શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018

બીઝનેસ સૂત્ર |૮.૧| ભાઈઓની ત્રણ જોડી


બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ. છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી. ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.
૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. આ અંકના અંતમાં તેઓ કૌટુંબીક ઝઘડાઓને વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા સંસ્થાની સ્વ-છબિ સાથે જોડે છે. ચર્ચાની શરૂઆત રામાયણથી કરવામાં આવી છે. રામાયણ અનેક વિષયોને આવરી લેતું ખાસ્સું સંકુલ મહાકાવ્ય છે, જેને મોટા ભાગના કથાકારો એ બહુ સરળ કથાનકનાં સ્વરૂપે રજૂ કરતા આવ્યા છે. એમાં માનવ સ્વભાવ, સામાજિક પ્રવાહો જેવી અનેક બાબતોને પણ ખૂબ બારીકીથી વણી લેવામાં આવી છે. આવી એક બાબત છે સંપત્તિ. સંપત્તિ પ્રાકૃતિક વિભાવના નથી, એ વિભાવનાને માણસે ઘડી છે, અને કદાચ એ કારણે જ માનવ વિકાસના ઈતિહાસનાં ઘડતરમાં તેનો નાટકીય પ્રભાવ રહ્યો છે. રામાયણમાં વિચાર વહેતો મૂકાયો છે કે અયોધ્યા રામની હતી કે રામ અયોધ્યાના હતા. રામ એટલે શું? રામ એટલે કુળની પરંપરાઓ કે રાજ્ય ધર્મ તરફ નિર્વિવાદ વફાદારી? પરંતુ એ રામની પોતાની સ્વ-કલિપ્ત છબિ પણ છે? સ્વ-કલ્પિત છબિનું મૂળ ક્યાં હોતું હશે? આપણે જે ખરેખર છીએ આપણે જ્યાંથી આપણી છબિ કંડારીએ છીએ એ બે વચ્ચેનો તફાવત રામાયણ બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. રામ અને લક્ષ્મણના સંબંધ પણ તદ્દન સ્પષ્ટ તરી આવે છે. અસ્તિત્વનું લક્ષ્ય વફાદારી છે કે શું સાચું છે તે નૈતિક ધર્મ છે? એ બન્ને એક હોઈ શકે? હોવાં જોઈએ? એ પણ ચોક્કસ છે કે વફાદારી એ આધ્યાત્મિક નહીં, પણ સાવ સ્થુળ ગુણ છે. એવું કેમ હશે? આ સવાલનો સાંદર્ભિક જવાબ વ્યક્તિની કે સંસ્થાની સંપોષિતા માટે મહત્વનાં દિશાસુચન કરી શકે છે.
બીઝનેસ સૂત્ર |૮.૧| ભાઈઓની ત્રણ જોડી
માનવ વિકાસનો ઈતિહાસ, પછી એ પશ્ચિમનો હોય કે પૂર્વનો હોય,ની સમય રેખા પર નાનાં મોટાં યુધ્ધો વિખરાયેલાં જોવા મળશે, અને તેમાંનાં મોટા ભાગનાં યુધ્ધોનાં મૂળ કૌટુંબીક ઝઘડાઓમાં વિસ્તરેલાં જોવા મળે છે.
The 15 Bloodiest, Most Violent Family Feuds In History -પુરાણ કાળથી આજ સુધી, ઈતિહાસનાં સૌથી લોહીયાળ કૌટુંબીક યુધ્ધોમાં કૌટુંબીક પ્રતિષ્ઠા, વેરઝેર, રાજકારણ અને સગાસંબંધીઓના સંબંધોની કથાઓ ભરી પડી છે. આ યુધ્ધો લાગે છે બહુ રોમાંચક, પણ એમ છે નહીં: બ્લેક ડીનર કત્લેઆમ જેવાં કૌટુંબીક યુધ્ધો અમાનવીય અને અતિ ક્રૂરતાભર્યાં ભયાનક પગલાંઓમાં જ પરિણમેલ છે. હેટફિલ્ડ્સ અને મૅક્કૉય વચ્ચેનાં કૌટુંબીક યુધ્ધોમાં એક કુટુંબ કબીલો બીજાં સાથે યુધ્ધે ચડેલા જોવા મળશે. ગુલાબનાં યુધ્ધ જેવાં વિસ્તૃત યુધ્ધો વળી એક કુટુંબ વચ્ચેનાં યુધ્ધમાં પરિવર્તિત થયેલાં જોવા મળે છે. આ યુધ્ધો કેમ શરૂ થયાં કે તેમાં કોણ ભાગ લેતું હતું એ બાબત મહત્ત્વની રહેતાં એ યુધ્ધો હંમેશાં વિખવાદ, હિંસા અને વ્યાપક મૃત્યુઓમાં જ પરિણમતાં રહ્યાં છે.
ભારતીય પૌરાણિક શાસ્ત્રોના આ વિષય પરત્વેના અભિગમને દેવદત્ત પટ્ટનાઈક કયા દૃષ્ટિકોણથી જૂએ છે તેની વિગતે ચર્ચા બીઝનેસ સૂત્ર ટીવી શ્રેણીના કૌટુંબીક ઝઘડાઓ પરના ૮માં અંકમાં આપણે જોઈશું. આ અંકનો પહેલો ભાગ ભાઈઓની ત્રણ જોડી વિષે વાત કરે છે.

ભારતના પ્રાચીન ઈતિહાસમાં લડાયેલાં દરેક મહાયુધ્ધમાં સંપત્તિ કેન્દ્ર સ્થાને અને સામ સામે પક્ષે ભાઈઓ ભાઈઓ જોવા મળશે.


જૂનામાં જૂનાં ગ્રીક મહાકાવ્યો તરીકે ઈલીઆડ અને ઑડીસી બહુખ્યાત છે. ઈલીઆડ ટ્રોજનનાં સંપૂર્ણ યુધ્ધાનાં છેલ્લાં વર્ષોની કહાની છે, જ્યારે ઑડીસી ટ્રોજન યુધ્ધની વાત છે. 'ધ ઈલીઆડ’ આદી ગ્રીક કવિ હોમરે લખેલ મહાકાવ્ય છે જેમાં ટ્રોજન યુધ્ધનાં છેલ્લાં થોડાં અઠવાડીયાઓની મહત્ત્વની ઘટનાઓનું અને ગ્રીક લશ્ક્રર દ્વારા ટ્રોય શહેરને ઘાલેલ ઘેરાનું બયાન છે. આ બયાનમાં ગ્રીક સૈન્યને વિજય અપાવવામાં એખીલસનું યોગદાન અને તેન ખસી જવાથી ગ્રીક સૈન્યની હારની કથા વર્ણવાઈ છે. ઑડીસીમાં મુખ્યત્વે (રોમન પુરાણ કથાઓમાં યુલીસૅસ તરીકે જાણીતા), ગ્રીક યોધ્ધા અને ઈથાકાના રાજા ઑડીસીયસ અને ટ્રોયનાં પતન પછીની તેની વતન તરફની કથાનું બયાન છે. દસ વર્ષનાં ટ્રોજન યુધ્ધ પછી ઑડીસીયસને ઈથાકા પાછા ફરતાં બીજાં દસ વર્ષ લાગી જાય છે આમ આ બન્ને મહાકાવ્યો બે અલગ વ્યક્તિઓની સફર અને તેમાં તેની સાથ એબનતી ઘટનાઓનું કથાનક છે.

એ જ સમય કાળમાં ભારતામાં બે મહાકાવ્યો, રામાયણ અને મહાભારત, રચાય છે. આ બન્ને મહાકાવ્યોનાં કથાન્ક કોઈ વ્યક્તિની વાત ન હોવાની જગ્યાએ બે કુટુંબો અને તેમનં રાજકારણની આસપાસ બનતી ઘટનાઓની કથાઓ છે.આ બન્ને પ્રદેશોનાં મહા કાવ્યોમાં આમ બહુ મોટો ફરક છે. ગ્રીક મહાકાવ્યોમાં પાશ્ચાત્ય વિચારસરણીનાં મૂળ જોવા મળે છે.
રામાયણ ભારત ખંડના ત્રણ અલગ અલગ પ્રદેશોમાં વસતા બબ્બે ભાઈઓની ત્રણ જોડીની કથા છે. પહેલા બે ભાઈઓ, રામ અને ભરત અયોધ્યા નિવાસી છે અને તેમના પિતા રાજા દશરથ છે. બીજા બે ભાઈઓ જંગલમાં વસેલ કપિઓનાં નગર કિષ્કિંધાના નિવાસી વાલી અને સુગ્રીવ છે જેમના પિતા રૂક્ષ છે. જ્યારે ત્રીજા બે ભાઈઓ રાવણ અને કુબેર છેક દક્ષિણમાં આવેલ લંકા નગરીના છે, જેમના પિતા વૈશ્નવ (ક્યાંક ક્યાંક પુલત્સ્ય તરીકે પણ ઉલ્લેખ જોવા મળતા) ઋષિ છે.
એક દિવસ રાજા દશરથ તેમના પાટવી કુંવર રામને જાણાવે છે કે રામતેના સાવકા ભાઈ ભરતની તરફેણમાં અયોદ્યા રાજ્યની ગાદીનો પોતાનો હક્ક જતો કરે. કોઈ પણ જાતના
અચકાટ કે મનદુઃખ વગર, રામે એ જ ઘડીએ રાજગાદી પર પોતાનૉ હક્ક જતો કર્યો. પણ સામે ભરત પણ એ અણહક્કથી મળેલ ગાદી પર બેસવાનો સ્વીકાર નથી કરતો, પોતાન ભાઈની પાદુકાઓને ગાદી પર રાખીને તેની સાક્ષીએ તે રાજ્ય ચલાવે છે. બે ભાઈઓ વચ્ચેના સંબંધની આ કથા એક આદર્શ સમાન છે. આવી પરિસ્થિતિ ઉત્તરમાં જ સંભવ છે. અહીં ભૌગોલિક ઉતરની નહીં પણ બ્રહ્માંડીય વિશ્વની વાત છે જ્યાં ધ્રુવ તારો આવેલ છે. કોઈ પણ પરિસ્થિતિમાં અચલ રહેતા ધ્રુવના તારક જેમ અહીં બનતી ઘટનાઓ પર પણ વ્યક્તિઓ કે સંજોગોના સંદર્ભની અસર નથી પડતી, તે હંમેશાં નિરપેક્ષ આદર્શ જ બનતી રહેતી હોય છે. કૈલાશ પર્વત પણ જેમ ઉત્તરમાં જાવેલ છે. અયોધ્યા પણ તેમ આવા આદર્શ પ્રદેશમાં વસેલ રાજ્ય છે.
બીજે છેડે છે દક્ષિણમાં બધું હંએશાં બદલતું રહે છે, પ્રવાહી સ્થિતિમાં જ જોવા મળે છે. આ પ્રદેશ છે કુબેર અને રાવણનો. કુબેર સોનાના ખજાનાના રક્ષક છે એટલે તે પોતાનાં આપબળે સોનાંની નગરી લંકા વસાવે છે. તેમનો ભઈ રાવણ દસ દસ માથાઑ જેટલો મહા બુધ્ધિશાળી, શિવનો
ઉત્તમ ભક્ત અને મહાવીર હતો, ઘણાં ઓછાં લોકોને જાણ હશે કે લંકા રાવણે નથી વસાવી, પણ તેના ભાઈ કુબેર પાસેથી તેની નગરી છીનવી લીધેલ છે લંકા કુબેરે પોતે વસાવી હતી, એટલે રાવણનો તેમાં કોઈ જ પ્રકારનો, જરા સરખો પણ, વારસાગત હક્ક નહોતો બનતો. આમ લંકાધિપતિ રાવણે પોતાનો જેના પર હક્ક નથી તેવી તેના ભાઈની સંપત્તિ હડપ કરી ને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. પ્રદેશના આ પ્રભાવને કારણે જ તે રામનાં પત્ની સીતાનું પણ હરણ કરી લાવે છે.
આ તરફ કિષ્કિંધામાં રાજા રૂક્ષ તેમના બે પુત્રો વાલી અને સુગ્રીવને સંપત્તિ સરખે ભાગે વહેંચી લેવા જણાવે છે. કોઈક ગેરસમજને કારણે સુગ્રીવના ભાગમાં કંઈ નથી આવતું. એ પોતાના ભાઈ
વાલીને આ બાબતે બહુ સમજાવે છે, પણ વાલીમાં તો વાનર તરીકે પશુઓના નાયકનાં બળવત્તર હોવાનો ગર્વ છે. જે એક વાર મેળવેલ કોઈ જ વસ્તુ હવે કોઈ સાથે વહેંચવાની વાત સમજવા તૈયાર જ નથી. આ દૃષ્ટિએ તેનો વર્તાવ રાવણ જેવૉ જ મદાંધ છે. બન્ને ભાઈઓ વચ્ચે યુધ્ધ થાય છે. એ સમયે અયોધ્યાથી વનવાસ ભોગવતા રામ તેમનાં પત્ની સીતાને દક્ષિણના રાજા રાવણ પાસેથી છોડવવા નીકળ્યા હતા તે એ તરફથી પસાર થાય છે. ભાઈઓ વચ્ચેનાં યુધ્ધાં તે સુગ્રીવનો પક્ષ લે છે અને યુધ્ધ દરમ્યાન વાલીનો વધ કરે છે. રાજ્ય પાછું મળતાંવેંત સુગ્રીવ પણ પશુની જેમ વર્તવાનું શરૂ કરે છે. રામ તેને સમજાવે છે કે તેણે હવે આ નરી પાશવતા વૃતિ છોડીને હાર પામેલ સગાંઓ તરફ માનવીય અનુકંપા રાખવી જોઈએ. રામ દ્વારા આમ સમજાવવાને કારણે સુગ્રીવ તેના ભત્રીજા અંગદને દત્તક લે છે. સામાન્યતઃ પશુઓમાં પોતાનાં હરીફના સંતાનો તરફ જ=કોઈ લાગણી નથી રાખવામાં આવતી . જ્યારે માનવી આવી રાગદ્વેષની ભાવનાને બદલે જે નૈતિકપણે સાચું છે તે જ પ્રમાણે વર્તે છે. માણસ અને પશુમાં આ જ મુખ્ય તફાવત છે.
આમ આ પ્રદેશની સ્વાભાવિક મનોદશામં ફેરફાર થવાનું અહીંથી શરૂ થાય છે. પહેલાં વાલી પણ રાવણ જેવો જ મદાંધ મહાનાયક હતો, પણ હવે સુગ્રીવને હવે બરત જેવા બનવા તરફ ઢાળવામાં આવે છે. રાવણ દસ દસ માથાઓ જેટલી બુધ્ધિ, દહાપણ અને જ્ઞાન ધરાવતો હતો, પણ મૂળે તેનો સ્વભાવ પાશવી હતો, પોતાનું હોય કે ન હોય પણ એને બધું જ પોતાના તાબામા રહે તેજ સ્વીકાર્ય હતું. જેનૂં કારણ એ કે ઉત્તર એ ધ્રુવ તારકનો આદર્શવાદી વાતાવરણનો પ્રદેશ છે. જ્યારે દક્ષિણ એ અજ્ઞાનનો પ્રદેશ છે જે અનેક પ્રકારના ભ્રમ પેદા કરે છે. માટે જ લંકા માયા નગરી કહેવાય છે. એ એવો પ્રદેશ છે જેમાં તમને સંપત્તિ, ખાસ તો તેની માલિકી બાબતે, ભ્રમ જ રહ્યા કરતો હોય છે. જે સંપત્તિ ખરેખર તમારી નથી, તો પંણ તેની માલિકી પોતાની જ છે એવા ભ્રમ આ પ્રદેશમાં વિકસે છે....
આમ સંપત્તિ પર નૈતિક સ્તરે ખરી માલિકીની ભાવના સ્પષ્ટ થવને તબક્કે આ અંકની ચર્ચા આ ભાગમાં અહી અટકે છે.
બીઝનેસ સૂત્રની આ ટીવી શ્રેણીના ૮મા અંકના બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની આ ચર્ચાને સ્વ અને સ્વ-છબિ એ શીર્ષક હેઠળ આગળ વધારીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો