હવે રોમન કેથોલિક ચર્ચના વડા, પોપે, સમલૈંગિક લોકો અને લગ્નો બાબતે વધારે
સ્વીકાર્ય અને વધારે સમાવેશક બનવા અંગેનો સંવાદ શરૂ કર્યો છે. ભારતીય જમણેરીઓ
તેમને અનુસરશે ખરા? કે પછી, બધાંને ખબર છે એવી સમલૈંગિકતા
સામે વિક્ટોરીયન ઘૃણાનાં મૂળથી દોરવાતી પોતાની રીતભાતોને જડની જેમ વળગીને ભારતીય
સંસ્કૃતિથી વિરૂધ્ધ છે તેવી દુહાઈ દેતા રહેશે
? સમલૈંગિકોને જ્યાં ફાંસીએ લટકાવી દેવાય છે એવાં ઈરાન કે પથ્થરો
મારી મારીને મોતને ઘાટ ઉતારાય છે એવાં સાઉદી અરેબિયા બનવામાં તેમને રસ છે? જો કે સમલૈંગિકતાની વિરૂધ્ધ હોવા માટે જમણેરીઓને દોષિત જ ન ઠેરવી શકાય.
ઘણા સમય સુધી ડાબેરીઓ માટે પણ
જાતિ, ગરીબી કે જાત જેટલો મહત્ત્ત્વનો મુદ્દો
જાતીયતા નહોતો.અસામાન્ય સ્તરની સામાન્ય વિવેકબુધ્ધિ ધરાવતી સંસ્થાની ખોજ કરતી ભારતીય પ્રજા માટે છેલ્લો આશરો ગણાતી આપણી આદરણીય સર્વોચ્ચ
અદાલતે પણ અતિસુક્ષ્મ સમલૈંગિક લઘુમતીને
માનવીય હક્કો ધરાવવા યોગ્ય નથી એમ જાહેર કરેલ. આશા કરીએ કે આ નવા ક્રાંતિકારી પોપ, પોતાનાં જ ચર્ચના નનૈયો પકડીને બેઠેલાં લોકો કે ગુસ્સે ભરાયેલાં
જમણેરીઓ કે તિરસ્કારનાં ભવાં ચડાવીને બેઠેલા ડાબેરીઓને ડહાપણ અને સુખનો નવો માર્ગ
દેખાડી શકશે. લોકો મોટા ભાગે ભૂલી જાય છે કે ધર્મ પણ સ્થગિત બની નથી રહેતા; તેમાં પણ સમય અને સ્થળને કારણે ફેરફારો થાય છે; સામાજિક વાસ્તવિકતાઓનો પ્રતિઘોષ તેમાંથી પણ સાંભળવા મળે છે.
આપણે તો આપણા પૂર્વજોથી
મહાભારતના ભિષ્મપિતામહથી અભિભૂત થવા ઘડાતાં આવ્યાં છીએ, ભલે પછી તેમના તથાકથિત કુટુંબ ગૌરવ માટે અંબા, અંબિકા, અંબાલિકા જેવી સ્ત્રીઓનું જીવન રોળાઈ ગયુ
હોય. આ એ જ ભિષ્મ છે જેમણે ભરી દ્યુતસભામાં પણ દ્રૌપદીનાં ચીરહરણ સમયે મૌન ધારણ
કરેલ. પરંતુ આપણા માટે તો તેઓ વડીલ,
પુરુષ અને સૌથી વધારે
મહત્ત્વનું, બ્રહ્મચારી છે. એટલે આપણને મનાવવામાં
આવ્યું છે કે તેઓ સાચા જ હોઈ શકે. આપણને એમ પણ સમજાવવામાં આવ્યું છે કે તેઓ બહુ જ સિધ્ધાંતનિષ્ઠ
હતા, માટે આદરણીય છે.
આપણા પૂર્વજોએ શિખંડીને ઉતારી
પાડવાનું આપણી ગળથૂથીમાં ઉતારી દીધું છે. અણઆવડતવાળા રાજકારણીને આપણે શિખંડી કહીને
અપમાન કરવાનો સંતોષ લઈએ છીએ ખરાં, પણ તે તર્કસંગત બિલકુલ નથી.શિખડી હંમેશાં
નિર્ણયાત્મકપણે વર્તતો હતો અને કહેલું કરી બતાવતો હતો.
પોતાની પત્નીનું મન રાખવા અને
યુધ્ધમાં અર્જુન ભિષ્મસામે જીતે ,અને કૌરવોને એ રીતે હરાવી શકાય, તેથી અર્જુનના રથના સારથિ થવા માટે તેણે સ્ત્રીમાંથી પુરુષ
બનવાનું નક્કી કર્યું. તેના પ્રવેશ સુધી કુરુક્ષેત્રનું યુધ્ધ અનિર્ણાયક બરાબરીમાં
ગુંચવાઈ ગયું હતું. સ્ત્રીમાંથી પુરુષ પરિવર્તન, સમાજ પર સકારાત્મક અસર કરી
શકતું હોવા છતાં, આપણને થોડું કઠે છે. આપણને જણાવાતું
આવ્યું છે કે તે ભિષ્મથી ઘણો ઉતરતો હતો કેમકે તેને સિધ્ધાંતોની ઓછી અને પોતાનાં
શરીર અને પોતાની લાગણીઓની વધારે પડી હતી.
એમ મિત્રએ હમણાં ધ્યાન દોર્યું કે લેસ્બીઅન સ્ત્રીઓ કાંબા સમય
સુધી 'પ્રેમાળ' સંબંધ નિભાવતી હોય તો પણ તેને
'કુંવારી' તરીકે અને તેની સાથે સંબંધ રાખી રહેલ
સ્ત્રીને 'બહેન'
તરીકે જ ઓળખવામાં આવે છે; જે સમલૈંગિકો પોતાના આપસી સંબંધને પ્રામાણિકપણે જાહેરમાં
સ્વીકરતા હોય છે તેમની હાંસી ઉડાડવામાં આવે છે,
જે સમલૈંગિક વિધિસર પરણીને
પોતાની પત્ની સાથે જૂઠનું આચરણ કરતો રહે,
કે તેને છેતરતો પણ રહે, તેનાં વખાણ થતાં હોય છે. મા તેના દીકરાઓને સમજાવતી રહે છે કે
જેમ મેં કર્યું એમ તારી પત્ની પણ પછીથી સ્વીકારી લેશે. પિતા તેના દીકરાને કહેતા
રહે છે કે જીવનમાં બધું જ તમારૂં ધારેલું ક્યાં થતું હોય છે ! આમ ચલાવી લેવામાંથી જન્મતી નિરાશાના વારસાને પેઢી દર પેઢી આગળ
ધપાવાતો રહે છે. જે કંઈ શીખામણ કે ઉપાયો
જણાવાતા હોય છે તે પાછા સામાન્યતઃ ભિષ્મ જેવા બ્રહ્મચારી ગુરુઓ કે પાદરીઓ કે વડીલો
પાસેથી મળતા હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સેક્સ , કામુકતા અને જાતિ બાબતે
તેમનું જ્ઞાન વધારે ઊંડાણભર્યું હોય છે ! એક કૃષ્ણ જ કદાચ સામાજિક વ્યવસ્થા, માન અને પ્રેમના અંચળા હેઠળના અણગમાના પ્રવાહને પારખી શકતા હતા, અને એટલે જ તેમના હોઠ પર એ સમજનું કટાક્ષમય સ્મિત રમ્યા કરે છે.
§
'ધ
મિડ ડે' માં
૧૯ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Thou shalt include the Queer, નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૩ જુન, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો