શુક્રવાર, 6 જાન્યુઆરી, 2017

મૅનેજમૅન્ટ વ્યવસાયના પ્રવર્તમાન વ્યાવહારિક અમલમાં વિજ્ઞાન કેટલું અને કળાકસબ કેટલો?



થોડા સમય પહેલાં ડેવીડ એચ. ફ્રીમેનના હાવર્ડ બીઝનેસ રીવ્યૂમાં નવેમ્બર, ૧૯૯૨માં પ્રકાશિત થયેલ એક લેખ- Is Management Still a Science?-નાં શીર્ષક પર નજર પડી. તે સાથે હવે પછી શરૂ કરવા ધારેલી નવી શ્રેણી અંગે વિચારમાળા શરૂ થઈ ગઈ.
વીસમી સદીના શરૂઆતથી મૅનેજમૅન્ટ વ્યવસાયને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તરાસવાનો ઉપક્રમ તો બહુ જ સંન્નિષ્ઠ અને વ્યાપકપણે થઇ રહ્યો છે. શું તેમ છતાં પણ, આજે મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલીઓ અને વિચારસરણી ખરેખર વૈજ્ઞાનિક સ્તરે પહોંચી શકેલ છે? કે પછી હજૂ પરંપરાગત કળાકસબ વધારે હાવી છે?
આજે પણ આ સવાલ વાતાવરણમાં ઘૂમરાય તો છે. એવું કેમ હશે?
પહેલાં તો એ લેખની ટૂંકમાં સમીક્ષા કરીએ –
મૅનેજમૅન્ટ વવસાય સાથે જોડાયેલ દરેક કક્ષાની વ્યક્તિ આજે એટલું તો સુપેરે જાણે અને સ્વીકારે છે કે નવાં ઉત્પાદનો, બજારો, વ્યવસાય પ્રક્રિયાઓ અને આખાને આખા વ્યાપારઉદ્યોગોને  ઘડવામાં, તેમ જ તેમનું નવરૂપાંતરણ કરવામાં, નવી નવી ટેક્નોલોજીઓ વધારેને વધારે ભાગ ભજવી રહી છે. તેને કારણે આજના વ્યાપાર ઉદ્યોગની સાથે સંકાળાયેલ વાતાવરણમાં ધરમૂળના ફેરફારો થતા જ રહે છે. તેમ છતાં, જેમ જેમ નવી નવી ટેક્નોલોજીઓ સ્પર્ધાત્મક વાતાવરણપર ઘેરાય છે તેમ તેમ નેતૃત્ત્વ, પરિવર્તન સંચાલન કે આંતરિક પ્રેરણાનાં બળનાં સામર્થ્યથી સંકળાયેલ કર્મચારીઓ જેવાં કળાકસબનાં માર્મિક પાસાંઓ વધારેને વધારે ચર્ચામાં જોવા મળે છે.
થોડો વધારે વિચાર કરશું તો જણાશે કે આ વિરોધાભાસ એટલો બધો આશ્ચર્યજનક પણ નથી. મૅનેજમૅન્ટ પ્રત્યેના પરંપરાગત વૈજ્ઞાનિક અભિગમ વડે સજ્જ સંચાલક આજની સંકુલ સંસ્થાઓને સક્ષમ દોરવણી  પુરી પાડવા માટે જરૂરી વિશ્લેષણ કરી શકવાની,આગહી કરી શકવાની અને પ્રતિભાવોને નિયમન કરી શકવામાટે પૂરતી કાબેલિયત ધરાવતો હોય તેમ અપેક્ષા કરવામા આવે છે. પણ જે દુનીયામાં આજનો સંચાલક વસે છે તે પોતે જ વધારેને વધારે અણધારી, અનિશ્ચિત અને કદાચ વધારે અનિયંત્રણીય જણાય છે.
આજનાં આ વધારે ગતિશીલ અને અસ્થિર વ્યાવસાયિક જગતમાં, પરંપરાગત 'વૈજ્ઞાનિક મૅનજમૅન્ટ" અભિગમ ઓછો ઉપયોગી જ નથી જણાતો, પણ કંઈક અંશે વધારે પ્રતિકૂળ પણ અનુભવાઈ રહેલ છે. ખૂદ વિજ્ઞાન જ સંચાલકોની આજની ચિંતાઓના સંદભમાં વધારેને વધારે અપ્રસ્તુત જણાવા લાગ્યું છે.
તેમ છતાં એટલું તો જરૂર કહી શકાય કે મૂળ સમસ્યા મૅનેજમૅન્ટ પ્રત્યેના વૈજ્ઞાનિક અભિગમની અપૂર્ણતા નથી પણ સંચાલકોની વિજ્ઞાન વિષેની સમજની અપૂર્તતા વધારે પ્રસ્તુત સમસ્યા છે.
સીધી ભાષામાં કહીએ તો  પરંપરાગત વિજ્ઞાનનો ભાર ઘટનાઓનું વિશ્લેષણ, ભવિષ્યની ઘટનાઓનાં વલણને પારખવુ અને તેમનું નિયમન કરવા જેવી બાબતો પર વધારે હતો, જ્યારે આજનું વિજ્ઞાન અરાજકતા અને જટિલતા પર વધારે ભાર મૂકે છે.
સંકુલ વર્તણૂકને લગતા જે નિયમોનું વર્ણન આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો કરે છે તેની સાથે કંપનીઓ જે પ્રકારનાં સંસ્થાકીય વર્તન કરે છે  તેમાં બહુ રસપ્રદ સરખાપણું જોવા મળે છે. જે વિજ્ઞાન તકનીકી નાવીન્યકરણનો અંતિમ સ્ત્રોત માનવામાં આવતું હતું તે જ વિજ્ઞાન સંચાલકો માટે દુનિયાને નવી નજરે જોવા માટેનાં એક નવાં સાધન તરીકે ઉભરી શકે છે.
આ તબક્કે લેખમાં બહુવિધ સાહિત્યની છણાવટ દ્વારા નવાં વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટની રૂપરેખા આલેખવામાં આવી છે. આ બધામાં જે એક સૂર સામાન્યપણે નીકળતો જોવા મળે છે તે એ છે કે મૅનેજમૅન્ટ એ વિજ્ઞાન જરૂર છે, પણ સંચાલકો અત્યાર સુધી માનતા હતા તે મુજબનું નહીં.
લેખમાં વીસમી સદીમાં મેનેજમૅન્ટ વિજ્ઞાનના વિકાસના જે ચાર મુખ્ય પ્રવાહોની ચર્ચા કરવા મટે જે ચાર યાદગાર પુસ્તકોનો સંદર્ભ લેવામાં આવ્યો છે તે છે –
The Principles of Scientific Management, ફ્રેડરીક વિન્સલો ટેલર (ન્યૂ યૉર્ક હાર્પર, ૧૯૧૧)
Chaos: Making a New Science, જેમ્સ ગ્લૈક (ન્યૂ યૉર્ક, વાઈકીંગ, ૧૯૮૭).
Complexity: Life at the Edge of Chaos, એમ. મિશેલ વૉલ્ડ્રૉપ (ન્યૂ યૉર્ક, સાઈમન ઍન્ડ શ્કૂસ્ટર, ૧૯૯૨).
The Fifth Discipline: The Art and Practice of the Learning Organization, પીટર એમ સૅન્જ (ન્યૂ યૉર્ક, ડ્બલડે, ૧૯૯૦)
ચર્ચાનાં તારણમાં લેખનો સૂર એ નીકળે છે કે 'આજના વૈજ્ઞાનિક સંચાલકોએ એવા સંશોધકો બનવાનું છે જેઓ તેમની સંસ્થાઓનો અભ્યાસ કરે છે. તેમણે એવા આલેખનસર્જક પણ થવાનું છે જે સતત નવીનતા અને પરિવર્તનોની ખાસીયતો ધરાવતાં જગતમાં અસરકારક કામગીરી માટે આવશયક એવી ક્રિયામૂલક પ્રક્રિયાઓ સર્જે જેના વડે સંસ્થાઓ સ્વબળે શીખતી રહી શકે.'
આ વિષયમાં જ આગળ શોધખોળ કરતાં હાવર્ડ બીઝનેસ રીવ્યૂ પર જ જાન્યુઆરી, ૧૯૭૫માં પ્રકાશિત થયેલ, હેન્રી એમ બૉએટીન્જરનો બીજો એક લેખ  - Is Management Really an Art?  - પણ વાંચવા મળ્યો. આ લેખમાં કલાત્મક પ્રક્રિયાનાં કૌશલ્ય, દીર્ઘદર્શન અને પ્રત્યાયન જેવાં ત્રણ અનિવાર્ય પાસાંની વિગતવાર છણાવટ કરવામા આવી છે. તારણમાં લેખક નોંધે છે કે:
સરકારી, જાહેર ક્ષેત્ર કે ખાનગી ક્ષેત્રની કે પછી લશ્કરી દળો કે ધાર્મિક કે શિક્ષણ ક્ષેત્રની દરેક પ્રકારની સંસ્થાઓનાં શૉપ ફ્લોરના કર્મચારીથી લઈને નિર્ણાયક મંડળનાં મૅનેજમૅન્ટનાં દરેક સ્તરે, આપણે વ્યક્તિની કલ્પનાશીલતાનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે.માનવીય પ્રયાસોના પ્રમાણસિધ્ધ જુસ્સાને પુનઃપ્રજ્વલિત કરતું રહી શકે તેવાં નેતૃત્ત્વને જગ્યા કરી આપવાની છે. સંચાલન કરવું એટલે જ દોરવણી પૂરી પાડવી. બીજાંને દોરવણી પૂરી પાડવી એટલે તેમનાં સંવેદનોને દીર્ઘદર્શન સાથે એવી રીતે સાંકળી લેવા કે એ દીર્ધદર્શન તેમનું પોતાનું દર્શન બની રહે. અને આ જો કળા નથી તો બીજાં શેને કળા કહેશું !
હાવર્ડ બીઝનેસ સ્કૂલના ચોથા ડીન સ્ટેનલી એફ. ટીલૅનું આ વિષયમાં કહેવું ઘણું સ્પષ્ટ છે. 'મૅનેજમૅન્ટ વિજ્ઞાન અને કળાનું મિશ્રણ છે.….જેમાં હાલમાં કળા ૯૦% અને વિજ્ઞાન ૧૦%છે.. જોકે છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘણી ઘટનાઓ આ પ્રમાણને ખરાં વિજ્ઞાનની તરફેણમાં રૂપાંતરિત કરી રહી છે.  હું એવો અડસટ્ટો લગાવવા તૈયાર છું કે હજૂ એકાદ પેઢી બાદ કળાનું પ્રમાણ ૮૦% અને વિજ્ઞાનનું પ્રમાણ ૨૦% થઇ જશે.'
મૅનેજમૅન્ટ વિચારધારાને વૈજ્ઞાનિક ઝોક આપવામાં સિંહફાળો ધરાવનાર પીટર ડ્રકર તેમનાં સીમાચિહ્ન પુસ્તક, The Practice of Management,માં કહે છે કે, '…ધંધા-વ્યવસાયનું સંચાલન એ અનુકૂલનશીલ કામ હોવાને બદલે રચનાત્મક કામ હોવું જોઈએ.સંચાલન મડળ અનુકૂલન કરતાં રહેવાને બદલે જેમ જેમ આર્થિક પરિસ્થિતિઓ પેદા કરે, કે તેમાં ફેરફાર કરે, તેમ તેમ તે વેપાર-ધંધાનું વધારે સંચાલન કરે છે.' તેઓ આગળ જતાં કહે છે કે, ' સંચાલક દરેક વેપાર-ધંધાનું ગતિશીલ, જીવનદાયી ઘટક છે.' … 'મૅનેજમૅન્ટ ક્યારે પણ ચોક્કસ વિજ્ઞાન ન હોઈ શકે' એવું તારણ કાઢવાની સાથે તેઓ ભારપૂર્વક કહે છે કે સંચાલકના કામનું પધ્ધતિસરનું વિશ્લેષણ અને વર્ગીકરણ થતું રહેવું જોઈએ.
આ તો થયા પશ્ચિમના વિકસિત દેશોના ગઈ સદીના મધ્ય ભાગના સમયના વિચારો.
આપણા દેશમાં તો પશ્ચિમની આ વિચારધારા છેલ્લાં ૫૦-૬૦ વર્ષમાં વધારે પ્રચલિત બની છે. તેની સાથે પાછી આપણી પૌવાર્ત્ય પરંપરાઓ અને માન્યતાઓ પણ તેમાં સ્વાભાવિકપણે ભળે તો ખરી જ. છેલ્લાં થોડાં વર્ષોથી આ વિષય બાબતે આપણાં પૌરાણિક શાસ્ત્રો અને પરંપરાગત માન્યતાઓ અને પશ્ચિમની 'વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટ વિચારસરણી'ના સમાંતર અભ્યાસના પરિપાકરૂપે પોતાનાં આગવાં અને રસપપ્રદ અર્થઘટન દેવદત્ત પટ્ટનાઈક કરી રહ્યા છે.  તેઓનું કહેવું છે કે આપણે શા માટે વેપાર-ધંધો કરીએ છીએ તેની અસર વેપાર-ધંધો શી રીતે કરીએ છીએ અને અંતે શું થઈને રહે છે તેના પર પડે છે.
આજકાલ બધાં જ મૅનેજમૅન્ટ વિશ્વવિદ્યાલયોમાં શીખવાડાતાં વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટથી આ વિચાર સાવ અલગ જ છે. વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટનું જે સાહિત્ય પશ્ચિમમાંથી આવ્યું છે, કે તેના પરથી જે સાહિત્ય પૌવાર્ત્ય દેશોમાં રચાયું છે, તેમાં માન્યતાને સ્થાન નથી અપાયું. માન્યતાને વ્યક્તિલક્ષી, સાપેક્ષ,સત્ય માનવામાં આવ્યું છે કારણકે તેને સામાન્યતઃ વપરાતી માપણીની રીતોથી માપી નથી શકાતું. જે માપી ન શકાય, અને તેથી કરીને ચકાસી ન શકાય, તેને વિજ્ઞાનની વિચારસરણીમાં સ્થાન કેમ કરીને મળે?
વિષયનિષ્ઠાના પાયા પર વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટની આખી ઈમારત ચણાઈ છે તેમ કહેવામાં આવે છે, પરંતુ એ પાયાનાં ચણતરની ઈંટો તો પાશ્ચાત્ય માન્યતાઓ જ છે.જેમ પ્રાચીન ગ્રીકમાં દેવકલ્પ વીરપુરુષોનાં બહુ-અપેક્ષિત સ્વર્ગ ઈલીસીયમની બોલબાલા છે, કે બાઈબલમાં ઈસુના સાચા વિશ્વાસુમાટે વરદાયિત ભૂમિ એ સર્વસ્વ પ્રાપ્તિલક્ષ્ય છે તેમ પશ્ચિમમાંથી વિકસેલ વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટમાં લક્ષ્યાત્મક દીર્ધદર્શન, કર્તવ્યો, હેતુઓ, સિમાચિહ્નો અને લક્ષ્યાંકોનું પ્રભુત્ત્વ છવાયેલું છે.
જ્યારે, વ્યાપારની ભારતીય ઉપખંડની પધ્ધતિના અણસાર અહીંની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. જો કે આ પૌરાણિક કથાઓ અનુસારની વ્યાપાર નીતિ-રીતિઓ વ્યવહારમાં પૂરેપૂરી ઉતરી નથી એ એક અલગ ચર્ચાનો વિષય છે. તેમ છતાં આ પ્રકારની કાર્યપ્રણાલીઓમાં વ્યક્તિલક્ષિતા અને વિવિધતાને સ્થાન મળી રહે છે. અહીની વ્યાપાર વિચારસરણીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે  મહ્દ્‍ અંશે સહાનુભૂતિપૂર્ણ વ્યવહારોનો પણ સમાવેશ થતો જોવા મળે છે.ભારતીય ઉપખંડનો વ્યાપાર અંગેનો અભિગમ લક્ષ્યાત્મકને બદલે વધારે દર્શનાભિમુખ છે. વ્યાપાર-ઉદ્યોગનો અંતિમ આશય સૌનાં સુખ અને ભલાં માટે હોવો જોઈએ એ અભિગમ પાશ્વાત્ય મૉડેલના દૃષ્ટિકોણને સાવેસાવ બાદ નથી કરતો.[1] દુનિયાનાં ભૌતિક સુખો, અને તે માટે જરૂરી સમૃદ્ધિનાં રૂપક સમાં લક્ષ્મીજી, પ્રત્યેનાં આપણાં બૃહદ દર્શનને ભારતીય ઉપખંડની વ્યાપાર નીતિરીતીની વિચારસરણીમાં અધિક મહત્ત્વ અપાતું રહ્યું છે.
દેવદત્ત પટ્ટનાઈકે પણ ભારતીય પધ્ધતિથી વ્યપાર કરવાના દૃષ્ટિકોણને વૈજ્ઞાનિક સ્વરૂપમાં મૂકવા માટે એક મૉડેલ સુચવ્યું છે, જેમને તેઓએ 3 B model કહ્યું છે. આ મૉડેલને તેઓએ એક સંક્ષિપ્ત પારિભાષિક નામ આપ્યું છે - બીઝનેસ સૂત્ર. બીઝનેસ સૂત્રનો સાર જણાવતાં તેઓ કહે છે કે, જેવી તમારી માન્યતા, એવી તમારી વર્તણૂક અને તેવો તમારો બીઝનેસ. હિંદુ ઉપખંડમાં વ્યાપાર-ઉદ્યોગ કાર્યપ્રણાલિનું મૂળ આ પ્રસ્તાવમાં છે.

આ સમગ્ર પ્રસ્તાવને તેમણે પહેલાં ૨૦૧૦માં CNBC પ્રકાશિત થયેલ ટેલીશ્રેણીમાં વિગતે રજૂ કર્યો. તે પછીથી તેમણે હજૂ વધારે સુગઠિત સ્વરૂપે આ સમગ્ર વિચારને પુસ્તક [Business Sutra – An Indian Approach to Wealth] સ્વરૂપે પણ રજૂ કર્યો છે.
આપણે હવે ફેબ્રુઆરી, ૨૦૧૭થી દર મહિનાના પહેલા શુકવારે CNBC પરની તેમની ટેલીશ્રેણીના એક એક વૃત્તાંત વિષે "દેવદત્ત પટ્ટનાઇકનું બીઝનેસ સૂત્ર" શીર્ષક હેઠળની શ્રેણીમાં વાત કરીશું.


[1] The Indian approach to business: Devdutt Pattanaik at TEDxGateway 2013



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો