બુધવાર, 5 ડિસેમ્બર, 2018

સીધું અને સરળ રાખીએ - જિમ ચેમ્પી


પીટર ડ્રકરની એક બહુ જ નોંધપાત્ર ખૂબી એ હતી કે તે મૅનેજમૅન્ટ સિધ્ધાંતોને ગજબ સરળતાથી, સ્પષ્ટ પણે, સમજાવી શકતા. તેમનાં એક વ્યાખ્યાનમાં તેમણે "વ્યૂહરચના"ની વ્યાખ્યા આ મુજબ કરી હતી :
(૧) તમારી કંપની આજે ક્યાં છે તે સમજવું;
(૨) તમારે ક્યાં પહોંચવું છે?, અને
(૩) ત્યં શી રીતે પહોંચી શકાય.
વ્યૂહરચના વિષે તો કેટલાંય પુસ્તકો લખાયાં છે. મોટા ભાગે એ પુસ્તકો ડ્રકરે જણાવેલ ત્રણ પગલાંની જ વિગતે ચર્ચા કરતાં હોય છે. બહુધા, આ પુસ્તકો વાંચવામાં એટલાં સહેલાં નથી હોતાં, અને ડ્રકરની સરળ સુરુચિપૂર્ણતા તેમાં પકડાઈ નથી હોતી. ડ્રકરની વ્યૂહરચનાની વિભાવના અમલ કરી શકાય તેવી છે, અને તે સમજવા માટે મૅનેજમૅન્ટનાં ભણતર ભણવાની જરૂર નથી પડતી. પીટર ડ્રકરનાં પુસ્તકોમાં પણ જટિલ આલેખો કે અઘરા શબ્દપ્રયોગો જોવા નહીં મળે. તેમના વિચારો અને વિભાવનાઓને તેઓ સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં રજૂ કરતા.
સીધી અને સરળ રજૂઆતનો હેતુ સિધ્ધ કરવા માટેના કેટલાક 'નિયમો' આ મુજબ કહી શકાય :
આપણી વાત આપણને જ ખબર હોવી જોઈએ
આ પાઠ મને રોસ પેરૉટ, સિનિયર, પાસેથી શીખવા મળેલ. ત્યારે હું પેરૉટ સિસ્ટમ્સમાં કન્સલટીંગ વ્યવાહારો સંભાળતો  હતો. પેરૉટ વીજાણુ માહિતીસામગ્રી તંત્રવ્યવસ્થા (EDS/ઈડીએસ)ના સ્થાપક છે અને બે વાર પ્રમુખપદન ઉમેદવાર રહી ચૂક્યા છે. એ સમયે અમારી કંપનીના તેઓ અધ્યક્ષ અને મુખ્ય સંચાલક હતા.
કોઈ જ્યારે રોસ પાસે પ્રસ્તાવનું પ્રેઝન્ટેશન લઈને આવે તો તે એને જોવાની કે સાંભળવાની ના કહી દેતા. તેઓ કહેતા કે એ પ્રેઝન્ટેશન બંધ કરો અને તમે જે કહેવા આવ્યા છો તે મને પાંચ મિનિટમાં સમજાવો.
સ્વાભાવિક છે આમ કરવા માટે પ્રસ્તાવ લાવનારને પોતે શું રજૂઆત કરવા માગે છે, પોતાને ખરેખર શું જોઈએ છે અને શામાટે આ પ્રસ્તાવ મુકવા માગે છે તે ખબર હોવી જોઇએ તેમ જ આ બાબતો વિષે એકદમ સ્પષ્ટ ચિત્ર તેમની પાસે હોવું જોઇએ  અને તે પણ એકદમ ટુંકાણમાં. રોસ પેરૉટ ક્યાંય પણ કચાશ જરા પણ ચલાવતા નહીં, એટલે કંપનીના દરેકે દરેક સંચાલકે પોતાના પ્રસ્તાવની મંજૂરી મેળવા માટે કે કંઈ વિનંતિ કરવા માટે સ્પષ્ટતા અને ધ્યાનાકર્ષકતાની વાતે જબરદસ્ત શિસ્ત પાળવી પડતી. જો તમે તમારાં કર્મચારીઓને ઓળખતાં ન હો તો આમ કરવું શક્ય નથી.
કારણ વગરના અઘરા શબ્દપ્રયોગો કે કૂટ શબ્દોને ભૂલી જાઓ
મેં જ્યારે પુસ્તકો લખવાનું શરૂ કર્યું ત્યારે મને લાગતું કે મારાં સંપાદક મારા વિચારોને 'મોળા પાડી' દે છે. મારી દલીલોને તે હંમેશાં ટુંકાવી નાખતાં અને શબ્દો પણ હું જે મારા વપરાશમાં ક્યારેય ન વાપરતો એવી રોજબરોજની બોલચાલના જ શબ્દો તે વાપરે. કન્સલટન્ટ તરીકે કોઈ પણ ભલામણ રજૂ કરતી વખતે હું તો વિગતવાર દલીલો સાથેનાં લાંબાં પ્રેઝન્ટેશન કરવા ટેવાયેલો હતો. મને લાગતું એમ કરવું એ સ્માર્ટ દેખાવા માટે આવશ્યક છે. કન્સલ્ટીંગ વ્યવસાયમાં બહુ વપરાતા (તથાકથિત) લાક્ષણીક અઘરા શબ્દપ્રયોગો મારી રજૂઆતમાં છાંટતો રહેતો. મને લાગતું કે મારાં ક્લાયન્ટ પર તો જ છાપ પડશે અને તો જ તેઓ મારી ભલામણ સમજશે. જોકે કોઈ કોઈ વાર તો મને જ મારી ભાષાથી કંટાળો પણ આવતો.
સમય જતાં મને સમજાયું કે મારાં સંપાદક સાચાં હતાં. હું કંઈ પણ સમજાવવા માટે બહુ વધારે શબ્દો વાપરતો હતો. મારે જો વ્યાપક શ્રોતા વર્ગને આકર્ષવો હોય તો, મારે ઘણા ટૂંકાણથી, સીધી વાત કરવી જોઈએ. મારે એવા શબ્દો વાપરવા જોઈએ જે વ્યાપક શ્રોતા વર્ગને સમજાઈ શકે.મને એ પણ સમજાયું હતું કે વચ્ચે વચ્ચે, જરૂર લાગ્યે, સંદર્ભ વગર પણ, ધારદાર શબ્દો વાપરવાથી શ્રોતા વર્ગનું ધ્યાન કેન્દ્રિત કરી રાખવામાં મદદ મળે છે.
આખારે કોઈ પણ વાતને સમજાવવા માટે ત્રણથી વધારે દલીલોની મદદ ન લેવી એવો મેં નિયમ કરી નાખ્યો. શ્રોતાઓને તેનાથી વધારે પચે નહીં. આમ પણ ત્રણ આંગળી જ ઊભી કરી રાખવાનું જ ફાવે છે ને !
તમારા વિચારોની ખરી માલીકી ધરાવો
જ્યારે મારાં પહેલાં પુસ્તક 'રીએન્જિનીયરીંગ ધ કોર્પોરેશન'ની પ્રસિધ્ધિ માટે બધાંને મળવા  જતો ત્યારે ર્ક પત્રકારે મને પૂછ્યું હતું કે રીએન્જિન્યરીંગના મારા વિચારને,  હું  કેમ  કરીને "લોકપ્રિય" કરવા ધારું છું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા વિચાર લોકોને પસંદ પડે એ દિશામાં તો મેં વિચાર્યું જ નહોતું. હું તો કન્સલટન્ટ અને વ્યાપાર વિષયોનો લેખક હતો ! મારે ને 'લોકો'ને વળી શી લેવાદેવા ?
પણ મને બહુ તરત જ સમજાઈ ગયું કે 'રીએન્જિનીયરીંગ" દ્વારા હું શું કહેવા માગું છું તે કંપનીઓનાં હજારો લોકોએ સમજવું જરૂરી છે. એ કર્મચારી છટણીની વાત નથી, પણ એ સમજવા માટે પુસ્તકમાં જે વ્યાખ્યા આપી છે તે તો બહુ લાંબી અને અઘરી પડે એમ હતી. "કંપનીની વર્તમાન કામગીરીનાં, ખર્ચ, ગુણવત્તા, સેવાઓ કે ઝડપ જેવાં અતિમહત્વના માપમાં નાટ્યાાત્મક સુધારણા સિધ્ધ કરવા કંપનીની પ્રક્રિયાઓમાં  મૂળભૂત પુનઃવિચાર અને ધરમૂળથી પુનઃઆલેખન ." છે ને ભારીખમ શબ્દોવાળી ભાષા ?
વિધિસરની વ્યાખ્યા હતી તો બહુ ચોક્કસ, પણ લોકોને 'સમજવા'માં ભારે પડી તેવી હતી. એટલે મેં હવે કહેવાનું ચાલુ કર્યું કે 'રીએન્જિનીયરીંગ એટલે કામના પ્રકારમાં પાયાથી ફેરફાર કરવો.' લોકોને એ સમજાઈ જતું. સાથે સાથે એ પણ સમજાતું કે તેનો સંબંધ તેમનાં જીવનમાં ફરક પાડવા સાથે છે- અને એ ફરક સારા માટે જ હશે એવી આશા પણ રખાય.
અહીં યાદ એ રાખવાનું છે કે જ્યારે આપણો કોઈ વિચાર પહેલી જ વાર રજૂ કરતાં હોઈએ ત્યારે લોકોને એ થોડો અમૂર્ત, અટપટો લાગશે, એટલે આપણે જે સમજાવવા માગીએ છીએ તેની તેમના પર શું અસર પડશે તે જલદી તેમને ન પણ સમજાય. આપણે આપણા શ્રોતાની દૃષ્ટિથી વિચારવાનું છે અને આપણી વાત વાસ્તવિક કેમ છે તે તેમને સમજાવવાનું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો