બુધવાર, 13 ફેબ્રુઆરી, 2019

સાંખ્યિકી માહિતી અને ઘટનાઓ વિષે નિષ્કર્ષ પર કૂદી પડવું

એમ એમ એન સંપાદકીય સ્ટાફ – Ed's Ink

નવું નવું શીખવું એટલે બીજાંઓના વિચારોથી વિચારવું.એમાં ખૂબી છે તેમાં સહયોગ સાધવો, અનુકૂલન સાધવું,વધારવું, ઘટાડવું, ફેરબદલ કરવું અને પુનઃગઠન કરવું. વ્યાપારજગતના બૌદ્ધિક તારલાઓ પાસેથી શીખવાની અનોખી તક અહીં રજૂ કરવામાં આવી છે.

સાંખ્યિકી નિર્ણય-પ્રક્રિયા વિષેના વ્હાર્ટન સ્કૂલના તેમના ખુબ વિખ્યાત અભ્યાસક્રમમાં સાંખ્યિકી માહિતી
સામગ્રીનાં વિવિધ અર્થઘટનોને સમજાવવા માટે યાદ રહી જાય તેવાં ઉદાહરણ સ્વરૂપે, ડૉ. મોરિસ હેમ્બર્ગ આ વાર્તા કહેતા હોય છે -
"આપણી વાર્તાનાં નાયિકા છે પ્રાથમિક શાળાનાં એક શિક્ષિકા. સાત-આઠ વર્ષનાં બાળકોને તેઓ મદ્યપાનની ખરાબ અસરો વિશે સમજાવી રહ્યાં હતાં. જીવડાં ભરેલ બે બરણીઓ તેમણે મેજ પર મૂકી.
“...પહેલી બરણીમાં તેઓ એ પાણી ભર્યું. જીવડાંઓનું હાલવા ચાલવાનું તો પણ ચલુ રહ્યું. પાણીની કોઈ અવળી અસર તેમના પર થઈ હોય એવું દેખાયું નહીં.
પછી બીજી બરણીમાં તેમણે થોડો દારૂ રૅડ્યો. જીવડાં સ્થિર થઈ ગયાં, જાણે તેમના પર કોઈ ઘાતક હુમલો થયો હોય...
શિક્ષકે હવે એક વિદ્યાર્થીને પૂછયું, ' જગા, આ પ્રયોગમાંથી શું શીખ મળે છે?'...
“…જગાએ થોડું વિચારીને જવાબ આપ્યો, 'મને લાગે છે કે દારૂ પીવો સારૂં જણાય છે, કેમકે તેનાથી મારાં પેટમાંનાં બધાં જીવડાં મરી જશે.' …"
શીખ: આ પ્રકારનાં અર્થઘટનને આંકડાશાસ્ત્રીઓ આંકડાકીય 'અપ્રસ્તુત તાર્કિક અર્થઘટન' - ભળતાસળતા જવાબ-નું આદર્શ ઉદાહરણ કહે છે.
ડૉ. હેમ્બર્ગનું કહેવું છે કે જ્યારે આંકાડાકીય માહિતી સામગ્રીમાં કંઇ ખામી ન નીકળી શકે હોય ત્યારે પણ સામેની વ્યક્તિની વિચારસણી અને / કે પૂર્વગ્રહો મુજબ જે સારામાં સારૂ જણાય એવુ અર્થઘટન કરવા માટે તેમાં જગ્યા રહી જ જતી હોય છે.
જાણીતા જૈવ-આંકડાશાસ્ત્રી, સ્ટેનલી શૉર, આનું બહુ રંગીન અર્થઘટન કરે છે - 'આકંડાકીય પરિણામો નિષ્ણાત સાક્ષીની જુબાની જેવાં હોય છે, તેનો તમે બન્ને પક્ષે ઉપયોગ કરી શકો.'
જગાનો પણ આશય તો સારો જ  હતો. આઠ વર્ષનાં બાળકની વિચારસરણી અને સમજ મુજબનું તેનું અર્થઘટન હતું.
જગો તો નાનો છે તેને તો માફ કરી દઈએ, પણ કોઈ જ કારણ વગર, પોતાની સગવડ ખાતર, કોઈ જ જાતના તર્ક વગર કે કોઈ જ બીજા વિકલ્પની ધરાર પરવા કર્યા વગર, આંકડાકીય હકીકતનાં  ભળતાં જ અર્થઘટન કરનારાં ડાહ્યાં લોકોને તો કેમ માફ કરાય !
રોબર્ટ બ્રાઉનીંગ તેમની એક સમયાતિત કાવ્ય પંક્તિમાં કહે છે - જેવી તમારી સોચ, એવી તમારી શોધ, લાવી આપે એ જ જે તમે ઈચ્છતાં હો.'
જડ વિચારસરણી વિષે વિલ રોજર્સ પણ કહે છે કે, 'આપણે જે જાણતાં નથી તેને કારણે મુશ્કેલીમાં નથી આવી પડતાં, આપણે તો આપણે ખોદેલા ખાડામાં જ જઈ પડતાં હોઈએ છીએ..'
લોકો હકીકતોને અલગ અલગ દૃષ્ટિએ કેમ જોતાં હશે ? - અનુભૂતિની ભૂમિકા
અનુભૂતિનાં બે ઘટક છે - જ્ઞાન અને અનુભવ. અલગ અલગ જ્ઞાનવાળાં કે /અને અલગ અલગ અનુભવવાળાં લોકો એક જ હકીકતને અલગ અલગ રીતે જોશે.
એકને જે ચોક્ખું દેખાતું હોય તે બીજાંને નજરે જ ન ચડે. એટલે પહેલો જે ચર્ચા કરે તેની બીજાંને પડી જ ન હોય.તેવું જ ઉલ્ટા કિસ્સામાં પણ બને.
પીટર ડ્રકર લખે છે, 'જેમ અમુક તીવ્રતાનો અવાજ માનવ કાન નથી પકડી શકતા, તેમ, તેની અનુભૂતિની સીમાની પારબધી જ બાબતો માણસની અનુભૂતિને નથી સ્પર્શતી.'
તેમનાં પુસ્તક,  Innovation and Entrepreneurshipમાં ડ્ર્કર આપણને યાદ કરાવે છે કે, 'જ્યારે અનુભૂતિમાં ફેરફાર થાય છે ત્યારે હકીકત નથી બદલતી, તેનું અર્થઘટન બદલે છે.' આપણે જે કંઇ જોઈએ છીએ તેની આપણા પર અસરનો આધાર આપણે તેને શી રીતે સમજીએ છીએ અને તેને કેવી પ્રતિક્રિયા આપીએ છીએ તેના પર છે.
ફરી એક વાર કહીએ - આપણું જ્ઞાન અને આપણો અનુભવ આપણી અનુભૂતિ -આપણે શું જોઇએ છીએ અને કઈ નજરે જોઇએ છીએ-ને ઘડે છે. જેમ જેમ આપણું જ્ઞાન અને અનુભવ વધે તેમ તેમ આપણી અનુભૂતિ પણ બદલી શકે છે.
માર્ક ટ્વૈને એક વાર માર્મિક ટકોર કરતાં કહ્યું છે કે, 'હું જ્યારે ૧૪ વર્ષનો હતો, ત્યારે મારા પિતા મને એટલા અજ્ઞાન લાગતા કે તેમની બાજુમાં ઊભા રહેવાનું હું ટાળતો. પણ હું ૨૧નો થયો એ સાત વર્ષમાં તો જાણે તેઓ કંઇ કેટલું ય શીખી ગયા હોય એવું લાગવા લાગ્યું હતું !.'
આપણો જગો પણ જ્યારે ૧૮નો થશે ત્યારે તેની સમજ / અર્થઘટન, અને પરિણામે તેની પ્રતિક્રિયા પણ, ધરમૂળથી બદલી જશે ! એવી આશા તો જરૂર કરી શકાય.
આશાવાદીઓ વિ. નિરાશાવાદીઓ :  હકીકતો એ જ, તારણો જૂદાં
સામાન્ય રીતે, આશાવાદીઓ દરેક સમસ્યામાં તક જૂએ, તો નિરાશાવાદીઓ દરેક તકમાં સમસ્યા જૂએ.
ગ્લાસ અર્ધો ભરેલો છે કે અર્ધો ખાલી છે એ જૂની ને જાણીતી ઉક્તિમાં અર્ધો ભરેલો ગ્લાસ જોવામાં નિરાશાની છાંટ છે. અસરકારક પરિવર્તનની જેને જવાબદારી સોંપવામાં આવી છે તેવા સંચાલકની આવી મનોસ્થિતિ સ્વીકાર્ય ન બને.
જ્યારે અર્ધા ખાલી ગ્લાસમાં આશાવાદનો પ્રભાવ છે, જે સંચાલકને તકોન્મુખ બનાવે છે, તેનામાં એ જોશ અને ખંત ખીલવે છે જે તેનામાં રહેલા માનવસહજ, નવું કે અલગ કરવાના, ભયને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
આ વાતને સમજાવવા માટે પીટર ડ્રકર એક પગરખાંના ઉત્પાદકનો  કિસ્સો કહે છે, જેમાં તેણે બે સેલ્સમેનને પગરખાંની માંગનો અભ્યાસ કરવા માટે અમુક વિસ્તારની મુલાકાતે મોકલ્યા.
એક જણાએ જણાવ્યું કે પગરખાં અહીં માંગ નથી , કેમકે લોકો પગરખાં પહેરતાં જ નથી. બીજાએ જણાવ્યું કે લોકો પગરખાં પહેરતાં નથી, એટલે પગરખાં પહેરવાના ફાયદા અને રીત તેમને સમજાવવાથી પગરખાંની મોટી માંગ ઊભી થઈ શકે તેમ છે. વળી આપણે બજારમાં પહેલાં દાખલ થયાં હશું એટલે ભવિષ્યમાં આપણને સ્પર્ધાત્મ્ક હરીફાઈમાં પણ એક પગલું આગળ રહેવામાં સારૂં રહેશે.
આપણો દૃષ્ટિકોણ - એક સંચાલકને નવી પહેલમાં નિષ્ફળ જવાના મુદ્દાઓ દેખાય છે તો બીજાને વણખેડાયેલાં બજારમાં દાખલ થવાનાં જોખમોમાંથી નવી તક ઊભી કરવાની સંભાવનાઓ દેખાય છે. એક તકોને દબાવી દે છે તો બીજો મુશ્કેલીઓને તકોને ફેરવવાની દિશામાં વિચારે છે.
તારણો અને સાર
ભણ્યા પછી પણ જે શીખતા રહેવા તૈયાર છે તેને ભણતરથી કોઈ નુકસાન થવાનો ભય નથી.
આજના સમયમાં સફળ થવા માટે આપણે સતત સ્વ-શિક્ષણ વડે આપણા બૌદ્ધિક અને ઉર્મિલ વિકાસની દિશા તરફ જ નજર કેન્દ્રિત રાખવી જોઈએ.
આપણાં મસ્તિષ્કમાં એક ખજાનો ભર્યો પડ્યો છે. હજારો લાખો સવાલોના જવાબો તેમાંથી મળી શકે તેમ છે.
એ ખજાનાને મસ્તિષ્કની બહાર કેમ લાવવો તે આપણે શીખવાનું છે. તેને રોજબરોજની સમસ્યા નિવારણ પ્રક્રિયામાં સક્રિય સાધન બનાવવાનો છે. વિચાર કરી શકવાની આપણી મહામૂલી સંપત્તિને પૂરેપૂરો લાભ ઊઠાવવાનો છે.
એમ એમ એન યોગદાતા અને ક્લેર્મોન્ટ યુનિવર્સિટીની પીટર એફ ડ્રકર અને માસાતોશી ઈતો ગ્રેજ્ત્યુએટ સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટના પ્રત્યક્ષ વ્યવહારોના વિષયના સહઅધ્યાપક જેરેમી હન્ટરે આપણાં મગજને, આપણા જૂના અનુભવોમાં નવી વિચાર તરાહો ઘડીને નવ નવા રસ્તા ખોળવા માટે કેમ ફરજ પાડવી એ દિશામાં બહુ મહત્ત્વનું કામ કરેલ છે.
શીખવું એટલે બીજાના વિચારઓ વડે વિચારવું. આપણે વાંચવું અને ગ્રહણ કરવું જોઈએ. સમયે સમયે ટુંકા કૉર્સ કરતાં રહેવું જોઈએ અને બીજાંના અનુભવોમાંથી વધારે ને વધારે શીખતાં રહેવું જોઈએ.
ટુંકમાં, આપણે વિચારો માટેના આપણા સ્રોતો અને શીખવા માટેની તકો વધારતાં રહેવું જોઈએ. આમ નહીં કરીએ તો નિષ્ક્રિયતા આપણી પર હાવી થઈ જશે.
છેલ્લે એટલું ચોક્કસ છે કે, સફળ કામ કરવા માટે વાતોનાં વડાં, હવાઈ તુક્કા કે ટુંકા રસ્તા કામ નથી આવતાં. એ માટે તો નક્કર કામ થવું જોઈએ. I
એ માટે શિસ્ત, સંબંધિત મૂળ સક્ષમતા પર અંકુશ, જમીની વ્યાવહારિક જ્ઞાન અને જે ખબર છે અને જે દાવ પર લાગેલ છે તેના પ્રમાણમાં હોવી જોઈએ એટલી સંપૂર્ણ સજ્જતા આવશ્યક છે.
અભ્યાસ અને આસપાસની ગતિવિધિઓ સાથે કદમ મેળવવાની જરૂર માત્ર સંચાલકો  કે અન્ય કોઈપણ વ્યાવસાયિકોને જ નથી. જો તેઓ લાગણીથી પ્રમાણિક અને કલ્પનામાંથી હકીકકતને તારવવા માટે ખરેખર કટિબધ્ધ હોય તો માહિતી સામગ્રી અને માહિતી પૂરી પાડનાર લોકો માટે પણ એ એટલું જ જરૂરી છે.
  •      ManagementMattersNetwork.com, પરના અસલ અંગ્રેજી લેખ, Jumping To Conclusions About Statistical Data & Events નો અનુવાદ
  •      અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૩ ફેબ્રુઆરી,૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો