરી દશરથ પાસે પોતાનું ધાર્યું કરાવી લીધું હતું.
દુર્યોધને પણ કર્ણની મિત્રની ફરજની અને એક સમયે તેના પર કરેલા ઉપકારની દુહાઈઓ દઈને
તેની ભાવનાઓનો (ગેર)લાભ લીધો હતો. પોતાનાં જ વડીલો અને ભાઈભાંડુઓ સામે શસ્ત્રો
ઉઠાવવા માટે ઢીલા પડી ગયેલા અર્જુનને ખુદ કૃષ્ણએ પણ ધમકી જ આપવી પડી હતી કે, 'જો તું મને ચાહતો હો,
તો આ (કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે)શસ્ત્રો ઊઠાવ".
એટલે પછી કૌટુંબિક
વ્યવહારોમાં પણ ભાવનાશીલ બ્લૅકમેલ પગ પેસારો કરી જાય તે તો સ્વાભાવિક જ ગણી
શકાય.મા બાળકને કહે છે, 'જો તને મારા માટે
પ્રેમ હોય તો આટલું તો તારે ખાઈ જ જવું પડશે.' બાપ દીકરાને કહે છે કે 'મારા ખાતર પણ તારે તારાં ભણતર પાછળ
દિલથી મહેનત કરવી જોઈએ.' કાકી કે મામી કહેશે કે, 'તારી પસંદગીની છોકરી આપણાં
કુટુંબની પરંપરાઓ નિભાવી નહીં શકે, તેને ભૂલી જા.' મામા કાકા કહેશે કે 'લગ્ન માટે તારી પસંદનાં પાત્રનાં
કુટુંબની આબરૂ આપણાં કુટુંબની સમકક્ષ નથી, લગ્નનો સંબંધ તો બરાબરીનાં
કુટુંબોમાં જ બંધાય.'
પ્રેમી પંખીડાંઓ પણ
લગ્નના કોલ કરાર કરતી વખતે પછીથી આ નોકરી ન કરજે, આ સ્થળે નોકરી કરીશ તો મને નહીં
ફાવે, તું તો અત્યારથી જ મારી સામે ધ્યાન
નથી આપતો(તી) જેવી કેટલીય શરતો કરતાં જોવા મળે છે.
ધર્મ એ તો આ
વ્યૂહરચનાને લાંબા અરસાથી અપનાવી લીધેલ છે. ધર્મપ્રચારકો કહેતા ફરે છે કે 'ઈશ્વરને સમલૈંગિકતા મંજૂર નથી કે
ધર્મ ગર્ભપાતની રજા નથી આપતો.' સંપ્રદાયો કહેશે કે 'આપણા ગુરૂના ફલાણા દિવસની ઉજવણીમાં
આટલું દાન (તો) કરો
(જ).'રાજકીય પક્ષો કહેતા જોવા મળે છે કે
'લઘુમતિઓએ તેમના વિકાસ (રક્ષણ) કે
દેશનું અને તમારૂં ભલું થાય એ માટે અમને જ મત આપો.'
કેટલાંય ઉત્પાદનોની
જાહેરાતોમાં 'એનાં કપડાંની સફેદી મારાથી વધારે
કેમ?' જેવાં કથનો સાંભળી સાંભળીને
બજારમાં એ ઉત્પાદન જ ખરીદવા આપણે એટલાં ટેવાઈ ગયાં છીએ કે આપણને તેમાં લાગણીભડકાઉ
બ્લૅકમેલ છે તેમ લાગતું પણ નથી. અને હવે 'દેશ માટે તમને પ્રેમ હોય તો
ટેલીવિઝનનો (આ કે પેલો) શૉ જૂઓ (જ)‘ જેવાં ગ્રાહકોભિમુખી
અર્થકારણના ભાવનાત્મક બ્લૅકમેલના દિવસો બહુ દૂર નથી !
પ્રાણી જગત ભાવનાત્મક
બ્લૅકમેલ જેવી રીતરસમને અનુસરતું નથી. જોકે , હળવા સૂરમાં કહીએ તો, જે લોકો પ્રાણીઓ પાળે છે તે
પોતાનાં પાલતુ પ્રાણીઓના વડે કરાતા પોતાના
બ્લૅકમેલના કિસ્સા બહુ ફૂલાઈ ફૂલાઈને ટાંકતાં હોય છે! તેમાં કોણ કારણ અને
કોણ અસર હશે એ અલગ ચર્ચાનો વિષય બની રહે છે. માનવ જાત ભાવનાત્મક બ્લૅકમેલને
લાગુ કરવા, તેમજ તેને તાબે થવા,પણ જલદી તૈયાર થતી જાય છે. આમ
થવાની પાછળનું મૂળ આપણી આસપાસનાં લોકો પાસેથી આપણા વિષે પ્રમાણપત્ર મેળવવાની આપણી
મનોવૃત્તિ કારણભૂત ગણી શકાય. આપણે ગમે તેટલાં સમૃદ્ધ કે દેશપ્રેમી કે નીતિવાન કે
હિંમતવાન હોઈએ, આપણને બીજાંઓ પાસેથી પુષ્ટિ ન મળે
ત્યાં સુધી કંઈક ખુટતું હોય એમ જ લાગતું હોય છે. બીજાંઓ પાસેથી પ્રમાણપત્ર
મેળવવાની આ સાહજિક બની ચૂકેલ મનોવૃત્તિનો સામેનાં લોકો ભરપૂર ફાયદો ઉઠાવી ન લે
એટલી ભોળી તો માનવજાત ક્યારેય પણ ક્યાં હતી ! તેઓ ફટ દઈને ન્યાય તોળવા બેસી જશે.
ગામનો ભૂવો તો નાળિયેર ગામ ભણી જ ફેંકે એ હિસાબે તેઓ (ન્યાય તોળવા માટેનાં) જે
માપદંડ નક્કી કરે તે તેમને અનુકૂળ હોય તેવાં જ નક્કી કરે એમ થવું પણ પછી તો એટલું
જ સ્વાભાવિક બની જવાનું! જ્યાં સુધી આપણા ખેલના નિયમો નક્કી કરવાની સત્તા આપણે
બીજાંને આપતાં રહીશું,
ત્યાં સુધી આપણે તેમને
ઈશારે નાચવા માટે પણ તૈયાર તો રહેવું જ રહ્યું.
એક દિવસ તો એવો આવશે જ
કે અત્યાર સુધી પૂર્ણપણે આજ્ઞાંકિત (બાળમાનસ) વ્યક્તિ એ કોચલાંમાંથી બહાર આવશે.
તમે જ આપેલો ખોરાક ખાવાની તે ઘસીને ના પાડશે, તમે નક્કી કરેલ પાત્ર સાથે પરણવાને
બદલે તે ભાગી જઈને પોતાની પસંદની વ્યક્તિ સાથે સંસાર માંડવાનું નક્કી કરી લેશે, તેને ગમતી હશે તે કારકીર્દી જ તે
અપનાવશે. જેવી આવી સ્થિતિ આવે એટલે પોતાનું છોકરૂં હવે કહ્યામાં નથી, 'એટલો મોટો થઈ ગયો કે પોતાનું જ
ધાર્યું કરે છે', ‘ઘરની શુખશાંતિ ભાંગવા બેઠો છે’, 'કયા ભવનો વેરી છે' જેવા સંવાદો સંભળાવા
લાગશે. હકીકતે, તે હવે બીજાંને વશ થવા તૈયાર નથી, તેને બીજાંનાં પ્રમાણપત્ર નથી
જોઈતાં. પોતાની કેડી હવે તે પોતે જ કંડારવા માગે છે.તેનો અર્થ એમ નથી કે તેને પોતાનાં
મતવ્યોનાં પાલન માટેજ આગ્રહી માબાપ માટે પ્રેમ નથી કે બીજાંઓના અનુભવની તેને કિંમત
નથી કે પોતાના નિર્ણયો પોતે જ લેવાને કારણે તેનાં સગાંવહાલાંઓમાં તે કદાચ થોડો ઓછો
સ્વીકૃત થશે તેની તેને સાવ પડી જ નથી..
'તારાં ભલાં માટેજ કરૂં છું' જેવા ગમે તેટલા ઉમદા આશયોની
જાહેરાત કરવા છતાં, બધાં જ ભાવનાત્મક બ્લેકમેલ કરનાર
મૂળતઃ પોતાનામાં જ લીન હોય છે. બીજાંને સમજવાં જોઈએ તે તેમને ખયાલ જ નથી હોતો. 'તેનાં ભલાં માટે જે સારૂ છે તે હું
કહું છું છતાં તે મુજબ તે કેમ નથી કરતાં?' એવો સવાલ જ તેમના મનમાં પેદા નથી થતો. જો એ સવાલ તેમને સમજાય તો તો સામાં
માણસની મનઃસ્થિતિ પણ તેમને સમજાવા લાગશે. પરિણામે ખુદને પણ તેઓ હવે બરાબર સમજી
શકશે. માનવસહજ ક્ષતિઓ અને ખામીઓ વિષે ચારે તરફ થોડી વધારે લાગણી અને સહાનુભૂતિ નું સકારાત્મક વાતાવરણ
સર્જાશે.. તેટલે અંશે ઉચ્ચભ્રૂ દંભ ની નકારાત્મકતા પણ ઘટશે.
- 'ધ મિડ ડે ' માં માર્ચ ૯,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, If you love me then… વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૩, ૨૦૧૪ના રોજ Indian Mythology • Mahabharata • Ramayana • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૩૦, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો