બુધવાર, 12 ડિસેમ્બર, 2018

નિરામિષ આહાર અને અસ્પૃશ્યતા - દેવદત્ત પટ્ટનાઈક


શાકાહારી થવું સારૂં છે, પણ આપણે શાકાહારી થવાનું પસંદ શા માટે કર્યું એ પણ ખબર તો હોવી જોઇએ
ને ! જેમ કે, એનું કારણ તબીઅત માટે છે, કે દુનિયાને બચાવવા માટે છે કે પછી આપણા આત્માની શુધ્ધિ માટે છે. જેમ જેમ બધાંથી અળગી પડતી આધ્યાત્મિકતા પ્રચલિત થતી જાય છે તેમ તેમ વધારેને વધારે લોકોને બીજાં કરતાં વધારે પવિત્ર, વધારે ન્યાયી, વધારે સંવેદનશીલ, વધારે સાફ થવું છે. આને કારણે નિરામિષ આહાર, પહેલાં કરતાં ઘણો વધારે, સાર્વજનિક ચર્ચાનો વિષય બની ગયો છે.
એ ચર્ચામાં એક વાત, મોટા ભાગે, ધ્યાન બહાર જતી રહે છે કે શાકાહારીઓ ત્રણ પ્રકારનાં હોય છે :
૧. તબીઅત માટે શાકાહારી.
૨. જીવદયા માટે શાકાહારી.
3. પોતાની શુધ્ધિ માટે શાકાહારી.
આ ત્રણેય પ્રકારનાં શાકાહારીઓ માટે કરીને બહુ ગુંચવણો ચાલે છે.
પહેલા પ્રકારનાં મૂળ આયુર્વેદમાં છે, જે તત્ત્વતઃ આપણા ખોરાક બાબતે મૂળભૂત રીતે સંદેહાત્મક વલણ ધરાવે છે. તે બહુ ઠાઠથી આપણાં શરીર ઉપર જૂદા જૂદા આહારની અસર બાબતે અમુક વાત કહી નાખશે - અમુક બીમારીમાં અમુક ખાવું એમ સૂચવશે, જેમાં અમુક તમુક બીમારી માટે અમુક રીતે જ પકવેલ, અમુક જ પરિસ્થિતિઓમાં અને તે પણ અમુક વ્યવસાયો માટે, માંસમચ્છીની હિમાયત પણ તે કરી લેશે. કુદરતામાં રહેલ વૈવિધ્યથી તે ભલીભાંતિ અવગત છે: જ્યાં વનસ્પતિ બહુ ઊગી શકે તેમ નથી એવી રણ કે બરફાચ્છાદિત ભૂપ્રદેશ જેવી અમુક પારિસ્થિતિકીય વ્યવસ્થામાં માનવ શરીર માંસાહારમાંથી જીવન ટકાવવા માટેનું પોષણ મેળવવા પૂરતું ટેવાઈ જાય છે.
બીજા પ્રકારનાં મૂળ આશ્રમ પ્રથામાં અને શાંતિમાર્ગ તેમજ અહિંસામાં છે. જૈન પુરાણોની કથામાં પોતાનાં લગ્નનાં ભોજન સમારંભ માટે વધેરાતાં પશુઓના દયાજનક આર્તનાદથી વ્યથિત થઈને નેમીનાથ કેમ સંન્યાસી બની ગયા તેનું વર્ણન છે. જયદેવનાં ગીતા ગોવિંદમાં કરમકાંડ માટે બલિ ચડાવાતાં પશુઓ માટેની સંવેદનાથી વિષ્ણુએ કેમ બુધ્ધનું રૂપ લીધું તે વર્ણવ્યું છે. શાકાહારીઓનો આ બીજો પ્રકાર માંસ ખાવાને પશુઓ પ્રત્યે ક્રૂરતા સાથે સરખાવે છે, અને એટલે, એવું અર્થઘટન કર્યા વગર - 'હલકાં બીજાંઓ' ઘડી કાઢે છે. આમ કરવાથી બકરા-ઈદને દિવસે બકરાનો ભોગ ચડાવતા મુસ્લિમોને, થેંક્સગિવીંગના તહેવારમાં ટર્કી ખાતા અમેરિકનો, સદીઓથી સમુદ્રપ્રાણીઓને ખોરાકમાં લઈને પળતાં જાપાનીઓ કે ચુસ્ત બૌદ્ધ ધર્મી હોવા છતાં માંસ ખાનારા ચીનાઓ અને પૂર્વ એશિયાનાં સાધુઓને કે, સદીઓથી પોતાની આસપાસની પારિસ્થિતિ વ્યવસ્થા સાથે સુમેળથી જીવ રહેલ હજારો આદીવાસી જાતિઓને વાંકું પડે છે, આ પ્રકારનો અહિંસાવાદ ખેતરો વસાવવા માટે નષ્ટ કરાતાં જંગલો, પાકને બચાવવા જંતુનાશકોથી મારી નખાતાં અનેક પ્રકારનાં કીટકો અને પછી ઊભાં ખેતરોને લણીને આપણાં ભોજનની થાળી સુધી ફળો, શાકભાજી અને ધાન લાવનાર  નાખનાર કૃષિકારોની સહજ હિંસાની સામે આંખ આડા કાન કરે છે.   એમાં ક્યાંક એવી માન્યતા કામ કરે છે કે ઉંદર, કરોળિયા, કે ઈયળોને મારવામાં હિંસા નથી, પણ બકરા, માછલીઓ કે ગાયને મારવામાં હિંસા છે.
ત્રીજા પ્રકારનાં મૂળીયાં 'શુધ્ધતામાટેની મરજાદી ધૂન'માં છે જે મેલ, શરાબ, માંસ કે કોઈપણ શારીરીક પ્રવાહી જેવાં દુન્યવી દુષણોના ચેપના ભારથી મુક્તિ, મોક્ષ, મેળવવા માગે છે. એટલે તે રજસ્વલા સ્ત્રી કે જેના ઘરમાં તુરતમાં જ જન્મ કે મૂત્યુ થયું હોય એવાં 'ગંદા લોકો'થી સૂતક પાળવાની ભલામણ કરે છે. આ ત્રીજા પ્રકારનાં 'શાકાહારવાદીઓ' ચામડું પકવવું, કચરો ઉપાડવો, મરેલાં પશુઓને ઠેકાણે પાડવાં જેવાં 'ગંદા' વ્યવસાયીઓ સાથે 'અસ્પૃશ્યતા'ની દિવાલ ખડી કરવામાં નિમિત બને છે. ધીમે ધીમે આવા ગંદા વ્યવસાયીઓમાં, જેમણે પોતાનું જીવન ટકાવવા માટે જરૂરી પોષણ મેળવવા માટે, 'ઉચ્ચ વર્ણો'એ ખાવા માટે અયોગ્ય જાહેર કરેલ છે તેવું જે કંઈ સસ્તું મળે તે ખાઈ લેવાની ફરજ પડે છે તેવાં, ભલે સંપૂર્ણપણે શાકાહારી હોય તેવાં, ગરીબ લોકોનો પણ સમાવેશ થવા લાગ્યો.
માનવ સભ્યતાના વિકાસની સાથે 'સમાનતા'ની સુફીયાણી વાતોની ગુંજની સાથે સાથે જ જૂદા જૂદા પ્રકારના ઉતરતાચડતા દરજ્જાઓનાં સ્તરીકરણનો ધ્વનિ પણ ભળી જતો રહ્યો છે. આવાં સ્તરીકરણ આપણાં આગવાપણાંના, ખાસ હોવાના અને વધારામાં તો ચઢિયાતા હોવાના અહમને પોષે છે. એટલે પશુપ્રેમીઓ માંસાહારીઓને ઉતારી પાડતાં જોવા મળશે, હિંદુ મુસ્લીમ ને મુસ્લિમ હિંદુને હલકાં ગણતાં દેખાશે, કે પછી બ્રાહ્મણો દલિતને કે દલિતો બ્રાહ્મણોની બદબોઈ કરશે કે કોંગ્રેસીઓ ભાજપાવાળાઓની કે ભાજપાવાળા કોંગ્રેસીઓની હાંસી ઉડાવશે. આ હવા વિષમલૈંગિકોને સમલૈંગિકો માટે, પુરુષને સ્ત્રી માટે, શહેરીઓને ગામઠીઓ માટે મજાક ઉડાડવા ઉત્તેજે છે. દરેક સમાજમાં દરેક જગ્યાએ, જ્ઞાન, આવડત, ભણતર, સંપત્તિ (ધનિક વિ. ગરીબ), સત્તા (વિશેષાધિકારી વર્ગ વિ. સામાન્ય પ્રજા)જેવી અનેક બાબતોનાં અનેક કક્ષાનાં સ્તરીકરણો જોવા મળે છે. ભારતમાં વળી શુધ્ધતાનું સ્તરીકરણ ઉમેરાય છે જેમાં સ્પર્શ અશુધ્ધ કરે છે અને આભડછેટ શુધ્ધ રાખે છે.
શાકાહારીઓનો ત્રીજો વર્ગ શુધ્ધતાના અધિક્રમનાં સ્તરીકરણમાં પોતાનો ફાળો ઉમેરે છે. એટલે જ આ પ્રકારનો શાકાહારીવાદ અનુસરતાં લોકો માંસ, મચ્છી કે ઈંડા ખાનારાં લોકોની સામે નાકનું ટીચકું ચડાવે છે અને એવાં લોકોને 'અશુધ્ધ'ની છાપ મારે છે. વળી બીજાંને 'અશુધ્ધ' કહેવામાં તેમને જરા પણ ક્ષોભ નથી થતો કેમકે બીજાં લોકોની તેમની આ અસ્વીકૃતિ પેદા એક પ્રકારની આધ્યાત્મિકતામાંથી થાય છે.
આધ્યાત્મિકતાઓના પણ ઘણા પ્રકાર છે. તેમાં, ખાસ કરીને ભારતમાં,  સૌથી વધારે જે પ્રકાર ચલણમાં જોવા મળે છે, તે અશુધ્ધતા સાથે સંબંધિત છે. આપણે આપણાં મન અને શરીરમાંથી વિષ સાફ કરી નાખવા માગીએ છીએ. શરીરમાંથી કામ કે હિંસા જેવા નકારાત્મક વિચારો નિર્મૂળ કરવા માગીએ છીએ. બ્રહ્મચર્ય કે શાકાહારીવાદ જેવી પ્રણાલિકાઓ આ વિભાવનાને દર્શાવે છે.
ચાલો, અહીં સુધી તો બધું, તો પણ, ઠીક છે.
હવે આવે છે આવી પ્રણાલિકાઓનું સૌથી વિનાશક પાસું - પ્રણાલિકાઓનું સામાજિકરણ - આ પ્રકારની પ્રણાલિકાઓ ન અનુસરતાં હોય તેમનાથી અંતર રાખવું. પોતાની જાતને શુધ્ધ રાખવા 'પેલાંઓ'ને અશુધ્ધની છાપ લગાડવી. તેમને શોધી કાઢવાં અને પછી બહિષ્કૃત કરવાં. આમ માસાહારી લોકોનાં વાસણ અળગાં રાખવાં, તેમનો પડોશ ન સેવવો, જે લોકો ચામડાં સાફ કરે કે મરેલાં પશુઓનો નિકાલ કરે તેમને અશુધ્ધ જાહેર કરીને તેમને ગામની બહાર રહેવા મોકલી દેવાનાં. રજસ્વલા સ્ત્રીઓને રસોડામાં પ્રવેશ નિષેધ કરવામાં આવે (તેની પાછળ કારણ તેમને આરામ આપવનું જણાવાય !). આપણાં શૌચાલયો જે સાફ કરતાં તેમને તે વાપરવાની મનાઈ હતી.
સાધુસંતોને અણિશુધ્ધ માનવામાં આવે છે. એ લોકો પણ મેલથી અંતર રાખે છે. તેઓ માંસાહારનો, માંસાહારી ખોરાક રખાતાં વાસણો, માંસાહાર રાંધતાં લોકો વગેરેથી પરિહેજ પાળે છે, આમ પવિત્રતાને સમાવેશ સાથે નહીં, પણ બહિષ્કૃતિ સાથે સાંકળી લેવામાં આવેલ છે. આ પ્રકારની પવિત્રતામાં માનતાં લોકો આવાં સાધુસંતોની નકલ કરે છે. કોઈ એક વાર જે વાસણમાં માંસ, મચ્છી, ઈંડાં રહી ચૂક્યાં હોય એવાં વાસણોમાં રખયેલા ખોરાકને છાંડવામાં તેમને અચકાટ નથી થતો. શાકાહારી અને માંસાહારી ખોરાકને એકબીજાંથી અલગ રાંધવો અને રાખવો એ તેમને માટે સાચી રીત છે. કેટલાંય શહેરો અને ગામડાંઓમાં જેમ જોવા મળે છે તેમ, શાકાહારી વિસ્તારમાં માંસાહારી લોકોને ઘર ભાડે કે વેંચાતું ન આપવામાં તેમને કંઈ અજૂગતું નથી લાગતું. આમ માંસાહાર કે શાકાહાર તરફની આપણી વૃત્તિ અજાણપણે આપણા મનમાં એક પ્રકારનો, એકબીજાં માટેનો, અસ્પૃશ્યતાનો, આભડછેટનો, ભાવ પેદા કરે છે.
આપણાં દેવી દેવતાઓ અને સંતોની છબી સાફ રાખવાની આપણી જોશીલી કોશીશોમાં આપણે રક્ત-વિલાસીની કાલીની પૂજાની નવરાત્રીઓઓમાં સામાન્યતઃ માંસાહારીઓ પણ  શાકાહારી બની જાય છે, અને શાકાહારીઓ ફળાહારી બની જાય છે. અમુક હિંદુ જાતિઓમાં અમુક તહેવારો પ્રસંગે માંસ રાંધવાની પ્રથાને, પછીથી પ્રચલિત થયેલ તાંત્રિક, કે ઇસ્લામિક કે સામ્રાજ્યવાદની અસર હેઠળ આપણે વૈદીક પરંપરાઓનાં ભાંગી પડવામાં આપણે ખપાવી દઈએ છીએ. મહાભારતમાં જોવા મળતી વ્યાધ ગીતાની એક કસાઈએ કામ અને હિસા પરિત્યાગ કરી ચૂકેલ એક સંન્યાસીને વેદનું જ્ઞાન આપ્યું હતું એવી કથા આપ્ણે સ્વીકારી નથી શકતાં.
લોકોને પોતાની પસંદ પુરતી પોતાની નિસ્બત રાખવાથી સંતોષ નથી થતો, તેમણે બીજાંઓને પણ તેમાં પળોટવાં છે. શુધ્ધતાની પ્રણાલિકા કે બહિષ્કૃતિની પ્રથાને યોગ્ય ઠેરવવા માટે આપણે કંઈ કેટલાંય તાર્કીક સ્પષ્ટીકરણો કે વૈજ્ઞાનિક કારણો ખોળી કાઢીએ છીએ. ખોરાક, લોકો,કળાકારીગીરી અને એવી કોઈ પણ બાબતમાં આપણને વિષ,  અશુધ્ધિ અને મેલ દેખાયા કરે છે. આપણે સાફ રહેવું છે, બહુ બહુ બહુ બહુ જ સાફ. એ ને  લાયમાં આપણને યાદ નથી આવતું કે લાખો નિર્દોષ લોકોને રહેંસી નાખનાર હિટલર નખશીખ શાકાહારી હતો અને પશુપ્રેમનો ઉદાહરણીય પ્રણેતા હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો