શુક્રવાર, 29 ડિસેમ્બર, 2017

અજાણ હોવાનાં મહત્ત્વ વિષે પીટર ડ્રકરનો દૃષ્ટિકોણ



અર્વાચીન મૅનેજમૅન્ટ પરની વૈજ્ઞાનિક વિચારસરણીના ૨૦મી સદીના બહુખ્યાત વિચારક પીટર ડ્રકર હંમેશાં એવું કહેતાં કે તેમની સામે વિચારાધીન કોઈ પણ પ્રશ્ન માટે સાવ અનોખા મનાતા તેમના અભિગમ માટે તેમનો બહોળો અનુભવ નહીં પણ તેમનું અજાણપણું વધારે નિર્ણાયક પરિબળ રહ્યું છે. બહુ લાંબા સમય સુધી શિષ્ય તરીકે તેમની સાથે રહેલા વિલિયમ એ. કૉહેનનાં પુસ્તક A Class with Druckerમાંથી લીધેલ એક સંક્ષિપ્ત સારાશમાં પીટર ડ્રકરે તેમના વિદ્યાર્થીઓ સમક્ષ 'અજાણપણાનાં મહત્ત્વ' વિષે જે વાત કહી હતી તેનો ઉલ્લેખ કરે છે.
ડ્રકરે અમેરિકા અને જાપાનની કંપનીઓ સાથે કરેલાં કામના અનુભવો યાદ કરતા હતા. તેમનું કહેવું હતું કે જે  જે કંપનીઓ સાથે તેમણે કામ કર્યું તેમાં એક બહારની વ્યક્તિ સામાન્યપણે કરે તેવી બાબતો વધારે કારગર રહેતી. તેનુ એક કારણ એ હોઈ શકે કે અંદર રહેલી વ્યક્તિઓ આ બાબતો સાથે બહુ વધારે નજદીક હોવાને એક હાથીને પાંચ નેત્રહીન લોકો જે રીતે 'જોતા' હતા એ રીતે બહુ મર્યાદિત દૃષ્ટિકોણથી જોઈ શકતા હોય છે. વળી તેમના ભૂતકાળના અનુભવોથી ઘડાઈ ચૂકેલ માન્યતાઓને કારણે આવી બાબતોના હાલનાં સ્વરૂપને ઘણીવાર ખોટી રીતે ભૂતકાળના એના જેવી જ જણાતી બાબત સાથે ભૂલથી સાંકળી બેસતા હોય છે. જ્યારે બહારની વ્યક્તિ તો એ બાબત વિષે અજાણ હોવાને કારણે તેને જે મૂળભૂત પ્રશ્નો પેદા થાય એ પેલા અંદરના અનુભવી સંચાલકને તો મનમાં આવે જ નહીં. અંદરની બાજૂએથી જોતા રહેવાની તેની ભૂમિકાને કારણે અમુક સવાલો કદાચ તેના મનમાં થાય તો પણ તેનું અનુભવથી ઘડાયેલું તાર્કીક મગજ એ સવાલોને દબાવી દે. સારા સંચાલકે તો તેનાં મન અને વિચારસરણીને એવી રીતે કેળવવાં જોઈએ કે તેને અવનવા દૃષ્ટિકોણની ખોજમાં મદદરૂપ થાય એવા સવાલો પેદા થાય.
આ દિશામાં ડ્રકરે જે સફળતા સિધ્ધ કરી તેનું રહસ્ય શું હોઈ શકે એવું એક વિદ્ય્રાર્થીએ પૂછ્યું તો તેના જવાબમાં ડ્રકરે કહ્યું કે 'એમાં કોઈ રહસ્ય નથી. બસ, તમારે સાચા સવાલ પૂછવાના છે.'
એવામાં અચાનક જ એક બીજા વિદ્યાર્થીએ તેમને ઉપરાછાપરી ત્રણ સવાલો પૂછી કાઢ્યા -
§  તમને સાચા સવાલ પૂછવાની ખબર કેમ પડે છે?
§  તમારા સવાલો એ જ ક્ષેત્રની બીજી કંપનીઓ સાથે કરેલાં કામના અનુભવનાં જ્ઞાન આધારિત નથી હોતા?
§  જ્યારે તમે નવીસવી શરૂઆત કરી હશે ત્યારે આ બાબતની આવડત તમને શી રીતે ઉપલબ્ધ થઈ?
ડ્રકરે જવાબમાં કહ્યું:  'આ સવાલો કે કંપનીનાં એ કામ બાબતનો મારો દુષ્ટિકોણને એ ક્ષેત્રના મારા અનુભવ કે જ્ઞાન પર આધારિત હોતા જ નથી. થતું હોય છે તેનાથી બિલકુલ ઊલ્ટું. હું મારો અનુભવ કે મારૂં જ્ઞાન જરા પણ વાપરતો નથી. પરિસ્થિતિ બાબતનાં મારાં અજાણપણાને હું કામે લગાડું છું. કોઈ પણ ક્ષેત્રના પ્રશ્નના હલ શોધવામાટે કોઈને મદદ કરવા માટે અજાણપણું એ એક બહુ મહત્ત્વનું પરિબળ છે.'
વર્ગમાં હવે સવાલો પૂછવા માટે અનેક હાથ ઊંચા થવા લાગ્યા હતા. પણ ડ્રકરે તેમને બાજૂએ રાખીને આગળ કહેવાનું ચાલુ રાખ્યું. 'જો બરાબર ઉપયોગ કરતાં આવડે, તો અજાણપણું એટલું ખરાબ પણ નથી. દરેક સંચાલકે તો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ જોઈએ. ભૂતકાળના અનુભવ પરથી તમે જે માનો છો એ દૃષ્ટિએ નહીં પણ, તમારે તમારી સમસ્યાઓને મોટા ભાગે અજાણપણાના દૃષ્ટિકોણથી જ જોવી જોઈએ. તમને જે કંઈ ખબર છે એવું તમે જે માનતાં હો તે દરેક વખતે સાચું જ હોય એવું જરૂરી નથી.'
અજાણપણાંના મહત્ત્વને સિદ્ધ કરતો 'લિબર્ટી' જહાજોનો કિસ્સો
પોતાની વાત સમજાવવા માટે ડ્રકરે એક કિસ્સો અમને કહ્યો.
બીજાં વિશ્વ યુધ્ધની શરૂઆતથી જ બિટન તેનાં વ્યાપારી જહાજો જર્મન સબમરીનોના હુમલાઓને પરિણામે ખોવા લાગ્યું હતું. યુધ્ધમાં પોતાનાં સૈન્યોને હથિયારો કે દારૂગોળો મળતો રહે તેમજ સૈન્ય તથા સામાન્ય પ્રજાને અન્ય બધી વસ્તુઓનો પૂરતો પુરવઠો મળી રહે એ માટે આ વ્યાપારી જહાજોની ખોટ ઝડપથી પૂરી કરવી એ તો બહુ મહત્ત્વની બાબત હતી.
'વ્યાપારી જહાજોની વધતી જતી માંગ અને જર્મન સબમરીનોને કારણે પડતી ખાધને પહોચી વળવા બ્રિટિશરોએ એ ઓછાં ખર્ચાળ જહાજની ડીઝાઈન વિકસાવી હતી. આ જહાજો બાંધવાં એટલાં ઓછાં ખર્ચાળ  હતાં અને તેમની ડીઝાઈન પણ એટલી સરળ હતી કે એ જહાજોની આવરદા આમ પણ પાચેક વર્ષથી વધારે અંદાજાતી પણ નહોતી. આ જહાજો ધીમાં, બહુ તોતીગ અને ઓછાં કાર્યક્ષમ પણ હતાં. પણ તેમનો એક બહુ મોટો ફાયદો હતો જેને કારણે તો તો તેમને તૈયાર કરાતાં હતાં. બીજાં બધાં વ્યાપારી જહાજો કરતાં આ જહાજો બહુ ઓછા સમયમાં તૈયાર કરી શકાતાં હતાં. આ એક બહુ મહત્ત્વની વાત હતી. પહેલાં જે પ્રકારનાં જહાજો બનાવતાં બબ્બે વર્ષ લાગતાં તેની સામે આ  જહાજો આઠ મહિનામાં તૈયાર કરી શકાતાં હતાં.'
ડ્રકરે વાતને આગળ ચલાવતાં ઉમેર્યું, 'પરંતુ એક સમસ્યા તો હજૂ પણ હતી. ઈંગ્લેંડ સમુદ્રી સફર કરનારા દેશોમાં પહેલો હતો, તેમની પાસે જહાજ બાંધકામનો સદીઓનો અનુભવ પણ હતો, તેમ છતાં, આટલી સરળ બનાવી નાખેલ ડીઝાઈનનાં જહાજનાં બાંધકામમાં પણ તેમને બહુ નિપુણ અને કુશળ કારીગરો સિવાય નહોતું ચાલતું. એ સમયે જર્મનો સાથે યુધ્ધમાં બધે મોરચે વ્યસ્ત હતું.એ પરિસ્થિતિમાં નવાં જહાજના કાફલા બાંધવા માટે તેમની પાસે વધારાનાં માણસો, જહાજવાડા કે ઉત્પાદન સવલતો જ હતાં નહીં.'
'એટલે એ સમયે હજૂ યુધ્ધમાં ન જોડાયેલાં અમેરિકા ભણી બ્રિટને નજર દોડાવી. અહીં મુશ્કેલી હવે એ હતી કે અમેરિકા પાસે બીજાં વિશ્વ યુધ્ધ પહેલાં વેપારી જહાજ બાંધવાનો કંઈ બહુ સારો કહી શકાય એવો અનુભવ તો હતો નહીં. ખરી વાત તો એ હતી કે પાછલા આખા દશકમાં અમેરિકાએ દરિયાઈ સફર લાયક બે માલવાહક જહાજો જ બનાવ્યાં હતાં. પરંતુ, ઈંગ્લેંડ એવી નાઈલાજ પરિસ્થિતિમાં હતું કે જે દેશ પાસે તેમને જોઈતાં હતાં એવાં જહાજ બાંધવા માટે ન બરાબરનો અનુભવ કે કુશળતા હતી તેને આટલું મહત્ત્વનું કામ સોંપવા તેઓ તૈયાર હતા. તેમને એક જ આશા દેખાતી હતી કે બ્રિટિશ ડીઝાઈન અને મદદ વડે અમેરિકા વર્ષનું એકાદ જહાજ તો બનાવી લેશે. અમેરિકા યુધ્ધમાં જોડાયું નહોતું એટલે એ લોકો બ્રિટનને જેટલાં જહાજ જોઈતાં હતાં એ માટે જરૂરી સંસાધનો બ્રિટન માટે જહાજ બાંધવાનાં કામમાં લગાડી શકશે એ બીજી એક આશા હતી. આમ પણ, જે ઝડપે જર્મન સબમરીનો બ્રિટનનાં જહાજો ડૂબાડતી હતી એ સંદર્ભમાં બ્રિટન પાસે બીજો કોઈ વિકલ્પ હતો પણ નહીં.'
ડ્રકરે તેમની વાત આગળ ધપાવી: 'બહુ ઓછાં અમેરિકનોને વેપારી માલવાહક જહાજ બાંધવાનો અનુભવ હતો એટલે બ્રિટિશરોએ તેમની શોધની જાળ બહુ પહોળી ફેલાવી હતી. તેમણે માત્ર જહાજ બાંધકામના અનુભવી કે આ ક્ષેત્રમાં બહુ અનુભવ સિવાયનાં લોકોને પણ ગંણતરીમાં રાખ્યાં. બ્રિટિશરોના સંપર્કમાં આવેલી આવી એક વ્યક્તિ હતી હેન્રી કૈસર. કૈસરને જહાજ બાંધકામનો ખાસ અનુભવ નહોતો અને તેમાં પણ માલવાહક જહાજોની બાબતે તો તે સાવ અજાણ હતો. તેણે બ્રિટિશ ડીઝાઈનનો અભ્યાસ કર્યો અને બ્રિટિશ મદદ કે કૌશલ્યનો નહીં પણ પોતાના અજાણપણાંનો તેણે સહારો લીધો.
'બ્રિટિશરો કુશળ કારીગરોને કામે લગાડતા હતા જેમને જહાજ બાંધકામનો બહુ ઊંડો અનુભવ રહેતો હતો. કૈસર પાસે એવા કારીગરો હતા નહીં. તેણે આ પ્રકારના કારીગરો સિવાય જ આગળ કેમ વધવું એ દિશામાં વિચારવાનું ચાલુ કર્યું. જહાજ બાંધકામનાં અજાણપણાને પરિણામે તેને એક બહુ અનોખો ઉપાય  હાથ લાગ્યો. કૈસરે પહેલેથી તૈયાર કરેલા ભાગને વાપરવાનું વિચારીને ઍસેમ્બલી પ્રક્રિયાને પુનઃડીઝાઈન કરી. આમ કરવાથી કોઈ એક કારીગરને હવે કામનો બહુ થોડો ભાગ પણ આવડતો હોય તો પણ કામ ચાલી શકે તેમ હ્તું. પરિણામે કારીગરને તાલીમ આપવી પણ આસાન બન્યું.ઉપરાંતમાં તેણે અમેરિકાની બહુખ્યાત એસેમ્બલી-લાઈન તકનીક કામે લગાડી.
'બ્રિટિશરોને જાણ હતી કે ઉચ્ચ ગુણવત્તાવાળાં જહાજ બાંધવા માટે માપમાં બહુ જ ચોકસાઇ જળવાવી જોઈએ, જે માટે લોખંડને કાપવા માટે તેઓ ખાસ ભારી મશીનો વાપરતા. કૈસર આ વિષે અજાણ હતા. વળી તેની પાસે એવાં મશીનો હતાં પણ નહીં.એટલે ધાતુને કેમ કરીને કાપવી એ અંગે તેણે વિચાર કર્યો. તેણે ઉપાય તો ખોળી કાઢ્યો પણ એ ઉપાય બ્રિટિશરો જે રીતે ધાતુ કાપતા હતા એ રીતનો ન હતો. તેનાં અજાણપણાંને લીધે તેણે તેના કારીગરોને ઓક્સી એસીટીલીન જ્યોત વડે ધાતુ કાપવાનું કહ્યું. આ રીત પરંપરાગત બ્રિટિશ રીત કરતાં સસ્તી હતી અને ઓછો સમય લેતી હતી.આ અજાણપણામાં જે તેણે રીવેટીંગની જગ્યાએ વેલ્ડીંગથી કામ લીધું, જે પણ ઓછી ખર્ચાળ અને વધુ ઝડપી રીત હતી.  
'કૈસરે તેનાં જહાજનું નામ 'લિબર્ટી' જહાજ આપ્યું. એક વાર તેણે જહાજ બાંધવાનું શરૂ કર્યું પછી તેને તેમાં વર્ષ ન લાગ્યું. એને તો આઠ મહિના પણ ન લાગ્યા. પહેલેથી કરીને છેલ્લે સુધીનું કામ કરવામાં એને તો મહિનો પણ નહોતો લાગતો. પછીથી તો તેઓ બે જ અઠવાડીયામાં એક 'લિબર્ટી' જહાજ બનાવવા લાગ્યા હતા. પોતાની આ સિધ્ધિની ખાસ પ્રસિધ્ધિ માટે એક જહાજ તો તેણે માત્ર ૪ ૧/૨ દિવસમાં જ બાનાવ્યું.
આ આખી વાત ગળે ઉતરી જાય એટલા સારૂ ડ્રકરે થોડો પોરો ખાધો, અને પછી વાત આગળ ચલાવી.'આખા પ્રશ્નને સમજીને,અજાણપણે, વિચારવાને કારણે કૈસરે લગભગ બે તૃતિયાંશ સમયમાં અને બીજા જાહાજવાડાઓને પહેલાં જે ખર્ચો થતો તેના કરતાં ચોથા ભાગના ખર્ચમાં તેમણે ૧૫૦૦ જહાજ બાંધ્યાં. બીજા અમેરિકન જહાજવાડાઓએ પણ આ રીત અપનાવી લીધી. મજાની વાત તો એ છે કે આ જહાજો બહુ લાંબો સમય નહીં ચાલે તેમ માનીને બાંધવામાં આવ્યાં હતાં, તેમ છતાં બે એક જહાજ તો હજૂ પણ કામ કરે છે.'
આમ આપણે જોઈ શકીએ છીએ કે હેન્રી કૈસર એજહાજ બાંધવાના પ્રશ્નને એ ક્ષેત્રની જાણકારી વડે નહીં પણ અજાણપણાં વડે ગજબ સફળ પરિણામો વડે ઉકેલી નાખ્યો. આખી વાતનું તારણ કાઢતાં ડ્રકરનું કહેવું હતું કે તે પણ જે પરિસ્થિતિઓ વિષે કંઈ જ જાણતા નથી તે વિષે પોતાના અજાણપણામાંથી પેદા થતા સવાલો વડે ઉકેલ ખોળવાની રીત અપનાવે છે.જેમને જેમને ડ્રકરે મદદ કરી છે તેઓને મોટા ભાગે આ 'અજાણ' પ્રશ્નોએ સમસ્યાના ઉકેલ શોધવમાં બહુ જ મદદ કરી છે.  
'કેમ કરવું?' તેના કરતાં 'શું કરવું છે?' એ વધારે મહત્ત્વનું છે
ડ્રકર પોતાના વિદ્યાર્થીઓને કે તેઓ જેમને માર્ગદર્શન આપતા હોય એવી સંસ્થાના સંચાલકોને આ રીતે જ પોતે જે કહેવા માગતા હોય તે સમજાવતા. તેઓ હંમેશાં શું કરવું જોઇએ તે સ્પષ્ટ કરવાની ભૂમિકા ભજવતા, પરંતુ એ કેમ કરવું તે વિષે ક્યારે પણ વિગતમાં જતા નહીં.એમનાં અવસાન પછી તરત જ અંજલિ આપતાં જીઈના અધ્યક્ષ જેક વૅલ્શે પણ જીઈની બાબતમાં પણ ડ્રકરે આ રીતે તેમની, અનેક પ્રકારનાં વ્યાવસાયિક અને ભૌગોલોક ક્ષેત્રોમાં પ્રસરેલી આવડી મહાકાય કંપનીનું પુનઃગઠન કેમ કરવું તે સમજાવ્યું હતું.
અજાણપણાનાં મહત્ત્વને સમજવા માટે હવે પછીની વાત જાણવી જરૂરી છે. ડ્રકર બીજા બધા જ કન્સલટન્ટ કરતાં જૂદી જ રીત અપનાવતા. જીઇ જેવડી વિશાળકાય કંપનીને સલાહ આપવાની હોય ત્યારે મોટા ભાગના બીજા કન્સલટન્ટ ખૂબ ખર્ચાળ અને લંબાણપૂર્વકના અભ્યાસ હાથમાં લે, જેમાં જીઈના વિવિધ વ્યવસાયોને ભૂરાજકીયઆર્થિક પરિબળો, છેલ્લાં થોડાંક વર્ષોના નફાતોટા અને સરવૈયાંના વિશ્લેષણો. અડધો ડઝન ડઝન જેટલાં ઈન્ટરવ્યુ કરે અને પછી એક દળદાર અહેવાલ તૈયાર કરે. ડ્રકર તો સીધા જ સમસ્યાના હાર્દને જ પકડે. જીઈના વ્યવસાયો બાબત તો તેમને બહુ જાણ ન હતી, પણ એટલું તેમને સ્પષ્ટ હતું કે મામલો પેચીદો છે અને અત્યારે હવે જરૂર છે સરળીકરણ પ્રક્રિયાની. જેક વૅલ્શના જણાવ્યા મુજબ, ડ્રકરે માત્ર બે જ સવાલ પૂછ્યા : જો તમે પહેલેથી જ આ વ્યવસાયમાં ન હો, તો હવે નવેસરથી તેમાં પડવાનું પસંદ કરો? જો ના, તો હવે શું કરશો?' વૅલ્શ કહેતા કે ડ્રકરની વાત આમ જૂઓ તો બહુ જ સ્પષ્ટ અને સીધી હતી, પણ તેમાંથી નિપજતાં મઠન અને તારણો કેટલાં પ્રભાવક બની રહે?'
જીઈના વ્યવસાયોનાં અજાણપણામાંથી પેદા થયેલા ડ્રકરના આ બે પ્રશ્નોએ જેક વૅલ્શને જીઈની ભવિષ્યની યોજના બાત ખૂબ વિચાર મંથન કરતા કરી મૂક્યા. વૅલ્શે આ પ્રાઅથમિક સવાલોના જવાબમાં હવે નવી વિગતો વિચારાધીન થાય તેવા સવાલો વિચારતા જવાના હતા અને પછી શું કરવું તે નક્કી કરવાનું હતું, કે પછી સમજીવિચારીને કંઈ ન કરવું એમ નક્કી કરવાનું હતું.
જીઈની ઇતિહાસ જાણતાં સુજ્ઞ વાચકોને ખબર જ હશે કે  વૅલ્શે નક્કી કર્યું કે જે વ્યવસાયમાં જીઇ સૌથી પહેલું કે બીજું સ્થાન ન પહોંચી શકે હોય એવા વ્યવસાયમાં તેને પડવું મંજૂર નથી.  એ પછી જીઈના એ સમયના દરેક વ્યાવાસાયિક ક્ષેત્રમાં જીઈ સૌ પ્રથમ કે બીજું બની શકે છે કે કેમ અતે ન નક્કી કરવા માટે તેમણે જરૂરી માહિતી એકઠી કરી. આ માપદંડોને અનુસરીને જે વ્યવસાયમાં તેમને પડવાનું પસંદ ન પડ્યું હોત તેવા વ્યવસાયોમાં તેઓ બહાર નીકળી ગયા. આ પ્રકારની કાંટછાંટ પછી જીઇ સૌથી વધારે કાર્યદક્ષ કંપની તરીકે ઉભરી આવી અને ભલભલા સંચાલકોને કામ કરવું ત્યાં ગમે એવી આકર્ષક કંપની પણ બની રહી.
અજાણપણાના અંશથી થયેલી શરૂઆતની દૃષ્ટિએ પરિણામ ખરેખર રાજી થવા જેવું રહ્યું!


  •  અનુવાદક: અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો