સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં
નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે
દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે
હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે
ધર્મ :
નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન
અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા
અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ
પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ. છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા
ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી. .
આજના ૭મા
અંકમાં હવે વ્યાપાર -ઉદ્યોગની સાથે સીધી અસર કરતી બાબતો પછી 'પર્યાવરણ' વિષયને
અનુલક્ષીને ચર્ચાનું ધ્યાન વધારે વ્યાપક ફલક પર કેન્દ્રીત કરાયું છે.
વિકાસ અને ઔદ્યોગીકરણની પર્યાવરણના સંદર્ભામાં ચૂકવવી પડી રહેલી કિંમત હવે
વ્યાપક ચર્ચાનો
અને જાગરૂકતાનો વિષય બની ગયેલ છે. બીપીનાં તેલ ઢોળાવાની કે
નર્મદાના સમુદ્રસંગમના અંતરિયાળ ફ્ળદ્રુપ વિસ્તાર સુધી ખારાશ
પ્રસરી જેવી ઘટનાઓને પરિણામે વધારે અસ્રકારક નિયમનો માટેની માંગ પણ ઊઠતી રહી છે.
જોકે, કુદરતી સંસાધનોની માગ જ ઘટે એ વિષે હજૂ જોઈએ એટલી ગંભીરપણે ચર્ચાઓ નથી થતી.
હજૂ પણ માનવ સભ્યતા એ તબક્કામાં જ છે જ્યાં તેના દરેક વિકાસની સાથે કુદરતી
સંસાધનોની માંગ વધતી જ રહે. આ વિકાસની કિંમત પર્યાવરણને
થતાં નુકસાનમાં જ ચુકવવી પડશે, જે અંતે તો માનવ જાતનાં અસ્તિત્ત્વ સાથે
જ જોડાયેલ છે. જે છે તેનાથી સંતોષ માનવો એ હજૂ પણ 'વાસ્તવિક'અહીં 'આધ્યાત્મવાદી' સિધ્ધાંતોની
ખોખલી વાતો માનવામાં આવે છે. વિશ્વમાં હજૂ પણ અસમાનતા એટલી વ્યાપક છે કે કુદરતી
સંસાધનો પરની કુલ માંગ ઘટવાની બહુ શક્યતાઓ પણ દેખાતી નથી. પુરાણોમાં આ બાબતે
ચેતાવણીઓ અપાતી જ રહી છે. પરંતુ આધુનિક સંચાલન વ્યવસ્થાને
તેમાંથી કંઈ શીખવાની જરૂર જણાતી હોય તેમ લાગતું નથી.
બીઝનેસ સૂત્ર
| ૭.૧ | માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે
માનવીના કુદરત સામેના સંઘર્ષની શરૂઆતમાં
મૂળમાં પોતાનાં અસ્તિત્ત્વને ટકાવવા માટેનો સંન્નિષ્ઠ પ્રયાસ હતો. જેમ જેમ માણસ 'પ્રગતિ' કરતો
ગયો તેમે તેમ એ નાની નાની, વણકહીં, લડાઈઓ મોટાં મોટાં
યુધ્ધોમાં ફેરવાતી ગઈ. કુદરતે પણ તેના પરચા બતાવવામાં કોઈ કસર નથી છોડી. વીસમી
સદીના અંત સુધીમાં માણસે કુદરતી સંપત્તિના નાશમાં પણ પોતાનાં અસ્તિત્ત્વને ખતરો
જોવાનું સમજવા માંડ્યું હતું, એટલે હવે, પર્યાવરણનાં સંરક્ષણનાં
લેવાનાં શરૂ કરેલાં પગલાં દ્વારા, નાના નાના પાયે, એકપક્ષી યુધ્ધવિરામનાં દૃશ્યો પણ દેખાવા લાગ્યાં છે.
સભ્યતા અને કુદરતના તાણાવાણા –
|
પર્યાવરણ સંરક્ષણ વિષે આજનાં
વિજ્ઞાન અને પર્યાવરણ સંચાલન સાહિત્યમાં વિપુલ માત્રામાં સામગ્રી વાંચવા મળે છે.
અહીં તેમાંથી બે લેખો અને TEDનો
એક વિડીયો રજૂ કરેલ છે.
Nature
vs. culture or cultured nature?
- K.
Jan Oosthoek
- સવાલ એ નથી કે
વણસ્પર્શી કુદરત સારી છે કે કુદરતી વ્યવસ્થાઓની માનવકેન્દ્રીસહજ અસરો ઓછી ઈચ્છનીય
છે. સવાલ એ છે કે કુદરતનું જતન આપણે કુદરતને જાળવવા માટે જ કરીએ છીએ કે પછી આપણા
અને અન્ય સજીવ પ્રજાતિઓના ફાયદા માટે કરીને કરીએ છીએ. આમ આ મામલો વણસ્પર્શી
કુદરતનો નહીં પણ માનવીય હસ્તક્ષેપ અને તેની અસરોની કક્ષાનો છે.
Perspective on: Nature vs.
culture in environmental change
- પ્રિંસ્ટન એન્વીરોનમેન્ટલ ઈન્સ્ટિટ્યુટના સહયોગી સભ્ય, ઈમૅન્યુઅલ ક્રાઈક યુધ્ધ,
હિંસા અને વસ્તીનાં સ્થળાંતરોનાં
આતરછેદ અને તેની પર્યાવરણ અને સમાજ પરની અસરો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ૧૯મી અને ૨૦મી સદીની લડાઈઓ અને તેમાંથી પરિણમતી
ફરજીયાત હિજરતને કારણે થયેલ માનવ-સર્જિત ભૂતલ-રચનાઓના નાશ અને તે પછી અજાણ્યાં
વાતાવરણમાં તેણે કરેલ જીવન અને જીવનનિર્વાહનાં નવસર્જનમાં તેમને ખાસ રસ છે.
The battle
between nature and nurture | TEDxNTU - આ *અથવા* પેલું, ચાલુ *કે પછી* બંધ, ડાબું
*કે *જમણું જેવા સરળ જવાબોમાં લોકોને વધારે રસ હોય છે. પણ, આઈરીન
ગૉલેગો રોમેરો માટે જીવવિજ્ઞાનની અજાયબીઓ ક્યારે પણ એવી સરળતાઓમાં બંધ બેઠી નથી
અને પ્રકૃતિ અને તેની માવજત વચ્ચેની અથડામણો બાબતે ક્યારે પણ ઓછી સાચી નથી
પડી.અહીં કોઈ જવાબો સીધાસાદા નથી - છે માત્ર અજાયબ કહાનીઓ.
કુદરત અને વિકાસ વચ્ચેનાં
વધતાં ઘટતાં અંતરના આટાપાટાની પાશ્ચાત્ય વિચારસરણી વિષે વધારે જાણવાનું આપણે ફરી
એક વાર આપણા સુજ્ઞ વાચક પર છોડીને હિંદુ
પુરાણોમાં આ વિષે શું કહેવાયું છે તે માટે, દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ
સૂત્ર ટીવી શ્રેણીના ૭મા અંકના પહેલા ભાગની ચર્ચા,'માનવ સભ્યતાનો વિકાસ
કુદરતી સંસાધનોના ભોગે થાય છે'માં
શું કહેવાયું છે તે તરફ આપણું ધ્યાન વાળીએ.
માનવ સભ્યતાના ઉત્પાદન પ્રક્રિયા સાથેના શરૂ શરૂના સંપર્ક કારણે કુદરતના ઉપભોગમાંથી તરીકે માણસે પેદા કરેલી પહેલી પહેલી મિલ્કતની નિશાની તરીકે ઘડાને આપણે ઓળખતાં આવ્યાં છીએ. આમ માટીનો ઘડો માણસના પર્યાવરણ સાથેના શરૂ શરૂના સંપર્ક અને કુદરત નાશમાંથી થતાં સર્જનનું પણ પ્રતિક છે.
વિષ્ણુ પુરાણની એક, આમ તો પહેલી જ, કહાની છે જેના વડે સંસ્થાઓ કેમ બને છે અને તેનો કેમ વિકાસ થાય છે તે સમજી શકાય છે.કહાની શરૂ થાય છે એક નાની માછલીની વાતથી. વિષ્ણુએ તેમના જૂદા જૂદા અવતારોમાં જૂદાં જૂદાં સ્વરૂપો ધારણ કર્યાં છે.પહેલો અવતાર છે મત્સ્યનો. પહેલો અવતાર દેડકાનો કે પતંગિયાનો નહીં પણ માછલીનો જ કેમ હતો તે પણ રસપ્રદ કિસ્સો છે. મત્સ્ય શબ્દ સાથે મત્સ્ય ન્યાય યાદ આવે છે, જેને આપણે સાદા શબ્દોમાં જંગલનો કાયદો કહીએ છીએ જેમાં બળીયાના બે ભાગ હોય છે.આ વાર્તાની શરૂઆત થાય છે જ્યારે એક નાની માછલી મનુ ભગવાન પાસે અરજી લઈને જાય છે. મનુ પ્રલય પછી ટકી ગયેલા એક માત્ર માનવ છે, એટલે એ માછલી મનુ ભગવાનને અરજ કરે છે કે તેઓ તેને મોટી માછલીના ગળી જવાથી બચાવે. કુદરતમાં તો નાની માછલીને મોટી માછલીથી કોઈ બચાવે નહીં. એ તો કુદરતનો ન્યાય છે. કુદરતમાં શિકારી અને શિકાર વચ્ચે એક ખાસ સંબંધ નિશ્ચિત હોય છે. પણ જેવો માનવી દાખલ થાય એટલે તેનું કહેવું હોય કે કુદરતના નિયમનું પાલન આપણે તો ન કરીએ ! માનવી તો નબળાંને મદદ કરે અને એવી દુનિયાની રચના કરે જેમાં નબળાંઓના પણ હક્કની રક્ષા થાય. આપણે તેને માનવ સંસ્કૃતિ / સભ્યતા તરીકે ઓળખીયે છીએ. મનુ ભગવાન પણ એ મુજબ જ કરે છે. તેમણે નાની માછલીને સમુદ્રમાંથી લઈને હથેળીમાં ઊંચકીને એક ઘડામાં મૂકી દીધી.આમ મનુ ભગવાને કુદરતની વ્યવસ્થાનો ભંગ કર્યો. ઘડામાં મૂકીને મનુ ભગવાને માછલીને કહ્યું કે હવે તું સલામત છો.ઘડો સંસ્થાનું પ્રતિક છે, જેમાં મૂકેલી માછલી હવે સલામત છે. આમ સમુદ્રમાનાં પાણી (કુદરત) અને ઘડામાનાં પાણી (સભ્યતા)ને અલગ કરી દેવાયાં છે. સભ્યતાને વાપરવા માટે સંસાધનો જોઈએ. પાણી, માછલી, જમીન, ઘડો, માટી એ બધું કંઈ શૂન્યાવકાશમાંથી નથી આવતું. એ બધું તો કુદરતમાંથી આવે છે. સમય જતાં માછલી વિકસે છે, તેનું કદ મોટું થાય છે, તેને હવે વધારે પાણી જોઈએ છે, મોટો ઘડો જોઈએ છે. એટલે હવે મોટા ઘડાની સંરચના કરવી પડશે.
એટલે મનુ ભગવાન મોટી થતી માછલી માટે મોટો ઘડો બનાવે છે...
…અને માછલીને નાના ઘડામાંથી મોટા ઘડામાં ખસેડે છે. આ વિકાસ છે. આમ જ સંસ્થાઓ વિકસે છે, અને જેમ જેમ તે વિકસતી જાય છે તેમ તેમ તેની કુદરતી સંસાધનો માટેની માંગ પણ વધતી જાય છે. સ્વાભાવિક છે કે આ ભાર વધતો જશે, માછલી વિકસતી રહેશે અને તેની કુદરત પાસેની માંગ પણ વધતી જશે.
એ સમજાયું. પરંતુ આપણાં પુરાણોમાં એવું સૂચિત નથી જણાતું, જે આપણે સહજ ભાવે શીખી પણ જઈએ છીએ, કે સર્જન વિનાશને પણ સાથે સાથે જ લઈને ચાલે છે. એક વ્યાપક સિધ્ધાંત પણ છે જ ને કે વિશ્વમાં બધું કોઈને કોઈ સ્વરૂપે ઉર્જા છે, જે દ્રવ્યનાં એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતરીત થતી રહે છે.
આપણે દુર્ગાની મૂર્તિ જોવા માટે કોલકત્તામાં દશેરા દરમ્યાન સજાવાતા દુર્ગા પૂજાના મંડપમાં જાઈએ. અહીંયાં માદુર્ગાને મહિષનો વધ કરતાં જોવા મળે છે. આપણો સીધો જવાબ તો એ છે કે મહિષ એક દાનવ છે એટલે મા શક્તિ તેનો વધ કરી કાઢે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો કહી શકાય કે મા તેમનાં સંતાનોને ખવડાવવા માટે ભેંસનો વધ કરે છે. મા એક જિંદગી લઈને બીજાંને જીવન બક્ષે છે. આમ જીવન જ જીવનને ટકાવે છે.જંગલો કપાશે તો ખેતરો વવાશે, નદીઓ કપાશે તો નહેરો નંખાશે, પર્વતો તૂટશે તો ખનિજો નીકળશે. આસપાસ વહેતાં લોહી સાથેનું મા દુર્ગાનું આ સ્વરૂપ એક્દમ હિંસ્ર છે. બલિદાન પાછળનો સંદેશો જ એ છે કે સમાજમાં તમે જે કંઈ સર્જ્યું છે તેની પાછળ કોઈનો ને કોઈનો ભોગ લેવાયો છે.
માટે જ આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે સંસ્થાનું સર્જન કરતી વખતે આપણે જે કંઇ કરી રહ્યાં છીએ તે શા માટે કરી રહ્યાં છીએ ? વિકાસ શાને માટે કરવો છે? કેમકે જ્યારે જ્યારે સંસ્થાની રચના કરી છીએ કે તેનો વિકાસ કરીએ છીએ ત્યારે ત્યારે આપણે કુદરતમાંથી લઈને કંઈક પણ વાપરી નાખવાનાં છીએ. તે માટે જે કિમત ચૂકવવી પડશે તે ખરેખર વ્યાજબી છે? જો ન હોય તો ન કરો.અને તેમ છતાં પણ જો તે કરવું જ પડે તો એ ભુલાવું ન જોઈએ કે એ માટે કોઈકનો ભોગ લેવાયો છે.
આમાં અવ્યક્ત મંજૂરી છે ? કહેવાનો મતલબ એ છે કે, આ કથાઓ દ્વારા પુરાણો કે પૌરાણિક કથાઓ આપણને માનવ સભ્યતાનાં સર્જન માટે કુદરતનો ઉપભોગ કરવામાટેની મંજૂરી આપે છે?
હું હંમેશાં કહેતો રહ્યો છું કે પૌરાણિક કથાઓ નિદેશાત્મક નથી, તે મનનાત્મક છે, આપણે જે કંઈ કરીએ છીએ તેનું એ ચિંતનાત્મક કથાનક સ્વરૂપ છે. જેમ કે, મહાભારતમાં યુધિષ્ઠિર કૃષ્ણને કહે છે કે મારે એક નગર વસાવવું છે.
આ વાત યુધ્ધમાં જીત થયા પછીની હશે ...
ના, મૂળે વાત એમ હતી કે યુધિષ્ઠિરે તેના કાકા પાસે જઈને મિલકતમાં તેમના ભાગની માગણી કરી, જેથી પિત્રાઈઓ વચ્ચે કંકાસનું કારણ ન રહે. ધૃતરાષ્ટ્રએ તેને ખાંડવ પ્રસ્થ નામનું વન સોંપી દીધું. એટલે યુધિષ્ઠિરે જઈને કૃષ્ણને જણાવ્યું કે તેમને આ જંગલની જગ્યાએ એક નગર વસાવવું છે. કૃષ્ણએ ઉપાય બતાવતાં કહ્યું કે વન બાળી નાખો.હવે આ ઘટનાક્રમ વિચારવાલાયક છે. પહેલાં આપણને વારસામાં જંગલ મળે છે, હવે તેમાં નગર વસાવવું હોય તો તેને બાળી નાખવાની સલાહ મળે છે. જેવું આ જંગલ બાળીશું તેવાં તેમાં રહેતાં પશુપંખીઓ અને આખીને આખી પર્યાવર્ણીય તંત્રવ્યવસ્થા પણ નાશ પામશે.કૃષ્ણનું કહેવું હતું કે નગરની સાથે તમારે નગરજનોનાં ભરણપોષણ માટે ખેતરો પણ જોઈશે. એ માટે પણ તમારે જંગલ તો આખું જ બાળવું પડશે. કથાનો સાર એ કે જો રાજાએ (વ્યાપાર ઉદ્યોગપ્રણેતાએ) રાજ્ય (સંસ્થા) ઊભું કરવાની સાથે જવાબદારી પણ લેવી પડે છે. પોતાની પ્રજા (સંસ્થાના હિતધારકો)ની જરૂરિયાતો પૂરી પાડવા માટે તેને, વધતે ઓછે અંશે પર્યાવર્ણીય વ્યવસ્થાનો ભોગ લેવા માટેની જવાબદારી સ્વીકારવી પડે છે.મૂળ વાત હવે આગળ વધે છે. વનમાં અન્ય પ્રાણીઓ સાથે નાગ પણ વસતા હતા, જ્યારે વનને આગ ચાંપવામાં આવી ત્યારે બધાં પ્રાણીઓની સાથે નાગ જાતિ પણ નષ્ટ પામી. એકાદ બે નાગ જોકે ભાગી નીકળ્યા. ત્યારથી નાગ અને પાંડવો, તેમના પૌત્રો, પ્રપૌત્રો અને વારસો વચ્ચે કાયમનું વેર બંધાઈ ગયું. મહાભારતની કથાની શરૂઆત જ કથાના સંદર્ભથી થાય છે. કોઈ એક પાંડવ વંશજ એક નાગની મારવા માટે તેની પાછળ પડ્યો હતો કેમકે નાગ તેનાં સગાંસંબંધીઓને મારી નાખતા હતા. તેની નજરોમાં નાગ મહાવિલન હતા. એ સમયે કથાકાર તેને જણાવે છે કે નાગને વિલન જાહેર કરતાં પહેલાં જાણી લે કે તારા પૂર્વજો તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો, તમારાં આ ઈન્દ્રપસ્થને વસાવવા માટે નાગ લોકોનાં રાજ્યને કેવું ભસ્મિભૂત કરી નાખ્યું હતું.આ કથાનકનું તાત્પર્ય એ છે કે સંસ્થા / સભ્યતાનું નિર્માણ કરવામાં કુદરત સાથેનાં ઘર્ષણનાં બીજ વવાઈ જાય છે. કુદરતને થતાં નુકસાનને કારણે તેની સાથે સંકળાયેલ સમગ્ર પર્યાવણીય વ્યવસ્થાને પણ નુકસાન પહોંચે છે. તેને પરિણામે કેટલાંય લોકોનાં જીવનનિર્વાહનાં સંસાધનોને પણ નુકસાન પહોંચે છે. જે લોકોના હક્કો છીનવાઈ જાય છે અને જેમને તેમાંથી લાભ મળે છે એ વચ્ચે હિતોનો સંઘર્ષ ચાલ્યા જ કરતો રહે છે. આમ સભ્યતાની અંદર સંઘર્ષ અનિવાર્યપણે વણાઈ ગયેલ છે.
આપણે જોઈ
શકીએ છીએ કે આ વૃતાંતમાં પરાપૂર્વથી કુદરત અને સંસ્કૃતિ વચ્ચે હંમેશાં વિરોધાભાસ
રહેલો છે. સામે એ પણ હકીકત બને છે કે સંસ્કૃતિ રહેશે અને વિકસસે પણ. તેની કિંમત પણ
ચુકાવવી પડશે. આ જે કંઈ પણ , સમગ્રતયા, કિંમત ચૂકવવા પાત્ર
થશે તેને માનવ જાતે સમજવી , સ્વીકારવી અને અદા પણ કરવી પડશે.
દેવદત્ત પટ્ટનાઇક સાથેની બીઝનેસ સૂત્રની આ સફરનો હવે પછીનો પડાવ છે સાતમા અંક- પર્યાવરણ-નો બીજો ભાગ, જેનો વિષય છે- કુદરત વળતા પ્રહાર કરે છે..
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો