મહાભારતમાં મહાબાણાવળી, પાંડવોમાં ત્રીજા, અર્જુનની કથા કહેવાઈ છે. એક દિવસ, ધનુર્વિદ્યાનો
અભાસ કરતી વખતે, અર્જુનના ગુરુ દ્રોણે બધા તાલીમાર્થીઓનું
ધ્યાન ઝાડમાં બેઠેલ પક્ષી તરફ ખેંચ્યું અને કહ્યું કે તમને
શું દેખાય છે તે મને કહો. યુધિષ્ઠીરે જણાવ્યું કે તેને ઝાડની ડાળી પર બેઠેલું
પક્ષી દેખાય છે. ભીમે કહ્યું કે મને આંબાની ઉપરથી ચોથી ડાળ પર બેઠેલું પક્ષી દેખાય
છે. દુર્યોધને કહ્યું કે મને વડનાં ઝાડની આગળના આંબાની ચોથી ડાળી પરનું પક્ષી
દેખાય છે. અર્જુને કહ્યું કે તેને તો પક્ષીની આંખ સિવાય બીજું કશું દેખાતું નથી.
દ્રોણે બધાને નિશાન પર તીર છોડવા કહ્યું . એક અર્જુને જ લક્ષ્ય વેધ્યું હતું !
અર્જુનની આ ધ્યાન કેન્દ્રીત કરવાની લાક્ષણિક ક્ષમતાએ તેને દુનિયાના શ્રેષ્ઠ
બાણાવળી બનવામાં મોટું યોગદાન આપ્યું.
પછીથી જ્યારે અર્જુન
કુરૂક્ષેત્રનાં યુધ્ધ મેદાન પર પગ મૂકે છે ત્યારે
તે ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતો. જીવનમાં પહેલી વાર તે લક્ષ્યની પાર જોઈ
રહ્યો હતો. અજ્રુનની એ દૃષ્ટિમાં તેને બધાં સગાં - પિતામહ ભિષ્મ, ગુરુ દ્રોણ, તેના પિત્રાઇ કૌરવો, અને અન્ય કેટલાંય સગાં સંબંધીઓ દેખાય છે અને એ બધાં સામે આજે
યુધ્ધ કરવાનું છે તે વિચારે તે વ્યાકુળ થઈ ઊઠે છે.
તેના પિત્રાઇ, કૌરવોએ, પાંડવોને તેમના હક્કની જમી આપવાની ધરાર ના પાડી દીધી હતી. પોતાના
હક્કની એ જમીન મેળવવા માટે તેણે આ યુધ્ધ કરવું જ પડે તેમ હતું. પણ આજે પોતાના ભઈઓ, વડીલો, ભત્રીજા, ભાણેજો, જમાઈઓ, મિત્રોની સાથે યુધ્ધ કરીને મળે એવી જમીન તેને જોઈતી નહતી. આ યુધ્ધ દ્યુત સભામાં દ્રૌપદીનાં ચીર
ખેંચવાની ધૃષ્ટતા કરી હતી એવા દુઃશાસન સામે યુધ્ધ લડવાનું હતું. પણ તેનું મન આ
યુધ્ધ માટે માનતું નહોતું કેમકે તેને કહેવાતું રહ્યું હતું કે શાંતિ એ યુધ્ધ કરતાં
ઘણો વધારે ઈચ્છનીય વિકલ્પ છે. ક્ષત્રિય પરિવારના એક જવાબદાર સભ્ય તરીકે ન્યાય માટે
યુધ્ધ કરવું તે તેની ફરજ હતી, તેમ છતાં તે યુધ્ધ
કરવા નહોતો માગતો કેમકે જે ઉદ્દેશ્યો માટે આ યુધ્ધ હતું તે સિધ્ધ કરવા માટે ચૂકવવી
પડતી કિંમત બહુ વધારે જણાતી હતી. તેને દુનિયાને, ખાસ કરીને
કર્ણને, બતાડી આપવાનું હતું કે દુનિયાનો શ્રેષ્ઠ
બાણાવળી તો તે જ હતો. પણ યુધ્ધનાં શોણિતથી ખરડાયેલી એ કીર્તિ તેને હંમેશાં
ખૂંચવાની હતી.
આમ હંમેશાં લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત રાખનારો અર્જુન આજે સામે
જે દેખાઈ રહ્યું છે તેના પરિપ્રેક્ષ્યને નિયંત્રણમાં નથી રાખી શકી રહ્યો. એકાગ્ર
ધ્યાન માટે માત્ર લક્ષ્ય, મહેચ્છાઓ
અને સિધ્ધિ જ મહત્ત્વનાં હોય છે, જ્યારે
પરિપ્રેક્ષ્યનો સંબંધ કારણો, સંદર્ભ અને પરિણામો
સાથે છે. એકાગ્ર ધ્યાન નિશ્ચિત બાબત પર જ ભાર મૂકવા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે પરિપ્રેક્ષ્ય દર્શન એ જાગૃતિ છે. કેન્દ્રીત ધ્યાન નક્કર
પગલાં લેવાની પ્રેરણા પૂરી પાડે છે તો પરિપ્રેક્ષ્ય દર્શન જ્ઞાન છે, વિચારસરણી છે. ધ્યાન કેન્દ્રીત વ્યક્તિની એકાગ્રતા વિચારોને
કારણે શિથિલ નથી થતી. પરિપ્રેક્ષ્યની સમજ ધરાવતી વ્યક્તિ તેનાં પગલાંઓના બધાં જ
પરિણામોથી અવગત હોય છે. ધ્યાન કેન્દ્રીત વ્યક્તિ વિચાર્યા વગરનાં પગલાં ભરનાર
વ્યક્તિ બની શકે છે. પરિપ્રેક્ષ્ય સમજતી વ્યક્તિ કોઈ જ પગલું ભરી શકવાની શક્તિ
બહેર મરી ગયેલો વિચારક બની રહે છે. બન્ને અંતિમો હાનિકારક છે.
પતંજલિનાં યોગસૂત્રમાં ધારણાના અભ્યાસ પછી ધ્યાનના અભ્યાસને બહુ
મહત્ત્વ અપાયું છે. ધારણા મનના વિકાસને બૃહદ ચિત્ર જોવા માટે ઘડે છે, જ્યારે ધ્યાન સુક્ષ્મ બાબતો પર મન કેન્દ્રીત કરવા માટે ઘડે છે.
ધારણા અનંત તરફ લઈ જાય છે, તો ધ્યાન શૂન્ય તરફ
દોરે છે. ધારણા પરવા તરફ દોરે છે તો ધ્યાન બેપરવા કરે છે. તમસની સ્થિતિમાં
બન્નેનું મૂલ્ય નથી, રજસની સ્થિતિમાં કોઈ એકનું મૂલ્ય છે; જ્યારે, સત્ત્વની સ્થિતિમાં
બન્નેનું મૂલ્ય છે.
સંસ્થાઓમાં અગ્રણીઓને એટલા બધા એકાગ્ર થવા માટે તાલીમ અપાય છે
કે તેમને પરિપ્રેક્ષ્ય ધ્યાન પર જ નથી આવતું. સેલ્સ મૅન પોતાની જિંદગી વેચાણની
પાછળ એવી લગાડી દે છે કે તેને માર્કેટીંગ કરવાનો ખયાલ જ નથી આવતો. ગ્રાહકના એક
સમુદાય માટે માલ વિતરણની વ્યવસ્થાની બારીકીઓમાં એ એવો ખૂંપી જાય છે કે માગ વૃધ્ધિ
કરવા માટે ગ્રાહકના અન્ય પ્રકારોનો વ્યાપ વધારવનું તેને સૂઝતું નથી.
મુખ્ય સંચાલક સરવૈયાં અને નફાનુકસાનના હિસાબો પાછળ એટલો ગાંડો
બની જાય છે કે તે મુખ્ય નાણાં સંચાલાકની સાથે જ બધો સમય વિતાવ્યા કરે છે; તેને નફો કે નુકસાનને લગતાં લાંબા ગાળાનાં પરિબળોના પ્રવાહો
નજરે જ નથી ચડતા. તે દર ત્રિમાસીક પરિણામોના ટુંકા ગાળાની દૃષ્ટિમાં એવો મસ્ત બની
જાય છે કે લાંબે ગાળે ઘેરાતાં વાદળો, કે એ વાદળોની પાછળ
દેખાતી રજત રેખા, જોવાની પ્રાથમિક જવાબદારી તેની છે એ વાત જ
વીસરી જાય છે.
માનવ સંસાધન સંચાલનના નિષ્ણાતો તેમના કામની ભૂમિકામાં એટલા
રચ્યા પચ્યા રહે છે કે તેમને યાદ નથી રહેતું કે સંસ્થાના સમયાંતરે બદલતા સંદર્ભમાં
તેમની અને તેમનાં સહકર્મચારીઓની ક્ષમતાઓને તેમણે કામે લગાડવાની છે. સંચાલન
તકનીકોનાં કૌશલમાં મહારથ સિધ્ધ કરવા જતાં તેઓ નથી તો યુધ્ધમાં ખભે ખભો મેળવીને કામ કરનાર સાથીદારોની
અપેક્ષા કરતા ઉદ્યોગસાહસિકોનાં દિલ જીતી શકતા કે નથી તો તેઓ એ યુધ્ધની પહેલી
હરોળમાં ઊભેલા સૈનિકોને લડાઈ લડવા માટે પોતે સક્ષમ છે તેવો ભરોસો બંધાવી શકતા.
દરેક કાર્યક્ષેત્ર વ્યાપાર એકમનું ઘટક છે. દરેક વ્યાપાર એકમ આખા
ઉદ્યોગનો ભાગ છે. દરેક ઉદ્યોગ અર્થતંત્રનો હિસ્સો છે અને દરેક અર્થતંત્ર સમાજનો
ભાગ છે. દરેક વસ્તુ કોઈ આખી વસ્તુનો એક ભાગ છે. એકાગ્રતા માત્ર કોઈ એક ભાગ પર
ધ્યાન કેન્દ્રીત કરે છે. જ્યારે પરિપ્રેક્ષ્યની દૃષ્ટિ આખી વસ્તુ પર ધ્યાન
કેન્દ્રીત કરે છે. ઘણા વ્યાવસાયિકો માને છે કે પરિપ્રેક્ષ્ય એકાગ્રતાને અનુસરે છે
: તેમના માટે તેમનૂં કામ અને તેમની ભૂમિકા સંસ્થા કે વ્યાપરથી વધારે મહત્ત્વનાં
બની જાય છે. આજનાં કાર્યસ્થળોની ઘણી સમસ્યાઓનું મૂળ આમાં રહેલું છે. ખરેખર સફળ થવા
માટે એકાગ્રતાએ પરિપ્રેક્ષ્યને અનુસરવું જોઇએ : સંસ્થા અને વ્યાપારની વાસ્તવિકતા
તમારાં કામ અને તમારી ભૂમિકાના અર્થને વ્યાખ્યાયિત કરે છે.
§ 'ધ ઈકોનોમિક ટાઈમ્સ'માં ૭ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Putting Focus in Perspective, નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો