શુક્રવાર, 20 જુલાઈ, 2018

બીઝનેસ સૂત્ર |૭.૨| પ્રલય - કુદરતનો આખીરી વળતો પ્રહાર


બીઝનેસ સૂત્ર | | પર્યાવરણ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા  નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ. છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાંહેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતાઅને  ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી. .
૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે.
બીઝનેસ સૂત્ર |૭.૨| પ્રલય - કુદરતનો આખીરી વળતો પ્રહાર 
માનવ જાતનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ તેની પાસે જ્ઞાન, અનુભવ અને ટેક્નોલોજિ પણ વધતાં ગયા. તે સાથે તેણે કુદરત સાથે હોડ બકવામાં કે બાથ ભરવામાં પણ  પોતાની સીમાઓ વિકસાવવા માંડી. ઘણા કિસ્સાઓમાં (ભલે તત્પુરતો !) તેનો હાથ ઉપર પણ રહ્યો, તેમ નવી નવી ટેક્નોલોજિઓ શોધીને પણ કુદરત પર હંમેશાં હાવી થવાની વૃત્તિ પણ વધારે જોર પકડતી ગઈ. પરંતુ આપણે જેટલાં આપણને ખેરખાં માનીએ છીએ તેટલાં છીએ નહીં તે, હલ્કે સે ઝટકા સાથે, બતાવવા માટે કુદરત કેટકેટલાં રૂપે આપણી સમક્ષ દેખાય છે તેવાં સચિત્ર ઉદાહરણો This Is What it Looks Like When Nature Fights Back Against Civilization (and Wins!) માં જોઈ શકાય છે. અહીં તેમાંનાં કેટલાંક રજૂ કરેલ છે.
પોતાનાથી બનતા પ્રયત્નો કરીને પણ  માનવીની સાથે રહેવા માટે કરીને પોતાને થતાં માનવસર્જિત નુકસાનની મરમ્મત પણ કુદરત કરવા મથે છે.  Jenna Iacurci તેમના લેખ, Mother Nature Fights Back Against Climate Changeમાં જણાવે છે કે માનવજા દ્વારા કાર્બન ઉત્સર્ગ ઘટાડવા માટે થતા પ્રયાસોમાં કુદરત પણ તેની આગવી રીતે તેનું યોગદાન આપે છે.
પણ આ બન્ને રસ્તે જો માનવી કુદરતનો સંદેશો સમજે નહીં તો પછી બિલ મેક્ગ્વાયર કહે છે તેમ તો પછી જ્યારે Earth Fights Back , ત્યારે વધારેને વધારે ધરતીકંપો, ત્સુનામીઓ, જ્વાળામુખીના વિસ્ફોટો, ભૂસ્ખલનો, પુરો માટે તૈયારી રાખવી રહી. જેમ જેમ જ્વાળામુખીઓના વિસ્ફોટો વધે, તેમ તેમ રાખ અને વાયુઓનાં વાદળો પણ વધારે ઘટ્ટ બનતાં જઈ શકે જે સૂર્યપ્રકાશ માટે પૃથ્વી સુધી પહોંચવું મુશ્કેલ કરી શકે અને પરિણામે પૃથ્વીનું ઉષ્ણતામાન પણ ઘટી શકે છે. બહુ મોડું થઈ જાય તે પહેલાં આપણે આ સંદેશાઓ સમજી શકીએ તેમાં આપણું જ શ્રેય છે.
જાણીતા સંગીત કળાકાર, હૌશ્ક, તેમનાં સંગીત દ્વારા આ વિષયની જાગૃતિ ફેલાવવા માટે તેમનાં એક આલ્બમ "What If" માં  એક રચનાNature Fights Back  રજૂ કરે  છે.

આપણી પાસે ગુજરાતીમાં પણ આ વિષયને સ્પર્શતું  એક કાવ્ય છે, જે વેણીભાઈ પુરોહિતે લખ્યું છે અને દિલીપ ધોળકિયાએ તેને સુરમાં રજૂ કર્યું છે.
માનવ જાતની અમર્યાદિત બનતી જતી જરૂરિયાતોથી અકળાઈ ઊઠતી કુદરતના આખીરી વળતા પ્રહાર માટે બીઝનેસ સૂત્ર ટીવી શ્રેણીના ૭મા અંકના બીજા ભાગમાં, દેવદત્ત પટ્ટનાઈક 'પ્રલય' શબ્દપ્રયોગ પ્રયોજે છે. આ વિષય પર તેમની ચર્ચાને વિગતે જોઈએ.

સભ્યતાની રચનામાં કુદરત સાથેના સંઘર્ષની અને તેને સંસ્કૃતિમાં જ સ્વાભાવિકપણે વણી લેવાવાળી વાત તો સમજાય છે. તો પણ એક પ્રશ્ન જે  આપણો પીછો નથી છોડી રહ્યો તે છે - કેટલું પૂરતું ગણવું? કે, કેટલું વધારે પડતું કહેવાય? કુદરતી સંસાધનોના ઉપભોગના અતિરેકનાં પરિણામો આપણે જોઈએ પણ છીએ અને તેનું મહત્ત્વ પણ સમજીએ છીએ. પણ નવાઈ, કે ક્યારેક દુઃખ, એક વાતે થાય છે કે જે આપણે નથી કર્યું તેનાં ફળ આપણે ભોગવવાં પડે છે. એટલે બહુ વધારે કહેવું કોને? અથવા તો એવું ન કરી શકાય કે જે કરે તેને તેનાં પરિણામ તરતોતરત તેણે જ ભોગવવાં પડે? એટલે એવું થવું જોઇએ કે જે પેઢીના કર્યાં હોય તેની કિંમત એ પેઢી જ ચૂકવી જાય અને પછીની પેઢીઓએ ન ચૂકવવી પડે.

એનો આધાર આપણી દૃષ્ટિ પર છે. આપણે ગયા અંકમાં ગરૂડ દૃષ્ટિ - દીર્ઘ દૃષ્ટિ - અને સર્પ દૃષ્ટિ - ટુંકી દૃષ્ટિ- વિષે વાત કરી હતી. આપણે એ પણ વાત કરી હતી કે જ્યારે અગ્રણી માત્ર દૃષ્ટિથી જ જૂએ ત્યારે કેવું જોખમી બની જાય છે.

દીર્ઘ દૃષ્ટિનો અર્થ શું કરીશું? આપણાં દરેક પગલાંનાં પરિણામો પેઢી દર પેઢી ભોગવવાં પડતાં હોય છે. પણ આપણું ધ્યાન જો ત્રિમાસિક નફા પર જ અટકી હોય ત્યારે વર્તમાનમાં લેવાયેલાં પગલાંની લાંબા ગાળાનાં પરિણામોને આપણે નઝરઅંદાજ કરીએ છીએ. ટુંકા ગાળાનાં પરિણામો પર આપણું ધ્યાન એટલું ચોટ્યું છે કે લાંબા ગાળાનું ચિત્ર આપણી નજરે જ ન પડતું હોય. મુખ્ય પ્રબંધક તરીકે, વ્યક્તિગત સ્તરે તો કોઈ કિંમત ચુકવવાની ન આવે, નફો માણીને આગળ ચાલતી પકડવાની, પછીથી જે નવા મુખ્ય પ્રબંધક આવે તેણ એ પગલાંઓની કિંમત ચૂકવે.

આ જ વાત પેઢીનાં વ્યાપક સ્તરે પણ એટલી જ લાગુ પડે છે. એક પેઢી મન ફાવે તેમ વર્તી લે અને પછીની પેઢીઓ તેની કિંમત ચૂકવતી રહે. પુરાણોમાં એટલે જ કહેવામાં આવ્યું છે કે પિતાનાં પાપની ભરણી સંતાનો કરે છે. ભવિષ્યની પેઢીઓની આપણને કેટલી પરવા છે ? જો કે વાત માત્ર ભવિષ્યની પેઢીઓ પૂરતી જ મર્યાદિત કરવાને બદલે આપણી આસપાસનાં લોકો, વાતાવરણ વિષે પણ પરવા કરવાથી જ શરૂઆત કરી શકાય. એક બહુ જાણીતા શબ્દપ્રયોગ - મારાં આગણામાં ક્યાં છે? - યાદ આવે છે, જેનો અર્થ એ થાય કે જ્યાં સુધી મને અસર ન થાય ત્યાં સુધી ચિંતા શા માટે કરવી.

જેમ જેમ વૈશ્વિક ગામડાં સંકડાતાં જવાં લાગ્યાં, તેમ તેમ લગભગ બધું જ આપણા આંગણામાં જ સમાવા લાગ્યું છે.  કુરુક્ષેત્રમાં યુધ્ધની શરૂઆત પહેલાની વાતમાં જેમ ખાંડવવનમાં બળેલા નાગની પછીની પેઢીઓ પહેલાની પેઢીઓએ સહન કરેલ મુશ્કેલીઓની ફરિયાદ કરતી દેખા દેતી હતી તેમ જ જે ટેક્નોલોજિ વિશ્વને સાંકડું કરી આપે છે તે જ ફરીને આપણી સામે આવશે, અને આપણાં કર્મોની કિંમત વસૂલી જશે.

એ કથામાં આપણે જોયું હતું  કે નવાં નગર બનાવવા માટે વન બાળવાનું સૂચન કૃષ્ણનું હતું.'કેટલું પૂરતું ગણવું?' એ સવાલ ફરીથી મારી સામે આવી ચૂક્યો છે શહેર રૂપી વિકાસ એ રીતે જ શક્ય બને? નવાં નવાં નગર બનાવતા જવા માટે કેટકેટલાં જંગલ બાળીશું? જવાબ પણ લગભગ તો કલ્પી જ શકાય કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. પરંતુ એ સંતુલનની સ્થિતિએ પહોંચ્યા કે નહીં એ નક્કી કરવા માટે કેટલો વિકાસ પર્યાપ્ત કહેવાય એ માટે કોઈ સૂત્ર છે?

આ વાત સમજવા માટે આપણે વિષ્ણુના અવતારોમાંના પહેલ વહેલા અવતાર મસ્ત્ય અવતારની  કથા યાદ કરીશું. આપણે સંસ્થાના, અને તેની સાથે સભ્યતાના, વિકાસની વાત પણ એ કથામાં જોઈ હતી. માછલી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ કુંભ
પણ મોટો કરતાં જવું પડ્યું. તે પછીની વાર્તા વધારે રસપ્રદ છે, જેમાં વાત વધારેને વધારે ગુંચવાતી જાય છે.

એક તબક્કે માછલી એટલી મોટી થઈ ગઈ કે તેને સમાવી શકે એવડો કુંભ જ નહોતો રહ્યો, એટલે તેને પહેલાં તળાવમાં, પછી નદીમાં, અને પછી હજૂ મોટી થઈ એટલે સમુદ્રમાં મૂકવી પડી. એને તો હવે સમુદ્રનું પાણી પણ ઓછું પડવા લાગ્યું. એટલે પાણીની ઘટ પૂરી કરવા મુશળધાર વરસાદ અવડાવ્યો. માછલીની જરૂરિયાતને તો હજૂ પણ અંત નહોતો. એટલે પછી પ્રલય થયો. હવે આ અનરાધાર વરસાદથી ઉમટેલાં
પુરનાં પાણી સમુદ્રના કિનારા વળોટીને જમીનને ડુબાડતાં ચાલ્યાં હતાં. તેનાથી ભાગતાં ભાગતાં મનુ હવે પાછા પર્વતની ટોચે પહોંચી ચૂક્યા છે.

પર્વતની ટોચ પર પહોંચીને મનુ પાછું વળીને વિચારે છે કે તેઓ આટલા મદદરૂપ અને શાંત રહ્યા હતા, વિકાસ પામતી માછલીને તેમણે દરેક તબક્કે પૂરતાં સંસાધનો પણ પૂરાં પાડ્યાં હતાં, તો પછી આ આખા ઘટનાક્રમમાં ખોટું શું થઈ ગયું? મૂળ ત્રુટી એ રહી ગઈ  હતી કે તેમણે કોઈ પણ તબક્કે માછલીને એ પૂછ્યું જ નહીં કે તને આપવામાં આવતું પાણી તને પૂરૂં જ કેમ નથી પડતું, તને વધારેને વધારે જ પાણી કેમ જોઈએ છે?

કહેવાનું તાત્પર્ય એ છે કે કુદરતી સંસાધનો હંમેશાં મર્યાદિત છે અને માણસની ઈચ્છાઓ હંમેશાં અમર્યાદ છે. કોઈ તબક્કે એમ તો વિચારવામાં જ ન આવ્યું કે મોટી થયેલી માછલી હજૂ પણ પોતાની જરૂરિયાત પોતે જ પૂરી કરવા માટે સક્ષમ કેમ નથી બની રહી? શા માટે તેને વધારેને વધારે કુદરતી સંસાધનોનો ઉપભોગ કરતાં રહેવું પડે છે? અનુકંપાથી દોરવાયેલા મનુએ  ઘડો બનાવીને માછલીને કુદરતનાં ચક્રમાંથી બચાવી એ સભ્યતાના વિકાસ તરફનું પહેલું કદમ એક સમયે એવા અંતિમે પહોંચ્યું કે હવે તે પોતાના જ નાશનું કારણ બનીને આવી ઊભું. એમની અનુકંપા એમની વિચારધારાની સામે એવી દિવાલ બની ગઈ જેની પાછળ માછલી હવે સ્વયંસંપોષિત બનવાના તબક્કે પહોચી છે તે વિચારવું જોઈએ તે જ દેખાતું બંધ થઈ ગયું.

અમર્યાદ વિકસતી જરૂરિયાતો ક્યારે તેની લક્ષ્મણ રેખા વળોટીને લોભમાં પરિવર્તિત થઈ જાય છે એ જ ખબર નથી રહેતી. આ લોભ આપણી ચર્ચાના દાયરામાં નથી આવતો. આપણને કંપનીઓનાં નૈતિક ધોરણોની શિથિલતા નજરે ચડે છે. પણ એ શિથિલતાની પાછળ દરેક ત્રિમાસિક સમીક્ષાને અંતે વધારેને વધારે માંગતા રહેતા માલિકીઅંશધારકો કે હજૂ વધારે સસ્તું અને હજૂ વધારે સારૂં માગતા રહેતા ગ્રાહકોની ભૂમિકા વિષે કોઈ નથી વિચારતું. એ બધા પર્યાવરણની ચિંતા કરવાની તો વાત જરૂર  કરે છે, પરંતુ તેમને પોતાની કાર નથી છોડવી પણ વિકસતા દેશોએ બળદ ગાડાંથી ચલાવીને વૈશ્વિક પર્યાવરણની રક્ષામાં યોગદાન આપવું જોઈએ એમ સલાહ આપવી છે. મારો નફો સલામત રાખવાની સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખવાની મારી ઇચ્છા વચ્ચેની વિસંગતતા એ એક સહજ હકીકત છે.

પણ એ ચાલે નહીં. કંઈક જોઈતું હોય તો કંઈકનો ભોગ દેવો જ રહ્યો. એટલે જો અમર્યાદ જરૂરીયાતોની ઇચ્છાઓ પર માનવી લગામ ન મૂકે તો મર્યાદિત સંસાધનોવાળી કુદરત પાસે  આખરે પ્રલય સ્વરૂપની પ્રતિક્રિયા આપવાનો માર્ગ ખુલો રહે ! એનાથી વધારેમાં વધારે ખરાબ શું થશે? ૫૦-૬૦% વસ્તી ખતમ થઈ જશે એટલું જ ને ! ના, વાત અમુકતમુક નુકસાન સુધી નથી અટકી રહેવાની, હંમેશાં યાદ એ રહેવું જોઇએ કે અંતે તો કુદરત જ પોતાનું ધાર્યું કરશે.

એનો અર્થ એ કે આપણાં પુરાણોનાં કથાવસ્તુમાં અંત તો વિનાશ જ છે.

વિષ્ણુ પુરાણની પહેલી કથામાં આમ સંસ્થાનાં સર્જન અને વિનાશની વાત છે. આ બન્ને વચ્ચે સંતુલન કરવા માટે ધર્મની દૃષ્ટિએ વિચારવું પડે. આ શ્રેણીમાં આપણે કહેતાં આવ્યાં છીએ તેમ અહીં ધર્મનો અર્થ થાય છે બીજાંની નજરે જોવું. એમાં 'મારાં આગણામાં નથી ને !'વાળી વાત નથી કેમકે બધે જ આપણું આંગણું છે. દૃષ્ટિકોણમાં આ ફરક ત્યારે જ આવશે જ્યારે ધર્મ પ્રવર્તિત થશે, જ્યારે સમજાશે કે સમુદ્રમાં ઢોળાઈને ફેલાયેલાં તેલ કે નક્ષલવાદીઓની લડત જેવી સમસ્યાઓનું મૂળ ખરેખર ક્યાં છે. સમજવાની વાત એ છે કે આ બધી સમસ્યાઓ આપણાં જ કોઈને કોઈ પગલાંઓનાં પરિણામો છે, આપણાં કર્મનાં ફળ છે, આપણે જ પહેલાં કરેલાં કામોની પ્રતિક્રિયાઓ છે. એ માટેની જવાબદારી સ્વીકારીશું કે એ તો ઈશ્વરેચ્છા કહીને બીજાં પર ટોપલો પહેરાવી હાથ ખંખેરી નાખશું? હકીકત તો એ કે છે આપણાં કરેલ કર્મોનાં ફળ આપણે ભોગવી રહ્યાં છીએ એ વાતનો સ્વીકાર કરીએ. ફરીયાદે ચડેલા નાગને શિક્ષા કરવી એ સાચો ઉપાય નથી, જરૂરી તો એ છે કે આપણી અમર્યાદ ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકવાની જવાબદારી સ્વીકારીએ અને અદા કરીએ.

આપણે જે કથાનકની આજે વાત કરી એમાં કોઈ પાદ નોંધ જેવું છે જેનાથી ખબર પડે કે પ્રલય પછી શું થયું.

પુનર્જન્મ થાય છે; નવી સંસ્થાઓ રચના પામે છે; નવી વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવે છે, જે એક નવી તક માટેની આશા લઈને આવે છે. એક વાર નિષ્ફળ જવાય, તો એક વધારે તક, અને તે પછી પણ નવી તકનું ચક્ર ચાલુ રહે છે.

અંત તો પહેલેથી જ નક્કી છે. આજે કે કાલે કે ૫૦૦-૧૦૦૦ વર્ષ વાદ પણ જો અંત નિશ્ચિત છે એવુ જાણવું  એ 'પર્યાવરણ વિષે જાગૃત' લોકો (અને સંસ્થાઓ) માટે કે પ્રકારની નિરૂત્સાહપ્રેરક પરિબળ નથી? અને જો આમ જ થવાનું હોય તો પર્યાવરણનું સંરક્ષણ કરવામાટે કોઈ પ્રોત્સાહન જ ન રહે.

લોભની સામે લડવામાં તર્ક કામ ન આવે, કેમકે લોભ પોતે જ બિલકુલ અતાર્કિક છે ! એ સંજોગોમાં તમે ઈચ્છો એવું લોભ સામે લડવા માટેનું તર્કસંગત કારણ તમને ક્યાંથી લાવી આપવું? લોભનું મૂળ માણસમાં ઊંડે ઘર કરી ગયેલ ભયમાં છે. ભય પણ તર્કસંગત નથી. એટલે લોભી લોકોની સાન ઠેકાણે લાવવા એક વત્તા એક બરાબર બે થાય એવું તર્કસંગત, ગણિતીય સૂત્ર કામ નથી આવ્યું કે નથી આવવાનું.
આજના અંકમાંથી એટલું તો સ્પષ્ટપણ ફલિત થાય છે કે માણસ પોતાની અમર્યાદ ઇચ્છાપૂર્તિ માટેનો અતાર્કિક લોભ છોડશે નહીં તો કુદરત પાસે આખરમાં વળતો પ્રહાર કરવા સિવાય કોઈ રસ્તો રહેશે નહીં. માણસ કુદરતની વિનાશકારી પ્રતિક્રિયાઓમાંથી જે કંઈ પાઠ શીખે છે તે જ્ઞાન વડેજ તે ફરીથી કુદરતથી એક કદમ આગળ જવાની હોડ બકે છે. કુદરત ફરી વળતો પ્રહાર કરે છે. કુદરત સાથે સહજપણે તાલમેલ મેળવીને રહેવાની સમજ માણસ જાતને ક્યારે આવશે? ક્યારે પણ આવશે ખરી? આજના અંકમાં તો ચોખ્ખી ચેતવણી છે - માણસ નહીં સુધરે તો તેનો અંત નક્કી છે. સવાલ કેમ અને ક્યારેનો જ રહે છે.
દેવદત્ત પટ્ટનાઈકની ટીવી સિરિયલ બીઝનેસ સૂત્રની આ સફરમાં હવે પછી આપણે ૮મા અંકમાં કૌટુંબિક જાગીર અને કલહો વિષે વિગતે ચર્ચા કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો