હિંદુ
ધર્મમાં, અલ્લાહાબાદ પાસે જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે તે સ્થળ, પ્રયાગ, બહુ પવિત્ર મનાય છે.
તેની પવિત્રતા મહા
મહિનાની એ અમાસને દિવસે ખુબજ વધી જાય છે જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પવેશે છે અને સૂર્ય
મેષ રાશિમાં પવેશે છે. આ એક એવી અવકાશી ઘટના છે જે બાર વર્ષે એક વાર બને છે.જયારે
આ યુતિ બને છે ત્યારે નદીનું એ પાણી અતિ પવિત્ર બની રહે છે. લાખો શ્રધ્ધાળુઓ એ
પાણીમાં સ્નાન કરીને પોતાનાં જીવન માટે પુણ્યનું ભાથું બાંધી લે છે. આ વાત જોકે
આસ્થાની છે. પરંતુ આપણી આજની ચર્ચા પુરતું એ
નોંધવું મહત્ત્વનું છે કે નદીની પવિત્રતા એક ચોક્કસ સમય પુરતી મર્યાદિત છે.
ગ્રહોની રાશિ પ્રવેશની આ યુતિ પહેલાં,
અને પછી,
નદીનું પાણી સામાન્ય પાણી જ બની રહે છે. તે પવિત્ર છે એ 'મુહુર્ત'ના એક
ચોક્કસ સમય કાળમાં.
જ્યારે કોઈ પણ હિંદુ પુજાવિધિ કરે છે ત્યારે પણ એ પુજા વિધિ માટેનાં એક
ચોક્કસ મુહુર્તની આ માન્યતા મહત્ત્વની બની
રહે છે. પૌરાણિક વેદ પ્રણાલિઓ અનુસાર કોઈ પણ દેવી દેવતાને આવાહન કરીને
નિમંત્રવામાં આવે છે, પુજામાં તેમને ખાસ પ્રકારના ભોગ ચડાવીને તેમને રાજી કરવામાં આવે છે અને
પછીથી તેમને વિસર્જન વડે વિદાય કરવામાં આવે છે. આ માટે મુહુર્ત્નો જે સમય કાળ
ગણતરી કરવામા આવે છે તે સ્મયએ એ દેવી કે દેવતાનો પ્રભાવ વધારેમાં વધારે હોય તે
જોવામાં આવે છે જેથી ભક્તની અપેક્ષાઓને તેમના આશીર્વાદ ફળે.
ગંગા-યમુનાના સંગમ પર પાણીની
પવિત્રતા બાબતે કે પછી ઘરે કરવાની પૂજા વિધિઓમાં જેમ એક ચોક્કસ સમયનાં મુહુર્તનું
મહત્ત્વ છે તેવું જ મુહુર્ત જેવા નિશ્ચિત સમયનું મહત્ત્વ કોર્પોરેટ વિશ્વમાં પણ
છે. અહીં પણ લોકોનું મહત્વ અમુક નિશ્ચિત સમયે જ વધારે હોય છે, તે પહેલાં પણ નહીં કે પછી પણ
નહીં. સંસ્થાની અંદરની દરેક વ્યક્તિનું સ્થાન
ભલે કોઈ નાનામોટાં દેવી દેવતાની સમકક્ષ ગણીએ, પરંતુ
તેની ક્ષમતા કે તેની ભૂમિકાનાં મુલ્યમાં ધરખમ વધારો કે ઘટાડો બજારના સંજોગો કે
માલીકીઅંશધારકોની ઈચ્છાને અનુરૂપ નક્કી થતાં મુહુર્તના હિસાબે જ થતો હોય છે.
જ્યારે બજાર-હિસ્સો ઘટતો જતો હોય ત્યારે માર્કેટીંગની ભૂમિકામાં ભાગ ભજવતી
વ્યક્તિઓના ભાવ બોલાય છે. માર્કેટીંગના વડાની નવી ભૂમિકામાં તેની જાણે પૂજા થતી
હોય તેવી બોલબાલા થવા માંડે છે. પરંતુ જેવો નાણાકીય વર્ષનો અંત નજદીક આવે ત્યારે
વેચાણ ટીમનું પલડું ભારી થવા લાગે છે. સામે અન્ય વિભાગોમાં કામ કરતાં લોકોનાં મનમાં
તેને કારણે પોતાનું મહત્ત્વ ઘટતું હોય તેવી લાગણીનો ચણભણાટ થવા લાગે છે. એ જ રીતે નાણાંભીડના સમયમાં બેંક સાથેના વ્યવહાર
સંભાળતાં લોકોના ભાવ ચડે છે. સંસ્થામાં જો ડિજટલાઈઝેશનનો વાયરો ફુંકાય તો ટેક્નોલોજી જાણતાં લોકોની આસપાસ
લોકોનું ધ્યાન કેન્દ્રીત થવા લાગે છે. ચારે બાજુ ડેટા સ્પીડ, કૃત્રિમ બુધ્ધિમતા, મશીન લર્નીંગ, જુદાં જુદાં સાધનોનાં ઇન્ટરનેટ સાથેનાં જોડાણ જેવા શબ્દોના મત્રોચ્ચાર જ
બધે ગુંજવા લાગે છે.
પરંતુ દેવતાને યજમાનની ભક્તિનાં જે માનઅકરામ મળે છે તેનાથી તેણે ફુલાઈ જવાની જરૂર નથી. તેણે તો એ
ભુલી નથી જવાનું કે ભક્તિનો આ પ્રવાહ અમુક ચોક્કસ સંજોગો દ્વારા પ્રેરિત
જરૂરીયાતને કારણે જ છે. સંજોગો બદલશે, તો જરૂરીયાતો પણ બદલશે, અને તે મુજબ
યજમાનની ભક્તિમાં પણ ભરતીઓટ આવશે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ દેવતા પ્રત્યેની
ભક્તિની પણ એક નિશ્ચિત અંતિમ અવધિ હોય છે. યજમાનની ભક્તિના ભાવની ભરતીમાં વહી
નીકળવું આસાન છે. પરંતુ ભરતી કાયમ નથી રહેતી. એટલે જો દેવતા એ ભુલી જાય કે કોઈપણ
સંબંધની આવરદા સંદર્ભોચિત છે તો યજમાનના ભાવની ભરતીઓટની અસર બહુ આઘાતજનક નીવડી શકે
છે.
ઘણા દેવતાઓ ભરતીની અવધિ લંબાવવા માટે કરીને જે પ્રશ્નના સમાધાન માટે તેમનું આહવાન કરાયું
તે સમાધાન જલદી ન આવે તેવી રીતરસમ અપનાવી બેસે છે. એમનું માનવું છે કે જો પ્રશ્નનો
ચરૂ ઉકળતો રહેશે તો યજમાનનું ધ્યાન પણ તેના તરફ કેન્દ્રીત થયેલું રહેશે.
માલીકીઅંશધારકો મુખ્ય સંચાલકના કરારની અવધિ લંબાવ્યે રાખે એટલે અમુક મુખ્ય સંચાલકો, બાહ્ય અંતરાયોની આડ લઈને, અપેક્ષિત પરિણામોની સિધ્ધિમાં
એટલે જ મુહુર્ત લંબાવ્યે રાખતા હોય છે ને !
યજમાનની ભક્તિના પવનમાં ઘણા નવા નિશાળીયા આકાશને અડવા કૂદાકુદ કરવા લાગે છે
અને તેવામાં જ, કોઇ જ જાતની આગોતરી ચેતવણી વિના જ, દોરી કપાઈ જાય છે
અને તેમની પતંગ ભોંયભેગી થવા લાગે છે. આવી ઘટના હૃદયદ્વાવક બની રહેતી હોય છે.
પરંતુ કુંભ મેળાઓ કે ઘરમાં થતી પુજાઓમાંથી એ પણ શીખ લેવાની છે કે દેવતાનો સમય
ફરીથી પણ આવશે. જરૂરીયાતોની ભરતીઓટ તો વધતી ઘટતી રહેવાની.આજનું મુહુર્ત ભલે હવે
વીતી ગયું, ભલે બાર વર્ષે તો બાર વર્ષે પણ ફરીથી બીજું
મુહુર્ત આવશે જ અને લાખો ભક્તોની ભક્તિ ફરી એક વાર હિલોળે ચડશે. સંચાલકે વચ્ચેના એ
સમય દરમ્યાન પોતાની પ્રસ્તુતિ ખોવાઈ ન જાય એ બાબતે સચેત રહેવાનું રહેશે.
§ ' ધ
ઈકોનોમિક ટાઈમ્સ' 'માં ૨૧ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ
પ્રકાશિત થયેલ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો