શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

બીઝનેસ સૂત્ર | ૯.૨ | પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું?



બીઝનેસ સૂત્ર


બીઝનેસ સૂત્ર | | ભેદભાવ
- સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.

- નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.

- બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.

- ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.

- પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.

- છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી.

- ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.

- ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.
૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં 'જાતિ : કોણ ચડીયાતું - પુરુષ કે સ્ત્રી?'નાં પાસાંની ચર્ચા કરવામાં આવી છે.
બીઝનેસ સૂત્ર | ૯.૨ | પદાનુક્રમનું નિર્માણ કેમ થયું? 


પદાનુક્રમનાં સ્તરીકરણને પાયાથી સમજવા માટે આપણે વિકિપિડીયા પરની વ્યાખ્યા જોઈએ:

પદાનુક્રમ એટલે પદ જેવાં કોઈ આયામના આધારે કોઈ પણ સમુહનું વ્યવસ્થાપન, કે પછી જ્યાં સત્તાધિકારની અલગ અલગ કક્ષા નક્કી કરાયેલ હોય છે એને તેનું અનુપાલન પણ કરવામાં આવે છે.

પદાનુક્રમ (મૂળ ગ્રીક hierarkhia, "ઉચ્ચ પાદરીનું શાસન", hierarkhes, "પવિત્ર વિધિઓના પ્રમુખ") એ વસ્તુઓ, નામો, મૂલ્યો, વર્ગીકરણો જેવી બાબતોનો એકબીજાં સાથે 'ઉપર','નીચે' કે 'એક જ કક્ષાએ'જેવો સંબંધ દર્શાવે છે. ફિલોસોફી, ગણિતશાસ્ત્ર, કંપ્યુટર વિજ્ઞાન, સંસ્થાકીય સિધ્ધાંતો, તંત્ર વ્યવસ્થા સિધ્ધાંતો જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં સ્તરીકરણ એક મહત્ત્વની વિભાવના તરીકે ઊભરે છે.

આગળ વધીને 'સામાજિક પદાનુક્ર્મ' કે 'સંસ્થાજન્ય પદાનુક્ર્મ' શબ્દપ્રયોગોના મૂળભુત અર્થ સમજીએ –

સામાજિક પદાનુક્રમ : સામાજિક સંસ્થાની એક ખાસીયત એ રહી છે કે તેનું ઘડતર અન્ય સમુહ સાથેની
લડાઈઓને કારણે કે દેખાડો કરવાનાં વર્તનને કારણે થાય છે, જેને પરિણામે સમુહનાં પ્રાણીઓ પદના અનુક્રમમાં ગોઠવવામાં આવે છે. સામાજિક, કે આધિપત્ય, પદાનુક્ર્મ જીવડાંઓ, કરચલા, લોબસ્ટર, ઝીંઘા જેવાં કવચધારી જળપ્રાણીઓ, સ્તન્ય પ્રાણીઓ કે પંખીઓના વિવિધ પ્રકારોમાં જોવા મળે છે. અમુક જાતિઓમાં કદ, વય કે નર-માદા જેવી બાબતોના આધાર પર આધિપત્યનો ક્રમ ગોઠવાય છે. આધિપત્ય પદાનુક્રમ પ્રાણીઓમાં, મોટા ભાગે, ખોરાક માટેનો કે સંવનન માટેનો પહેલો હક્ક નક્કી ઠરાવે છે... અરસપરસની સામાજિક ક્રિયાઓ પ્રાણીઓને સમુહમાં રહેવાની અને ઉપલબ્ધ સંસાધનોના પધ્ધતિસરના ઉપભોગ માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. તેમાં પણ ખોરાકની વહેંચણીને કારણે ઊભા થતા સંભવિત નાના નાના વિવાદોને ટાળી શકવામાં પદાનુક્રમ ઉપયોગી નીવડે છે. એકબીજાંનું રક્ષણ પણ પદાનુક્રમ ઘડી કાઢવા માટે એક બીજું મહત્ત્વનું કારણ ગણાય છે. નીચલા ક્રમનાં પ્રાણીઓને, પ્રમાણમાં ભલે કદાચ થોડો ખોરાક મળે કે સંવનન માટે ઓછી તકો મળે, પણ અન્ય પ્રાણીઓ કે શિકારીઓના હાથે શિકાર તરીકે ખપી જવા કરતાં આ સગવડ વધારે હિતાવહ જણાતી હોય છે.

પદાનુક્રમિક સંસ્થામાં એક સિવાય બાકીનાં દરેક ઘટક, બીજાં એક ઘટકને આધીન હોય છે. આ વ્યવસ્થા એક પ્રકારનો પદાનુક્રમ છે. સંસ્થાના પદાનુક્રમમાં મોટા ભાગે શીર્ષ સ્થાન પર કોઈ એકલ વ્યક્તિ કે સમુહ સૌથી વધારે સત્તા ધરાવે છે, જે પછીનાં, નીચેનાં, સ્તરમાં ઘટતા ક્રમમાં એ સત્તાની વહેંચણી કરે છે.

આપણી પાસે ક લેખ એવો છે જે આજના આપણા મુખ્ય વિષયને સમાંતરે આજના સમયના પશ્ચિમના વિચારો આપણી સમક્ષ મૂકતો જણાય છે.

Why Hierarchies Thrive માં ફેરોલ્ડ જે લીવિટ્ટ નોંધે છે કે છેક ૧૯૮૯માં પીટર ડ્ર્કરે આગાહી કરી હતી કે એક કન્ડક્ટર જેમ ૧૦૦૦ વાદ્ય વાદકોને, વચ્ચે કોઈની જ મધ્યસ્થી કે મદદ સિવાય, મૅહલરની આઠમી સિમ્ફની કન્ડક્ટ કરે છે[1] તેમ ભવિષ્યની વ્યાપાર સંસ્થાઓમાં પણ થતું જોવા મળશે. એ પછી લગભગ એક દસકા બાદ, ગિફ્ફોર્ડ પિન્ચોટે ભારપૂર્વક કહ્યું કે નજીકનાં ભવિષ્યમાં, 'આધિપત્ય કે અધીનતા પર આધરિત' હોય તેવી પદાનુક્રમ વાળી સંસ્થાઓની જગ્યાએ હાઈ-ટેક કે અનુઆધુનિક સમયાનુસારના સમુદાયો જોવા મળશે... અને તેમ છતાં હકીકત એ છે કે આજની લગભગ કોઈ પણ સંસ્થામાં ગમે તેટલા ગાંડા ઘેલા કેમ ન હોય પણ બૉસના તરંગ તુક્કા કાનુઅનની જેમ પ્રવર્તે છે. મોટા ભાગે, પદાનુક્રમ જ સંસ્થાની બાંધણીને ઘડતું હોય તેમ જોવા મળે છે. તે સાથે એ પણ નોંધવું જોઈએ કે અનેક સ્તરો હોવા છતાં , ઘણી મોટી સંસ્થાઓમાં નોંધપાત્ર અનુકુલન ક્ષમતાની માત્રા પણ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. એ પણ નોંધવું જોઈએ કે પદાનુક્રમ ખરા અર્થમાં વાસ્તવિક અને માનસિક મૂલ્ય આપતું રહ્યું છે. મૂળભૂત સ્તરે તે આપણને માત્ર ગુલામ બનાવી દેવાને બદલે વ્યવસ્થા અને સલામતીની આપણી ઊંડી જરૂરિયાત પૂરી કરે છે. મોટાં કામ કરવામાં તો આનાથી વધારે સારી વ્યવસ્થા ભાગ્યેજ મળશે. એટલે ખરી સમજદારી તો આ પદાનુક્રમને સ્વીકારીને તેની આડ અસરોને ઘટાડવાની સાથે તેને વધારે ઉત્પાદ્ક બનાવવામાં કામે લાગવું જોઈએ.




પશ્ચિમનાં મૅનેજમૅન્ટ તેમજ સમાજ વિજ્ઞાન અને માનસ શાસ્ત્રનાં સાહિત્યમાં પદાનુક્રમ પર થયેલ અઢળક સંશોધનો દસ્તાવેજિત થયેલ જોવા મળશે. એ બધાંની વિગતમાં ઉતર્યા વગર જઆપણે હવે જોઈએ કે બીઝનેસ સૂત્ર શ્રેણીના ૯મા અંક - ભેદભાવ-ના બીજા ભાગ - અધિક્રમનાં સ્તરીકરણનુંનિર્માણ કેમ થયું?-માં આજના વિષયે દેવદત્ત પટ્ટનાઈક આપણી સમક્ષ શું રજૂ કરે છે.


પૌરાણિક શાસ્ત્રો અનુસાર, જો નર અને માદા એ બન્ને સ્વરૂપ સમાન છે તો પછી આ ભેદભાવ ક્યાંથી ટપકી પડ્યો છે? જાતિનાં પ્રતિક્નો પ્રયોગ માત્ર વિચારની વિભાવનાને સમજાવવા પૂરતો જ હતો, જો નરનું સ્વરૂપ મન અને નેતૃત્વની નિરૂપણ કરવા માટે કે માદાનું સ્વરૂપ પદાર્થ અને સંસ્થાને નિરૂપણ કરવા માટે પ્રયોજાયું હતું, તો સમાનતાનું આ વાતાવરણ કોણે ડહોળી નાખ્યું? કોણે નક્કી કર્યું કે એક સ્વરૂપ બીજાં કરતાં ઉતરતું છે?
અસમાનતા એ માનવ સર્જિત છે. કુદરતમાં બધાં જ સરખાં છે, જો તમે સમર્થ હશો તો ટકી શકશો, જો તમે સંજોગો સામે ઊહાં રહેવા માટે જરૂરી લાયકાત નહીં ધરાવતાં હો તો તમે નહીં ટકી શકો. કુદરત બહુ સમકાર છે. ચોખા ભરેલાં વાસણ માટે પુરુષ કે સ્ત્રી બન્ને બરાબર છે - એ જેટલી પુરુષની ભૂખ સંતોષશે એટલી જ સ્ત્રીની પણ ભૂખ સંતોષશે. માણસે સંસ્કૃતિની રચના કરી. આપણે આ સંસ્કૃતિની રચના પ્રાણીઓથી વધારે સારાં, વધારે પ્રસ્તુત રહેવા માટે કરી હતી. એમ કરવા કરવામાં કશેક કાચું કપાઈ ગયું. પ્રાણીઓ આધિપત્ય ભોગવવા માગે છે, તેમ માનવી પણ આધિપત્ય ભોગવવા માગે છે.
એટલે કે, આપણે પ્રાણીઓની ચામડીને સંપૂર્ણપણે ઉતારી નાખી નથી શક્યાં?
હા, એક રીતે, એમ કહી શકાય. પણ સવાલ એ છે કે પ્રાણીઓને આધિપત્ય શા માટે જોઈએ છે? તેમના માટે વધારે આધિપત્ય એટલે વધારે ખોરાક,વગેરે. માણસ શા માટે આધિપત્ય ઈચ્છે છે? તેમને આધિપત્ય દ્વારા પોતાની કલ્પનાશક્તિને ટકાવવી છે, પોતે જ્યાં બીજાં કરતાં વધારે અગત્યનાં છે એ પોતાનાં કલ્પિત સ્વને ટકાવવું છે. એટલા માટે આપણે રચેલા સંસ્કૃત સમાજમાં એવું માળખું વિકસ્યું જેમાં એક સમુહને બીજા સમુહ કરતાં વધારે મહત્તવ્નું સ્થાન મળ્યું.
આ પ્રકારની રચના કેમ કરીને શક્ય બની? એ માટે આપણે જે માળખું રચ્યું તે પિરામીડ આકારનું હતું. આવા પિરામીડનો આધાર, રંગ,, જાતિ, જન્મ એવાં કોઈ એક કે એકથી વધારે પ્રકારનાં જૂદાં જૂદાં આયામોનો સમુહ હતો.
પૌરાણિક સાસ્ત્રોમાં તમારી ચામડીનો રંગ કેવો છે, શારીરીકપણે તમે કઈ જાતિનાં છો,તમારો જન્મ કયા પરિવારમાં થયો કે તમારો જન્મ કેવા સંજોગોમાં થયો,કઈ નાતમાં થયો એવાં પરિબળોના આધાર પર ભેદભાવ રાખવાની છૂટ અપાઈ છે?
હું જે હંમેશ કહેતો આવ્યો છું તે ફરીથી એક વાર કહીશ - પૌરાણિકશાસ્ત્રો આદેશાત્મક નથી, પણ મનનાત્મક છે. પ્રસ્તુત વિષયમાં તેનું ચિંતન એ વિષે છે કે દુનિયાના માત્ર ભારત કે આફ્રીકા કે યુરોપ કે અમેરિકા કે પછી કોઈ પણ આદીવાસી સમાજમાં પદાનુક્રમ તો અવશ્યપણે જોવા મળે છે.એક અતિ પ્રાચીન સ્તોત્ર, ઋગવેદ,માં આવેલ પુરુષ સુક્તમાં કોઇ પણ સંસ્થા એ ચાહે વ્યાપાર માટેની, વિદ્યાભ્યાસ માટેની હો સમાજ કલ્યાણની હો, તેનું મૂળ સ્વરૂપ એક જીવતંત્ર છે, અને કોઈ પણ જીવતંત્રની જેમ તેના ઘણા અંગ - ભાગ છે. દરેક અંગ તેની ઓળખ, તેનું કામ, તેનું સ્થાન જેવી અનેક બાબતોમાં બીજાં અંગ કરતાં અલગ હોય છે. અહીં અસમાનતા તેનાં કુદરતી સ્વરૂપમાં જોવા મળે છે કેમ કે તેનો આધાર તમે શું માપ લઈને ચાલી રહ્યાં છો તેના પર છે. જો હું લોકોને બુદ્ધિના માપથી માપીશ તો જણાશે કે કેટલાંક લોકોમાં બુધ્ધિ વધારે છે તો કેટલાંકમાં ઓછી. જો સમાજમાં સંવેદનાનું માપ જોઈશું તો અમુક સમાજ વધારે સંવેદનશીલ હશે અને અમુક સમાજ ઓછો સંવેદનશીલ જોવા મળશે. લોકોને જો તેમની શારીરીક તાકાતના આધાર પર માપીશું તો તેમાં પણ કેટલાંક લોકો વધારે શક્તિશાળી હશે તો કેટલાં ઓછાં શક્તિશાળી હશે. કોને સારૂ ગણવું? આમાંનું કયું પરિમાણ ચડીયાતું ગણવું?
સ્વાભાવીક છે.. જે વધારે તે સારૂં...
પણ બધાંમાંથી કયુ વધારે હોવું જોઈએ?
તેનો આધાર તો કયા સમયે શેનું અગત્ય છે તેના પર રહે..
ખરી વાત...એટલે, પુરાણો, હિંદુ પુરાણો, ઋગવેદનું પુરુષ સુક્ત આ હકીકતના આધાર પર દરેક સંસ્થામાં અસમાનતાનો સ્વીકાર કરે છે. આપણે પદાનુક્રમ શબ્દપ્રયોગ નહીં કરીએ, પણ 'તફાવત' શબ્દપ્રયોગ કરવાનું વધારે ઉચિત ગણીશું. આ બન્ને બહુ જૂદા શબ્દો છે.
The organismએક જીવતંત્રમાં, જીવતંત્રના હિસાબે, માથું, ધડ, હાથ, પગ જેવાં અંગો જોવા મળશે. બુદ્ધિનો નિવાસ માથામાં ગણાય છે, જેથી માથું વિચાર સાથે સંકળાયેલો ભાગ ગણાય છે. જે ભાગ બધું કરવાનું અમલ કરે છે તે છે હાથ. શરીરનો જે ભાગ મૂલ્યો પર ભાર મૂકે છે તે ધડ કહેવાયો.મૂલ્યોની માપણી હંમેશાં થતી રહે છે અને મૂલ્યો જીવતંત્રને સ્થિરતા બક્ષે છે. તે જીવતંત્રનો નિયમન કક્ષ છે. જીવતંત્રને એક સ્થળથી બીજાં સ્થળનાં સ્થળાંતર માટેની ગતિશીલતા આપે છે પગ. આમ, કોઇપણ કોર્પોરેટ સંસ્થાને પણ એક જીવતંત્ર તરીકે જોઈ શકાય. અહીં એક વ્યૂહરચના ઘડનાર ઘટક છે, એ વ્યૂહરચનાનો અમલ કરનાત એક બીજું ઘટક છે, વ્યૂહરચના અને તેના અમલનું મૂલ્યાંક્ન કરવા માટે એક ત્રીજું અંગ છે અને કોર્પોરેશનનને ગતિશીલતા બક્ષતું એક ચોથું આંગ પણ હોય છે. જો એક ભાગ બીજા બધા ભાગ કરતાં બહુ વધારે સારૂં કામ કરશે તો સંસ્થાનું કામ સારૂં ચાલવાને બદલે ગુંચવાશે અને તે સફળતાના માર્ગ પર નહીં રહી શકે. સંસ્થાનું દરેક અંગ તેનું નિયત કામ, બીજાં અંગોના કમ સાથે તાલમેલમાં કરે તો જ સંસ્થા સફળતા સિધ્ધ કરી શકે છે.
પરંતુ, મોટા ભાગના કિસ્સાઓમાં જેમ બને છે તેમ સમયાંતરે, સંસ્થામાં કોઈ એક ભાગનું મહત્ત્વ વધે છે. જો કોઈ સંસ્થામાં નાણાં વિભાગ બહુ મહત્ત્વ ધરાવવા લાગે તો પછી ચારેકોર નિયમનોનો અતિરેક સર્જાશે, જેમાં માનવ મૂલ્યોને ભાગે કુંઠિત થવનો સમય આવશે. અથવા તો ધારો કે વ્યૂહરચનાકાર વિભાગ મહત્ત્વનો બની બેસે છે, તો અમલ કરનરાંનાં કામને કોડીનૂં સમજવામાં આવશે, અને જોત જોતામાં સંસ્થાની વ્યૂહરચનાઓનો અમલ નબળો પડતો દેખાશે. આજની સદીનો સૌથી મોટો પ્રશ્ન જ આ છે. બજારમાં મળતું કોઈ પણ પુસ્તક વાંચશો તો તેમાં અમલનાં ગુણગાન જોવા મળશે.વ્યૂહહરચનાને ભોગે જો અમલ હાવી થવા લાગશે તો સંસ્થાને લાંબે ગાળે ટકી રહેવામાં મુશ્કેલીઓ પડશે.વ્યૂહરચના પણ હશે અને અમલ પણ હશે, પણ જો આયોજન નહીં હોય, તો થોડા સમયમાં અંધાધૂંધી ફેલાયેલી દેખાશે.
આમ દરેક ભાગ જેટલો મહત્ત્વનો છે તેટલો જ આગવો પણ છે. અહીંથી જ સમસ્યા શરૂ થાય છે. - એક ભાગનું મહત્ત્વ બીજા ભાગ કરતાં વધવા લાગે છે. આ જે તફાવત પડવા લાગે છે તે ધીમે ધીમે પદાનુક્રમનું સ્થાન લેવ અલાગે છે. આમ યાદ એ રાખવાનું છે કે તફાવતનો સ્વીકાર એ ભેદભાવના પદાનુક્રમ માટેની અનુમતી નથી.
આજે આપણે જે પરિસ્થિતિઓમાં પહોંચી ચૂક્યાં છીએ ત્યાં જ્યોર્જ ઓરવેલનાં 'ધ એનિમલ ફાર્મ'નાં સુખ્યાત કથન - બધાં સ્રખાં છે, પણ કેટલાં બીજાં કરતાં વધારે સરખાં છે -ના વ્યક્તિગત આગવાપણું ભેદભાવના પદાનુક્રમ માટેનું કારણ બની ચૂકેલ છે. આલ્ડસ હક્ષલીએ તેમનાં પુસ્તક ‘ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ'માં જેમ વર્ણ્વ્યું છે તેમ માણસ શરૂઆતમાં સારી ભાવનાથી તફાવતને વધારે મહત્ત્ત્વ આપવા લાગે છે, જે ધીમે ધીમે પૂર્ણતઃ નકારાત્મક પાસાંથી ધરવાતા પદાનુક્રમનાં વિષવૃક્ષનાં રૂપમાં ભરડો લેવા લાગે છે. આજે હવે સ્થિતિ એ છે કે માણસ એક તરફથી ભેદભાવ દૂર કરવાના જે પ્રયત્નો કરે છે તેમાંથી બીજી બાજૂએ નવા ભેદભાવ જન્મવા લાગે છે.

વ્યક્તિગત તફાવતમાંથી જન્મતા ભેદભાવે નાતજાતના આધાર પરના પદનુક્તમનું રૂપ કેમ લઈ લીધું તેની વાત ટીવી શ્રેણી બીઝનેસ સૂત્રના ૯મા અંક – ભેદભાવ- ના ત્રીજા ભાગ- નાતજાત બ્રાહ્મણનું અવસાન માં દેવદત્ત પટ્ટનાઈકની સાથે આવતા અંકમાં આગળ વધારીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

[1] Mahler: Symphony No. 8 / Bernstein · Vienna Philharmonic Orchestra

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો