બુધવાર, 20 ફેબ્રુઆરી, 2019

ચમકતી વસ્તુઓ સાથેનો પરંપરાગત સંબંધ - દેવદત્ત પટ્ટનાઈક


હા, આપણને આપણી સામે જોઈ રહેવું બહુ ગમે છે. વિષ્ણુથી લઈને નાર્સીસ્સસ, ઝીનત અમાનથી લઈને એડવર્ડ કુલેન, કે પછી તમારો આ લેખક, બધાં વિશ્વની રચનાઓની અને તેમની ચીકનાંચુકનાં
પ્રતિબિંબોની સફર કર્યા કરીએ છીએ.
આપણે જો પશુઓ હોત તો સેલ્ફીઓ ન લીધા કરત. જોકે મારા પ્રાણી-મિત્રો એ વાતનો તરત જ રદિયો આપી દેવા તલપાપડ છે. આપણે તેમની સાથે વિવાદમાં નથી ઉતરવું- બળિયાના બે ભાગ સમજીને તેમની સામેથી ખસી જવું જ સારૂં. પણ આપણે સેલ્ફીઓ લેવાનું છોડત નહીં એ વિષે હું બહુ ચોક્કસ છું. પશુઓ તરીકે, આપણને આપણાં પ્રતિબિંબોમાં જરા સરખો પણ રસ ન હોત. એ માટે, તો આપણે માણસ બનવું પડે.
સેલ્ફી સાથેનું આપણું વળગણ એ દિવસથી શરૂ થયું જે દિવસે, નાર્સીસ્સસની જેમ, આપણી તરસ છીપાવવા માટે, આપણે આપણું પ્રતિબિંબ પાણીમાં જોયું.– આપણા દેખાવથી આપણે એટલાં મુગ્ધ બની ગયાં કે આપણી નજર ત્યાંથી ખસી જ ન શકી. આપણને ડર હતો કે પાણીમાં ઊઠતાં તરંગોમાં આપણું પ્રતિબિંબ વિખરાઈ ન જાય. પાણીએ સ્થિર જ રહેવું રહ્યું.આપણે આપણી સામે જ તાકી રહેવું છે, આપણી પ્રશંસામાં મહાલવું છે. કેમકે, આપણે છીએ, આપણું અસ્તિત્ત્વ છે. આપણું મહત્ત્વ છે - કમસે કમ આપણી નજરોમાં. અરીસો કહે છે કે આપણે જ છીએ સૌથી વધારે દેખાવડાં, સૌથી વધારે રૂપાળાં. આપણે એક અને અજોડ છીએ.આપણે મંદિરોની દિવાલો પર જોવા મળતી દર્પણસુંદરીમાં રૂપાંતરીત થઈ ગયાં છીએ - એવી દર્પણસુંદરીઓ જેના વિના મંદિરોની દિવાલો અધૂરી,  બેજાન, કદરૂપી બની જાય.
યહુદીઓમાં રિવાજ છે કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે અરીસાઓ ઢાંકીને રાખવામાં આવે છે, જેથી તેનો આત્મા એ અરીસાઓનાં પ્રતિબિંબમાં ફસાયેલો ન રહે. ભવિષ્યમાં કદાચ મૃતકના સેલ ફોનને ઢાંકી રાખવો પડશે, કે તોડી કાઢવો પડશે,જેથી તેનો આત્મા એકાદ છેલ્લો સેલ્ફી લેવા પાછો ન આવતો રહે.
અરીસાની જરૂરિયાત છે કે આપણું પ્રતિબિંબ જોવા માટે આપણે તેની સામે બેસીએ. બજારના પ્રવાહોથી પ્રવેગ મળવાને કારણે તેમાંથી પોર્ટેટ્સનું બનવું સ્વાભાવિક પરિણામ હતું. ચિત્રકાર આપણું ચિત્ર તેના કેન્વાસ પર ઉતારી શકે એટલે તેની સામે કલાકો બેસી રહેવું જરૂરી બને છે. મોના લિસા કેમેરા પહેલાંનાં દિવસોનો સેલ્ફી છે? ડોરીઅન ગ્રેનું ચિત્ર કૃર સેલ્ફી છે જે  મેલાઘેલા દિવસે આપણે કેવા દેખાઈ છીએ તે દેખાડે છે?  
આપણને જોયે રાખવું આપણને ગમે છે. આપણે તો એમ પણ માનીએ છીએ કે દેવોને પણ પોતાની સામે જોઈ રહેવું ગમે છે. એટલે, કદાચ, વૈષ્વવ હવેલીઓમાં વિષ્ણુના શૃંગાર સજાવાઈ જાય એટલે પૂજારી એક અરીસો લઈને દેવને તેમનો પૂરેપૂરો શૃંગાર બતાવે છે, જેથી દેવ પોતાને નીરખીને ખુશ થાય અને ભક્તોએ તેમને શણગારવા માટે લીધેલી જહેમતને સમજી શકે. 
પાછળ ચાંદી કે કલાઈનું પડ લગાવેલ અરીસાઓ બન્યા તેનાથી બહુ પહેલાં હિંદુસ્તાનીઓ ધાતુને ઘસીઘસીને ચમકતી બનાવી તેનો અરીસા તરીકે ઉપયોગ કરવા માટે જાણીતા હતા. કેરળનાં અરણમુલ કન્નડી (અરણમુળના ધાતુના અરીસા) આજે પણ ખરીદીને પુજામાં દેવ તરીકે પુજાય છે. એ એવા દેવ છે જે આપણને આપણે જ દેખાડે છે.
શૃંગારનાં સાધનો ફૂલ, અત્તર, વસ્ત્રોની સાથે અરીસો પણ દેવીઓને ભેટ ચડાવાય છે. આવી રીતે સુશોભિત કરેલ, આપણામાં રહેલ પશુ થોડું ઠાવકું બને છે, ઘરેલુ, મા જેવું પ્રેમાળ અને આપણે વશ બને છે. એણે જ્યારે અરીસામાં પોતાની સામે જોયું ત્યારે તેને જે દેખાયું તેનાથી તેને સંતોષ ન થયો. કોઈ ઝાડપાન કે પ્રાણીને જેમ એ વાતની પડી ન હોય તેનાથી વિરૂધ્ધ તેને હજૂ વધારે સારૂં થવું હતું, આસપાસનાં કરતાં વધારે પસંદગીલાયક બનવું હતું. તેને ત્રણે લોકમાં સૌથી વધારે ડરામણાં, ચંડિકા ત્રિપુરા ભૈરવી, માંથી  ત્રણે લોકમાં સૌથી વધારે સુંદર, લલિતા ત્રિપુરા ભૈરવી, બનવું હતું. અરીસાએ માનવીને વશ કરીને, પોતાને માળા, ફૂલો અને રંગોથી શણગારતાં કરી દીધાં.
જપાનમાં અરીસો સુર્યદેવી, અમાટેરાસુ,ની માનવીને ભેટ માનવામાં આવે છે, જેના વડે માણસ પોતાની જાતને સભ્ય બનાવી શકે. અરીસાની શોધ પોતાના ભાઈ, વાવાઝોડાના દેવ,સુસાનોવો, સાથે થયેલા ઝઘડાને કારણે રીસાઈ જઈને એક ગૂફામાં ઘૂસી ગયેલ અમાટેરાસુને એ ગુફામાંથી બહાર કાઢવા અરીસાની શોધ થયેલ,આજે દેવી દ્વારા ભેટ અપાયેલ યતાનો અરીસો (યતા નો કગામી) જપાનની ત્રણ સૌથી વધારે પવિત્ર ખજાનામાં મનાય છે.  
પોતાને સુંદર જોવું એ માત્ર નમ્રતાની નહીં,પણ સભ્યતાની નિશાની છે. મોરની જેમ નર પક્ષીઓ પોતાને સુંદર બનાવે છે, પણ માત્ર માદાને સંભોગ માટે આકર્ષવા પૂરતું જ. પરંતુ માણસ તો  સમાજમાં ભળવા માટે, 'મને સ્વીકારશો ને!' એવી પોતાની  પરોક્ષ યાચના અને સામેનાની રાજી થવાની ઈચ્છાને બતાડવા માટે પોતાને સુંદર બનાવે છે. પોતાની સેલ્ફી જોઈ લેવાથી કામ નથી પૂરૂં થતું, બીજાંની સેલ્ફીઓ પણ જોવી પડે, પોતાની બીજાં સાથે વહેંચવી પડે, તેના પર જરૂર મુજબ કંઇક કોમેન્ટ પણ કરવી પડે, જેથી બધાંનું પોતપોતાનું મહત્ત્વ જળવાય, પ્રસ્તુતતા જળવાય અને સાબિત પણ થાય.  ફેસબુક જેવાં સામાજિક માધ્યમોનું ચલણ એટલે જે તો આટલું વિસ્તર્યું છે. 'લાઈક્સ'નો આંકડો વધતો જાય તેમ આપણી ખુશીનો પારો પણ ચડતો જાય. બીજાં આપણને આપણી નજરથી જૂએ તેનું એ માપ છે. પોતાના ફોટા બીજા સાથે ન વહેંચતાં, આપણા ફોટાને 'લાઈક' ન કરતાં, પોતે પણ ક્યારેક સેલ્ફી લઈ લે છે તેવું ન સ્વીકારતાં, પોતાના ડીજિટલ ફોટા જોવાથી નીચા દેખાઈ જવાશે એમ માનતાં, લોકોનો દંભ તે ઉઘાડો પાડે છે. છેવટે તો તેઓ પણ શરણે તો આવશે જ.
જ્યારે દેવી શિવને પરણ્યાં ત્યારે શિવજીએ પોતાના દેખાવની પરવા નહોતી કરી. તેમણે ચહેરા પર ભભૂત ચોળી હતી,કેમકે તેમનું આગ્રહપૂર્વક માનવું હતું કે દુનિયા એક આભાસ છે અને ક્ષણભંગુર છે. દેવીએ એ વિષે દલીલ ન કરી. તેમણે તો એક અરીસો કાઢ્યો અને શિવજીની સામે ધરી દીધો , જેથી તેઓ તેમનું રૂપ જોઈ શકે, પોતાનાં સૌંદર્યને માણી શકે, અને તેની બીજાં પર પડતી ઊંડી અસરને સમજી શકે. દેવીએ તેમને મેળવવા કેમ પોતાની જાત ઘસી નાખી હતી તે હવે તેમને સમજાયું..
સંન્યાસી દુનિયા અને પોતાનામાંથી વિરક્ત થઈ જાય છે. તેને પોતાના દેખાવની પડી નથી હોતી. પણ, એ ચાલે નહીં, કેમકે ઈશ્વરે પણ સમાજમાં ભળવું પડે. અરીસા દ્વારા, દેવી દૈવત્વનાં અંકુર, ઇશ્વર,ને ફલિત કરૂઈને તેની પૂર્ણ આભા, ઐશ્વર્ય,માં રૂપાંતરિત કરે છે; શિવ, ડરામણા ભૈરવમાંથી સોળે કળાએ ખીલેલા ચંદ્ર, સોમસુંદર,માં પરિવર્તિત થાય છે. એટલે જ કવિએ કહ્યું હશે કે 'સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ.' અરીસામાં, કે સેલ્ફીમાં, પ્રતિબિંબીત ન થાય તો સૌંદર્યનું અસ્તિત્વ જ નથી રહ્તું. આજે દેવીએ શિવને સેલ્ફી લઈ શકાય એવો મોબાઈલ કેમેરાવાળો ફોન જરૂર ભેટ આપ્યો હોત અને બન્ને એકબીજામાં ભળી ગયાં હોય, એકબીજાં સિવાય અધુરાં જણાય, એવો, અર્ધનારીશ્વરના પોઝનો સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો હોત. પ્રેમનાં આદર્શ સ્વરૂપનો એ સર્વશ્રેષ્ઠ સેલ્ફી બની રહ્યો હોત.
ઘણી આદીવાસી જાતિઓમાં ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરો તો તેનો હિંસક વિરોધ કરાતો હોય છે, કેમકે ફોટો પાડવાથી તેમના આત્માનું હરણ થઈ જશે એવો તેમને ભય રહે છે. હજૂ થોડાં વર્ષ પહેલાં સુધી, મંદિરોમાં કેમેરા લઈ જવા સામે નિષેધ હતો. એમ માનવામાં આવતું કે ફોટા પાડવાથી મંદિરમાંના દેવીદેવતાની મૂર્તિની આભા કેમેરામાં ખેંચાઈ જશે. અરીસામાં દેખાતાં પ્રતિબિંબમાં આપણા આત્માની આભ પણ દખ્યા છે એવી માન્યતા સાથે આને સંબંધ હોઈ શકે. ચીનમાં હુન સમયમાં બૌધ્ધ અને તાઓ કર્મકાંડના ભાગ રૂપે તાંબામાંથી બનેલા પવિત્ર અરીસા વપરાતા હતા.તે અરીસાઓને સંરક્ષક દૈવી તત્વોની આકૃતિઓથી શણગારવામાં આવતા કે જેથી આપણી નજરે ન દેખાતા, પણ પ્રતિબિંબમાં ઝીલાયેલા, આપણા  આત્માનું  રક્ષણ કરી શકાય.
ઓમેન કે ઈનસિડીયસ જેવી હોલીવુડની ફિલ્મોમાં ભૌતિક અને અપાર્થિવ વસ્તુઓને કેમેરામાં ઝીલાતાં પ્રતિબિંબોમાં જોઈ શકાય છે એવો પ્રયોગ તો કરાયો જ છે. આજના વૈજ્ઞાનિક, કે મુર્ખ, લાગાતાં વિશ્વમાં ભૂતપ્રેતમાં માનો કે  ના માનો, પણ જ્યાં મંદિરનાં દેવી દેવતાઓની મૂર્તિઓના લાઈવ વિડીયો નેટ પર જોવા મળે છે, જ્યાં જ્યાં હાડચામનું માણસ અને તેના ફોટોગ્રાફ્સ મહત્ત્વના છે, ત્યાં આપણા આત્માને નેટ પર દેખાડવાનો આવે તો આપણને કઠતું નથી. હવે પછીની ભૂતપ્રેતની વાર્તાનો પ્લોટ કદાચ આના પર જ બને કે એક ભૂવો પ્લાસ્ટિકની બોટલમાં નેટ પરના આપણા જેવા બધા આત્મશ્લાઘકોને પૂરી દેવાનો છે. વાર્તાલેખકો, ચેતજો.
દુનિયાનું મોટામાં મોટું દુઃખ છે પોતાની જાતને ન જોઈ શકવું. ગ્રીક પુરાણોમાં મેડુસાની વાત કંઈક એવી જ છે. મેડુસા એટલી સૌંદર્યવાન હતી કે તે પોતાને સૌંદર્ય દેવી સાથે સરખાવતી ફરતી હતી. આ કારણે, દેવી તેનાથી બહુ નારાજ થયાં, અને શ્રાપ આપીને તેનો ચહેરો એકદમ બેડોળ કરી નાખ્યો. મેડુસાએ જ્યારે પોતાના ચહેરાનું પ્રતિબિંબ જોયું ત્યારે તે છળી મરી અને પથ્થરની મૂતિ બની ગઈ. આમ તેનો વિનાશ થઇ ગયો. સેલ્ફી આટલી હદે ઘાતક નીવડી શકે છે !
વિક્ટોરિયાના સમયનાં એક પાત્ર ડ્રેક્યુલાનું દુઃખ એ હતું કે અરીસો તેનું પ્રતિબિંબ ન બતાવી શકતો. લોકોને તે કદાચ બહુ આકર્ષક લાગતો હશે, ગળામાં તેના અણિયાળા દાંત ખોસીને લોહી ચૂસી લે તે કદાચ રોમાંચક લાગતું હશે, પણ તેની વાર્તા જે લોકકથા પર આધારિત છે તેમાં ભૂતપિશાચ આત્માવિહિન હોવાને કારણે અરીસામાં તેમનું પ્રતિબિંબ દેખાતું નહીં. પરંતુ ટ્વાઈલાઇટ ઝોનના એડવર્ડ કલેન જેવા ૨૧મી સદીના પિશાચની એ સમસ્યા નથી. લેખકને ખબર જ છે બેલાને સેલ્ફી લેવી જ છે, અને એડવર્ડને પણ લેવી છે. એ સિવાય પ્રેમ કહાની પાંગરે જ શી રીતે? એકબીજાંની આંખોમાં જોયા કરવાના દિવસો તો હવે ગયા. આજે તો પ્રેમમાં હો તો, કેમેરાની સામે જૂઓ, સેલ્ફી ખેંચો અને અપલોડ કરો.
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, In a Traditional Relationship With Shiny Surfaces નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો