શુક્રવાર, 25 મે, 2018

બીઝનેસ સૂત્ર | ૬.૩| તમે કેટલા મહાન છો?


બીઝનેસ સૂત્ર | | માપ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા  નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
હાલમાં ચાલી રહેલા  છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય? અને બીજા ભાગમાંહેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતાની વાત કહી હતી.
બીઝનેસ સૂત્ર | ૬.૩| તમે કેટલા મહાન છો?
શું માપી શકાય / માપવું જોઈએ  અને. તે પછીથી, વિષયલક્ષી અને હેતુલક્ષી માપણીઓના લાભાલાભની ચર્ચા કર્યા બાદ

એ સવાલ થવો સાહજિક કહી શકાય.
આ સવાલનો જવાબ વ્યક્તિગત દૃષ્ટિએ અંગત કે વ્યાવસાયિક સ્તરે કે સંસ્થાકીય દૃષ્ટિકોણથી વૈયક્તિક કે સામુહીક સ્તરે અલગ અલગ હશે.
મોટા ભાગે સફળ વ્યક્તિઓ કે સંસ્થાઓ, સંતોષ પામીને, પગ વાળીને બેઠેલાં જોવા નહીં  મળે, કેમકે:


 વૈજ્ઞાનિક વર્તુળોમાં હવે  'એલિસ ઈન વન્ડરલૅન્ડ'નાં પાત્ર 'રેડ ક્વીન'નો પ્રયોગ અર્થાલંકારિક સ્વરૂપે ઉત્ક્રાંતિવાદી પરિવર્તનમાં કરવામાં આવે છે. એનો અર્થ એમ કરવામાં આવે છે કે એક પ્રજાતિમા થતું ઉત્ક્રાંતિવાદી પરિવર્તન, તેની સાથે નિર્ભર અન્ય પ્રજાતિમાં પણ, પોતાને લુપ્ત થતી રોકવા માટેનું, ઉત્ક્રાંતિવાદી પરિવર્તન પ્રેરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક પ્રજાતિએ 'જ્યાં છે ત્યાં ટકી રહેવા(લુપ્ત થવાથી બચવા માટે) 'દોડતા' (વિકસતા) રહેવું પડે.
આજનાં વિશ્વમાં અતિઝડપથી થતાં પરિવર્તનોની ભરમાર લાગી પડી છે. એટલે હવે 'રેડ ક્વીન રેસ' શબ્દપ્રયોગ એ પરિસ્થિતિ માટે કરવામાં આવે છે જેમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાએ જ્યાં છે ત્યાં ટકી રહેવા માટે પણ એડી ચોટીનાં જોર લગાવવાં પડતાં હોય.
એક આડવાત –
બમણી ઝડપે દોડતાં રહેવાની આ ઉપભોકતવાદની દોડથી કંટાળેલો એક વર્ગ અનુઉપભોકતાવાદ ચળવળ (Postconsumer Movement) તરફ વળેલ છે. આ ચળવળના એક બહુ પ્રચલિત સવાલ 'હાલ પૂરતું મારી પાસે પર્યાપ્ત છે કે નહીં?' (“Do I have #EnoughStuff for now?” )ને આ વ્યંગ્યચિત્રમાં બહુ જ જીવંત સ્વરૂપે ચરિતાર્થ કરવામાં આવેલ છે:
એ જ રીતે સંસ્થાકીય કામગીરીની અસરકારકતાનાં સંતોષકારક પરિણામો બાબતે આજનાં મૅનેજમૅન્ટ સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં એક વાતે સહમતિ જોવા મળે છે કે સંસ્થાની કામગીરીનાં સતોશકારક પરિણામનું મૂલ્યાંકન તો સંસ્થાના તે સમયે લાગુ પડતા લાંબા ગાળના ઉદ્દેશ્યોના સંદર્ભમાં જ શક્ય બની શકે છે.
આપણે ફરી એક વાર આ વિષયમાં શું ક્યારે વાંચવું એ પસંદગી આપણા સુજ્ઞ વાચક પર છોડીને  હિંદુ પુરાણોમાં આ વિષે શું કહેવાયું છે તે માટે, આગળના અંકનાં સાતત્યમાં ચાલી રહેલ , દેવદત્ત પટ્ટનાઈકની છઠ્ઠા અંકના ત્રીજા ભાગની ચર્ચા - 'તમે કેટલા મહાન છો?' - તરફ આપણે આગળ વધીશું.


સુખને કેમ કરીને માપવું?
એ માટે સૌથી પહેલાં તો સુખની વ્યાખ્યા કરવી પડે, એ છે લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાનો સુમેળ.  લક્ષ્મી ભૌતિક સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, સરસ્વતી કરે છે બૌધ્ધિક સંપત્તિનું જ્યારે દુર્ગા કરે છે ભાવનાત્મક સંપત્તિનું. આ ત્રણમાંથી લક્ષ્મીને માપી સકાય, સરસ્વતી - જ્ઞાન કે બુદ્ધિ-ને તાલીમ, સિક્ષણ જેવી અમુક બાબતોથી આંશિક રીતે માપી શકાય , જ્યારે દુર્ગાને માપવું શકય નથી. કોને કેટલું ધ્યાન આપવું જોઈએ કે કોને કેટલું ધ્યાન જોઈએ છે તે શી રીતે માપી શકાય? તમને કેટલું ધ્યાન મળે છે એ જ ઘણી વાર આપણા સુખની માત્રા બની રહે છે.
આમ સુખ એ માપી શકાય અને ન મપી શકાય એવી સંપત્તિની એક અનોખી સંતુલિત પરિસ્થિતિ છે, જેમકે, મારા માટે કેટલી દોલત પર્યાપ્ત ગણાય અને તેની સામે તમારી પાસે કેટલી દોલત પર્યાપ્ત થઈ રહે એ અંગેનો તમારો ખયાલ જો પરિપક્વપણે સંતુલિત હોય તો જ તમે સુખી રહી શકો..
હું પણ આ વાતનો જ ઉલ્લેખ કરવાની હતી. કેટલી દોલત પૂરતી ગણાય એ પણ સાપેક્ષ જ પરિબળ છે !
તમારી પાસે એક કરોડ, બે કરોડ કે પાંચ કરોડ કે દસ કરોડ હોઈ શકે.સૌથી પહેલાં તો નક્કી કરવું પડે કે કોઈપણ મુખ્ય સંચાલક માટે સૌથી વધારે ઉચિત માપ કયું ગણાય ? બધાં જ કહેશે મારા માટેનો માપદંડ તમારાથી અલગ હોવો જોઈએ કેમકે હું અને તમે અલગ અલગ છીએ. તત્ત્વતઃ તો દરેક માનવી અનોખું જ છે. એટલે દરેકનો પોતાનો માપડંડ પણ અનોખો જ જોઈએ ! ગણેશ આપણને આ જ વાત કહી રહ્યા હતા.
એક દિવસ ઈન્દ્રને પોતે કેટલો મહાન છે તે માપી ને તેનો પુરાવો લોકો સમક્ષ મુકવાનું મન થયું. સ્વાભાવિક છે કે તેમને કંઈક બહુ જ મૂર્ત અને નિરપેક્ષ પ્રતિકની જરૂર હતી. તેમણે દેવોના સ્થપતિ, વિશ્વકર્મા,ને બોલાવ્યા, અને તેમને કહ્યું કે મારી મહાનતાનાં પ્રતિક સમો મહેલ બાંધી આપો. વિશ્વકર્માએ સોનાનો મહેલ બાંધ્યો ઈન્દ્રએ તે જોઈને કહ્યું કે મહેલ તો ઘણો સારો છે, પણ મારા જેટલો મહાન નથી, એટલે વિશ્વકર્માએ બીજો મહેલ હીરાઝવેરાતનો બનાવ્યો. જે જોઈને પણ ઈન્દ્રએ કહ્યું કે આ મહેલ પણ સારો તો છે પણ મારી મહાનતાની તોલે આવતો દેખાતો નથી. આ બન્ને કિસ્સાઓમાં ઈન્દ્રના કહેવાનો અર્થ એ થાય કે તેની મહાનતાને માપવા માટે જે માપ પસંદ કરાયાં છે તે સર્વથા ઊચિત નથી. મારૂં માપ તો અલગ છે જે કોઈનું ન હોય એવું અને એટલું ભવ્ય હોવું જોઈએ.

કંટાળીને વિશ્વકર્મા ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ બાળકનું રૂપ લીધું અને ઈન્દ્ર પાસે ગયા અને ઈન્દ્રને કહ્યું કે તમે જે ભવ્ય મહેલ બાંધ્યા છે તે મારે જોવા છે. ઈન્દ્ર એ બાળકને સોનાનો મહેલ અને તે પછી હીરા ઝવેરાતનો બનેલો મહેલ બતાવ્યો.  મહેલ બતાવતાં બતાવતાં ઈન્દ્રએ કહ્યું કે આ મહેલો ખૂબ ભવ્ય છે, પણ મારી મહાનતાની તોલે હજૂ પણ નથી આવતા. એ જોઈને બાળકે કહ્યું, મહેલો તો ખરેખર બહુ જ સારા છે, પણ બીજા ઈન્દ્રોના મહેલ જેટલા સારા નથી.
બસ, અહીં ફરી એક વાર નવા જ માપદડથી સરખામણી થઈ રહી છે. માપનાં મૂલ્યની સરખામણી કરવા માટે એક નવો સંદર્ભ પ્રસ્થાપિત કરાઈ રહ્યો છે.
આ બીજા ઈન્દ્રો વળી કોણ છે?
બાળક જવાબ આપે છે કે, ઓહો, તમને એમ હતું કે તમે એક જ ઈન્દ્ર છો. અરે, આ વિશ્વમાં તો સમુદ્ર તટની રેતીના કણ જેટલા ઈન્દ્રો વસે છે.એ દરેક પોતાની જાતને બહુ જ મહાન માને છે.. મેં જોયેલા તેમના મહેલોમાંથી કેટલાક મહેલો તમારાથી વિશાળ છે તો કેટલાક તમારા કરતાં નાના પણ છે. એ દરેક ઈન્દ્રને પણ હજૂ વધારે ભવ્ય મહેલની અપેક્ષા છે.  પણ જેમ તમારી અપેક્ષા , તમારી સ્વકલ્પના અનંત છે તે, તેમ તેમનો માપદંડ અનંત છે. આ અનંતનું તો કોઈ માપ જ નથી.
તો પછી, આપણે જેમની રોજબરોજ  માપણી કર્યા કરીએ છીએ તેનો સંદર્ભ શું રાખવો?
દરેક માપનો આધાર કોઇએ એક સંદર્ભ પર અવલંબિત છે. તમારો સંદર્ભ અને મારો સંદર્ભ સાવ જ અલગ હોઈ શકે છે.તેમ છતાં લોકો પોતપોતાનાં નિરપેક્ષ માપને લઈને મુસ્તાક હોય છે, જેમકે ઘરે કામ કરતી બાઈને અઠવાડીયે રજા શેની હોય, પણ મુખ્યસંચાલકને તો પોતાની તાણ ઓછી કરવા સપ્તાહમાં એક રજા તો જોઇએ !
કયાં  માપને સાચું ગણવું?
આ સમગ્ર અંકમાં ફરી ફરીને ભારપૂર્વક જણાવાયું છે કે દરેક માપ સાપેક્ષ હોય છે. તેને લગતા મારા નિર્ણયો અને તારણો મારી નજરે હું જોઉં, તમારી નજરે તમે જૂઓ કે તેની નજરે તે જૂએ. બીજા શબ્દોમાં કહીએ તો માપ પણ તમે નક્કી કરો, તેનો સંદર્ભ પણ તમે નક્કી કરો, અને માપવાની પધ્ધતિ અને માપસૂચકો પણ તમે જ નક્કી કરો છો. એ માપદંડના આધાર પર કામગીરીનું મૂલ્યાંકન કરો અને નક્કી કરો કે કામગીરી સંતોષકારક રહી કે નહીં. કામગીરીની તુલના માટે તમે જો કોઈ આદર્શ આધાર પણ નક્કી કરો તો તેનો સંદર્ભ પણ તમે જ નક્કી કરો છો. અને આ બધાના પરિણામનાં મૂલ્યાંકનથી ખુશ થવું કે નહીં તે પણ તમારો જ દૃષ્ટિકોણ છે. હા, તમારે તમારા દૃષ્ટિકોણમાંની હેતુલક્ષિતાનું  સ્તર એવું અને એટલું લઈ જવું પડે કે આ આખી પ્રક્રિયામાં જ્યાં જ્યાં પણ વિષયલક્ષીતાના અંશ હોય તે તમારા આનંદની મીઠાશમાં કંઈક કચાશ રહી ગઈ હોવાના સંશયની કડવાશ ન ભળવા દે.
દેવદત્ત પટ્ટનાઇક સાથેની બીઝનેસ સૂત્રની આ સફરનો હવે પછીનો પડાવ છે સાતમા અંક- પર્યાવરણ-નો પહેલો ભાગ, જેનો વિષય છે-  જ્યાં જ્યાં સભ્યતા વિકસે છે ત્યાં ત્યાં નૈસર્ગિકતા કરમાય છે..
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો