શુક્રવાર, 7 એપ્રિલ, 2017

બીઝનેસ સૂત્ર |૧.૩| ટુંકા ગાળાની દૃષ્ટિ કે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ?બીઝનેસ સૂત્ર || કોર્પોરેશન્સ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'નો વિષય લીધો છે. પહેલા અંકના પહેલા ભાગમાં તેમણે વ્યવસાય માટેનાં એક મુખ્ય (માળખાકીય) માધ્યમ - કોર્પોરેશન- વિષે કેટલીક મૂળભૂત બાબતોની ચર્ચા કરી છે. પહેલા ભાગમાં આપણે જોયું કે પાશ્ચાત્ય દેશોના અને હિંદુસ્તાનની પરંપરાગત વિચારધારાઓ અનુસાર, કોર્પોરેશનની કાર્યશૈલી વિષેના દૃષ્ટિકોણની તેમણે વત કરી હતી. શ્રેણીના પહેલા અંકના બીજા ભાગમાં તેમણે કોર્પોરેશનના હેતુ અંગેની વાત કરી હતી.

આજના આ ત્રીજા, અને પહેલા અંકના છેલ્લા, ભાગમાં કોર્પોરેશનનાં અસ્તિત્ત્વ અને તેના મૂળભૂત ઉદેશ્યનાં પરિણામોનાં પરિમાણોને ટુંકા ગાળાની દૃષ્ટિએ જોવાં કે લાંબા ગાળાના દૃશ્ટિકોણથી જોવાં તેની વાત કરીશું.
બીઝનેસ સૂત્ર |૧.૩| ટુંકા ગાળાની દૃષ્ટિ કે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ?
અહીં રજૂ કરેલ વીડીયોમાં ટુંકા ગાળા(નું આયોજન) અને લાંબા ગાળા(ના ઉદ્દેશ્યો) વિષે કેટલીક પાયાની બાબતો સમજાવાઈ છે.
તે ઉપરાંત અહીં રજૂ કરેલાં કટાક્ષ ચિત્રોમાં પણ બન્ને પરિમાણોને માટે જરૂરી અભિગમ અંગે સચોટપણે વાત કહેવા માટે હળવી શૈલીનો પ્રયોગ કરાયો છે.
 

ડૉ. ગુસ્તાવૉ ગ્રૉડ્નીઝ્કી, તેમના લેખ- Short Term vs. Long Term-માં બહુ સ્પષ્ટપણે નોંધ લે છે કે જ્યારે જ્યારે સંસ્થાના અગ્રણીને પૂછવામાં આવે છે કે તેઓ ટુંકા ગાળાની દૃષ્ટિએ વિચારે છે કે લાંબા ગાળાની દૄષ્ટિએ વિચારે છે, ત્યારે ત્યારે મોટા ભાગે જવાબ તો 'લાંબા ગાળાનાં હિત'ને જ સાંકળતા હોય તેમ જોવા મળશે. લાંબા ગાળાની વિચારસરણી, માત્ર માલિકીઅંશાધારકો જ નહીં પણ સમુદાય, સમાજ અને પર્યાવરણ સહિતનાં લાગતાં વળગતાં બધાં જ હિતધારકો માટે વિકાસ પેદા કરી શકે છે અને ટકાવી પણ રાખી શકે છે. વધતી જતી પાણીની સપાટી બધાં વહાણોને ઉંચે લઈ જાય છે. આને સામાજિક મૂડીવાદનું એક સ્વરૂપ પણ કહેવામાં આવે છે.પરંતુ, સંસ્થાઓનાં વર્તન અને તેમના નિર્ણયોને થોડાં ધ્યાનથી જોઈશું, તો શેર બજારના આંકડાઓની ઉતાર ચડાવની  એક ત્રિમાસિક ગાળાથી બીજા ત્રિમાસિક ગાળાની માલિકીઅંશધારકોની ટુંકા ગાળે અમળાતી વર્તણૂક જ ખરેખર તો કેન્દ્રમાં જોવા મળે છે. આ છે સંસ્થાપિત મૂડીવાદનું સ્વરૂપ.
The Long-Term Benefits Of Short-Term Thinking માં તો નક્કર દાખલા દલીલો વડે, જરૂર પડ્યે, ઉદ્યોગ વ્યવસાય સાહસને તેના વિકાસના તબક્કાંમાં, પહેલાં તો ટુંકા ગાળાની ઉપલબ્ધ તકોનાં જોર પર મજબૂત કરવા ઉપર ભાર મુકાયો છે. આમ કરાતાં રહેવા માટે સૌથી વધારે જે કારણ આગળ કરવામાં આવે છે તે છે આજના સમયની પારિસ્થિતિક તંત્રવ્યવસ્થાની અત્યાધિક અસ્થિરતા. ટોચની S&P ૫૦૦ કંપનીઓ અને યુરોપનાં મોટાં

કોર્પોરેશનોના મુખ્ય સંચાલકઓને બ્લેકરોકના મુખ્ય સંચાલક લૅરી ફિંકે (હવે) બહુ જાણીતા થઈ ચૂકેલા એવા એક પત્રમાં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ત્રિમાસીક કમાણીના આંકડાઓના ઉન્માદનું આજનું વાતાવરણ આપણા માટે જરૂરી એવાં લાંબા ગાળાના અભિગમથી સાવ વિરૂધ્ધ છે. વાતાવરણના ફેરફારો, સંસ્કૃતિક વૈવિધ્ય કે નિયામક મંડળની અસરકારકતા જેવા પર્યાવણીય, સામાજિક કે શાસન વ્યવસ્થા [environmental, social and governance (ESG))]ને લગતા મુદ્દાઓની નાણાકીય પરિણામો પર ખરી અને આંકડાઓમાં દેખાતી અસરો પડે જ છે... જે કંપનીઓનએ ESG સાથે સંકળાયેલી બાબતોને સારી રીતે ન્યાય આપ્યો છે તે કંપનીઓની કામગીરીઓ પણ મોટા ભાગે ઉત્કૃષ્ટતા સૂચક જ જોવા મળતી રહી છે.

ગોલ્ડમેન સૅક્સના ગસ લૅવી તેમના લોકોને આગ્રહપૂર્વક કહે છે કે 'લાંબા ગાળે લોભી બનો, ટૂંકા ગાળે નહીં.'

HBR પરના તેમના લેખ - The Biology of Corporate Survival -માં માર્ટીન રીવ્સ, સીમોન લેવિન અને દાઈચી ઉઐદાએ ૩૦,૦૦૦ જાહેર કંપનીઓનાં છેલ્લાં ૫૦ વર્ષનાં સર્વેક્ષણને રજૂ કરતાં બહુ ચોંકાવનારૂં તારણ કાઢ્યું છે કે વેપારઉદ્યોગો બહુ ઝડપથી ગુમ થઇ રહ્યા છે. તેઓનું માનવું છે કે આમ થવાનું મુખ્ય કારણ છે એ એકમો દ્વારા તેમની આસપાસની પારિસ્થિતિક પર્યાવ્રણની જટીલતાઓની સાથે અનુકૂલન ન સ્થાપી શકવાની ક્ષમતા.ઘણી કંપનીઓ બદલી રહેલાં પર્યાવરણને સમજી ન શકી કે પછી વ્યાવહારિક રીતે પોષાય તેવા અભિગમને યોગ્ય વર્તન કે ક્ષમતાનો ઉપયુક્ત ટેકો કરી ન શકી. લેખકો વ્યાવસાયિક કોર્પોરેશનોને એવી સજીવ સંરચનાઓ સાથે સરખાવે છે જે તેમની સહજ અને અનુકૂલિત જૈવિક કૌશલ અને વ્યૂહરચનાને કારણે ટુંકા તેમ જ લાંબા ગાળે ટકી રહી શકે છે.

HBR પરના એક અન્ય લેખ - Long-Termism Is Just as Bad as Short-Termism –માં કેન ફૅવૅરૉ પીટર ડ્ર્કરનું એક કથન વાચકો સમક્ષ મૂકે છે -: 'લગભગ બધી જ કંપનીઓ સમક્ષ છટકી ન શકાય તેવી વાસ્તવિકતા ખડી હોય છે; જો તેમને પોતાનું ભવિષ્ય દેખાતું હોય તો તેના માટે રોકાણ કરવું તો છે, પરંતુ એ માટે તેમની પાસે આજે એટલી આવક હોવી જોઈએ જેમાંથી એ રોકાણ કરી શકાય. તે ઉપરાંત, હવે પછીનાં લાંબા ગાળાનાં રોકાણો કરવા માટેનો જરૂરી પરવાનો તાજો રાખવા માટે, પહેલાં કરેલાં રોકાણનાં વળતરમાટેનાં અને અન્ય જે કંઈ વચનો આપી ચૂક્યાં હતાં તેને પણ આજે પૂરાં તો કરવાં રહ્યાં. લાંબા ગાળાની ગણતરીઓ માટે ટુંકા ગાળાના હિસાબોનો ભોગ તો ન લેવાય. આજ છે તો કાલ હશે અને કાલ છે તો આજ છે. બીજા શબ્દોમાં, માત્ર લાંબા ગાળાના ઉદ્દેશ્યો પર જ ધ્યાન આપવું એ એટલું જ ખોટું છે જેટલું કે ટુંકા ગળાનાં પરિણામોને જ મહત્ત્વ આપ્યા કરવું.'

Short-Term or Long-Term: Where Do You Live?” માં માર્શલ ગોલ્ડસ્મિથ જે મોડેલ રજૂ કરે છે તેમાં કોઈ પણ પ્રવૃત્તિ સાથે આપણા સંબંધનું સ્તર નક્કી કરતી પાંચ અલગ અલગ પ્રકારની વર્તણૂક સમજાવી છે. આ મોડેલ પણ આપણા લાંબા ગાળા કે ટુંકા ગાળાપ્રત્યેની આપણી સામાન્યતઃ જોવા મળતી પસંદને સમજવામાં મદદરૂપ બની શકે છે.:

  • ઉદ્દીપ્ત કરતી (Stimulating) પ્રવૃત્તિઓ ટુંકા ગાળામાં સંતોષ આપે પણ લાંબે ગાળે તેમાં બહુ ભલી વાર ન નીકળે. આખી જિંદગી ઉદ્દીપ્ત્ત કરતી પ્રવૃતિઓ થકી ટુંકા ગાળામાં મજા તો આવે પણ લાંબા ગાળાના સરવાળે તેમાં કશું વળે નહીં.
  • ભોગ આપવો પડે (Sacrificing) તેવી પ્રવૃત્તિઓ ટુંકા ગાળે બહુ સંતોષ ન આપે પણ લાબે ગાળના ફાયદાની દૃષ્ટિએ સંતોષપ્રદ રહે. આખી જિંદગી ભોગ આપ્યા કરનારનું જીવન શહીદ જેવું છે - માનમરતબો બહુ મળે પણ ક્યાંતો બહુ મોડાં કે ક્યાં તો રોજબરોજનું જીવન ચલાવવા માટે અધુરાં.
  • બચતાં રહેવા માટેની (Surviving) પ્રવૃત્તિઓ ન તો ટુંકા ગાળે સંતોષ આપે કે ન તો લાંબા ગાળે ફાયદો.આખી જિંદગી સંકટોમાંથી બચતાં રહેવામાં જાય તો લાંબે કે ટુંકે, બન્ને ગાળે, આકરૂં તો પડે!
  • ટકી રહી શકાય (Sustaining) એ પ્રવૃત્તિઓ ટુંકા ગાળે કંઇક સંતોષ આપે તેમ જ લાંબા ગાળે કંઈક રલી આપે. આખી જિંદગી ટકી રહેવાં જ વીતી જાય તો ઠીક છે, ટકી તો રહ્યા - ટું કા ગાળે કે લાંબા ગાળે તેનું મહત્ત્વ સંદર્ભોચિત રહેવાનું.
  • સફળ થતી (Succeeding)પ્રવૃત્તિઓ એ છે જે ટુંકા ગાળે પણ બહુ સંતોષ આપે અને લાંબા ગાળે બહુ ફાયદાકરક રહે. આખી જિંદગી સફળ રહેતી પ્રવૃત્તિઓમાં જાય તો બહુ માજ પણ આવતી રહે અને ઘણું સિધ્ધ પણ થાય.
ટુંકા ગાળાનો સંતોષ અને લાંબા ગાળાનો ફાયદો એ પ્રવૃત્તિ કરનારના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. જો આપણે આપણી પ્રવૃત્તિઓ બદલી શકીએ તેમ ન હોય તો કમસે કમ આપણો તેના બાબતે દૃષ્ટિકોણ તો બદલવો જોઈએ.
આ જૂદાં જૂદાં મંતવ્યો પરથી એટલું તારણ કરી શકાય કે – 
 
હવે જોઈએ કે દેવદત્ત પટ્ટનાઈક પહેલા અંકના ત્રીજા ભાગ Segment 3: Short Term Vs. Long Term  માં ભારતીય પુરાણોના સંદર્ભમાં શું કહે છે.
દેવદત્ત પટ્ટનાઇકની ચર્ચાના મુખ્ય અંશ આ મુજબ છે:
ક્રોર્પોરેશન્સની તંત્ર વ્યવસ્થાઓનાં ઘડતરમાં અને તેમને ટકાવી રાખવામાં જે એક સંધર્ષ કાયમ રહ્યો છે તે છે ટુંકા ગાળાના વ્યાપને લાંબા ગાળાના વ્યાપના સંદર્ભમાં સંતુલિત રાખવો. બાબતે જેક વૅલ્શનું કહેવું છે કે :
 
આપણા ભારતીય પુરાણોના સંદભમાં આપણે જાણીએ છીએ કે વિશ્વને ટકાવી રાખવાનું કામ કરનારા ઈશ્વર વિષ્ણુ છે.તેમને બે પ્રાણીઓ સાથે સંબંધ છે - સર્પ અને ગરૂડ. એ બન્નેની દૃષ્ટિને અનુક્રમે સર્પ-દૃષ્ટિ - નિકટતમ ઉદ્દેશ્ય - અને ગરૂડ દૃષ્ટિ - દીર્ઘ દૃષ્ટિ- તરીકે ઓળખવામાં આવે છે.

એટલે જ સવાલ એ છે કે પહેલાં ધ્યાન કોના પર આપવું?
સર્જનની કથાની શરૂઆતમાં જ જોવા મળે છે સર્જનની વાત માંડવાની સાથે જ નાશની પણ વાત કરાતી હોય છે. એટલે કે કોઈ પણ સંસ્થાને જે દિવસે અસ્તિત્ત્વમાં લઇ આવીએ તે જ દિવસે તેનો અંત કેમ થશે તે પણ વિચારી લેવું જોઈએ. તે અમરપટ્ટો લખાવી આવેલ છે તેમ તો માનવાનું જ નથી કેમકે આ દુનિયામાં કોઈ અવિનાશી, અજરામર તો છે જ નહીં. જેવું આપણે કહીએ છે કે જો મારો જન્મ પણ છે અને મૂત્યુ પણ છે તો મારે તંદુરસ્ત ને સુખી જીવન કઈ રીતે જીવવું? એ હું કેટલા સમય સુધી ટકાવી રાખી શકીશ? 
જેટલી આ વાત આપણી વ્યક્તિગત તંદુરસ્તીને લાગૂ પડે છે તેટલી જ સંસ્થાઓને પણ તે લાગૂ પડે છે.
આપણું જે રીતે ઘડતર થયું છે તેની કમનસીબી એ છે કે આ બાબતને આપણે બહુ નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખીએ છીએ - જેમકે આવતાં બે કે ત્રણ વર્ષમાટે જો મારે ટકી જવું હોય તો મારે દર વર્ષે જીતતા જ રહેવું પડે. આપણે જાણીએ છીએ કે નિષ્ફળતા તો ચાલે જ તેમ નથી. આમ, સરવાળે બધું દબાણ આવે છે સર્પ દૃષ્ટિ પર - આપણા પગ તળે જે દેખાય તેટલું જ જોવાનું જ આપણે સ્વીકારી લઈએ છીએ. વર્ષોવર્ષ જીતવું, વર્ષોવર્ષ પ્રગતિ કરવી, દર વર્ષે વધારેને વધારે કમાવું તેના પર જ આપણું ધ્યાન કેન્દ્રિત થવા લાગે છે. આપણને કહેવામાં પણ એમ જ આવે છે કે આપણી કામગીરીની માપણી પણ એ જ છે અને તેનો બદલો પણ એ જ છે. એટલે જો મારે ત્રણ વર્ષ ટકી જવું હોય તો મારે ત્રણે ત્રણ વર્ષ જીતવું જ રહ્યું.પરિણામે હવે હું આવતાં ૩૦ કે ૩૦૦ વર્ષનું ક્યાં વિચારવા બેસીશ?
આખી તંત્ર વ્યવસ્થા, જાણ્યેઅજાણ્યે, સર્પ-દૃષ્ટિએ વિચારવાનાં દબાણમાં આવી જાય છે.
મર્યાદિત સમય પૂરતો આપણો અંકુશ હોય તો પરિસ્થિતિને સુધારવી શી રીતે? આપણી કોશીશ તો મર્યાદિત સમયમાં શ્રેષ્ઠ કામ કરવાની રહેવાની. એનો અર્થ કે આપણું પહેલું લક્ષ્ય તો હંમેશાં, લંબા ગાળાને બદલે, ટુંકા ગાળાનું રહેવાનું. લાંબા ગાળાની દૃષ્ટિએ બધું વિચારવું જોઈએ આદર્શ સ્થિતિ છે તે આપણે જાણીએ છીએ, અને તેમ છતાં, અવશપણે, વર્તીએ છીએ ટુંકા ગાળની ગણતરીએ .
આપણી તંદુરસ્તીની બાબતમાં તો તેમાંથી છટકી શકાય તેમ નથી, કેમકે તેની કિંમત આપણે ખુદ ચૂકવવી પડે છે.
સંસ્થાના સંદર્ભમાં તેનાં પરિણામોથી છટકવું કંઈક અંશે શકય છે કેમકે લાંબા ગાળે તો આપણે ખુદ જ ત્યાં ન પણ હોઈએ. જો કદાચ હોઈએ તો પણ સંસ્થાના હિત માટે તે સમયે જે યોગ્ય જણાયું હતું તે શુધ્ધ ભાવનાથી કર્યું હોય તેથી સીધી જવાબદારી આપણા માથે ન પણ આવે. ખાસ કરીને મર્યાદિત કંપનીઓના કિસ્સામાં, જ્યાં જવાબદારીઓ પણ મર્યાદિત જ હોઈ શકે છે. માલીકીઅંશધારક પોતાનાં રોકાણનું વળતર મેળવવા માટે નાણાં ધીરનારની શાહુકારની ભૂમિકામાં આવી જઈ શકે,અને પોતાના વળતરનું વળતર મેળવવા માટે દરેક પ્રકારનું દબાણ ઊભું કરી શકે. જો કે કોઇ એક કર્મચારીને  બધી બાબતોની સીધી અને એકસરખી અસર નથી થતી હોતી.
આમ, એક રીતે જૂઓ તો ટુંકા ગાળાનું માનસ લાંબા ગાળાનાં પરિણામોમાંથી મુક્તિનો પલાયનવાદ કેળવે છે.
ચર્ચાનું એક રસપ્રદ પાસું છે કે કે પરિસ્થિતિ કુટુંબ-નિયંત્રિત વેપાર-ઉદ્યોગ સાહસોની તરફેણમાં વાતાવરણ ઊભૂં કરી રહી હોય એમ જણાય છે.  છેલ્લા એકાદ દશકાથી 'કુટુંબ-નિયંત્રિત વ્યાપાર' શબ્દપ્રયોગને કંઈક અંશે માનવાચક દૃષ્ટિએ નથી જોવામાં આવતો. છેલ્લાં ૨૦ ૩૦ ૪૦ વર્ષોથી આપણે વ્યાપારની માલિકી અને સંચાલનને અળગાં રાખવાની પાશ્ચાત્ય વિચારસરણીની અસરમાં આવતાં ગયાં છીએ. સંસ્થાનું સંચાલન વ્યાવસાયિક ઢબે થવું જોઈએ જેમાં, તેને શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકનાં હિતને નહીં પણ લાગતાંવળગતાં બધાં હિતધારકોનાં હિતોને ઉચિત ન્યાય અપાતો હોય.પરંતુ અહીં હવે સમસ્યા છે વ્યાવસાયિક અગ્રણીઓ તો પ્રમાણમાં ટુંકા સમય માટે કામ કરવા આવતાં હોય છે, એટલે તેમને તો સ્વાભાવિકપણે તેમના ટુંકા સમયકાળની પરવા વધારે હોય. એટલે વાત ફરી પાછી ટુંકા-ગાળા-વાદ પર પાછી ફરે છે. જ્યારે કુટુંબ-નિયંત્રિત વ્યાપારનુ એક લક્ષ્ય તો તે માલિકના જીવનકાળ દરમ્યાન, અને બને તો આવનારી પેઢીઓ માટે પણ, એકમને લાંબા ગાળાસુધી, સફળ રીતે, ટકાવી રાખવાનું હોય. આમ છેલાં દસ પંદર વર્ષથી જેને ઉતારી પાડવામાં આવે છે તેવી કુટુંબ-નિયંત્રિત વ્યાપારની પ્રથાના પક્ષને આપણે મજબૂત કરી રહ્યાં છીએ. 
એક વ્યાવસયિક તરીકે આપણે આ ચર્ચાને પણ તેનાં ખરાં પરિપ્રેક્ષ્યમાં નથી જોઈ રહ્યાં. કોઈ પણ સમયે, કોઈ પણ સંદર્ભમાં જ્યારે આપણે 'વ્યાવસાયિક'  શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તે સારૂં જ હોય એવો અર્થ અભિપ્રેત રહેતો હોય છે. ખરેખર વ્યાવસાયિક હોવાનો અર્થ શું કરીશું? એનો અર્થ થવો જોઈએ કે લાગણીવશ થઇને વ્યક્તિલક્ષી કે વસ્તુલક્ષી નહીં પણ  તર્ક આધારિત, વ્યક્તિ નિરપેક્ષ (કે હેતુલક્ષી કે તટસ્થ)પણે વિચારવું અને વર્તવું.બીજા શબ્દોમાં કહીએ તો લાગણીથી નહીં, પણ માત્ર તર્ક વડે જ દોરવાવું. આમ છેલાં ૪૦,૦૦૦ વર્ષથી જેમની ઉપાસના એક સરખી રીતે કરવામાં આવતી રહી છે તે લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગા એ ત્રણ દેવીઓમાંથી દુર્ગા (શક્તિ, સત્તા)નો તો છેદ જ ઉડી જાય છે. શક્તિ કે સત્તા એ તો માનવ પ્રજ્ઞાને પ્રજ્વળીત રાખતું એક બહુ મહત્ત્વનું પરિબળ રહ્યું છે. માનવી તરીકે આપણે હંમેશાં સત્તાકાંક્ષી રહ્યાં છીએ. દૈહિકમનોવિજ્ઞાનની દૃષ્ટિથી જોઈએ તો આપણે એમ કહી રહ્યાં છીએ કે તર્ક પ્રમાણિત ડાબું મગજ સારૂં અને લાગણીપ્રેરિત જમણું મગજ ખરાબ. વ્યાપાર માટે લાંબા ગાળાનાં હિત માટે સંસ્થામાં કામ કરતાં લોકોએ ડાબાં મગજથી તાર્કીકપણે વિચારવું  જોઈએ અને સંસ્થાનું પારિસ્થિતિક પર્યાવરણ, ટુંકા કે લાંગા ગાળાનાં હિતોના સંદર્ભમાં, નિરપેક્ષ, તટસ્થ, હેતુલક્ષી રહે તેમ કરવું જોઈએ.
કુટુંબ-નિયંત્રિત વ્યાપારની સમસ્યા એ છે કે અહીં બહુધા લાગણીમય જમણા મગજથી વિચારાતું છે - મારો દીકરો બરાબર થશે કે નહીં થાય...મારો દીકરો જ સારો..
આપણો દેશ ભારત તરીકે પણ ઓળખાય છે. આપણા પુરાણોમાં ઘણા ભરતની કથાઓ છે. પણ એક ભરતની વાત બહુ જાણીતી નથી બની. એ છે શકુંતલાના પુત્ર ભરતની કથા. તેને બહુ બધી રાણીઓ અને બહુ બધાં સંતાનો હતાં પણ તેણે તેના વારસ તરીકે તેના એક પણ પુત્રને યોગ્ય ન ઠેરવ્યો. કેમ તે તો આપણે નથી જાણતાં પણ તે જે કહેતા હતા તેનો શાબ્દિક અર્થ છે, એ મારા જેવા નથી જણાતા.અને કદાચ એટલે જ તેણે એક પુત્રને દત્તક લીધો (કે કહેવાય છે કે દેવે તેને એ પુત્ર વરદાનમાં આપ્યો). આમ એક રીતે તો તેનો એ દીકરો અનૌરસ, અનાથ હતો. પણ રાજા ભરત તેને પોતાની ગાદીનો વારસ જાહેર કરે છે.
આ કથાના સારને ઉકેલીએ તો એમ કહી શકાય કે પોતાનાં લોહીગત સંતાનોમાટેની લાગણીના ટુંકા ગાળાનાં વલણથી દોરવાવાને બદલે તેણે રાજ્ય કરવા માટે જે યથાયોગ્ય હતો એવા, ભલે દત્તક, પુત્રને વારસ બનાવવામાટેના લાંબા ગાળાના તર્કને અનુસરવાનું ઉચિત ગણ્યું. કદાચ એટલે જ આપણો દેશ, તેનાં નામ પાછળ, ભારત તરીકે ઓળખાય છે.
હા, આ તો થઇ લાયકાતના અધારે ચાલતી શાસનવ્યવસ્થા.
બસ, આજ પૂરતી આ ચર્ચાને વિરામ આપીએ. આપણને સૌને પોતપોતાના ઉદ્દેશ્યોના તત્કાલીન સંદર્ભ અનુસાર ટુંકા ગાળાની રણનીતિને લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સંકલિત કરવા માટે આટલું ભાથું પૂરતું થઈ  રહેશે એ આશા સાથે...- 


હવે પછીના આપણે દેવદત્ત પટ્ટનાઈકની ટીવી સીરીયલ 'બીઝનેસ સૂત્રના ''નેતૃત્વ' પરના ત્રણ ભાગના બીજા અંકની ચર્ચા હાથ પર લઈશું.

નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો