શુક્રવાર, 30 માર્ચ, 2018

બીઝનેસ સૂત્ર | ૬.૧ | શું માપી શકાય?બીઝનેસ સૂત્ર | | માપ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા  નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
'બીઝનેસ સૂત્ર' શ્રેણીના છઠ્ઠા અંકમાં દેવદત્ત પટ્ટનાઈક મૅનેજમૅન્ટના સિધ્ધાંતની ઈમારતના પાયાના એક
પથ્થર -'માપ -'ની ચર્ચા ઉપાડે છે. પ્રસ્તુત અંકની દૃશ્યશ્વાવ્ય ચર્ચાની સૂરબાંધણી કરતી પ્રારંભિક રજૂઆતમાં તેઓનું કહેવું છે કે, 'આજની લગભગ બધીજ મૅનેજમૅન્ટ સિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીને ભારપૂર્વક શીખવાડવામાં આવે છે કે જે માપી ન શકાય તેનું સંચાલન પણ ન કરી શકાય. જરા ઊંડાણમાં જોઈશું તો દેખાશે કે આ વિધાનમાં અભિપ્રેત છે કે એવી કેટલીક બાબતો પણ છે જે માપી નથી શકાતી, માટે તેમનું સંચાલન પણ ન થઈ શકે. આ કથન સાચું છે? આપણા સંબંધો આપણે માપી નથી શકતા પણ યેનકેન પ્રકારેણ તેમનું સંચાલન તો કરી જ લઈએ છીએ. માપ માટેની જરૂરની પાછળ એક એવાં સત્યની શોધ છે જે માનવ પૂર્વગ્રહથી પર હોય. પણ સત્યને માનવ પ્રકૃતિથી અલગ પાડી શકાય ? કોઈ પણ સંસ્થાને ધબકતી તો માનવી જ રાખે છે. એનો અર્થ એ થાય કે સંસ્થામાંનું કોઇ પણ સત્ય ક્યારે પણ મનવસહજ માન્યતાથી નિરપેક્ષ હોઈ ન શકે. તે હંમેશાં સ્વાનુભવરસિક સાપેક્ષ જ હોવાનું. તે હંમેશાં ધ્યેયોના ગોલપોસ્ટ બે થાંભલાઓના અતિમોની વચ્ચે જ ક્યાંક રહેશે અને આપણે જેમાં માનવાનું નક્કી કરેલ છે તે મૂલ્યો વડે જ જણાવાતું અને અસર પામતું રહેશે.

તેમની રજૂઆતના અંતમાં તેઓ, આજથી હજારેક વર્ષ પહેલાં થી ગયેલ તમિળ તાંત્રિક, અલ્વર,ના બોલ ટાંકે છે -
મને કાયમ સવાલ થાય કે કોણ માપે.
મને સવાલ થાય કે શું મપાય,
મને સવાલ થાય કે માપપટ્ટી કોણે નક્કી કરી હશે.
આ બધું જૂદું જૂદું કે એકનું એક? ”
 
બીઝનેસ સૂત્ર | ૬.૧ | શું માપી શકાય?
આધુનિક મૅનેજમૅન્ટ અને તેના પર આધારિત કાર્યપ્રણાલિકાઓની આખી ઈમારતનો પાયો 'માપ' આધારિત છે એમ કહેવા માટે મૅનેજમૅન્ટ નિષ્ણાત હોવું જરૂરી નથી એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. મૅનેજમૅન્ટના દરેક પાસાંને હેતુલક્ષી અને ગતિશીલ બનાવ્યે રાખવા માપ વિષેનાં જ્ઞાન માટેની જાળ મૅનેજમૅન્ટના અભ્યાસુઓએ ગણિત,સાંખ્યિકીશાસ્ત્ર, સમાજ્શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવાં શુધ્ધ અને વ્યાવહારિક વિજ્ઞાનો સુધી ફેલાવ્યે રાખી છે. સમય સમયની માંગ અનુસાર વિષય પરની ચર્ચાઓ જેટલી વ્યાપક રહી છે તેટલી વિવાદમય પણ રહી છે.વીસમી સદીની શરૂઆતથી લઈને અત્યાર સુધી માપ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, હોવું જોઈએ તો કેવું અને કેટલું હોવું જોઇએ, સંસ્થાનાં કયા સતર સુધી તે ઊંડું ઉતરવું જોઈએ જેવા રંગપટના અનેક રંગોને આવરી લેતી ચર્ચાઓથી પાશ્ચાત્ય મૅનજમૅન્ટ સાહિત્ય છલકાય છે.

ચર્ચાના આટઆટલા રંગને આપણી આ લેખમાળાના એક મણકામાં સમાવવાનો પ્રયાસ જ મિથ્યા સાબિત થાય તેમ છે,એટલે એ પસંદ આપણે આપણા સુજ્ઞ વાચકો માટે છોડી દઈશુ, અને આપણું ધ્યાન સીધું જ. 'બીઝનેસ સૂત્ર' લેખમાળાના છઠા અંકનાપહેલા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની દૃશ્યશ્રાવ્ય ચર્ચા શું માપી શકાય? પર કેન્દ્રિત કરીશું.
બધું જ માપી શકાય ખરૂં? બધાં જ માપ સો પ્રતિશત ક્ષતિરહિત હોઈ શકે? જે માપી ન શકાય તે સંચાલિત પણ  કરી શકાય એ શું સાચું છે? આપણે માપ, માપ અને માપના અતિરેકનાં ખપ્પરમાં ખપી નથી જતાં રહેતાં ને ? એટલે જ ભારતીય પૌરાણિકશાસ્ત્રોમાં માપના હિસાબકિતાબના દેવ તરીકે મૃત્યુના અધિદેવ યમનું જ સ્થાપન કરાયું છે?
પણ એ પણ હકીકત છે અંગત મહેચ્છાઓ હોય કે, વૈયક્તિક આનંદો હોય કે વ્યાવસાયિક પરિણામો અને તેની સાથે જોડાયેલ વ્યાવસાયિક સફળતા હોય, આજના સમયમાં માપનો પ્રભાવ તો સર્વવ્યાપી છે. એ નાગચૂડમાંથી મુક્તિ કેમ કરીને મળે?  
આપણે જ્યારે 'માપ' શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આપણો આશય નિરપેક્ષ વાસ્તવિકતાની રચના કરવાનો હોય છે, એક એવી વાસ્તવિકતા જેના પર આપણે બધાં સંમત હોઈએ. પણ એક બીજી પણ વાસ્તવિકતા છે જે સાપેક્ષ, વિષયલક્ષી છે - એ આપણી પોતપોતાની વાસ્તવિકતા છે.
આ વાતને આપણે એક વાર્તાનાં સ્વરૂપે સમજીએ. એક દિવસ નારદ મુનિ કૈલાશ
પર્વત પર આવી ચડ્યા. તેમના હાથમાં પાકેલું આમ્રફળ હતું. એમણે કહ્યું કે આ આમ્રફળનો હકદાયી એ છે જે સમગ્ર પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા સૌથી ઝડપથી પૂરી કરી લાવે. ગણેશ અને તેના ગુરુ બંધુ કાર્તિકેયે તે પડકાર ઝીલી લેવાનો નિશ્ચય કર્યો. કાર્તિકેયે તો તેમના વાહન મોર પર સવારી કરી અને જોતજોતામાં પૃથ્વીનાં બે ચકકર તો પૂરાં કરી નાખ્યાં. ગણેશ ત્યાં સુધી ઠંડે કલેજે બેઠા છે.  કાર્તિકેય ત્રીજું ચક્કર પૂરૂં કરવા રહે એટલી વારમાં ગણેશે તેમનાં માતાપિતાની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણ કરી લીધી અને જાહેર કરી દીધું કે તે જીતી ગયા છે. કાર્તિકેયે આ દાવાને પડકાર્યો. તો જવાબમાં ગણેશે કહ્યું કે તમે તમારાં વિશ્વનાં ત્રણ ચક્કર પૂરાં કર્યાં મેં મારાં વિશ્વનાં ત્રણ ચક્કર પૂરાં કર્યાં.
આ કહાનીમાં જે મહત્ત્વનું છે તે છે હેતુલક્ષી, નિરપેક્ષ અને તેની સામે વિષયલક્ષી, સાપેક્ષ વાસ્તવિકતાનો ફરક. કાર્તિકેય હેતુલક્ષી વાસ્તવિકતા છે તો ગણેશ વિષયલક્ષી વાસ્તવિકતા છે. બન્ને પ્રકારની વાસ્તવિકતાઓનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે. આપણે જ્યારે માપ વિષે વાત કરતાં હોઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણું ધ્યાન માત્ર સત્યની એક જ બાજૂ - નિરપેક્ષ વાસ્તવિકતા - કેન્દ્રિત  થતું હોય છે,. સત્યની બીજી બાજૂ - સાપેક્ષ વાસ્તવિકતા- તો આપણી નજરે ચડતી જ નથી.સાપેક્ષ વાસ્તવિકતા ગૂણાત્મક છે, તે વ્યક્તિની લાગણીની ઊંડાણમાં વસે છે, જે સીધી રીતે માપી શકાતી પણ નથી. તે તો તમારી અભિરુચિ છે, તમારી સહજ વૃત્તિ છે , તમારી આંતઃપ્રેરણા છે. આ બધાંને માપી નથી શકાતાં. વિશ્વની સૌથી મહાન સફળતાઓ તરફ નજર કરશો તો જણાશે કે તેનાં મૂળમાં આ તાર્કિક સત્ય - નિરપેક્ષ વાસ્તવિકતા-નહીં પણ માનવસહજ કલ્પના છે, જેના વડે માનવી  સ્વપ્નોનાં વાદળો પરની સવારી  વડે સફળતાની અપ્રતિમ ઉંચાઈઓ આંબે છે..
પણ આજની દુનિયામાં તો હેતુલક્ષી વાત હોય કે પછી હોય વિષયલક્ષી વાત, કંઈકને કંઈક માપ્યા  સિવાય તો ક્યાંય પત્તો જ પડે તેમ નથી. પણ શું તમારૂં કહેવું એમ છે કે કેટલીક બાબતોને તો માપી શકાય જ નહીં?
હા, કેટલીક બાબતો તો ક્યાંથી મપાય, જેમકે લાગણી !
પણ એ બાબતે કંઈકને કંઈક તો માપ ઘડી જ શકાય, જેમ કે - તેમ ખુશ છો, તમે બહુ ખુશ છો, તમે બહુ બહુ ખુશ છો. કોઈક્ને કોઈક સ્વરૂપમાં તો માપ વ્યાખ્યાયિત કરી જ શકાય.
બધું જ માપવામાં રહેલાં જોખમની હું તમને એક કહાની કહીશ. તમે શેક્સપીયરનાં નાટક કિંગ લીઅરની કરૂણતા વિષે તો સાંભળ્યું જ હશે. તેની વાત છે એક રાજાની તે તેની પુત્રીઓના પ્રેમને માપવા બેસે છે.મૂળે તે એક જર્મન લોકકથા પર આધારિત કહી શકાય. જો કે આપણે તો કહી શું કે આ વાત તો અમારી જ છે.  
એ વાર્તા મુજબ પિતા તેની બે દીકરીઓને પૂછે છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો.
મોટી દીકરીએ કહ્યું કે ખાંડ જેટલો તો નાનીએ કહ્યું કે મીઠાં જેટલો. બાપને પણ ખાંડ વધારે પ્રિય હતી એટલે તેને મોટી દીકરી વધારે વહાલી લાગી અને નાની દીકરી પ્રત્યે જરા પણ પ્રેમ ન લાગ્યો. પણ નાની દીકરીની દૃષ્ટિએ જૂઓ તો તેનો પ્રેમ વધારે વ્યાપક હ્તો કેમ કે મીઠાંના સબરસ વગર તો કોઈ પણ વસ્તુ ગળે ન ઉતરે. આમ વાત તમારા દૃષ્ટિકોણ પર આવીને અટકે છે. 
તમારી માપપટ્ટી નિરપેક્ષ હોઈ શકે છે પણ તેના વડે માપનાર કે એ માપનો ઉપયોગ કરનાર હેતુલક્ષી જ હોય તે જરૂરી નથી. માપપટ્ટીની એક તરફ છે માપનાર અને બીજી તરફ છે માપનો વપરાશકાર. આ બન્ને અલગ અલગ વ્યક્તિત્વો છે. બન્નેના પોતપોતાના પક્ષપાતો છે, પોતપોતાના પૂર્વગ્રહો છે. આપણે આ બાબત તરફ તો સાવ દુર્લક્ષ્ય જ સેવીએ છીએ.આપણે તો માની લઈએ છીએ કે ઓડીટર તો સાચું પારખી કાઢી શકે.
હા, એ તો હોય જ  નિરપેક્ષ.
ઓડીટર પણ આખરે તો એક માનવી જ છે, જેને પોતાના પક્ષપાત છે, પોતાના પૂર્વગ્રહો પણ છે, પોતાના સત્તાના ખેલ છે, જે તેનાં વ્યક્તિત્વમાં વણાયેલાં છે. આપણા ધ્યાન પર એ નથી આવતું કે જે સત્ય ઊભરે છે તે માપપટ્ટીએ માપેલ સત્ય નથી, પણ કયા સંદર્ભમાં કઈ માપપટ્ટીથી શું માપ્યું છે તેને માપનાર અને વપરાશ કરનારના પૂર્વગ્રહની નજર વડે જોવાયેલ 'સત્ય' છે. શક્યતા પૂરેપૂરી છે કે તમારી સામે જે આવ્યું છે તે સત્ય ખૂબ તોડમરોડ થઈને  નજરે ચડ્યું છે. 
પરંતુ આનો તો કોઈ ઉપાય જ નથી. આજના સમયમાં માપવું તો બધું જ પડશે. મોટી સંસ્થાઓમાં  કોઇને પુરસ્કૃત કરવું હોય, તો કામગીરીમાં શું શા માટે કેટલું સારૂં છે તે તો પહેલાં સમજવું જ પડે. વ્યક્તિનું યોગદાન કેટલું છે, તે જે ટીમમાં છે તેનું યોગદાન કેટલું છે, એ બધું મળીને સમગ્ર સંસ્થાએ તેનાં માલીકીઅંશાધારકો, તેનાં અન્ય હિતધારકો વગેરે માટે શું સિધ્ધ  કર્યું એમ ડગલે ને પગલે માપ સિવાય તો ચાલે તેમ જ નથી.  આમ, આપણાં માપમાં વિષયલક્ષિતા અને હેતુલક્ષિતાની ઓછીવધતી ભેળસેળ છે તે સમજવા છતાં માપનાં ચક્કરમાંથી પિંડ કેમ કરીને છૂટે?
આપણા પ્રયાસ તો ૧૦૦ % હેતુલક્ષી દુનિયાનું સર્જન કરવાના છે, કારણકે આપણે માની  લીધું છે કે એ દુનિયા જ ન્યાયોચિત છે. આપણી સામે આ ગોલપોસ્ટ છે - આપણે હેતુલક્ષી, ન્યાયોચિત વિશ્વ ઊભું કરવું છે. પરંતુ એ ગોલપોસ્ટના તો બે થાંભલા છે. એટલે આપણે સમજવાનું એ રહે છે કે આપણે ગમે તેટલું મથીએ, આપલો દડો તો પૂર્ણ હેતુલક્ષી અને પૂર્ણ વિષયલક્ષી એવા બે થાંભલાઓની વચ્ચે જ ક્યાંક નિશાન સાધશે - એટલાં પૂરતું તો આપણું સત્ય પૂર્ણ સત્ય નહીં જ હોય. આપણે જે જમાઉધાર પત્રક જોઈએ છીએ તે એ પૂર્ણ સત્ય નથી, આપણી સમક્ષ હાજર થતા ઉમેદવારનું જીવન વૃતાંત પણ પૂર્ણ સત્ય નહીં જ હોય એટલું જો આપણે સ્વીકારી લઈ શકીશું તો વાસ્તવિકતાની આપણે એટલાં નજદીક જઈ શકીશું. તેમાં મહદ અંશે સત્યનાં બધાં જ સૂચકચિહ્નો હશે, પણ એ પૂર્ણ સત્ય તો નહીં જ હોય. ઘણી વાર આટલી સમજનો અભાવ હોય છે. તેનૂં એક કારણ છે માપ પર બહુ વધારે પડતો આધાર રાખવો. આજે આપણી નજરો માત્ર અને માત્ર માપ જૂએ છે જ્યારે જરૂર છે માપ વિષે પણ જોવાની. 
 વિષયસાપેક્ષતાનાં ઉદાહરણની પણ એક વાર્તા જોઈએ. કોઈ ક કંઈ પણ માગે તે આપી દેતા મહાબલિ નામના એક રાજાની વાર્તા તો તમે સાંભળી જ હશે . એક વાર તેમના દરબારમં એક વામન આવ્યા. વામને રાજા પાસે પોતાનાં ત્રણ પગલાં જેટલી જમીનની માગણી કરી. મહાબલિ એ માગણીનો સ્વીકાર કરે છે. વામન પગલાં ભરવાનું શરૂ કરતાંવેંત વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે. તેનાં પહેલાં પગલામાં આખી પૃથ્વીઅને બીજાંમાં સમગ્ર સ્વર્ગ સમાઈ જાય છે. એટલે તે રાજાને પૂછે છે કે ત્રીજું પગલું હું ક્યાં માંડું? રાજા કહે છે મારાં મસ્તિષ્ક પર માંડો. વામન એ પગલું ભરીને રાજાને કચડી નાખીને જમીનમાં દાટી દે છે.
આપણે આ વાત વિષયલક્ષિતાના સંદર્ભમાં જોવાની છે. મારી નજરમાં જે ત્રણ પગલાં છે તે સામેનાની દૃષ્ટિમાં દેખાતાં પગલાં કરતાં જૂદાં છે. જેણે માપ નક્કી કર્યું, જેણે માપ્યું અને જેણે તેનો ઉપયોગ કર્યો એ ત્રણેયની એ માપ જોવાની દૃષ્ટિ સાવ અલગ છે. બધાં મતમતાંતરો પેદા જ અહીંથી થાય છે. આપણે એક નિરપેક્ષ માપપટ્ટી ભલે વાપરી હોય પણ તેના વડે મપાયેલ માપ માટેના સંદર્ભ બધાંના જૂદા છે. આપણાં તત્ત્વજ્ઞાનમાં નહીં પણ આપણાં પૌરાણિક્શાસ્ત્રોમાં આ મુદ્દો આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે.માપ શબ્દનો પહેલો અક્ષર '' છે. આ જ અક્ષરથી હેતુલક્ષિતાને રજૂ કરવા માટેનો શબ્દ 'માપદંડ' પણ બને છે અને વિષયલક્ષિતાને પ્રતિત કરતો 'માયા' પણ બને છે. 
કહેવાનું તાત્પર્ય એ કે માપની વાત કરતાં હોઈએ ત્યારે બહુ સંભાળ રાખવી જરૂરી બને રહે છે.....
આજની ચર્ચાના સારમાં એમ કહી શકાય કે આધુનિક મેનેજમૅન્ટ સાહિત્યની જેમ ભારતીય પૌરાણિકશાસ્ત્રો પણ માપનું અગત્ય સ્વીકારે છે. બન્ને એક વાતે મહદ અંશે સંમત પણ જણાય છે કે આપણી નજર માત્ર માપની ઉપર જ ન ખોડાયેલી રહેવી જોઈએ પણ તે શું માપીએ છીએ, શા માટે માપીએ છીએ, આમ જ કેમ માપીએ છીએ, આટલું જ કેમ માપીએ છીએ, અત્યારે કજ આ કેમ માપીએ છીએ એવા માપના બધા સંભવિત સંદર્ભ પણ આપણી દૃષ્ટિ સમક્ષ રહેવા જ જોઈએ.
દેવદત્ત પટ્ટનાઇક સાથેની બીઝનેસ સૂત્રની આ સફરનો હવે પછીનો પડાવ છે આ લેખમાળાના છઠ્ઠા અંકનો બીજો ભાગ, જેનો વિષય છે નિરપેક્ષ અને સાપેક્ષ માપ.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો