બુધવાર, 12 ઑક્ટોબર, 2016

મદ્યપાનની રોમાંચકતા - દેવદત્ત પટ્ટનાઈક

જ્યારે દેવોએ ક્ષીર સાગર મંથન કર્યું ત્યારે તેમાં ઘણી બધી કિંમતી વસ્તુઓમાં એક રમ્ણી, વારૂણી, પણ મળેલ વરૂણ દેવનાં પુત્રી, વારૂણી સુરાનાં દેવી હતાં. મૂળે તો વાત મદ્યની છે પણ સુરા કહેવાથી થોડું સારૂં લાગે. મદ્ય કહીએ એટલે પાર્ટીઓ વગેરેમાં કાયદાનુસાર પીરસવાનો ભાવ આવે.

બહુ સ્વાભાવિક હતું કે વારૂણી ઈન્દ્રને બહુ પસંદ પડી ગયાં. ઈન્દ્ર તેમને સ્વર્ગમાં સાથે લઈ ગયા જેથી અપ્સરાઓ સાથેની મહેફિલોમાં ગાંધર્વોનાં સંગીત થોડાં ઔર સુરીલાં લાગે. પુરાણોમાંની આ વિગતોથી આપણને ખયાલ આવી જાય કે આપણા દેવો માટે સ્વર્ગની કલ્પના શું હતી !

 કૃષ્ણના વડીલ બંધુ બલરામનાં પત્ની તરીકે પણ વારૂણીના ઉલ્લેખો જોવા મળે છે. બલરામનો ધ્વજ તાડ- ધ્વજ તરીકે ઓળખખાય છે જેમાં તાડ વૃક્ષ પ્રતિક તરીકે જોવા મળે છે. ગામડાઓમાં તાડીનો એક નશા તરીકેનો પ્રયોગ પ્રચલિત હતો. ઘણાં પ્રાચીન કળા ચિત્રોમાં બલરામના હાથમાં સુરાનો પ્યાલો અને વારૂણીના હાથમાં સુરાનો ઘડો પણ જોવા મળે છે, જે બલરામનો સુરા પ્રેમ દર્શાવે છે.કૃષ્ણનાં મંદિરોમાં બલરામને તાડી અને ભાંગનો ભોગ ધરાવવામાં આવતો પણ જોવા મળે છે. કૃષ્ણના જટિલ કાવાદાવાઓમાં તેમને બહુ રસ નહોતો. તે તો તો સીધા સાદા વડીલ હતા જે વાતવાતમાં ગુસ્સે થઈ જતા અને એટલા જ જલદી મનાવી પણ લઈ શકાતા. કૃષ્ણનો સંબંધ જેમ વિષ્ણુ સાથે માનવામાં આવે છે તેમ બલરામનો સંબંધ શિવ સાથે માનવામાં આવે છે. અને શિવનો પણ નશીલાં દ્રવ્યો માટેનો પ્રેમ પણ પુરાણોમાં ઠેકઠેકાણે જોવા મળે છે!

શિવ ભક્તો શિવને દુધ પસંદ માને છે જ્યારે તેમનાં ભૈરવ સ્વરૂપને નશીલાં દ્રવ્યો સાથે સાંકળે છે. ભૈરવનાં સાથી તરીકે હંમેશાં ભૈરવી રહ્યાં છે જેને આપણે કાલી મા તરીકે પણ ઓળખીએ છીએ. કાલી માને આપણી ગ્રામ્ય સંસ્કૃતિમાં ગ્રામ્ય દેવતાઓ સાથે સાંકળવામાં છે જે રક્ષક પણ છે અને પ્રજોત્પતિનાં દેવી પણ છે. તમિલનાડુમાં શિવનાં ભયાનક સ્વરૂપની મુનીશ્વરન તરીકે પૂજા થતી જોવા મળે છે. મુનીશ્વરનની કૃપા મેળવવા માટે ભોગ તરીકે ભાંગ અપાતી. હવે તો તેની જગ્યાએ ક્યાંક ક્યાંક વિદેશી દારૂ પણ ધરવામાં આવે છે. આદીવાસી પરંપરામાં મહુનાં ફુલોમાંથી બનાવેલ મહુડો પણ નશા તરીકે પ્રચલિત છે. તેમના તાંત્રિક ગુરૂઓ, સમાધિમાં જઈને દેવીદેવતાઓ સાથે સંવાદ કરવા માટે મદ્યપાન કરતા જોવા મળે છે . 

પૌરાણિક કથાઓ મદ્યનો પ્રયોગ ઈન્દ્ર જેવા તવંગર વર્ગનાં અય્યાશીભરી મોજમજાનાં સાધન તરીકે જોવા મળે છે. તો સામે દુન્યવી માયાને દૂરથી નિહાળતા શિવ કે બલરામ જેવા સંન્યાસીઓના સાધન તરીકે કે પછી કાલિ કે મુનીશવરન જેવાં 'નીચલા' વર્ણોના દેવી દેવતાઓના ભોગ તરીકે પણ જોવા મળે છે. સમાજના 'ઉપર'ના સભ્ય વર્ગમાં સામાન્યતઃ તે નિશિદ્ધ માનવામાં આવે છે. સમાજના સૌથી ઉચ્ચ વર્ગમાં સ્થાન પામવા માટે બ્રાહ્મણત્વ અપનાવવું આવશ્યક માનવામાં આવે છે.એ માટે માત્ર માંસાહાર જ નહીં, પણ મદ્યપાનને પણ ત્યાગવું પડે.

આજની બોલીવુડની ફિલ્મોનો અભ્યાસ કરીશું તો 'કૂલ' દેખાવા માટે મદ્યપાન આવશ્યક તત્ત્વ જોવા મળશે. એક સમયે દારૂ દેવદાસ જેવા પ્રેમભંગ પ્રેમીઓ કે કુટુંબથી નિરાશ ‘શક્તિ’ જેવા જેવા પુત્રો કે ‘પ્રેમ-રોગ’ જેવી ફિલ્મોના બળાત્કારી ખલનાયકો કે પછી 'સાહિબ, બીબી ઔર ગુલામ' જેવી ફિલ્મોના વંઠી ગયેલ જમીનદારોનું પ્રતિક મનાતો. આજે હવે તે કુટુંબવત્સલ 'વિકી ડોનર' કે 'ક્વીન' જેવી નારીના મુક્તિનાં પ્રતિક તરીકે પ્રયોગાતો જોવા મળે છે. થોડી વાંકી નજરે જોવું હોય તો તેને પરંપરાગત બંગાળી ફિલ્મોમાંથી આજની આધુનિક દિલ્હી ફિલ્મોની પ્રશાખા તરીકે સ્થાપિત થયેલ પણ કહી શકાય.

જો કે આજે હવે દારૂનાં સેવન માટે ઘસાતું બોલવું વેદિયાપણું ગણાતું થવા લાગ્યું છે. તમે પાર્ટીઓ-મહેફિલોનાં ઠીકરાંફોડુઓ અને વધારે પડતાં ચોખલીયાં કહેવાઈ શકો છો.નશામાં વાહન ચલાવનારાં કે નશો કરીને દુષ્કૃત્ય કરનારા કે ઘરેલુ હિંસા પર ઉતરી આવનારા સામે આંગળી ચીંધવાથી લોકોની મજાક્નું સાધન બની રહેવાની શકયતાઓ પણ ન અવગણી શકાય.એટલે મદ્યપાનના રોમાંસને ચલાવી લઈ, લોકો દારૂ જવાબદારીપૂર્ણપણે પીએ કે ગમે તેટલો પીધા પછી, ભલે દૈવી ચમત્કારની મદદથી પણ, પરિપક્વ સમજ મુજબ વર્તે એટલી આશા રાખ્યા સિવાય બીજો કોઈ 'વ્યાવહારિક' માર્ગ દેખાતો નથી.
  • અસલ અંગ્રેજી લેખ, The Glamorization of Alcohol,  વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૩૧, ૨૦૧૪ના રોજ MahabharataShivaSocietyVishnu  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો