બુધવાર, 17 જાન્યુઆરી, 2018

હસાવીને વિચાર કરી મૂકતાં સંશોધનો માટે ઈગ નોબેલ પુરસ્કારદરેક કાળમાં ગોવર્ધન રામ ત્રિપાઠીની 'સરસ્વતીચંદ્ર સામે ધનસુખ લાલ મહેતા- જ્યોતિન્દ્ર દવેની 'અમે બધા' રચાઈ છે, ટાઈત જીન્સ ને ટી-શર્ટની સામે કડકા આર કરેલાં કુર્તા-ધોતી અને ડીઝાઈનર જેકેટ્સ ફેશનમાં રહ્યાં છે, 'પ્યાસા' કે 'કાગઝકે ફૂલ'ના સર્જક ગુરુદત્તે  'મિસ્ટર અને મિસિસ ૫૫' પણ એટલી જ સહજતાથી બનાવી છે. આપણી આજૂબાજૂ જરા નજર ઊંચી કરીશું તો વિરોધાભાસના પ્રભાવની ભરમાર જોવા મળશે.
થોડા સમય પહેલાં આવા જ વિરોધાભાસની એક વાત લાઇવમિન્ટ.કોમ પર પ્રમિત ભટ્ટાચાર્યના લેખ Who says economists can't have fun? માં પણ વાંચી હતી. એ લેખમાં લોકોને હસાવીને વિચાર કરી મૂકતાં ગંભીર સંશોધનો માટે અપાતા ઈગ નોબેલ પુરસ્કારોનો ઉલેખ છે.
તેમના લેખમાં ૨૦૧૫માં સિગાપોર મૅનેજમૅન્ટ યુનિવર્સિટીના ગેન્નારો બર્નાઈલ, ઑરેગોન યુનિવર્સિટીના વિનીત ભાગવત અને પી રાઘવેન્દ્ર રાઉને  ઈગ નોબેલ પુરસ્કાર મળ્યો તેનો સંદર્ભ વર્ણવ્યો છે.
સંશોધન પત્રમાં રાજ્યવાર કુદરતી આફતોનો અનોખો ડેટાબેઝ છે જેના વડે તેઓ ખોળી કાઢી શક્યા છે કે કયા કયા મુખ્ય સંચાલકોને તેમની પાંચથી પંદર વયની કુમળી વયમાં આવી મરણતોલ દુર્ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો.
જે કંપનીઓના મુખ્ય સંચાલકોને દુર્ઘટનાઓ સાથે સામાન્ય કક્ષાનો પનારો પડ્યો એ કંપનીઓના પ્રમાણમાં જે કંપનીના મુખ્ય સંચાલકોને સાવ મરણતોલ દુર્ઘટનાઓ સાથે પનારો નહોતો પડ્યો એ કંપનીઓનો દેવાં અને પોતાની મૂડીનો ઉચાલન ગુણોત્તર ૩.૪% વધારે હતો. જેની સરખામણીમાં જે કંપનીના મુખ્ય સંચાલકોને દુર્ગટનાઓમાંથી પસાર થવાનો બહુ આકરો અનુભવ થયો હતો તે કંપનીઓનો દેવાં અને મૂડી વચ્ચેનો ઉ્ચાલન ગુણોત્તર જેં કંપનીઓના મુખ્ય સંચાલકોને દુર્ઘટનાઓ સાથે બહુ પનારો નહોતો પડ્યો એવી કંપની કરતાં ૩.૭ % ઓછો હતો.
વર્ષની શરૂઆત થોડા હળવા મૂડમાં કરવા મળે એ સારુ આજે આ ઈગ નોબેલ પુરસ્કારનો પરિચય કરીએ.
ઈગ નોબેલ પુરસ્કાર પહેલાં હસતાં કરી મૂક્યા બાદ વિચાર કરતી કરી મૂકે એવી સિધ્ધિઓને સન્માને છે.
અસાધારણની ઉજવણી કરી,કલ્પનાશક્તિને સન્માનીને  વિજ્ઞાન, ટેક્નોલોજી કે ચિકિત્સા વિજ્ઞાન જેવા વિષયોમાં સામાન્ય લોકોને રસ લેતાં કરવાના આશયથી આ પુરસ્કારો  દર વર્ષે એનાયત કરવામાં આવે છે. એનલ્સ ઑફ ઇમ્પ્રોબેબલ રીસર્ચ (AIR) આ પુરકારોના પ્રણેતા છે, જેને હાર્વર્ડ-રેડક્લિફ સોસાયટી ઑફ ફિઝિક્સ સ્ટુડન્ટ્સ અને હાર્વર્ડ રેડક્લિફ સાયન્સ ફિક્શન એસોશીએશન પુરસ્કૃત કરે છે.
https://youtu.be/jz9X-BoIXE4
૧૯૯૧થી આ પુરસ્કારો અપાતા અવ્યા છે. ૧૯૯૫ થી દરેક વર્ષની પુરસ્કાર એનાયત કરવાના સમારંભનાં પ્રસારણનું ટેલીકાસ્ટને Improbable Research YouTube Channel પર સંગ્રહિત કરવામાં આવેલ છે.
ટેડ ટૉક A science award that makes you laugh, then thinkમાં ના સંપાદક અને સહ-સ્થાપક માર્ક અબ્રાહમ્સ એટલી જ હળવી રીતે આ વિષયની ગંભીર રજૂઆત કરે છે.
https://youtu.be/FFG2rilqT2g
દર વર્ષે આ પુરસ્કાર વિતરણ સમારોહમાં તો પુરસ્કૃત સંશોધકોને તેમનાં સંશોધન પત્રોવિષે વાત કરવા માટે માત્ર ૬૦ સેકંડસ જ આપવામાં આવે છે. તે પછી MIT માં તેઓ આ સંશોધન પત્રોને વિગતે રજૂ કરે છે.
https://youtu.be/MqVCl2VoZqU
૨૦૦૩નો એન્જિનીયરીંગ માટેનો ઈગ નોબેલ પુરસ્કાર સ્વ. જોહ્ન પૉલ, સ્વ. એડવર્ડ એ મર્ફી અને જ્યોર્જ નિકોલસને ૧૯૪૯માં એન્જિનીયરીંગના એક મૂળભૂત સિધ્ધાંત માટે એનાયત થયો હતો. આ સિધ્ધાંતને આજે આપણે મર્ફીના નિયમ તરીકે ઓળખીયે છીએ. એ નિયમાનુસાર 'જો કંઈ પણ કામ કરવા માટે બે કે વધારે રસ્તા હશે અને તેમાંના એક વડે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હશે, તો કોઈક તો એમ કરશે.' બીજા શબ્દોમાં કહીએ તો 'જો કંઇક ખોટું થવાનું હશે, તો થઈને જ રહેશે.
ગંભીર નોબેલ પુરસ્કારોની બાબતે જેટલી ભારતમાં દુકાળની પરિસ્થિતિ છે તેવી હાલત ઈગ નોબેલ પુરસ્કાર બાબતે નથી. આરૂષી બેદીએ ઈગ નોબલ પુરસ્કારથી નવાજિત  અત્યાર સુધીના ભારતીયોને યાદ કરેલ છે.
ઘણી વાર હસી કાઢવા જેવી વાતને હસવામાં ન કાઢી નાખવી જોઈએ. ઝાડપરથી સફરજન પડ્યું એમાં શું ધાડ મારવી હતી એમ જો ન્યુટને વિચાર્યું હોત તો ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત અને તેની પાછળ કલન ગણિતની શોધ ન થઇ હોત.  જુગારમાં અમુક જ દાણા પડે તેની શક્યતાઓ કેટલી એવી એક બેહૂદી લાગતી એક ધનાઢ્ય મહિલાની માગણીને બેઈઝ પાસ્કલે હસી કાઢી હોત તો પિયર ડી ફર્મૅટ સાથે સંભાવનાઓના સિધ્ધાંતને વિકસાવ્યો નહોત. કુદરતમાં કંઈ જ તુચ્છ નથી હોતું, તુચ્છ તો માનવીની એ સમજ છે જે કુદરતની ઘણી કરામતોનો તાગ પામી નથી પામતું, એટલે પોતાની લઘુતા ગ્રંથિ છુપાવવા તેને હસી કાઢે છે.