બુધવાર, 15 મે, 2019

સફળતાને કારણે પાયમાલી - લેસ ટ્રેક્ટમેન


ઉદ્યોગ સાહસિકનું તો એ સપનું છે. તેણે એક નાના શા ડબ્બામાં વાવેલું બી જતે દહાડે વટવૃક્ષ થઈને ફેલાય અને બજારમાં કંઈ કેટલાય ગ્રાહકો માટે એક પછી એક અવિસ્મરણીય અનુભવ પૂરૂં પાડતું રહે. એ પણ હકીકત છે કે બીમાંથી વટવૃક્ષ થવાવાળા કિસ્સા ખોબે ખોબે ભરવા પડે એટલા નથી હોતા. જે સ્થાપકમાં આમ કરી શકવાની ક્ષમતા છે તેણે પણ પોતાના વિચારને તનતોડ મહેનતનાં જતનથી વિકસાવવો પડે છે, સફળતાનાં એક એક કદમ માટે કેટકેટલાં સંસાધનોને જોડવાં તોડવાં પડે છે. ભૌતિક સફળતા કદાચ આખરી લક્ષ્ય ન પણ હોય, તો પણ દેખીતી સફળતા સમાજમાં એક માનભર્યું સ્થાન બનાવવામાં મદદગાર પરિબળ જરૂર બની રહે છે.

અનાગત ભવિષ્યમાં ભલે એકમેકથી ચડિયાતી સંભાવનાઓ છુપાયેલી હશે, તેને મેળવવાનો માર્ગ જોખમી તો છે જ.

મોટા ભાગના સફળ ઔદ્યોગિક સાહસિક જાણે છે કે સફળતા તો મુઠી માં પકડી રાખેલી રેતી છે, મુઠ્ઠી ગમે તેટલી જોરથી વાળી રાખો, સફળતાની રેતી તો હાથમાંથી વહેતી જ રહેવાની છે. વ્યાપાર ઉદ્યોગમાં તો જેટલા વધારે સફળ થાઓ તેટલી વધારે સ્પર્ધા થવાની અને બજારની ભાતભાતની પ્રતિક્રિયાઓની વણજ઼ાર પણ ચાલુ રહેવાની. ઊંચકનીચકની આ ઉબડખાબડ સફરમાં ટકી રહેતી અને લથડી પડતી સંસ્થાઓમાં ફરક સંતુલિત અહમની સાથે પૂરતી માત્રામાં ભળતી અવિશ્વાસની અપવૃતિની સકારાત્મકતાનો જ હોય છે.

સામાન્યપણે થતું હોય છે એવું કે સફળતાને કારણે સંતોષનો ભાવ બેસવા લાગે છે. સફળતાનાં શિખરોની ટોચે પહોંચીને વ્યક્તિ હોય કે સંસ્થા, એવું માનવા લાગે છે કે હવે તેમની પાસે બધી ચાવી છે - હતી, પણ રહેશે ખરી?

જોકે કેટલાક ઉદ્યોગ સાહસિકો હંમેશાં 'શીખાઉ' જ બની રહે છે. તેઓ હંમેશા એમ માને છે કે સામેની વ્યક્તિને એ પરિસ્થિતિ વિષે વધારે ખબર છે. જો એ વ્યક્તિ કંઈ નવી રીતે કામ લે, કે પછી કદાચ કંઈક નાની મોટી ભૂલ પણ કરી બેસે, શીખવાનું તો મળવાનું જ છે. કોઈ બે પરિસ્થિતિઓ સરખી નથી હોતી, અને કોઈ બે વ્યક્તિનો એ પરિસ્થિતિ સાથે કામ લેવાનો દૃષ્ટિકોણ પણ સરખો નથી હોતો. બીજાં લોકો ગમે તે માનતાં હોય લાંબા ગાળે પણ સફળ બની રહેતી વ્યક્તિનો અભિગમ લગભગ આ જ પ્રકારનો રહેતો હોય છે.

તો સામેની બાજૂએ, એવી પણ સફળ વ્યક્તિઓ જોવા મળશે જે એક વાર સફળ થયા પછી એ સફળતાના કવચની દેખીતી સુરક્ષામાં મહાલે છે. ઉપરા ઉપરી સાફળતાઓ મળતી રહે તો હવે પછી પણ સફળતા મળશે જ એમ માની લેવું એ મોટા ભાગનાં લોકો માટે સહજ છે. તેમાં પાછી સફળતાને કારણે મળતાં માન સન્માનનો નાદ સફળ વ્યક્તિને પોતાની આંતરસૂઝના અવાજને સાંભળવા નથી દેતો.

સફળતા માટે ખેંચેલી રાખેલી જરૂરી એવી પણછની તાણમાં થોડીક જ ઢીલ હવે પછીનાં નિશાનને ચુકાવી દેવા માટે પૂરતી છે. ૧૯૯૯માં પ્રકાશિત એન્ડી ગ્રોવનાં પુસ્તક 'ઑન્લી ધ પૅરેનોઈડ સર્વાઈવ'માં કહ્યું છે તેમ બજારમાં બીજો ફેરફાર આવવા સુધી જ પહેલી સફળતાની આવરદા છે. એટલે દરેક સંચાલકે એક ક્ષણ માટે પણ ગાફેલ રહેવું પોસાય નહીં.

આ સાથેજ આપણા મગજમાં એક સમયની ફોટોગ્રાફીની દુનિયાની બેતાજ બાદશાહ કંપની કોડાકની જ યાદ આવશે. પોતાની સફળતાની રોશનીમાં કોડાક સંચાલન ટીમ એટલી અંજાઈ ગઈ હતી કે ફિલ્મ પર લેવાયેલ ફોટોગ્રાફ જેટલી જ ગુણવત્તા ડિજિટલ કેમેરાથી પણ આવી શકશે તે તેમને દેખાયું નહીં, અને એક જ દસકામાં કોડાક 'ભવ્ય ભૂતકાળ'અની ગઈ.

મોટા ભાગની નિષ્ફળતાઓ સફળતાની પાછળ પાછળ જ આવતી હોય છે. સફળતાના મોજાંની ટોચ પરથી ઊંડી નિષ્ફળતામાં ડૂબી જનારી કંપનીઓની યાદી બહુ લાંબી છે. જે વ્યાપાર-ઉદ્યોગ સંસ્થા હરીફને ઓછું આંકવાની ભૂલ કરે છે તેને માટે ધૂળ ચાટતા થવાનો સમય દૂર નથી હોતો. તમારા હરીફથી ગમે એટલાં આગળ દેખાતાં હો, એ અંતર ક્યારે ખતમ થઈ જશે તે ખબર પડે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હોય છે.

પોતાની સફળતાને ઓછી આંકવાની વાત નથી. મહત્ત્વનું છે દરેક સફળતા પછી ફરીથી એકડો ઘૂંટવાનું. સ્ટીવ જોબ્સના શબ્દોમાં કહેવું હોય તો, 'ભૂખ્યાં રહો, મુરખ રહો'.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો