એક વખતે એક વ્યક્તિથી તેના પુત્રનું માથું
કપાઈ ગયું.એ પુત્રને ફરીથી જીવંત કરવા માટે પ્લાસ્ટિક સર્જનોએ
તેના કપાયેલાં ગળાં
પર હાથીનું માથું જોડી આપ્યું. સર્જરીના ચમત્કારથી સજીવન થયેલ હાથીના માથાંવાળો એ
પુત્ર હવે દેવ તરીકે પુજાવા લાગ્યો.
આ પૌરાણીક કાલ્પનિક કથાનું
કોઈ પાનું નથી. ઘણાં લોકો એમ સંનિષ્ઠપણે માને છે કે એક સમયે ભારતવર્ષમાં આ પ્રમાણે
બન્યું હતું. એ થયું હતું એટલાં બધાં વર્ષો પૂર્વે કે કોઈ પુરાતત્વવિદ કે
ઈતિહાસકાર આ ઘટનાની સાબિતી મેળવી શકે તેમ નથી. ભારતના પ્રધાન મંત્રીએ પણ એક
અતિઅદ્યતન ઈસ્પિતાલનાં ઉદ્ઘાટન સમયે આ પ્રકારનું વિધાન કર્યું હતું. ત્યાં હાજર
કોઈ સર્જને, મનમાં પણ,
એ વિધાનને પડકાર્યું નહોતું. શક્ય છે કે
તેમાંના કેટલાક તો એ સાચું છે તેમ પણ માનતા હશે.
આવી પવિત્ર પૌરાણિક કથાઓમાં, જેના,
આનુભાવિક પુરાવા નથી કે નથી મળી શકવાના પણ
એવા મૂળમાં માત્ર અને માત્ર રહેલા વિશ્વાસ પર ઘણાં લોકો ખડખડાટ હસી નાખી શકે છે.
બહુ બહુ તો આ એક કલ્પના છે,
કે પછી કદાચ વૈજ્ઞાનિક કાલ્પનિક વાર્તા છે
કે પછી કદાચ એક મનોવૈજ્ઞાનિક સત્ય માટેનો અર્થાલંકાર છે. કે પછી એક પૌરાણિક
માન્યતા !?
ચર્ચાના કોઈ પણ પક્ષને આ
બાબતે જીતી શકાય તેમ નથી. વૈજ્ઞાનિક પધ્ધતિઓ પર વિશ્વાસ ન કરનારાંઓ અને આવી બાબતો
પર ભરોસો કરનારાંઓની ઠેકડી કરનાર વચ્ચે આગ ભડકી ઊઠવા માટે એક નાનો સો તણખો પૂરતો
બની રહી શકે છે. આ લોકો તો વિજ્ઞાન કોને કહેવું એ માટે પણ સહમત નથી.
વાત અહીં સચ કે જૂઠની નથી, પણ
છે આત્મસન્માનની.
ધારો કે જે બાબત તમને સાવ
મુરખ જણાય છે તેમાં સામેની વ્યક્તિને ભરપૂર વિશ્વાસ છે. હવે એ વ્યક્તિને કહીએ કે
તેની માન્યતા સાવ બકવાસ છે તો શું થાય? એ એમ જ માનશે કે તમે તેને
મુરખ માની લીધેલ છે. માણસ મુરખ હોય કે ન હોય, પણ તેને
કોઈ મુરખ કહી જાય તેને ગમશે
નહીં, કદાપિ
નહીં. એ તો સામે અડી જશે અને પોતાની માન્યતા, અને તેના
માટેનો તેનો વિશ્વાસ સાચાં છે તે સાબિત કરવા આકાશપાતાળ એક કરી નાખશે. પોતાની
માન્યતાને પડકારનાર પર તે હુમલો કરશે. સામે 'સત્ય'
સેના પણ રણે ચડશે. વાત વધી પડશે અને એક
તબક્કે કાબુ બહાર જતી રહેશે. મજાની વાત તો એ હશે કે તેનાથી બેમાંથી એકે પક્ષનાં
જ્ઞાનમાં તસુભારનો પણ વધારો નહીં થયો હોય.
આખી દુનિયામાં કેટલાંય લોકોને
સાવ અકલ્પનીય લાગે તેવી વાતોમાં કેમ વિશ્વાસ બેસતો હશે ? જેમ કે, ઈશ્વરે
સાત દિવસમાં વિશ્વ સર્જન કર્યું. ઈસુ નિષ્કલંક ગર્ભાધાનનું ફળ છે અને તેમનાં
મૃત્યુ પછી તેમણે પુનઃજન્મ લીધેલો.મુહમ્મદ
યેરુસલેમથી સ્વર્ગ ભણી પાંખાળા ઘોડા પર સવાર ઊડ્યા હતા. પુષપક વિશવનું પહેલું હવાઈ
જહાજ હતું. કે, ગણેશ પ્લાસ્ટિક સર્જરીનો પ્રતાપ છે.
જવાબ બહુ સરળ છે : પોતા વિષે
સારૂં સરૂં વિચારવું બહુ ગમે છે. તેને કારણે આપણે આપણી જાતને, સામાન્ય
વ્યક્તિઓથી ઉપર, ખાસ
વ્યક્તિઓમાં ગણવા લાગીએ છીએ
અને 'સત્ય'ની
શોધમાં આ માન્યતાના લીરા ઊડે ત્યારે પછી શું થાય? તે
સ્વ-મૂલ્ય અને સ્વ-માન પર હુમલાની નજરે જોવામાં આવે છે, જેનું
પરિણામ, સામાન્યતઃ,
ક્રોધાવેશ અને હિંસામાં આવે છે.
બ્રિટિશરોએ ભારતમાં પોતાનો પગ
જમાવ્યા પછી સમજી લીધું હતું કે ભારતીય લોકો પર રાજ કરવું હશે તો તેમને
મનોવૈજ્ઞાનિક સ્તરે તોડી પાડવાં પડશે. એટલે 'વિજ્ઞાન'ના
અંચળા હેઠળ તેમણે હિંદુ રિવાજો અને માન્યતાઓને ઉતારી પાડવામાં જરા પણ કસર બાકી ન
રાખી. એ જ 'વિજ્ઞાન'નો દેવળના અંધવિશ્વાસને પડકારવામાં એક વાર પણ ઉપયોગ નથી
કરાયો. આજે પણ, અમેરિકામાં 'ઉત્ક્રાંતિ'ની
ભાષામાં વાત કરતા તાર્કીક વિચારકો અને 'ઉચ્ચ સમજ શક્તિનાં આલેખન'ની
દુહાઈ દેનારા ખ્રિસ્તી અંતિમવાદીઓ વચ્ચે તનાવ બરકરાર છે. આ વિષયમાં ન્યાયાલયોમાં
પણ ભાગલા પડી ગયા છે , કેમ કે 'સત્ય'
આસ્થાના ખોળામાં બેઠું છે. મૂળતઃ આસ્થા
તર્ક અને માપણી તરફ બેધ્યાન રહેતી હોય
છે. લોકો
આસ્થા અને માન્યતા, પવિત્ર ઈતિહાસ અને અંધવિશ્વાસમાં ફરક શોધવા મથતાં હોય છે.
પણ, વિશ્વાસ પર ભરોસો કરવા કેટલો તર્ક કામે લગાડવો એ તો વાળની ખાલ
ઉતારવા જેવી દલીલ છે. તેમાં મોટા ભાગે તો જેને પૌરાણિક માન્યતાની છાપ મારવામાં આવે
છે તે સાંસ્કૃતિક પૂર્વાનુમાનો કે સાપેક્ષ સત્ય વિષેની અસ્વસ્થ, ઊંડે સુધી
ઘર કરી ગયેલ, વિચારસરણી
વણાયેલી હોય છે.
હકીકતો ગમે તેવી હોય, પણ
આપણને આપણો ભૂતકાળ ભવ્ય જ જોઈએ છે. આપણા હીરો સર્વગુણસંપન્ન જ જોઈએ છે. જ્યારે
યુરોપિયનોને કહેવામાં આવે છે કે 'જ્ઞાન પ્રકાશનો યુગ' એ 'સામ્રાજ્યવાદનો
યુગ' પણ છે ત્યારે તેઓ રક્ષણાત્મક બની જાય છે. અમેરિકોને જ્યારે
કહેવામાં આવે કે 'અમેરિકન અસ્મિતા'નો પાયો
આદીઅમેરિકનોના ઉચ્છેદ, હબસીઓની ગુલામી અને બબ્બે વિશ્વ યુધ્ધોમાં વિશ્વનાં તેમના
દ્વારા કરાયેલ શોષણ પર ઘડાયો છે ત્યારે
તેઓ આડું જોઈ જાય છે. જર્મનો આજે પણ 'નાઝી 'શબ્દ
સાંભળતાંની સાથે આઘાપાછા થવા લાગે છે. જાપનના ઔદ્યોગિક વૈશ્વિક પ્રભાવ પર તેમણે
કરેલ બીજાં વિશ્વ યુધ્ધ દરમ્યાનના અમાનવીય અત્યાચારોનું ગ્રહણ લાગેલું છે.ગાંધીજીનાં
લૈંગિક વિચારો વિષેનાં જાહેર ઉચ્ચારણોની વાત સંભળતાં ગાંધીવાદીઓનાં ચહેરા પર શરમ
ફરી વળે છે. છૂઆછૂતની વાત પર આજે બ્રાહ્મણ ચુપકીદી પકડી લે છે. કોઈ ભલે સ્વીકારે કે ન સ્વીકારે, બધાંને
હકીકતનો નહીં પણ માન્યતાઓની ટેકણ લાકડીનો સહારો ખોળવો પસંદ પડતો હોય છે.
'સત્ય શાંતિ લાવે છે' એ
દુનિયાની સૌથી વધારે પ્રચલિત પૌરાણિક માન્યતા છે, એને
વિજ્ઞાન અને તર્કશાસ્ત્રમાં માનનારા પણ સ્વીકારે છે. પરંતુ જે વાત મોટા ભાગે નજ઼ર
બહાર રહી જાય છે તે એ છે કે આ પૌરાણિક માન્યતાનું મૂળ અબ્રાહમના સમયનાં પૌરાણિક
શાસ્ત્રોમાં રહેલું છે,
જ્યાં 'ખરા દેવ' ઈર્ષાળુ
છે અને માગ માગ કરનારા છે. 'ખોટા દેવ’ની પૂજા તે નથી કરવા દેતા. યહૂદી ધર્મ, ઈસ્લામ
અને ખ્રિસ્તી ધર્મની જેમ વિજ્ઞાન જીવનના, અને વિશ્વના, વૈકલ્પિક
દૃષ્ટિકોણ વિષે ધૈર્યહીન છે. જે રાષ્ટ્રો ન્યાયાલયોએ નક્કી કરેલ 'એક
જ સત્ય'ને વળગી રહેવાનું પસંદ કરે છે તે આ પૌરાણિક માન્યતાનાં
ગાડાંમાં જ સવારી કરે છે.
વૈકલ્પિક વિચાર માટેની
અસહિષ્ણુતાનો જીવન પ્રત્યેનો અભિગમ એક હદ સુધી મહત્ત્વનો છે, પણ
ઘણી સંસ્કૃતિઓને તે સ્વીકાર્ય નથી. ખાસ કરીને ચીનમાં, જ્યાં
દાર્શનિક સત્યો કરતાં સામાજિક વ્યવસ્થા ઘણું વધારે વજન ધરાવે છે. એટલે જ
સિંગાપોરની સંસદે ઠરાવ્યું હતું કે સ્મલૈંગિકતાની વિરુધ્ધ કાયદો રાખશે પણ તેનો અમલ
નહીં કરે. આ એક એવી સંદિગ્ધતા છે જેને કારણે પ્રધાન મંત્રીએ ખાત્રી આપી હોવા છતાં 'સિધ્ધાંતવાદી' કર્મશીલો
અકળાયે રાખે છે.
ઋષિઓ દુનિયાને અલગ રીતે જૂએ
છે.તેમણે એ ‘સર્વવ્યાપી
સત્ય' વિષે પરવા ન કરી. હિંદુ પુરાણોમાં 'ખોટા' દેવોના
નાશનો ઉલ્લેખ નથી.. તેઓએ સમજી લીધું હતું કે દરેક વ્યક્તિ, અને
સમાજને, પોતપોતાના
'ખરા દેવ / સત્ય'
છે. આ સત્ય નિરપેક્ષ નથી. એ સાપેક્ષ છે, જેની
રચના આપણને આપ્ણા વિષે સારૂં લગાડવા કરાયેલ છે. શાણપણ લોકોનાં સત્યને સમજવામાં અને
દરેકે દરેક સત્ય જાણવા જેટલી કોઇણી પણ પહોંચ નથી એ સ્વીકારવામાં છે. અમર્યાદ સત્ય
છે ખરૂં પણ તે અમર્યાદ મન (બ્રહ્મ-મન)જ સમજી શકે છે. મજાની વાત એ છે કે, આ
વિચારસરણી વૈજ્ઞાનિક વિચારધારાનો પડઘો
પાડે છે. વૈજ્ઞાનિક સત્ય ક્યારે પણ અઘાટ
નથી હોતું. તે માપણી કરનાર સાધનોને આધીન છે. માપણી સાધનો દિનપ્રતિદિન
વધારેને વધારે સારાં થઈ રહ્યાં છે. વૈજ્ઞાનિકે ખુલ્લું મન રાખાવાનું છે કેમ કે
તેનો સંશોધન મહાનિબંધ માહિતી સામગ્રીથી
સિમિત છે. ઘણાં લોકોનું માનવુ છે કે સાવ યોગ્ય અને ખરાં માપણી સાધનો વડે એક દિવસ
સાબિત અજરૂર થઈ શકશે કે ગણેશ પ્લાસ્ટિક સર્જરી વડે પુનઃજીવન પામ્યા હતા. આપણે
તેમને એ વિશ્વાસ રાખવા દઈ શકીશું?
ચીનમા જેમ સત્ય કરતાં સામાજિક
વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે છે તેમ ભારતમાં સત્ય કરતાં વધારે પ્રાથમિકતા
લોકોનાં આત્મસંમાનને આપવામાં આવે છે. જ્યાં સુધી તેમનામાં, કે આપણામાં જ્ઞાનનો
શેરડો ન ફેલાય, ત્યાં સુધી ડહાપણ એમાં છે કે ગમે એટલું અર્થહીન ભલે હોય
તો પણ લોકોને તેમનાં સત્યને વળગેલાં રહેવાં દેવાં જોઈએ. તે સહિષ્ણુતા અને સમાવેશને
વિકસવા દે છે. કેટલાંક લોકો તેને પ્રેમભાવ કહે છે. ભલે લોકો માને
કે ગણેશની પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. લોકોને સમજવા પણ દો કે આવી બાબતોનાં વૈજ્ઞાનિક
પુરાવા કદાચ કદાપિ ન મળે,
તેને શ્રધ્ધાને જ હવાલે રહેવા દઈએ. લોકોને
એ પણ સમજવા દઈએ કે કેટલાંક લોકોને આવી વિચિત્ર માન્યતાઓ જોઈતી હોય છે અને
કેટલાંકને નથી જોઈતી. લોકોને એ પણ સમજવા દઈએ કે કેટલાંક લોકોને આવી કપોળ કલ્પના
શું કામ પચે છે અને કેટલાંકને કેમ નથી પચતી. આપણૂં મગજ, આમ પણ, એકથી
વધારે સત્યોને સમજી અને સંગ્રહી શકવા શક્તિમાન છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો