મૂળ સિંધુ ખીણથી દૂર દૂર રાજસ્થાન અને ગુજરાતમાં મળી આવતા સિંધુ
ખીણના શહેરોના અવશેષોમાં જેમ જોવા મળે છે તેમ એ સમયે અનાજનાં ગોદામો, પાકા રસ્તાઓ, ગટર વ્યવસ્થા તંત્ર,છોડવાઓ અને અશ્વ સિવાયની હાથી,
બળદ કે વાઘ
ભક્તિ જેમાં જોવા મળે છે તેવી મહોર સુધ્ધાં વિકસાવી ચૂકેલ શહેરીકરણ થયેલ સંસ્કૃતિ
અસ્તિત્ત્વમાં હતી. ક્યાંક યજ્ઞકુંડો કે વાવ પણ જોવા મળે છે, પરંતુ અધિક્રમ કે બહુ વધારે પડતી ધાર્મિક
મૂર્તિકલા નથી જોવા મળતી. આ લોકોને આપણે નગર નિવાસીઓ કહેશું.
વિરોધાભાસ આંખે ઊડીને વળગે એવો છે. સાંપ્રત હિંદુ સમાજમાં મંત્ર
ગાન કરનારા અને નગર નિવાસી લોકોની મિશ્ર અસર જોવા મળે છે : ગાય અને પીપળો હજૂ પણ
પવિત્ર મનાય છે. ભારતનું ઘડતર કરનાર આ બે પ્રકારના સમાજ અલગ અલગ હતા કે એક જ હતા?
બન્ને સંસ્કૃતિઓમાં બહુ સ્પષ્ટ જણાઇ એવા મૂળભૂત તફાવતો હોવા
છતાં માંત્ર ગાન કરનાર લોકો જ નગર નિવાસીઓ હતા એમ માનવાની પ્રબળ ઈચ્છા રહે છે.
ઉપલબ્ધ પુરાવા બહુ નબળા છે અને તે પછીનાં ભારતે 'સારી' ગટર વ્યવસ્થાને કેમ તિલાંજલિ
આપી દીધી કે 'ખરાબ' ગણી શકાય એવી ચાર વર્ણોની વ્યવસ્થાને પકડી
રાખી જેવી બાબતો સમજાવી નથી શકતા.
શક્ય છે કે એ બન્ને એક
જ લોકો ન હોય. તો શું એ લોકો એક ભૌગિલિક વિસ્તારમાં અલગ અલગ સમયખંડમાં રહ્યાં હશે? જો એમ હોય તો, પહેલાં કોણ આવ્યું - મંત્ર ગાયકો કે નગર
નિવાસીઓ? વેદિક મંત્રો તો પાછળથી રચાયા
હોય એમ બને. પરંતુ રાષ્ટ્રવાદીઓને તે સ્વીકાર્ય નથી. આપણી શિક્ષણ વ્યવસ્થાએ આપણા
પર એવી ભૂરકી નાખી છે કે જે પહેલાં આવ્યું હતું તે જ સારૂં એમ માનવા આપણે ઘડાઈ
ગયાં છીએ. મેસોપોટેમિઆમાં મળી આવેલ મિતાની શિલાલેખોના પુરાવા અનુસાર વૈદિક
મંત્રોને ઈ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ જૂના માનતી
સૈધ્ધાંતિક વિચારધારા કરતાં
આદિ વૈદિક
મંત્રોમાં ઈ.સ. પૂર્વે ૬૦૦૦ની ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ છે તેમ માનતી સૈધ્ધાંતિક વિચારધારાઓ વધારે સ્વીકાર્ય છે. પણ જો મંત્ર ગાન કરનાર પહેલાં આવ્યાં તો
તેમણે નગરોનો વિકાસની ચડતી અને પડતી પણ જોઈ હોવી જોઇએ.તો કોઈ મંત્રોમાં આ બાબતનો
ઉલ્લેખ કેમ નથી? ગાંગેય તટિય વિસ્તારો તરફનાં
વસ્તી સ્થળાંતરને કારણે ગટર વ્યવસ્થા સહિતના આયોજિત નગરોનું ચલણ થયું હોય એમ પણ
જણાતું નથી.
એ પણ શક્ય છે કે એ લોકો એક સમય કાળમાં જ રહ્યાં હોય પણ ભૌગોલિક
રીતે અલગ અલગ પ્રદેશમાં રહેતાં હોય. સિંધુ સંસ્કૃતિનાં શહેરો જેમણે શોધી કાઢ્યાં
હતા અને સંસ્કૃતના હિંદુ-યુરોપિયન મૂળનો જેમણે સૌ પહેલાં અભ્યાસ કર્યો હતો એવા
યુરોપીઅન પ્રાચ્ય વિદ્યાવિશારદો તો ભારપૂર્વક કહે છે કે એ લોકો વિદેશીઓ હતાં. મૂળે
આ વિશારદો ખ્રિસ્તી હતા એટલે તેઓએ માની લીધું કે બાઈબલનાં ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં
કહેવાયું છે તેમ જુદેઆનાં સામ્રાજ્યને પ્રસ્થાપિત કરવા માટે વિચરતી યહુદી જાતિઓએ
જેમ કેનન શહેરના નગરવાસીઓને ખત્મ કરી નાખ્યા હતા એમ વૈદિક સેનાપતિઓએ સિંધુ
સંસ્કૃતિનાં શહેરોનો નાશ કરી નાખ્યો હતો. આ સિધ્ધાંત બ્રિટિશ શાસકોને પણ અનુકૂળ
આવતો હતો કેમકે તો કહી શકતા કે યુરોપિયન અને મુસ્લિમ આક્રમણકારોની જેમ હિંદુઓના
વડવાઓ પણ આક્રમણખોરો અને સંસ્થાનવાદીઓ જ હતા. એ લોકો પણ અહીંના 'પ્રત'
સ્થાનિકો
નહોતા. બીજાં વિશ્વયુધ્ધમાં જર્મનીમાં નાઝીઓએ આર્ય મૂળના નામે જે બેમર્યાદ કત્લેઆમ
કરીને 'આર્ય' શબ્દપ્રયોગને બદનામ નહોતો કરી નાખ્યો
ત્યાં સુધી કેટલાક હિંદુઓને પણ આ સંભવિત સિધ્ધાંત ગોઠતો હતો.
આક્રમણના આ સિધ્ધાંતના પ્રણેતાઓને કમનસીબે, વેદ ૠચાઓમાં કે એ સમયનાં શહેરોના
પુરાતત્ત્વીય અવશેષોમાં કોઈ જ જાતનાં આક્રમણના પુરાવા નથી જોવા મળતા.
વૈજ્ઞાનિકોનું તો ચોક્કસપણે માનવું છે સરસ્વતી નદીનું સુકાઈ જવું કે સમયાંતરે મોટે
પાયે વહેણ બદલવવું જેવા વાતવરણના ફેરફારો જ સિધુ સંસ્કૃતિનાં શહેરોનાં નાશ થવાનું
કારણ હોઈ શકે.
યુરોપિયન પૌવાર્ત્ય નિષ્ણાતો એમ પણ માને છે કે, સંસ્કૃત, કમસે કમ આદ્ય-સંસ્કૃત,
તો ક્યાંક
પશ્ચિમમાંથી હિંદુસ્તાનમાં આવેલ છે. વૈદિક
ભાષા અને ઈરાન અને દૂરસુદુરનાં યુરોપની ભાષાઓ ઘણી મળતી જરૂર આવે છે. પરંતુ વૈદિક
ભાષામાં સ્થાનિક મુંડા આદીજાતિના ૩૦૦ જેટલા શબ્દો પણ જોવા મળે છે. શું તે મધ્ય
એશિયામાંથી આવીને ઈરાનમાં ભળી ગઈ હશે, જેમાંનો એક સમુદાય પશ્ચિમમાં યુરોપ તરફ
અને બીજો સમુદાય પૂર્વમાં હિંદુસ્તાન તરફ જઈ વસ્યો હોય? કે પછી ભાષા હિદુસ્તાનમાંથી
પ્રસરીને પશ્ચિમમાં યુરોપ તરફ અને પૂર્વ તરફ ગાંગેય તટીય વિસ્તારો તરફ પ્રસરી હશે, જ્યાં વૈદિક મંત્રો વિકસ્યા. પશ્ચિમ તરફ
તેની અસર ઈરાનમાં અસુરો અને દેવોની ઓળખ રૂપે અસુરોને બદલે પ્રાચિન ઈરાનના દેવ અહૂર
અને દૈત્ય દિવ તરીકે જળવાઈ રહી હશે ?
બહુ
સ્વાભાવિકપણે પાશ્ચાત્ય વિદ્વાનોને પશ્ચિમથી પૂર્વ તરફના પ્રવાહવાળો સિધ્ધાંત
વધારે ગોઠે છે, જ્યારે હિંદુ નિષ્ણાતો, અને ખાસ કરીને રાષ્ટ્રવાદીઓને, પૂર્વથી પશ્ચિમ તરફનો પ્રવાહ વધારે અનુકૂળ
પડે છે.
પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂરવ તરફનાં સ્થળાંતરની આ ચર્ચામાં
એક મોટી પૂર્વધારણા એ છે કે ભાષા અને જાતિ
એક છે ! પરંતુ, એ સાચું નથી. ભાષાનાં
સ્થળાંતરને લોકોનાં સ્થળાંતર જોડે બૌ લાગતુંવળગતું નથી હોતું. વૈદિક ભાષાના ઘણા
શબ્દો ભલે મધ્ય એશિયામાંથી આવ્યા હશે,
પણ એથી
લોકો પણ આવ્યાં હશે એમ ન માની લેવાય. ભાષા તો સ્થળાંતર કરનાર વસ્તી કે આક્ર્મણખોરો સાથે ન નહીં પણ પ્રવાસીઓ
અને વેપારીઓ સાથે પણ આવી શકે છે. લોકો આવતાંજતાં રહે પણ તેમની ભાષા તેઓ પાછળ છોડી
જઈ શકે છે. જેમ તળ ભારતીય લોકો શુધ્ધ અંગ્રેજીમાં પુસ્તકો લખી શકે છે તેમ ઋગવેદની
સંસ્કૃતની સાથે ઇન્ડો-યુરોપિયન શબ્દોમાં રચાયેલી ઋચાઓના રચયિતાઓ , તળ હિંદુસ્તાનના હોઈ જ શકે, ભલે ને પછી તે નગર નિવાસીઓ ન હોય. અને એ
લોકો કદાચ વિદેશી પણ હોય તો રાષ્ટ્રવાદીઓ સિવાય બીજાંને શું ફરક પડે છે? આપણને કદાચ ક્યારેય ખબર નહીં પડે. આપણને
એટલી ચોક્કસ ખબર છે કે ઋષિઓએ રચેલા કે ઉતારી લીધેલા કે કદાચ માત્ર વર્ગીકરણ કરેલ
મંત્રો ભાગલા પહેલાં જે હિંદુસ્તાન તરીકે ઓળખાતું હતું તે બીજે ક્યાંય નહીં પણ
દક્ષિણ એશિયામાં જ ઉદ્ભવ્યા અને ફેલાણા.
એવું શક્ય છે કે નગરનિવાસીઓ અને મંત્રગાયકો એક જ સમયે એક જ
પ્રદેશમાં રહ્યા હોય, પણ એકબીજા પર અસર પાડવામાં કે
આક્રમણ કરવામાં રસ ન ધરાવતા હોય ? આ વિચાર સ્વીકારવામાં બહુ
તકલીફ શું હોઈ શકે? બે પાડોશીઓએ હંમેશાં લડતાં જ
રહેવું જરૂરી છે? ભારતમાં ફેલાયેલાં જંગલોમાં
રહેતી આદિજાતિઓ કાયમ સાથે રહે છે પણ તેમને એકબીજાં સાથે કોઈ વ્યવહાર ભલે ન હોય પણ
એકબીજાના રીતરિવાજો અને જીવનશૈલી માટે હંમેશાં માન રાખતાં આવ્યાં છે. વિશ્વની દરેક
ઘટનાઓ અને પ્રવાહોને લડાઈ ઘર્ષણોની ભાષામાં સમજાવવાની રીત એ આધુનિક જીદ છે.
એ પણ શક્ય છે કે તેઓ સાવ સમકાલીન ન પણ હોય. એ પણ શક્ય છે કે
હિદુસ્તાનનાં લોકોએ સ્થાનિક અને
બહારના શબ્દો વાપરીને મંત્ર રચ્યા હોય અને
પછી સમયાંતરે જ્યારે અશ્વોનું ચલણ વ્યાપક બન્યું હોય ત્યારે તે મંત્રોને
વિસ્તાર્યા હોય. (ભારતમાં, ચીનની જેમ આશ્વો હંમેશાં મધ્ય
એશિયામાંથી આયાત થતા હતા, કેમ કે ઘોડાઓ મોકળાં, સપાટ ઘાસનાં મેદાનોમાંજ ઉછરી શકે.) શક્ય
છે કે નગર નિવાસીઓની ચડતીનો સુરજ ડૂબી ગયો તે પછી મંત્રપાઠ કરનારાઓ જોરમાં આવ્યા
હોય અને તે સમયે કેન્દ્રીય વ્યવસ્થાપન કે પછી અસરકારક સારસંભાળની વ્યવસ્થા તૂટી
પડવાને કારણે ગટર વ્યવસ્થા પણ પડી ભાંગી હોય. શક્ય છે કે સમયની સાથે, જેમાં કેન્દ્રીય નિયમનની જરૂર ન હોય એવાં
વનસ્પતિ કે પ્રાણીઓની પૂજા કે કેટલીક
ડીઝાઈન રૂપરેખાઓ ટકી ગઈ હોય. પણ આવા બધા સિધ્ધાંતો આપણને ન ચાલે, કેમકે તેમાં બહુ બધી ગુંચવણો છે.
હવે પાછું ભારતીયો 'આટલાં ગંદાં કેમ છે?' એ સમજાવવાની સાથે સ્વચ્છ ભારત માટેના આટલા
બધા સિધ્ધાંતો વહેતા મૂકવાની આપણી ઘેલછાને કારણે મંત્રપાઠકો અને નગરનિવાસીઓ
વચ્ચેનો કલ્પિત સંઘર્ષ ફરીથી સપાટી પર આવ્યો છે. એક એવો વિચાર વહેતો મૂકાયો છે કે
મંત્રપાઠકોએ વર્ણવ્યવસ્થા અને શુધ્ધિ માટેનાં કર્મકાંડ દાખલ કર્યાં જેને પરિણામે
જાહેર સ્વચ્છતાની અવહેલના થઈ જેણે સમાનાધિકારવાદી નગરનિવાસીઓની જાહેર સ્વચ્છતાની
યાદો જ ભૂંસી કાઢી. જો તેમના પ્યારી આર્ય જાતિ પર કોઈ ગટર વ્યવસ્થાને નકારવાનો અને
ખુલ્લાંમાં શૌચકર્મો કરવાનો આક્ષેપ મૂકે તો યુરોપિયન પૌવાર્ત્યવિશારદો તો થરથરી
ઊઠે. ભારતના રાષ્ટ્રવાદીઓ તો આ વાતે જરા પણ ખુશ નથી. તેમના વિચારનો જો તમે વિરોધ
કરો તો તમારા પર સમાનાધિકારી સ્વચ્છ
શહેરોમાં ન માનતા વૈદિક આસ્થાવાળા 'સવર્ણો' તરીકેની છાપ લાગી શકે છે.
નગરનિવાસીઓને સ્વચ્છ 'ટોયલેટ' વાળાં સારા લોકો અને મંત્રપાઠકોને ખરાબ 'જાતિવાદી' લોકો ચિતરવાના સિદ્ધાંતોને જોકે ઈતિહાસ સાથે ઓછું અને આજનાં
રાજકારણ સાથે વધારે લાગેવળગે છે. ઇતિહાસને
પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે પ્રચારનું સાધન બનાવવા માટે આપણે જે યુરોપિયન
પૌવાર્યવિશારદોને સતાં આવ્યાં છીએ તે જ વસ્તુ આપણે પણ કરી રહ્યાં છીએ. ઘણા ઈતિહાસકારો
રાજકીય દબાણોને વશ થઈ જાય છે. આપણે પહેલાની સરકારમાં પણ આમ થતું જોયું હતું અને આજની સરકારમાં પણ
જોઈ રહ્યાં છીએ, જે વાત વિષે આજના 'ઉદારમતવાદીઓ' કાગારોળ કરતા રહ્યા છે. સારાં નસીબે હજૂ
પણ એવા કેટલાક ઇતિહાસવિદો બચ્યા છે જે લોકોને ફાવતાં ભૂતકાળનાં વર્ણનો લખી કાઢવા
તૈયાર નથી. આપણો ભૂતકાળ સરખો ગરબડીયો અને રહસ્યમય છે, જે કાલ્પનિક કથાઓ લખનારાના સન્નિષ્ઠ
પ્રયાસો છતાં પણ વ્યવસ્થા અને સ્પષ્ટતાના દાયરામાં આવવા તૈયાર નથી. આ બધું જેવું
છે તેવું સમજવાની અને સ્વીકારવાની આપણી તૈયારી વિકસે એ જ હવે તો ઇચ્છવા યોગ્ય
બચ્યું છે.
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ,
અમદાવાદ ǁ ૨૬
જુલાઈ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો