મરીના ભૂકામાં મીઠું ભેળવવાથી શું પરિણામ
આવશે તે હંમેશાં કહી શકાય. પણ એકબીજાનાં પૂરક કૌશલ્યોવાળી બે વ્યક્તિઓને એક
પ્રોજેક્ટ પર સાથે કામે મૂકશો તો પરિણમતી નિપજ કેટલી થશે તે કહી નહીં શકાય. આનું
કારણ એ કે લોકો એ કંઈ જણસ નથી. એ લોકો વિચારી શકે છે. તેમને લાગણીઓ છે. દરેકની
પોતપોતાની અલગ અને આગવી કલ્પના હોય છે.
તેઓને ઈનામ કે શિક્ષાની એક હદ પછી પડી નથી હોતી. તમારી
પીઠ પાછળ તેઓ કંઈને કંઈ યોજનાઓ ઘડ્યા કરશે. એ લોકોની પોતાની ગણતરીઓ હોય છે જે
પ્રોજેક્ટની નિપજ પર - સારી કે ખરાબ- અસર કરી શકે છે. આને પરિણામે સંબંધો પર પણ
અસર થાય છે. સંબંધો આગાહી કરેલ ચોકઠામાં ક્યારેય બંધબેસતા નથી. કોર્પોરેટ વિશ્વને
હંમેશાં પજવતો રહેતો આ એક 'શ્રાપ'
છે.
ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિયરીંગનાં
સંતાન, આધુનિક મૅનેજમૅન્ટ, નો આધાર જ પૂર્વાનુમાનીયતા
છે. માલીકીઅંશધારકોને નવાઈ પમાડતી ઘટનાઓ નથી ગમતી. વિશ્વના કોઈપણ ખૂણે રહેલો
નવપ્રવર્તક તેના વ્યવસાયની માનવીય આધાર ભૂમિકાનું મહત્ત્વ સમજવા છતાં, માનવ
વર્તનની બાબતે હંમેશાં સાવધ રહેતો હોય છે કેમકે માનવ વર્તણૂક બાબતે કોઈ જ પૂંઠ ભરી
નથી શકાતી. આ જ કારણસર ઘણી બધી જગ્યાએ માણસની જગ્યા ટેક્નોલોજીએ લેવા માંડી છે.
મશીન વધારે ધારેલું કામ આપે છે. માનસની યાદશક્તિ કરતાં તંત્રવ્યવસ્થા અને ડેટાબેઝ
વધારે ભરોસાપાત્ર છે. રૉબોટિક્સમાં વધારે મજા પડે છે કેમકે રોબોટ્સની લાગણીઓનો
પ્રબંધ કરવાની જરૂર નથી. વધારેને વધારે વ્યાપાર ઔદ્યોગિક સંસ્થાનો માનવ સમસ્યાઓના
ઉપાય તરીકે બીન-માનવીય ટેક્નોલોજિકીય રસ્તા અપનાવે છે.
આ ચર્ચાની ચાવી વિષ્ણુના
અવતારોમાં મળી શકે તેમ છે. આપણે જોયું છે કે વિષ્ણુનો દરેક અવતાર એક ચોક્કસ ક્રમિક
વિકાસનો માર્ગ જ અનુસરે છે. પહેલાં પાણીની માછલી (મત્સ્ય), પછી
ઊભયજીવી કાચબો (કુર્મ),
તે પછી ધરતીનિવાસી સૂવર (વારાહ), પછી
આંશિક માનવ શિકારી (નર-સિંહ) અને તે પછી
માનવ અવતારો આવે છે. આપણને આ ક્રમ યાદ કરાવે છે છે માનવી પણ પ્રાણી છે.આપણા
મગજના જૂનામાં જૂના ભાગને સરિસૃપિય મગજ કહે છે કેમકે કોઇ પણ ઉત્તેજનાનો તે કંઈ પણ
વિચાર કર્યા સિવાય સાહજિક પ્રતિભાવ આપે છે. તે પછી આવે છે ઉપપ્રાંતસ્થીય મગજ (limbic brain), જે ઉત્તેજનાનો ભય જેવી ઊંડી લાગણીથી પ્રતિભાવ આપે છે. છેલ્લે
આવે છે નવપ્રાંતસ્થ મગજ (neocortex
brain),માનવ મગજ, જે
પ્રાણીસહજ જન્મજાતવૃત્તિઓ અને ભયને અંકુશિત કરી શકે, ચાલાકીથી
મહાત કરી શકે કે તેને અતિક્રમી પણ શકે તેવા વિચારો કરી શકે છે.
માછલી આપણને સંસ્કૃતના બહુ
જાણીતા શબ્દપ્રયોગ 'મત્સ્ય ન્યાય'ની યાદ અપાવે છે. અંગ્રેજીમાં
મત્સ્ય ન્યાયને જંગલનો કાયદો કહેવામાં આવે છે જેમાં મોટી માછલી નાની માછલીને ગળી
જાય - સમગ્ર પ્રાણી જગતમાં આ જ એક ન્યાય છે. આ ન્યાયોચિત નથી એમ કહીને તેનો વિરોધ
પણ આપણે કરી ન શકીએ. કુદરતની આ જ રીત છે. તેને કારણે જે ટકી રહેવા સૌથી વધારે
સામર્થ્યવાન છે તે ટકી શકે છે. આપણાં સૌથી જૂનાં અને સૌથી ભરોસાપાત્ર, સરિસૃપિય
મગજમાં આ વિચાર જડાઈ ગયો છે. સૌથી મુશ્કેલ
પળમાં આપણે ત્યાં જ પહોંચવાનાં છીએ. જેમ કંપની મોટી એમ બેંક પાસેથી એનું ઋણ પણ
મોટું. એ જો બેસી જાય તો તેની પાછળ બેંકો અને તેમની પાછળ આખી અર્થવ્યવસ્થા પણ બેસી
જાય.એટલે સરકારોએ નવા નવા રસ્તા ખોળીને પણ
આ 'મોટી" કંપનીઓને તારવી પણ પડે. વિકાસના માર્ગ પર, ઝડપથી
થતાં પરિવર્તનમાંથી પરિણમતાં એકત્રીકરણની દુહાઈઓમાં, થોડા
નાના દુકાનદારો કે લઘુ ઔદ્યોગિક સાહસિકો કચડાઈ જાય કે ફેકાઈ જાય એ પણ કુદરતનો જ
નિયમ ગણાય!
જ્યારે તેની માથે ભય આવે
ત્યારે કાચબો પોતાની ઢાલ સરખી પીઠમાં સંકોડાઈ જાય, અને સુવર
પર જો આક્રમણ કરવામાં આવે તો તે સામું આક્રમણ કરે. આફતના સમયે કેટલાંક માણસો પણ આ
જ રીતે વર્તે છે. આપણું ઉપપ્રાંતસ્થીય મગજ (limbic brain) મગજ, આપણી
જાતને કે સંસ્થાને આપણા અનુભવ અને કૌશલ્યનો લાભ આપ્યા વગર ક્યાં તો આપણને પાછા ખસી
જવાનું સૂચવશે , અથવા આપણો માર્ગ સાફ રાખવા બીજાં લોકોની વ્યવસ્થાઓ અને
યોજનાઓને, અંદરખાને કે જાહેરમાં, ખેરવી
પાડવાનું કહેશે.
નર-સિંહમાં માનવ મગજની કલ્પના
શક્તિનો પહેલો તણખો જોવા મળશે જેના વડે માનવી સાવ નવા જ ઉપાયો પણ ખોળી લાવે છે.
જેમ કે, નર-સિંહે દાનવનો નાશ કરવા માટે અંદર પણ નહીં કે બહાર પણ
નહીં (ઊંબર પર), દિવસે પણ નહીં કે રાત્રે પણ નહીં (સંધ્યા કાળે), ન
તો કોઈ શસ્ત્રથી ન તો કોઈ સાધનથી (પોતાના નહોરથી)ની સામેના ઉપાયો શોધી જ કાઢ્યા ને
!કર્મચારીઓ કે સાહેબો કે પછી પુરવઠાકારો કે ગ્રાહકોમાંની સાહજિક પશુ વૃતિ
સામેનામાં શિકારીને જૂએ છે (જેને આઘો રાખો) કે શિકાર તરીકે જૂએ છે (આરોગી ખાઓ) કે
પછી હરીફ (જેને ચીત કરવો પડે) કે સાથી (જેનો સાથ કરાય)ને જ જૂએ છે. આપણા સંબંધો
આપણને આપણા બધાનાં શિકારી (સાહેબ કે નિયમનકાર?)ની સામે
રક્ષણ આપનાર વૄંદ બનાવવામાં કે બધાએ મળીને (ગ્રાહક ?) શિકારને
નાથવા માટેની ટોળી બનાવવામાં મદદરૂપ બને છે.
આપણું સરિસૃપીય મગજ આપણને
અધિગ્રહણવાદી, આધિપત્યવાદી અને આક્રમક બનાવે છે તો માનવીય બાજૂનું મગજ એ
પારિસ્થિતિક તંત્રવ્યવસ્થા પર અંકુશ પ્રસ્થાપિત કરવાના રસ્તા ખોળે છે. આ બધામાં એક
બાબત ધ્યાન બહાર રહી જાય છે કે વિષ્ણુના બીજા અવતારો ભલે હતા માનવ અવતાર, પણ
એકબીજાથી સાવ અલગ હતા. વામન (નાનું કદ પણ મોટું પગલું ભરવાની વ્યૂહરચના), પરશુરામ(ઋષિ
હોવા છતાં શિક્ષા કરવા આયુધ ધારણ કર્યાં) ,રામ
(આશાનાં બાણને પુરુષાર્થનાં ધનુષ્ય પર ચડાવ્યાં), કૃષ્ણ
(એવો ગોવાળીયો કે સારથિ જેણે મનની વિચારશક્તિને નવા પરિપ્રેક્ષ્યમાં ઘડી આપી), બલરામ/
બુધ્ધ (જેમણે જગતનો ત્યાગ કરીને માનવ જ્ઞાનની સીમાઓને અતિક્રમી) કે કલ્કિ (જે ણે
જૂની વ્યવસ્થાને જ તોડીફોડી કાઢી) છે તો માનવી જ પણ એકબીજાથી સાવ અલગ. દરેક માણસને
પોતપોતાનાં જીવનનો આગવો ઉદ્દેશ્ય અને અલગ દૃષ્ટિકોણ હોય છે.
સંસ્થાને આ માનવ ભિન્નતા નથી
દેખાતી. સંસ્થાના ઉદ્દેશ્યનાં તેજમાં અંજાઈ ગયેલ સંસ્થાને પોતાનાં કર્મચારીઓમાં એ
ઉદ્દેશ્ય સિધ્ધ કરવા માટેનું કૌશલ્ય જ દેખાય છે. પરિણામે (વરિષ્ઠ)સંચાલકને દેખાતું
નથી કે નાનો ગણાતો કર્મચારી પણ એક પણ નિયમ તોડ્યા વિના ક્યાંતો સંસ્થાનો નાશ કરી
શકે છે કે તેને ઉગારી શકે છે. કે પછી એ સંચાલક થાકી હારીને હાથમાં 'પરશુ' ધારણ
કરીને એકેવાતે ન માનતા સહયોગીને સીધો દોર કરી નાખી શકે છે. કે પછી એ એવો અગ્રણી
બની રહે છે જંગલ જેવી મુશ્કેલ કે મહેલ જેવી પ્રચુર સંસાધનો ભરી સ્થિતિમાં પણ
વિચલિત થયા વગર, માત્ર અને માત્ર નિયમનું જ પાલન કરે છે/કરાવે છે. કે પછી એને ધ્યાનમાં નથી આવતું કે
કર્મચારીઓના ગોવાળીયા જેવા જણાતા એક સામાન્ય અભિપ્રાયોના ઘડવૈયા જેવા, કે
એક સારા કારચાલક જેવા દેખાતા સીધાસાદા ટેકનીશીયન જેવા, કર્મચારીને
પણ અઘરામાં અઘરા દેખાતા પ્રશ્નનો સાવ જ સરળ ઉપાય સૂઝી શકે છે.
આજનાં મૅનેજમૅન્ટ જગતની એ
કમનસીબી છે કે તે વ્યક્તિ પાસે જ્ઞાન, કૌશલ્ય કે ચોક્કસ દૃષ્ટિકોણ
જેવું જે કંઈ છે, કે તેણે શું કરી આપ્યું છે, તેના
માટે કામ પર લે છે, પણ એ વ્યક્તિની અંદર છૂપાયેલી શક્તિઓને તે નથી પારખી
શકતું. આપણે વ્યક્તિમાં રહેલ મત્સ્ય કે કાચબો કે સુવર કે નરસિંહ નથી ઓળખી શકતાં.
એટલે માણસમાં રહેલી અદ્ભૂત,
અણધારી કલ્પનાશક્તિનો તાગ મેળવીને તેનો
લાભ લઈ શકવાનો તો પ્રશ્ન જ ક્યાં આવે?.
§ 'ધ ઈકોનોમિક ટાઈમ્સ ' માં
૧૦ ઓક્ટોબર, ૨૦૧૪
ના રોજ
પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Unpredictable Animal, નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૬ મે, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો