શુક્રવાર, 8 એપ્રિલ, 2016

નેતૃત્ત્વ અને અનૂકુલનક્ષમતા

તન્મય વોરા
આઈસીઆઈસીઆઈ બેંકનાં વર્તમાન મૅનેજિંગ ડીરેક્ટર, શ્રીમતી ચંદા કોછર, જ્યારે હજૂ મૂખ્ય નાણાં અધિકારીની ભૂમિકામાં સહ-મેનેજિંગ ડીરેક્ટરનાં પદ પર હતાં તે સમયે India Knowledge @ Whartonના “Business and Change” વિભાગમાં તેમનો એક ઈન્ટરવ્યુWhenever there is a challenge, I see an opportunity -  પ્રકાશિત થયો હતો. આપણામાંના મોટાં ભાગનાંને તો ખબર જ હશે કે ચંદા કોછરે તેમની કારકીર્દીની શરૂઆત, ૧૯૮૪માં, આઈસીઆઈસીઆઈમાં મૅનેજમૅન્ટ ટ્રેઈની તરીકે કરી હતી. પછીથી તેમને નવાં નવાં કામોની જવાબદારીઓ સોંપાતી ગઈ અને તેમ તેમ તેમની કારકીર્દી સફળતાની સીડીનાં પગથિયાં ચડતી ગઈ હતી.
તેમના આ ઈન્ટરવ્યુમાં તેમણે તેમની કારકીર્દીની સફરમાં અત્યાર સુધીમાં આવેલા તેમ જ હવે પછીથી આવનારા પડકારોને કેન્દ્રમાં રાખીને તેમના વિચારોની ચર્ચા કરી હતી. આ ઈન્ટરવ્યુમાં  મને જે વાત સૌથી વધારે અપીલ કરી ગઈ તે આ છે -
વ્યક્તિગત સ્તરે, એ બધું સહેલું નહોતું. જો કે મારૂં માનવું છે કે, સૌથી પહેલાં તો,  એક અગ્રણી તરીકે  (પરિસ્થિતિઓને) અનુકૂળ થવું જોઈએ, જેથી વ્યાપાર ઉદ્યોગની નવી પરિસ્થિતિઓને ઝડપથી સમજી લઈને આગળ વધી શકાય. એ પછી, એ દરેક પડકારને નવી તકનાં સ્વરૂપે જોવો જોઈએ. મારી સામે આવેલા દરેક પડકારને મેં માત્ર મારા માટે કંઈ નવું શીખવાની જ તક સ્વરૂપે નહીં પણ તે સાથે મારી સંસ્થા માટે પણ કંઈ નવું કરી શકવાની તકનાં રૂપે જોયો." 
એક વ્યક્તિ તરીકે જો હું નવી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન કરી ને વિકાસની મારી આ ઉત્ક્રાંતિની સાથે આગળ ન વધી હોત, તો એક નેતા તરીકે પણ પણ મારો વિકાસ ન થયો હોત. દેશ અને કંપની જેમ જેમ નવી દિશાઓમાં આગળ વધતા જાય તેમ તેમ આપણે પણ અનુકૂલન સાધતાં જવાની સાથે વિકસતાં રહેવું એ જ ખરો પડકાર છે."
આમ વ્યક્તિગત સ્તરે ભલે અનુકૂલન મારે માટે બહુ મોટો પડકાર બની રહ્યો, પણ બેન્કિંગ ક્ષેત્રનાં સાર્વત્રિક પાસાંઓનાં સંચાલનની મને જે તકો મળી તેવી અને તેટલી તકો વૈશ્વિક સ્તરે પણ કદાચ બીજાં કોઈ બેન્કર્સને મળવાનું સદ્‍ભાગ્ય નહીં રહ્યું હોય."
આ સંદર્ભમાં મને પણ મારો એક અનુભવ યાદ આવે છે.
એક વખતે હું મારા ઉપરી સાથે કામકાજમાં ફેરફારો બાબતે વાત કરી રહ્યો હતો. વાત વાતમાં મેં જણાવ્યું કે  અત્યારે જે વિભાગનું હું નેતૃત્ત્વ કરૂં છું તેને હજૂ વધારે વૃદ્ધિ કરવા માટે હું તૈયાર છું. તેના પ્રતિભાવમાં મારા ઉપરીએ મને કહ્યું કે , 'હું તમારા વિચારો અને પસંદની કદર જરૂર કરૂં છું, પરંતુ નેતૃત્વની ભૂમિકાના સ્તરે રહેલાં આપણે સૌએ એ પણ સમજવું જોઈએ કે આપણે અનુકૂલ્ક્ષમ પણ થવું એટલું જ મહત્ત્વનું છે. મેં તો મારી આખી જિંદગી દરમ્યાન એમ જ કર્યું છે. મેં કારકીર્દીની શરૂઆત સૉફ્ટવેર એન્જિનીયર તરીક કરી. પછી બીઝનેસ ઍનાલિસીસ ક્ષેત્રમાં પણ થોડાં વર્ષો કામ કર્યું. તે પછીથી ઉદ્યોગ સાહસિક પણ બન્યો, અને તેનાથી પણ પછી વેચાણ પણ સંભાળ્યું. આજે હવે હું એક પૂર્ણ સમયના ઑપરેશન્સ વિભાગનો અગ્રણી છું.થોડાં વર્ષોના અનુભવ પછી એક નેતા તરીકે વિકાસ સાધવા માટે દરેક વ્યક્તિએ, સંસ્થાની બદલતી પરિસ્થિતિઓ અને જરૂરિયાતો મુજબ, નવા નવા અનુભવો સાથે કામ કરવાની ઈચ્છા પણ રાખવી જોઇએ અને તેમાં સફળતા મેળવતા રહેવા માટે જરૂરી ક્ષમતા પણ કેળવવી જોઈએ. તેનાથી તમારી દૃષ્ટિ તો વિકસે જ છે પણ તે સાથે પોતામાં નવી નવી શક્તિઓ પણ નજરે ચડે છે. એક સફળ નેતા માટે આ બંને બાબતો  બહુ મહત્ત્વની છે. એક કક્ષાએ પહોંચ્યા પછી તમારામાં તમારા વ્યાપાર ઉદ્યોગની બારીકીઓ બાબતે બહુ જ સ્પષ્ટ સમજ,કૉમન સેન્સ અને કામ કરવા માટેની અદમ્ય ધગશ  જરૂરી બની રહે છે." તેમણે મને જે કંઇ કહ્યું તેમાંથી મારા માટે ઘણા સંદેશા હતા જે હવે મને નજરે ચડવા લાગ્યા હતા. આ નવો દૃષ્ટિકોણ મારી કારકીર્દીના, તેમ જ મારાં વ્યક્તિત્ત્વના, અંગત વિકાસ માટે બહુ જ મહત્ત્વનો બની રહ્યો.
તમારાં જીવનમાં આવેલાં પરિવર્તનો સાથે તમે શી રીતે અનુકૂલન સાધી શકયા? એ અનુભવમાંથી શીખવા મળેલ પદાર્થપાઠ અમારી સાથે વહેંચશો?
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ