સામાન્યપણે ભાગવત તરીકે
ઓળખાતાં ભાગવત પુરાણ અને ગીતા તરીકે
ઓળખાતાં ભાગવદ ગીતા વચ્ચેના તફાવત મોટા ભાગે લોકોને જાણમાં નથી હોતાં.
- ભાગવત દુનિયા સાથે સંબંધ ધરાવતા કૃષ્ણ તરીકેના ભગવાનના અવતારની
વાત છે; મહાભારત ભરત
વંશના કુરૂઓ અને પાંડવો વચ્ચેના ઝઘડાઓનું કથાનક છે.
આ બન્ને કથાનકને એ ઝઘડાઓ દ્વારા જોડતી કડી કૃષ્ણ
છે.
- ભાગવત એ કૃષ્ણ પાંડવોને મળ્યા તે પહેલાંની તેમની જીવનકથા છે
જ્યારે મહાભારત કૃષ્ણ પાંડવોને મળ્યા તે પછીનાં વૃતાંત છે.
- ભાગવતમાં કૃષ્ણનું જીવન ગ્રામીણ પરિવેશમાં એક ગોવાળીયા તરીકે
ચરિત્રિત થયેલ છે, જ્યારે મહાભારતમાં કૃષ્ણને નગરનિવાસી
લડવૈયા અને વ્યૂહરચનાઓના ઘડવૈયા તરીકે ચરિત્રિત કરાયા છે.
- ભાગવતમાં લાગણીઓ (ભક્તિ માર્ગ) કેન્દ્રસ્થાને છે, જ્યારે મહાભારતમાં કર્મ (કર્મ માર્ગ)ના વિચારો (જ્ઞાન માર્ગ)
સાથેના સંબંધોને સાંકળવામાં આવેલ છે. ગીતા ભક્તિ, કર્મ અને જ્ઞાન એ ત્રણે
માર્ગને એકસૂત્રમાં બાંધે છે.
ગીતાના કથાસારને ભાગવતમાં
કૃષ્ણની રાસ-લીલાનાં માધ્યમથી નાટકીયપણે અલગ શૈલીમાં કહેવામાં આવેલ છે.
કૃષ્ણને મારી નાખવા મોકલેલ
દાનવોને બાળકૃષ્ણ શી રીતે મારી હરાવે છે,
કુદરતી આફતો સામે પોતાની એક
ટચલી આંગળીથી ગામની કેમ રક્ષા કરે છે,
મિત્રો સાથે ગાયોને ચરાવવા
જતાંઆવતાં ગોપીઓનાં મટકાંઓ ફોડીને કેમ તે માખણ ખાતો રહે છે જેવાં કૃષ્ણના
બાલ્યકાળનાં પરાક્રમો વર્ણવ્યા પછી ભાગવત કિશોરાવસ્થામાંથી યુવાની તરફ જતા
કૃષ્ણનાં જીવનના રોમાંસ અને નૈસર્ગિક કામેચ્છાઓનાં વિશ્વને તાદૃશ કરે છે. દરેક
પૂર્ણિમાની ચાંદની રેલાતી
રાતે કૃષ્ણની મુરલીની મોહક
તાનમાં ભાન ભૂલેલી ગોપીઓ તેમના પિતા,
પતિઓ અને બાળકોને સુતાં
મૂકીને તુલસીની ફોરમે મહેકતાં વનમાં ગોળ
ગોળ ફરતાં વૃંદ નૃત્ય રમવા ઘેલી થતી. આમ વૃદ ગાનથી ગુંજતું વૃંદાવન પરમાનંદની
છોળોથી ભીંજાતું રાસલીલામય મધુવન બની રહેતું. જ્યાં સુધી ગોપીઓમાં કૃષ્ણ પ્રત્યે
સ્થુળ માલિકીભાવ ન પેદા થયો ત્યાં સુધી આ રાસલીલા વણથંભી ચાલુ રહી. જેટલો સમય રાસ
લીલા ચાલતી એટલો સમય દરેક ગોપીને કૃષ્ણ પોતામય જ અનુભવાતો.
કુરૂક્ષેત્રનાં યુધ્ધમેદાન
અને મધુવનનાં રાસમેદાન વચ્ચેનો તફાવત તદ્દન વિરોધાભાસી છે. અહીં યુધ્ધની દુંદુભિઓ
ગાજે છે તો ત્યાં રાસની મોરલી ગુંજે છે. અહીં પુરૂષો છે તો ત્યાં નારીવૃંદ છે.
અહીં લોહી વહે છે તો ત્યાં દૂધ, માખણ અને દહીં વહે છે. અહીં ક્રોધાવેશ છે
તો ત્યાં પ્રેમાવેશ છે. અહીં દિવસ છે તો ત્યાં રાત છે. અહીં જાહેર છે તો ત્યાં
અંગત છે. અહીં મેદાન છે તો ત્યાં વન છે. અહીં જો તોળાઈ રહેલી હિસા અનુભવાય છે તો
ત્યાં કામુકતાની મીઠી તાણ છે.
મિલકતને લઈને લાગુ થતી
યોગ્યાયોગ્યતા અને પાત્રતાની મહાભારતમાંની અને વફાદારીની ભાગવતમાંની માન્યતાઓનું
ખંડન કરીને, માહિતીને ડહાપણનાં અલગ અલગ સ્તર મુજબ મન અલગ
રીતે સમજે છે તેવાં વૈદિક વિષયવસ્તુ તરફ કૃષ્ણ ધ્યાન ખેંચે છે. ડહાપણનાં સ્તરો અનંત છે એટલે એ જ વસ્તુને અલગ
અલગ રીતે જોવાના વિકલ્પો પણ અનંત છે. માત્ર વિસ્તૃત વિકાસ પામેલ, બ્રહ્મ મન, જ એ અનંતનો તાગ પામી શકે.
તે ઉપરાંત ભાગવત કૃષ્ણની જન્મ
આપનાર દેવકિ અને તેમનો ઉછેર કરનારી યશોદા એમ બે માતાઓની; ગોકુળમાં પાછલ રહી ગયેલ રાધા અને દ્વારકા
સુધી સાથે આવેલ યમુના એમ બે પ્રેમિકાઓની વાત કહે છે. તે ઉપરાંત ધનાઢય અને જબરી
સત્યભામા અને ગરીબ અને કહ્યાગરી રુકમિણી એવી બે પત્નીઓની પણ વાત કહે છે. ભાગવતમાં
મહેલોના દરબારોની નહીં પણ ઘરની અંદરની;
નગરોની નહીં પણ ગામડાંઓની અને
યુધ્ધભૂમિઓની નહીં પણ ગૌચરભૂમિઓની વાતો કહેવાઈ છે. કૃષ્ણ ભલે મહાન વ્યૂહરચનાકાર, યોધ્ધા કે ગુરુ હોય,તો પણ પણ તે કોઈના દીકરા, કોઇના પ્રેમી કોઈના પતિ અને વળી કોઈના ભાઇ કે પિતા પણ છે, ભલે કદાચ એ દરેક
ભૂમિકાઓમાં તે સંપૂર્ણ ન ઉતરતા હોય કે મોટે ભાગે અકળાયેલા પણ દેખાતા હોય. આને
કારણે ભાગવત સ્ત્રિયોચિત અન મહાભારત પૌરૂષોચિત કથાનક બની રહે છે. ભાગવત બાહ્ય મહાન
વસ્તુઓમાંના ભગવાનને ઘરની અંદરની સામાન્ય વસ્તુઓનાં રૂપે રજૂ કરે છે.
§
'ધ
સ્પિકીંગ ટ્રી' માં
૫ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
-
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૭ જુન, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો