બુધ્ધ ભગવાને જ્ઞાન શોધ્યું
કે પછી પુનઃજ્ઞાન શોધ્યું? એક વર્ગ એમ માને છે કે બુધ્ધ એક અને એક
માત્ર હતા. તેમણે માનવતાનાં દુઃખો દૂર કરવા માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને
સમગ્ર વિશ્વમાં તે વહેંચ્યું.બીજો એક વર્ગ એવો છે જે માને છે કે જૂદા જૂદા
સમયકાળમાં અલગ અલગ બુધ્ધ થયા. આ શાક્યમુનિ બુધ્ધ તેમાંના એક છે.
આ મતભેદ જૈન ધર્મમાં બહુ
સ્પષ્ટપણે સમજાવાયેલ છે. જૈન ધર્મમાં સૌથી વધારે જ્ઞાનીઓમાં જ્ઞાની શ્રેષ્ઠને
તિર્થંકર કહેવામાં આવે છે. ઈતિહાસનાં પુસ્તકોમાં મહાવીર સ્વામીને જૈન ધર્મના
સ્થાપક ગણવામાં આવે છે, પરંતુ જૈન શાસ્ત્રોમાં તેઓ ૨૪
તિર્થંકરોમાં છેલ્લા તિર્થંકર ગણાય છે. એમનાથી પહેલાંના તિર્થંકર પાર્શ્વનાથ અને તેમની પણ પહેલાંના તિર્થંકર ૠષભદેવ સ્વામી
હતા. ૠષભ દેવ પણ આપણાં અનેક જીવન ચક્રોમાંનાં વર્તમાન જીવન ચક્રના પહેલા તિર્થંકર
છે અને દરેક જીવન ચક્રમાં ૨૪ તિર્થંકરો થયા છે એમ માનવામાં આવે છે. આમ જૈન ધર્મનું
જ્ઞાન સતત પુનઃશોધિત થતું રહે છે અને વિચારક સાધુઓ (શ્રમણો) દ્વારા તે સામાન્ય
ભાવક પ્રજાજનો (શ્રાવકો)માં વહેંચાતું રહે છે.
તે જ રીતે મોટા ભાગનાં
ઈતિહાસનાં પુસ્તકો મુહમ્મદને ઈસ્લામના આદ્યસ્થાપક ગણે છે, પણ મુસ્લિમો એ રીતે નથી જોતા. ઈસ્લામના પૌરાણિક ગ્રંથોમાં
ઈસ્લામ એ અલ્લાનો માર્ગ છે અને જ્યારથી ઈશ્વર હશે ત્યારથી અસ્તિત્ત્વમાં છે. જૂદા
જૂદા સમયે જૂદી જૂદી વ્યક્તિઓને પસંદ કરી ઈશ્વરનો શબ્દ લોકો સુધી પહોંચાડવામાં
આવતો રહ્યો છે. આ વ્યક્તિઓ પયગંબરો કહેવાયા. અબ્રાહમ, મોસીસ, ઈસુ અને મુહમ્મદ આવા પયગંબરો હતા. મુહમ્મદ
છેલ્લા અને આખરી પયગંબર છે.દરેકે ઈશ્વરના માર્ગને ફરી ફરીને કહ્યો છે અને લોકો
સાથે વહેંચેલ છે.
જે લોકો શોધની વિભાવનામાં
માને છે એ લોકો રૈખિક વિચારસરણી ધરાવે છે,
જ્યારે જે લોકો પુનઃશોધની
વિભાવનામાં માને છે તે લોકો ચક્રીય વિચારધારા ધરાવે છે. રૈખિક વિચારધારામાં એવાં
અસાધારણ લોકો છે જે મહાન કામો કરી જાય છે,
જ્યારે ચક્રીય વિચારધારામાં
ૠષિઓ જેવાં લોકો હોય છે જે માનવ જાત દ્વારા ભૂલી જવાયેલ બાબતોને ફરીથી શોધીને માણસ
સમક્ષ આજના સંદર્ભમાં મૂકે છે. કેટલાંક લોકો માટે બુધ્ધ એવી મહાન વ્યક્તિ હતા
જેમણે દુનિયાને બદલી નાખી, તો બીજાં કેટલાંક લોકોની દૃષ્ટિએ બુધ્ધ
એવા સાધુ હતા જેમણે દુનિયાને ફરીથી નવી પરિભાષામાં ગોઠવી. બુધ્ધને જોવાની આપણી
દૃષ્ટિથી સાચું શું છે એ જાણવા મળવા કરતાં આપણું
માનસ શું છે તે જાણવા મળે છે.
આપણે એમ દલીલ કરી શકીએ કે
વૈજ્ઞાનિક શોધો અને આવિષ્કારો તો આગવાં હોય છે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે આ
બાબતે સહમત નથી. અમેરિકા યુરોપીયન સંશોધક પ્રવાસીઓની પુનઃશોધ જ હતી. પેસિફિક
ટાપુવાસીઓ, વાઈકિંગ્સ કે ચીની પ્રવાસીઓ સુધ્ધાં તે
પહેલાં તેને શોધી ચૂક્યા હતા. કલન ગણિત યુરોપીયન વૈજ્ઞાનિકોએ શોધ્યું તેના બહુ
પહેલાં તે ભારતીય ગણિતશાસ્ત્રીઓને જ્ઞાત હતું. આ બધી હકીકતો છે. ઘણાં લોકો તો એમ
પણ માને છે કે આજની ઘણી બધી શોધો ખરેખર તો ખોવાઈ ચૂકેલ, એટલાન્ટીસ તરીકે ઓળખાતી પ્રાચીન દુનિયામાંની પુનઃશોધો છે. એક
એવો પણ વર્ગ છે જે એમ કહે છે કે વેદોના સમયમાં આપણને વિમાન અને આણ્વીક વિખંડનની પણ
જાણ હતી. જોકે આવી કેટલીક બાબતો કાલ્પનિક વૈજ્ઞાનિક કથાઓના દાયરામાં આવતી વાતો પણ
લાગી શકે.
જ્યારે યુરોપિયનો કે અમેરિકનો
એવો દાવો કરે છે કે વિજ્ઞાન તેમની શોધ છે ત્યારે આપણને થોડી ચીડ ચડે છે, જે કંઈક અંશે સાચું પણ છે. પરંતુ સવાલ એ છે કે આ દલીલોનો આધાર
હકીકતો છે કે રૈખિક અને ચક્રીય વિચારધારાઓ વચ્ચેના તણાવ છે કે પછી આંધળી દેશભક્તિ
કે બધાં જ્ઞાન માટેની યુરોપ-કેન્દ્રીયતા કે અમેરિકા-કેન્દ્રીયતાકે
ભારતીય-કેન્દ્રીયતા તરફનાં ખેંચાણો છે એ નક્કી કરવું ઘણું મુશ્કેલ છે.
§
'ધ
મિડ ડે' માં
૧૨ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Discovery may actually be Re-discovery , નો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૩૦ મે, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો