બુધવાર, 19 ઑક્ટોબર, 2016

હેતુનિષ્ઠાવાદ - ઍયન રેન્ડની દૃષ્ટિએમૂળતઃ હુ મુડીવાદની નહીં પણ અહંભાવની હિમાયતી છું; એમ તો હું અહંભાવની પણ નહીં, પણ વિવેક બુદ્ધિની સર્વોપરિતાની હિમાયતી છું. વિવેક બુદ્ધિની સર્વોપરિતા સ્વીકારી અને તેને સુસંગતપણે સતત અમલમાં મુકવામાં આવે તો બીજું બધું તો એની પાછળ પાછળ આવશે.
ઍયન રેન્ડ, “Brief Summary,” The Objectivist
ઍયન રૅન્ડે લોકોને સ્વાર્થી બનવા માટે આમ તો કંઈ કેટલુંય લખ્યું છે.
ઠીક, પણ એમાં એમણે નવું શું કહ્યું ? માણસ તો સ્વાર્થી જ છે. મને ફાવે તેમ કરો, વિચારબિચાર કરવાનું બીજાં માટે છોડો અને લોકોનો ઉપયોગ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરો એમ તો સદા કાળથી જ ચાલતું આવ્યું છે. અંહં! વિચાર્યા વગર વર્તવા માટે કે બીજાનો લાભ ઉઠાવવાની વાત ઍયન રૅન્ડ નથી કરતાં  એમ કરવું તે તો તમારા હિતમાં જ નથી એમ તેઓ ભારપૂર્વક કહેતાં રહ્યાં છે.
ઍયન રૅન્ડ જે કંઈ કહે છે તે કંઈક અલગ જ છે.
તેમનાં દર્શનમાં સ્વાર્થ એટલે :
          વિવેક બુદ્ધિના તર્કને અનુસરો, તરંગ કે માન્યતાને જ નહીં.
          જીવનમાં નિશ્ચિત હેતુ અને ઉત્પાદકતા સિદ્ધ કરવા આકરી મહેનત કરો.
          સાચું આત્મસન્માન મેળવો .
          તમારી પોતાની ખુશીની પાછળ લાગી રહેવું એ જ તમારૂં સૌથી અગ્ર નૈતિક લક્ષ્ય હોવું જોઈએ.
          સામેની વ્યક્તિની સાથે વ્યક્તિ તરીકે વર્તીને જ તમારી સમૃદ્ધિ હાંસલ કરો. આપસના વ્યવહારોનો આધાર પણ એકબીજાંનાં વ્યક્તિત્ત્વનાં સન્માનને જ રાખો.જેવું માન આપશો તેવું જ માન મળશે.
ઍયન રૅન્ડ કહે છે કે આપણાં જીવનનાં પહેલાં જ ચરણથી આપણે 'માનવ સ્વભાવનાં ઉમદા દર્શન અને જીવનની સંભાવ્ય ક્ષમતાની ખોજ કરતાં આવ્યાં છીએ.' એ દર્શન જ રૅન્ડની ફીલોસૉફી છે. ઍયન રેન્ડનાં લખાણોમાં એમની આ ફીલૉસૉફી ઠેર ઠેર કહેવાયેલી છે.
અન્ય પૂરક માહિતીઃ
Introducing Objectivism
૧૯૬૨માં એમને પૂછાયેલ સવાલ "હેતુનિષ્ઠાવાદ વિષે મને ટૂંકમાં કંઈક કહેશો?'ના જવાબમાં ઍયન રૅન્ડે રેકર્ડ કરેલ તેમના વિચારો
રૉક્ફોર્ડ યુનિવર્સિટીના ફીલૉસૉફીના પ્રોફેસર, ડૉ. સ્ટીફન હીક્સ, શિક્ષણની ફીલૉસૉફી વિષેનાં વ્યક્તવ્યોની શ્રેણીમાં હેતુનિષ્ઠાવાદ વિષે વાત કરતાં હેતુનિષ્ઠ તત્ત્વમીમાંસા અને જ્ઞાનમીમાંસાની સમજ આપે છે.
હેતુનિષ્ઠાવાદનાં આવશ્યક પરિમાણો
§  વાસ્તવિકતા
§  વિવેક બુદ્ધિ
§  સ્વહિત
§  મૂડીવાદ

વાસ્તવિકતા
'જે ઈચ્છીએ એ મુજબ જ થાય નહીં'
ઍયન રૅન્ડની ફિલૉસૉફીમાં જે છે તે છેનો સ્વીકાર છે. વાસ્તવિકતા છે. વાસ્તવિકતા એક વિષયનિષ્ઠ નિરપેક્ષ છે જેને ઈચ્છાઓ કે અપેક્ષાઓ ભેદી શકે તેમ નથી. પરંતુ આપણી વિચાર શક્તિ આપણને વાસ્તવિકતા સમજવાની ક્ષમતા આપે છે અને તેના થકી નવું નવું, જીવન ટકાવી રાખતું, કરતાં રહેવા માટેના વિક્લ્પો આપણી સમક્ષ સંભવે છે.કુદરતી તત્ત્વોની જૂદી જૂદી મેળવણીઓ કરી શકવાની શક્તિ જ મનુષ્ય પાસેની ખરી સર્જનાત્મકત તાકાત છે. આ તાકાત બહુ પ્રચંડ અને ગૌરવશીલ છે - રચનાત્મકતાની વિભાવનાનો અર્થ જ એ છે.' જીવનની ખોજમાં આપણે એ વાસ્તવિકતાની ખાસીયત શોધીને તેની અંદર સફળતાથી કામ લેવાનું છે.
અસ્તિત્ત્વનું હોવું એ સ્વયંસિદ્ધ સિદ્ધાંત અસ્તિત્ત્વ(વાસ્તવિકતા)ની વિશિષ્ઠ ખાસીયત છે - વિશ્વ કોઈ પણ જાતની સભાન અનૂભૂતિ સિવાય પણ અસ્તિત્ત્વ ધરાવે છે....અસ્તિત્ત્વના હોવાને પૂરેપુરું સમજવું એટલે કુદરત- સમગ્ર વિશ્વ-નું ન તો સર્જન શક્ય છે કે નથી વિનાશ તેમ સ્વીકારવું. કોઈ વડે, કંઈ પણ કીધે તે ન તો સર્જન પામશે કે નહીં તો વિલય પામશે. એ તત્ત્વોનાં ઘટકને અણુ કહો કે પરમાણુ  કહો કે હજૂ સુધી ન ખોળી શકાયેલ ઉર્જાનું કોઈ એક સ્વરૂપ કહો, તેના પર આંતર-પ્રતિતિ કે દૈવયોગનો કોઈ જ પ્રભાવ નથી. તમારૂં અસ્તિત્ત્વ એટલે કંઇક હોવું, કોઈ ચોક્કસ ઓળખ હોવી. જે કંઇ અસર છે એ છે ઓળખના નિયમની. ઓળખનો નિયમ કહે છે કે  જે હકીકત છે તે તો  હકીકત જ રહેશે, કોઈ પણ સભાનતાથી પર. તમે ગમે તેટલા જુસ્સાથી કંઈ ઈચ્છો, ગમે તેટલી તીવ્ર ઝંખના કે આશાભરી આજીજીઓ કરો, હકીકકત નહીં બદલી શકાય. હકીકતને અવગણવાથી કે ટાળવાથી પણ તેને ભૂંસી નાખી નહીં શકાય. હકીકત તો અચળપણે જેમ છે તેમ, ત્યાંને ત્યાં જ, રહેશે....કુદરત એ આધ્યાત્મિક નિરપેક્ષ પરિમાણ છે - કુદરત પ્રકૃતિગત રીતે કોઈપણ પ્રકારની ઈચ્છાશક્તિથી પર છે.
રૅન્ડની ફિલૉસૉફીમાં વાસ્તવિકતાને ફરીથી નથી તો લખી શકાતી કે નથી તો તેમાંથી છટકી શકાતું.તેનો તો સંન્નિષ્ઠપણે, ગર્વથી સામનો કરવો જ રહ્યો. તેને બહુ પસંદ એવાં એક કથનમાં ફ્રાંસિસ બૅકનનું કહેવું છે કે 'કુદરત પર હુકમ ચલાવવા માટે તેને તાબે થવું પડે.'
જે છે તે વાસ્તવિકતાના કોઈ વિકલ્પ નથી, નથી તેના કોઈ હરીફ કે નથી તેને અતિક્રમી શકાવાનું. વાસ્તવિકતાનો સ્વીકાર એટલે ઈશ્વર સહિત કંઈ પણ અલૌકિક કે ગૂઢ ધારણાઓને ત્યજવું.
વિવેક બુદ્ધિ
"લાડુ થાળીમાં પણ રહે અને ખાઈ પણ જવાય, એ બન્ને ન બને"
રૅન્ડની ફીલૉસૉફીમાં વિવેક બુદ્ધિનો અબાધિત સ્વીકાર કરવાનું સુચવાયું છે.બીજા શબ્દોમાં કહીએ તો પોતાનાં અંગત, વ્યાવસાયિક, સામાજિક, નૈતિક કે એવાં કોઈ પણ ક્ષેત્રમાં હંમેશાં હકીકતનો સામનો કરવો જોઇએ, તેનાં તાર્કિક કારણો તેમ જ તેનાં પરિણામો અને અસરો પસંદ પડે કે ન પડે તો પણ.
જ્ઞાનમીમાંસાનો હેતુ આપણે વિવેક બુદ્ધિથી તર્ક કરવાનું શીખવવાનો છે, જેમ કે કોઈ વિષય વિષે માનસિક ચિત્ર કલ્પવું, આપણા પારિભાષિક શબ્દપ્રયોગોને સુનિશ્ચિત કરવા,કોઈ પણ સિદ્ધાંતો કેમ નક્કી કરવા અને કેમ તેમનો અમલ કરવો.
વિવેક બુદ્ધિ આપોઆપ જ કામ નથી કરતી. આપણે આપણી વિચાર શક્તિને જાગૃત કરવી પડે છે, તેને ગતિમાં લાવવી પડે છે, હકીકતોને સમજવાનાં કામ તરફ તેને વાળવી પડે છે અને આ બધી સમજ મુજબ જે પગલાં લેવાનું સૂઝે તે સક્રિયપણે લેવાં પડે છે. જીવનમાં આપણે મૂળતઃ નક્કી કરવાનું છે કે 'વિચારવું કે ન વિચારવું'.
રૅન્ડનું કહેવું છે કે એક વાર તમે વિવેક બુદ્ધિના તર્કને અનુસરવાનું ચાલુ કરો એ પછી લાગણીઓ કે માન્યતાઓ કે આસ્થા કે સત્તા કે વ્યક્તિ કે વિચારમાટેની વફાદારી જેવી બાબતોને આપણે જિંદગીને દોરવા દેવાનું ન ચલાવાય. આ બધી બાબતો અને વિવેક બુદ્ધિ એ બન્ને લાડુ બન્ને હાથમાં રાખવાનો ખયાલ તો ત્યજી જ દેવો પડે.
અન્ય પૂરક માહિતીઃ
Ayn Rand on Reason

સ્વ-હિત
"માનવીના બધા જ આચાર વિચારનું અંતિમ સાધ્ય તેનું પોતાનું હિત જ હોય છે."
આપણને નૈતિકતાની જરૂર શું?
બહુ જ સરળ જવાબ કદાચ એવો હોઈ શકે કે આપણે આપણા હિતને સાધવા પહેલાં ઈશ્વર કે બીજાંનું ભલું કરવું એવી પાયાની શીખ નૈતિકતા શીખવાડે છે.
અહીં રેન્ડની વિચારસરણી સાવ જ અલગ પડતી જોવા મળે છે.તેઓ બહુ સ્પષ્ટપણે કહે છે કે નૈતિકતા આપણું સ્વ-હિત શું છે તે આપણને સમજાવે છે, એવું સ્વ-હિત જે આપણને ખુશી આપે છે.
આગળ જતાં તેઓ કહે છે કે 'માનવી પાસે ટકી રહેવાની કોઈ ચોક્કસ સંહિતા નથી....તેના માટે શું સારું છે કે ખરાબ, તેનાં જીવનને શેનાથી જોખમ છે કે નથી, તેણે કયા હેતુ સિધ્ધ કરવા, એ માટે શું સાધનો કામે લગાડવાં, એનાં જીવનનાં મૂલ્યો શું છે,એ પામવા માટે કયા માર્ગે જવું જેવી કેટલીય બાબતો વિષે અન્યથા જેના વડે તેનું જીવન ચાલી જાય છે એ ઈન્દ્રિયો વડે તેને આપોઆપ જ ખબર નથી પડતી.
આ જ તો નૈતિક અભ્યાસનું વિજ્ઞાન છે અને હેતુનિષ્ઠાવાદ પણ એ જ સમજાવે છે. રૅન્ડનું કહેવું છે કે,'પોતાને જે યોગ્ય જણાય છે તેવા માપદંડ વડે માણસ પોતાના આચારવિચાર, પોતાનાં મૂલ્યો કે પોતાના ઉદ્દેશો નક્કી કરે છે, જેથી કરીને પોતાની જિંદગીની સર્વોત્તમ ખુશીને સર્વાધિક માણતો રહી શકે. એનાં જીવનનો એક માત્ર મકસદ જ આ હોય છે.'
અન્ય પૂરક માહિતીઃ
Ayn Rand on Pursuit of Happiness


મૂડીવાદ
ક્યાં તો મને સ્વતંત્રતા આપો કે ક્યાં આપો મોત!
રેન્ડનું સ્પષ્ટ માનવું રહ્યું છે કે આદર્શ સમાજ કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વિનાનો રહેવો જોઈએ. એમની વિચાર સરણીમાં આજનાં અર્થતંત્રોમાં જે મુક્ત બજાર વ્યવસ્થા અને સરકારનાં નિયમનોનું મિશ્રણ છે એ નથી, જેમ અને જે કારણોસર રાજ્ય અને ધર્મને પણ અળગા રાખવાની વાત કરાતી રહી છે.
કોઈ જ હસ્તક્ષેપ વગરની મૂડીવાદની રૅન્ડની વિચારસરણી તેમના તત્વદર્શી દૃષ્ટિકોણનાં ઊંડાણમાંથી પેદા થાય છે.જે વ્યક્તિ વાસ્તવિકતાનો જ સ્વીકાર કરે છે, જેને માટે તેનાં મનનો નિરપેક્ષ તર્ક જ સર્વસ્વ છે, જેને માટે જેનો એક માત્ર નૈતિક ઉદ્દેશ તેનાં જીવનની નિર્ભેળ ખુશી છે, એ ખુશીને પામવા માટે  એ્ને તો વાણી વિચાર વ્યવહાર કે વ્યાપારનાં આવાં સ્વાતંત્ર્યથી ઓછું કંઈ ન ચાલે.
રૅન્ડના કહેવા મુજબ કોઈ જ હસ્તક્ષેપ વિનાનો મૂડીવાદ એ વૈયક્તિક હક્કોની તંત્રવ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં સરકારના ભાગે એક જ - અને તે છે પણ બહુ જ મહત્ત્વનું - કામ હોઈ શકે : વ્યક્તિના હક્કો પર તરાપ મારતા પ્રતિકારત્મક ભૌતિક બળપ્રયોગ પર હેતુનિષ્ઠ નિયમન લાગુ કરવાં.
અન્ય પૂરક માહિતીઃ
Ayn Rand on Founding Fathers


ઍયન રૅન્ડ કેટલીક બહુપ્રચલિત માન્યતાઓને પડકારે છે
પરોપકાર એ આપણી પવિત્ર ફરજ છે.
આ બાબતમાં એયન રૅન્ડની વિચાર સરણી બહુ જ આગવી કેડી કંડારે છે. તેઓનું કહેવું છે કે આપણને ઈશ્વર કે કોઈ અન્યની સેવા જ કરવાની એક માત્ર ફરજથી જન્મ નથી મળ્યો. આપણી પાસે આ એક જ જિંદગી છે, જેને આપણે જેટલી સારી રીતે જીવી શકીએ તે જીવવાની છે. પોતાનાં મૂલ્યોને ઉજાળે એવી જિંદગી જીવવાની અને એમાંથી આંતરખુશી પામવાની જ આપણી કોશીશ રહેવી જોઈએ.તર્કબદ્ધપણે વિચારો અને બીજાની જોહુકમીને વશ ન થાઓ. જ્યારે બીજાં લોકોનાં મૂલ્યો તમારાં મૂલ્યો સાથે એક થતાં હોય ત્યારે એવાં લોકો સાથે જરૂર સહકાર વિકસાવો.પરંતુ એ સિવાય પોતાનાં મૂલ્યોની સિદ્ધિ તરફના માર્ગ પર એકલા ચાલવું પડે તો ગૌરવભર નીકળી પડો. પરોપકારન ઝંડો પકડવાનો ન તો ઠેકો રાખો કે ન તો તમારૂં ભલું કરવાની જવાબદારી બીજાં પર નાખો.પોતાની જિંદગીને આગવી, સ્વતંત્ર રીતે જીવો.
પ્રેમ નિઃસ્વાર્થ છે
આપણે જેને અંગતપણે મહત્ત્વનું ગણીએ છીએ કે માન આપીએ છીએ તેને જ આપણે પ્રેમ કરીએ છીએ. જેને આપણે પ્રેમ કરીએ છીએ તેની સાથે આપણો એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. એ દૃષ્ટિએ જોઇએ તો 'નિઃસ્વાથ પ્રેમ' શબ્દપ્રયોગમાં વિરોધાભાસ જ પણ દેખાશે. હકીકત તો એ છે કે લાગણીપ્રધાન પ્રેમ સૌથી વધારે સ્વાર્થી ગણી શકાય કેમ કે બે પ્રેમીજનોનું દિલ અને દિમાગનું ઐકય બંનેની પોતપોતાની ખુશીમાં ન પરિણમે તો એ પ્રેમ ટકતો નથી.વળી એમ કરવામાં ખાસી મહેનત પણ કરવી પડે છે. રૅન્ડની બહુખ્યાત નવલથા 'ફાઉન્ટનહેડ'નું એક કથન છે - 'હું તને ચાહું છું' કહેવા માટે પહેલાં 'હું' કહેતાં આવડવું જોઈએ.
બધાં પાપોનું મૂળ પૈસો છે
જિંદગીમાં કંઈને કંઈ ઉપયોગી ઉત્પાદક પ્રવૃત્તિ કરવી એ એક મહત્ત્વનું કામ છે. આપણી આજની જીવનશૈલી, આજનાં અવનવાં સાધનોનું આપણી જીવન જરૂરિયાત બની રહેવું, આરોગ્યમય અને તંદુરસ્ત જીવન માટે જરૂરી આધુનિક તબીબી સેવાઓને લગતા કેટલાંય ખર્ચ અને એવાં કેટલાંય, બીજાં આજના સમયમાં આવશ્યક ખર્ચ એવાં છે જે આજથી થોડાં વર્ષ પહેલાં આપણે કલ્પ્યાં પણ નહોતાં. એ જ રીતે ભવિષ્યમાં પણ એક સરેરાશ જીવન ટકાવવા માટે જે ખર્ચ સ્વાભાવિક બની જશે તે પણ આપણે કલ્પી નથી શકતાં. પરંતુ એટલું તો ચોક્કસ છે કે આ બધું શક્ય છે માત્ર નાણાકીય સાધનોની યથોચિત ઉપલબ્ધિ થકી જ. રૅન્ડની નવલથા 'ઍટલસ શ્રગ્ડ'માં એક પાત્ર કહે છે કે, 'પૈસો ટકી રહેવા માટેનું એક સાધન છે'. રૅન્ડ આપણને ચેતવે પણ છે કે ' તમારી આજીવિકા માટે તમે જે ફેંસલો કરો છો એ જ ફેંસલો તમારાં જીવનને પણ લાગૂ પડશે.'
માણસના હક્કોનો સ્ત્રોત દૈવી નિયમો કે સંસદે ઘડેલા કાયદાઓ નથી, પણ ઓળખનો કાયદો છે.'' '' જ છે અને મનુષ્ય એક મનુષ્ય. માણસની પ્રકૃતિ અનુસાર, યથોચિતપણે, ટકી રહેવા માટે અસ્તિત્ત્વની શરતો છે. માણસે આ ધરતી પર રહેવું હશે તો તેની વિચાર શક્તિ વાપરવી એ તેનો હક્ક છે, તેના ખુદના સ્વતંત્ર નિર્ણય પ્રમાણે વર્તવાનો તેને હક્ક છે. પોતાનાં મૂલ્યો માટે કામ કરવાનો તેને હક્ક છે અને તેનાં કામની પેદાશ પોતાની પાસે રાખવાનો પણ તેને હક્ક છે.ધરતી પરનું જીવન જો તેનો હેતુ છે તો  તર્કસંગત જીવન એ તેનો હક્ક છે કુદરત જ તેને તર્કવિસંગત થવાનો નિષેધ કરે છે.
- ઍયન રૅન્ડ, ઍટલસ શ્રગ્ડ


ખાસ નોંધઃ Criticisms of Objectivismપર Objectivismને લગતા વિવેચનાત્મક લેખો અને અન્ય માહિતી સ્ત્રોતોની હાયપર લિંક્સ જૂદા જૂદા વિભાગો પ્રમાણે રજૂ કરાયેલ છે.


ગુજરાતીમાં રૂપાંતર માટે માહિતી સ્ત્રોતઃ   Introduction to  objectivism