બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ. છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી. ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે. ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને અને બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને સાંકળી લીધેલ છે.
બીઝનેસ સૂત્ર |૮.૩| નિષ્ઠા અને ધર્મ
પાશ્ચાત્ય સાહિત્યમાં 'નિષ્ઠા'ની આ બે વ્યખ્યાઓ બહુ રસપ્રદ અને આપણા આજના લેખનાં હાર્દને વધારે સ્પષ્ટ બનવવામાં મદદરૂપ બનનારી જણાય છે.“નિષ્ઠાવાન (Loyal) ... એવી વ્યક્તિ જે વફાદાર છે, ભરોસાપાત્ર છે અને હંમેશાં સાચુ કહેનાર અને સાચું વિચારનાર છે. અંગ્રેજી શબ્દ Loyal એ પ્રાચિન ફ્રેંચ શબ્દ loialમાંથી ઉતરી આવેલ છે જેનો અર્થ 'કાયદેસરનું'જેવો થાય છે. પરંતુ જો કોઈની તમારા પ્રત્યેની નિષ્ઠા માત્ર કાયદાને કારણે હોય તો આજે આપણે તેને જે અર્થમાં સમજીએ છીએ તે ભાવ નથી રહેતો. આજે આપણે 'નિષ્ઠા" મનમાંથી, સ્વયંભૂ, વફાદારીની ભાવનાના અર્થમાં વધારે સમજીએ છીએ.તેમના લેખ, Loyalty Is Very Important To A Relationship !!!, માં Wally Hortonનું કહેવું છે કે 'નિષ્ઠાવાન થવાની એક વ્યાખ્યા એ છે કે પોતાનાં વચન, પોતાનાં મુકરર કામ કે કર્તવ્યો પ્રત્યે વફાદારી નિભાવવી. કોઈ એક સરકાર કે રાજ્ય કે દેશ કે વ્યક્તિ પ્રત્યેની ફરજ વફાદારીપૂર્વક નિભાવવી એ લાદી મૂકવામાં આવેલ કર્તવ્ય ગણી શકાય.' આ વ્યાખ્યા બહુ ઔપચારિક કે ફરજિયાત જણાય છે. નિષ્ઠા એ બહારથી લાદવામાં આવેલ ફરજ નથી, પણ વ્યક્તિની આંતરિક નૈતિક લાક્ષણિકતા કે મુક્તપણે લેવાયેલા નિર્ણયો છે.'Iઆટલી જ ચર્ચાથી એક વાત તો બહુ સ્પષ્ટપણે ફલિત થાય છે કે નિષ્ઠા એ સ્વયંભુ ભાવના છે.તે સાથે જ આપણને મૅનેજમૅન્ટ વિશ્વમાં ડગલેને પગલે પ્રયોજાતા ગ્રાહક નિષ્ઠા, નિષ્ઠાવાન કર્મચારી કે નિષ્ઠાવાન પુરવઠાકાર જેવા શબ્દપ્રયોગો યાદ આવવા લાગે છે.આ દરેક શબ્દપ્રયોગ સાથે સંકળાયેલ મનોવૈજ્ઞાનિક પરિબળો કે આ બાબતોના ફાયદાગેરફાયદા કે લાંબા ગાળાસુધી તેમને ટકાવી કેમ રાખવાં જેવા વિષયો પરની ચર્ચાનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળી આવશે. આ વિષયો સાથે સંકળાયેલા આપણા પણ, સકારાત્મક અને નકારાત્મક એવા બન્ને પ્રકારના, જાતઅનુભવઓ પણ બેહિસાબ હશે, જે જીવનમાં સામાન્ય ધ્રુજારીઓથી લઈને ભુચાલ સુધી પરિણમ્યા પણ હશે.એટલે આ વિષયોને કૌટુંબીક કંકાસ સાથે જોડાતા કલ્પવા મુશ્કેલ નથી લાગતા, પરંતુ ચર્ચાના આ અંકના ત્રીજા ભાગમાં, 'સ્વ અને સ્વ-છબી - 'આપણે શું છીએ'અને 'આપણે શા માટે છીએ' - તેને સાંકળી લેવાનું શું પ્રયોજન હશે તે ખયાલ નથી આવતો. એટલે વધારે રાહ જોયા સિવાય હિંદુ પૌરાણ્કશાત્રોની કથાઓમાં પ્રસ્તુત વિષય વિષે શું કહેવાયું છે તે દેવદત્ત પટ્ટનાઈકના દૃષ્ટિકોણથી ૮મા અંકના ત્રીજા ભાગ - નિષ્ઠા અને ધર્મ-માં સાંભળીએ.
મને એક વાતે તાલાવેલી છે. આ ત્રણે ઉદાહરણોની વાર્તાઓમાં ભાઈઓભાઈઓ વચ્ચે ઝઘડો સંપત્તિને કારણે થતો હતો. હા, રામ અને ભરત વચ્ચે ઝઘડો તો ન કહેવાય, પણ રામે અયોધ્યા અને રાજપાટ છોડ્યાં તો સંપત્તિને કારણે જ હતાં ! ભાઈભાઈના સંબંધને કઈ રીતે જોવો એ બાબત તો હંમેશાં ચર્ચાસ્પદ રહી છે. પણ રામ અને લક્ષ્મણ તો આદર્શ બાંધવજોડી મનાતા હતા, ખરૂંને?
મારૂં માનવું છે કે પુરાણોને ભાઇ ભાઇ વચ્ચે આદર્શ વ્યવહાર કેવો હોવો જોઈએ તેમાં રસ નથી. પુરાણો તો 'તમે શું છો?' તે વિષે વિચાર રજૂ કરે છે. જો આપ ભલા તો જગ ભલા. તમે જો બરાબર હશો તો તમારા બીજાં સાથેના સંબંધ, સંસ્થા સાથેના સંબંધ બરાબર હશે. તે સમયે તમને એ પણ ખબર રહેશે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં કોની સાથે કેમ વર્તવું, કારણકે તમને પાકી ખબર છે કે તમે શું છો. પુરાણોનું આખું કથાનક આમ એ વ્યક્તિની આસપાસ ફરે છે જેને ખબર છે કે પોતે શું છે. એટલે જ, રામ અને લક્ષ્મણનો સંબંધ બહુ વિશિષ્ટ અને રસપ્રદ છે.
એને કેમ રસપ્રદ કહો છો? લક્ષ્મણ તો રામની પાછળ પાછળ અયોધ્યા છોડીને દરેક પગલે રામની સાથે જ રહ્યા છે. એટલે એક રીતે તો ભરત કરતાં એ વધારે આદર્શ ભાઈ કહી શકાય. ભરત રામ માટે રાજપાટ છોડી દે છે, અને રામની પાદુકાને રામનાં પ્રતિનિધિ માની, વચગાળાના સમયમં રામ વતી શાસન ચલાવે છે અને રામના પાછા આવવાની પ્રતિક્ષા કરે છે. લક્ષ્મણ તો એનાથી પણ એક ક્દમ આગળ ગયા અને પોતાનું સર્વસવ પાછળ મૂકીને રામ અને સીતાની સેવા કરવા તેમની સાથે રહ્યા તેમ જ બધી જ તકલીફો પણ ભોગવી.
લક્ષ્મણને વફાદાર ભાઈ, ઉદાહરણીય ભાઈ, પ્રેમાળ ભાઈ તરીકે આપણે માન આપીએ છીએ. પણ મૂળ સવાલ એ છે કે રામાયણમાં એમને એ માન મળ્યું છે ખરૂં?
કેમ, નથી મળ્યું?
મને એ બાબતે મારા પોતાના અમુક સંશય છે. રામનો લક્ષ્મણ સાથેનો સંબંધ કેવો રહ્યો છે? એ ખુદ એક બહુ રસપ્રદ કથા છે.
મારૂં તો માનવું છે કે કોઈ એક મોટા ભાઈને આવા ભાઈ માટે જે પ્રેમ, લાગણી હોય એવો જ સંબંધ હશે.
લાગણી અને પ્રેમ તો ખરો, પણ એક મોટા ભાઈ તરીકે રામે લક્ષ્મણને એ પણ સમજાવવું પડે કે જીવનમાં ખરેખર મહત્ત્વનું શું છે. નિષ્ઠા ખરા અર્થમાં એટલી મહત્ત્વની બાબત નથી. નિષ્ઠા આવે છે ક્યાંથી? એ પશુ પ્રકૃતિમાંથી આવે છે જ્યાં ભાઈ ભાઈ એક પ્રભાવ ક્ષેત્ર બની રહે છે. કે પછી માનવ,કે સંભવતઃ દૈવી, પ્રકૃતિમાંથી આવે છે જ્યાં આપણે આપણા પ્રભાવ ક્ષેત્રની પાર જોઈએ છીએ, જ્યાં માત્ર લોહીના સંબંધે નહીં પણ બધાં માનવો આપણાં ભાઈ બહેન છે.
એટલે લક્ષ્મણની નિષ્ઠા હવે તેમની નબળાઈ ગણવાની ?
પહેલાં આપણે એક વાર્તા સાંભળીએ અને પછી નક્કી કરીએ. પૌરાણિક કથાઓમાં મોટા ભાગે જે કંઈ સંદેશ હોય તે સીધી સાદી રીતે નહીં, પણ બહુ માર્મિક રીતે કહેવાતો હોય છે !અહીં જે કથા વર્ણવાઈ છે તે રામ અને લક્ષ્મણ વનવાસ પછી અયોધ્યા આવી ગયા હતા તે સમયની છે. આ પ્રસંગમાં એ બન્ને વચ્ચેના સંદર્ભને એક અલગ જ દૃષ્ટિકોણથી જોવામાં આવ્યો હોય તેમ જણાય છે. રામ રાજા બની ગયા, અયોધ્યામાં રામરાજ્ય સ્થાપી દીધું , તે પછી કથા નાટકીય વળાંક લે છે. લક્ષ્મ્ણની નિષ્ઠા હવે રામે મૂકેલી અલગ અલગ શરતો મુજબ ચકાસણીની એરણે ચડતી જોવા મળે છે. રામે આવું કરવા પાછળનું કારણ શું હશે? જેમ કે, એક તબક્કે રામે તેમના રાજ્યકાળનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવાનો અને અમલ કરવાનો આવ્યો, જ્યારે તેમણે સીતાનો રાણી તરીકે ત્યાગ કરવાનો હતો.
આ આખી ઘટના બહુ જ જટિલ છે.પરંતુ સીતાજીને જાણ કોણે કરવાની છે કે તેમણે પોતાને રામનાં પત્ની તરીકે નથી જોવાનાં, અયોધ્યા છોડીને વનવાસ વેઠવાનો છે? તેમને વનમાં મુકી આવીને પાછા કોણે ફરવાનું છે? રામે એ બધી જવાબદારી લક્ષ્મણને સોંપી છે.આ બધી જવાબદારીઓ લક્ષ્મણને શા મટે સોંપવામાં આવી હશે? લક્ષ્મણ હંમેશા એક સામાન્ય માણસ તરીકે રજૂ થયા છે. એ બહુ ઉત્કટ લગણીવાળી વ્યક્તિ છે, તેમની વાચા તેમનાં મનમાંથી ફૂટે છે. એટલે સ્વાભાવિક છે કે રામના આ નિર્ણયથી લક્ષ્મણ બહુ અકળાઈ જાય છે. મોટા ભાઈ, તેમ છતાં, હજૂ ધીર ગંભીર છે. એ તો લક્ષ્મણને કહી દે છે બસ, તારે આ કરવાનું જ છે. લક્ષ્મણ રામનું માન જાળવે છે પરંતુ અંદરથી એક્દમ ધુંઆફુંઆ છે. તેમની નિષ્ઠાની આકરી કસોટી કરાઈ રહી છે. તેમને મનમાં થયા કરે છે કે હું આ ભાઈને માન દેતો આવ્યો છું? આ ભાઈની પાછળ મેં વનવાસ વેઠ્યો?આ એ જ મહાન વ્યક્તિ છે જેની સાથે મેં વનવાસ વેઠ્યો? આવું એમણે શા માટે કરવું પડી રહ્યું છે ?કથાનકમાં આપણને આગળ જતાં જાણવા મળે છે કે રામ તેમનાં જીવનમાં પહેલી વાર કોઈ (તેમનાં જ સંતાનો લવકુશ સામે)યુધ્ધ હારી જાય છે. તે પછી સીતા ધરતીમાં સમાઈ જાય છે, અને તેમના પુત્રો રામ સાથે રહેવા આવી જાય છે.એ તબક્કે, દેવવાણી થાય છે કે હવે રામનું જીવનકાર્ય પૂરૂં થયું છે અને તેમણે સ્વેચ્છામૃત્યુ સ્વીકારી લેવું જોઈએ.રામ એ સમયે કહે છે તેમનાં જીવનમાં બસ એક જ કામ બાકી છે, જેના માટે તેમને સંપૂર્ણ એકાંત જોઈએ છે. તેઓ લક્ષ્મણ તરફ ફરીને કહે છે કે મારે એકાંત જોઈએ છે માટે મારા કક્ષમાં કોઈ ન આવે તેનું ધ્યાન તારે રાખવાનું છે. લક્ષ્મણ કહે છે કે તમારા કક્ષની ચોકી હું ખુદ, મારા પ્રાણના ભોગે પણ, કરીશ; ને
જો કોઈ તમારાં એકાંતમાં ખલેલ પહોંચાડશે તો હુ તેનો વધ કરતાં અચકાઇ નહીં.કક્ષનો દરવાજો બંધ થતાં વેંત દુર્વાસા ઋષિ આવે છે અને રામને, હમણાંને હમણાં, મળવાની માગણી કરે છે, લક્ષ્મણ તેમને સમજાવે છે કે રામ હમણાં જ કોઈ મહતવનાં કામ માટે એકાંતવાસમાં ગયા છે એટલે તે તેમને હમણાં તો મળવા દઈ શકે તેમ નથી. દુર્વાસા ૠશિ તો અતિક્રોધી હતા. તે લક્ષ્મણને કહે છે કે જો તે રામને મળવા નહીં દે તો તે આખી અયોધ્યાને ભસ્મ કરી નાખશે.લક્ષ્મણ હવે ધર્મસંકટમાં ફસાઇ ગયા છે - એક તરફ જ્યેષ્ઠ બંધુને આપેલ વચન છે અને બીજી બાજૂ અયોધ્યાનાં અસ્તિત્વનો સવાલ છે. તે નિર્ણય લઈ લે છે અને રામને જઈને કહે છે કે ઋષિ દુર્વાસા તેમને મળવા માગે છે. રામ નારજ થઈ જાય છે અને કહે છે કે મેં તને કહ્યું તો હતું કે મારાં એકાંતને કોઈ ખલેલ ન પહોંચાડવું જોઈએ. લક્ષ્મણ પરિસ્થિતિ સમજાવે છે અને કહે છે અત્યારે મારા માટે અયોધ્યા વધારે મહત્ત્વની હતી. રામ હસી પડે છે બન્ને જણ પાછા ફરીને જૂએ છે તો ત્યાં ઋષિ દુર્વાસા હતા જ નહીં. લક્ષ્મણને સમજાય છે કે આ એક ભ્રમણા હતી. રામ હસતાં હસતાં સમજાવે છે કે તને હવે સમજાયું કે જીવનમાં શું ખરેખર વધારે મહત્ત્વનું હોવું જોઈએ. ખરૂં મહત્ત્વ અયોધ્યાનું છે, મારા કરતાં વધારે મહત્વ્વની આપણી તેની તરફની પ્રાથમિક ફરજ છે. ખેર, તને સમજઈ ગયું છે અને તેં અયોધ્યાને બચાવવા તારાં વચનનો ભંગ કર્યો છે તો તેનાં પ્રયાશ્ચિત રૂપે, પ્રાણના ભોગે પણ વચનપાલનની કરવાની રઘુ કૂળ રીત પર્માણે, તારે પોતાની જાતને મૃત્ય દંડ આપવો જોઈએ.લક્ષ્મણે તે પછી જંગલમાં જઈને દેહત્યાગ કર્યો હતો.
મૃત્યુ દંડની આ શિક્ષા શા માટે ?
એ શિક્ષા નથી. રામની એકલતાનો ભંગ કરનારનો હું પ્રાણ લઈશ એવું વચન કોનું હતું?લક્ષ્મણનું.એટલે હવે એ બોલ તેમણે પાળવો પડે. 'પ્રાણ જાય પર વચન ન જાએ'એ તો તેમનાં વંશની - રઘુ કુલ રીતની - પરંપરા છે. એવાં જ વચનપાલનને કારણે રામે વનવાસ ભોગવ્યો હતો અને એવાં જ બીજાં વચન કાજે કરીને તેમણે સીતાજીનો ત્યાગ પણ કર્યો હતો. લક્ષ્મણને હવે, સમાજનાં ઘડતરમાં કે તમે સ્વીકારેલા કરારમાં વચનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું છે.
ભાઈ પ્રત્યેની નિષ્ઠા કરતાં તમારાં રાજ્ય પ્રત્યેની પ્રાથમિક જવાબદારી અંગેની પ્રાથમિકતાનું મહત્ત્વ સમજાવવા માટે કરીને રામે જાણી જોઈને ઉપજાવી કાઢેલ આ ઘટના હતી એ બાબતને ધ્યાનમાં લેતાં,આ થોડું વધારે આકરૂં ન કહેવાય ?
આ કથા લક્ષ્મણ કે રામ માટે નહીં પણ આપણા માટે છે. એ એક પૌરાણિક કથાનક છે જે લોકોને જણાવવા માગે છે મહત્ત્ત્વનું શું હોવું જોઈએ. અહીં લક્ષ્મણને જણાવાયું છે કે તમારાં વચનનું મહત્ત્વ છે, તમે 'જે કારણે છો', તેની સરખામણીમાં તમારાં રાજપાટનું કે ભાઇ પ્રત્યેની નિષ્ઠાનું કે તમારી પત્નીનું મહત્ત્વ નથી. એક રાજા તરીકે તમારે જેમનું ભલું કરવાનું છે તે પ્રજાનાં હિત મહત્ત્વનાં છે. આજનાં મૅનેજમૅન્ટ વિશ્વની ભાષામાં કહીએ તો અગ્રણી મહત્ત્વનો નથી, મહત્ત્વની છે તેણે ઊભી કરેલ સંસ્થા.
હા, એ બાબત જરૂર વધારે રસપ્રદ લાગે છે. હમણં સુધી લક્ષ્મણ આદર્શ ભાઈ હતો, પણ આપણે હમણાં જે ચર્ચા કરી તેનાથી તો જણાય છે કે રામે શીખવ્યું કે ભાઈ પ્રત્યેની નિષ્ઠા એ જીવનની પ્રાથમિકતા ન હોઈ શકે.
જીવનમાં મહત્ત્વનો ધર્મ - શું સાચું છે તે નક્કી કરતા સિધ્ધંતો - છે. પરંતુ આપણે વફાદારીને શા માટે મહત્ત્વ આપીએ છીએ ? કારણકે જ્યારે હું એમ કહું છું કે મારી પાસે એકનિષ્ઠ અનુચરોનું એક પ્રભાવ ક્ષેત્ર છે ત્યારે હું હજૂ મારી પાસે શું છે તેનો હું વિચાર કરૂં છું, હું શું છું, શા માટે છું તેનો નહીં.હા, હજૂ પણ વાત તો પોતાનાં સાર્વભૌમ પ્રભાવ ક્ષેત્રને લગતાં સ્તરની જ રહી છે. નિષ્ઠા સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ નહીં પણ આપસી સંબંધોની સંપત્તિ છે. મારા ભાઈઓ, મારા અનુચરો એ મારી વોટ બેન્ક છે, મારી સંપત્તિ છે જે મારી પાસે શું અને કેટલું છે તે બતાવે છે પણ હું શું છું તે બાબતે તે બિલકુલ મૌન છે.
આજનો આ અંક આમ બહુ સ્પષ્ટપણે જણાવે છે કે નિષ્ઠા જરૂરી અમૂર્ત સંપત્તિ છે જો તે વ્યક્તિનિષ્ઠ નહીં અને, એક તબક્કે તો, સંસ્થા ‘શું છે’ તે માટે નહીં પણ ‘શા માટે છે’ તે સિધ્ધાંતોની સંસ્થાનિષ્ઠતાની કક્ષાએ પહોંચેલ હોય. નિષ્ઠા જ્યારે સિધ્ધાંતો માટે હોય છે ત્યારે જ લાંબા ગાળા સુધી ટકી રહી શકે છે, અને જે સંસ્થાઓ પોતાનાં હિતધારકોની આવી સિધ્ધાંતનિષ્ઠ વફાદારી મેળવી શકે છે તે જ લાંબા ગાળા સુધી દરેક પ્રકારના સંજોગોમાં સફળ રહીને ટકી રહી શકે છે.
બીઝનેસ સૂત્રની આ ટીવી શ્રેણીના ૯મા અંક – ભેદભાવ- ના પહેલા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની આ ચર્ચાને જાતિ આધારિત ભેદભાવ એ શીર્ષક હેઠળ આગળ વધારીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો