બુધવાર, 22 મે, 2019

પરિવર્તનની પુરાણવિદ્યા - દેવદત્ત પટ્ટનાઈક


'પુરાણવિદ્યા' શબ્દ સાંભળતાં જ તમારી પ્રતિક્રિયા શું છે એ ધ્યાનથી જોજો. તે 'જુઠાણાં' છે એમ જ આપણે માનીએ છીએ. આપણી આ માન્યતા અને એ શબ્દનું આ અર્થઘટન ઉદ્‍ભવ્યું છે ખ્રિસ્તી ધર્મ, પશ્ચિમની  ધર્મનિરપેક્ષતાવાદ અને વિજ્ઞાન માંથી. ઉદારમતવાદીઓના સંપ્રદાયોના વડાઓથી લઈને રૂઢિવાદી જમણેરીઓના ગુરુઓ, કે પછી બોલીવુડના કથાલેખકો સુધ્ધાં, સુધીનાં બધાં બૌદ્ધિક ભારતીયો પણ તેને જ સાચું સ્વીકારવા લાગ્યાં છે. આજનું ભણતર આપણા વિચારમાં કેટલે ઊંડે સુધી ઘર કરી ગયું છે તે પણ આનાથી ખબર પડે છે.
ગ્રીક ભાષામાં 'માઈથોસ' નો અર્થ કથાઓ થાય છે. કથાઓ વિશ્વનું એવું દર્શન ઘડે છે જે એક પેઢીથી બીજી પેઢી હસ્તાંતર થતું રહે છે, અને એ રીતે તે સંસ્કૃતિનું પણ ઘડતર કરે છે. કથાઓ લોકોને એક સૂત્રે બાંધીને સમાજનું ઘડતર કરે છે. આફ્રિકાના કાલીહારી વ્યાપારીઓથી લઈને વૉલ સ્ટ્રીટ પરના નિવેશ- બેન્કરો, ઓસ્ટ્રેલિયાના આદીવાસીઓથી લઈને વારાણસીના બ્રાહ્મણો,કે પછી વેટીકનના બિશપથી લઈને મક્કાના આરબો, સુધીનાં દરેક પ્રદેશનાં, દરેક પ્રકારનાં લોકોનું પોતપોતાનું એક વિશ્વદર્શન હોય છે, એક માન્યતા હોય છે જેના થકી તેઓ વિશ્વની ખાસીયતોને  જૂએ છે અને સમજે છે. આ દરેક સમુહ માટે તેમની પોતાની કથા એ જ સત્ય છે. તેમણે એમ માનવું જ રહ્યું. આ માન્યતા જ લોકોને બાંધી રાખવાના ગુંદરનું કામ કરે છે. બહારનાં લોકો માટે આ કથાઓ નવાઈ છે, વિચિત્રતા છે, કમાલ છે, મુર્ખામી છે, અર્થહીનતા છે. માટે જ માન્યતાના બે અર્થ છે - સાચું અને જુઠાણું. અનુક્રમે, તે અંદરનાં લોકોની પૂર્વધારણા અને બહારનાં લોકોનો ફેંસલો છે. બીજા શબ્દોમાં કહીએ તો તે સાપેક્ષ સત્ય છે.
ખ્રિસ્તીઓ માટે ઈસુ તારણહાર છે. મુસ્લિમો માટે મોહમ્મદ છેલ્લા પયગંબર છે. બૌધ્ધ ધર્મીઓ માટે જીવન યાતના છે. થેરવદ બૌધ્ધ શાખાનાં અનુયાયીઓ માટે એક જ બુદ્ધ હતા તો મહાયાન બૌદ્ધ અનુયાયીઓ માટે અનેક બુદ્ધ છે. હિંદુઓ પુનર્જન્મમાં માને છે. શૈવ પંથીઓ માટે પુનર્જન્મનું ચક્ર શિવ જ તોડી શકે છે  તો વૈષ્ણવપંથીઓ માટે એ ચક્ર તોડી શકનાર માત્ર વિષ્ણુ જ છે. જૈનો માટે વિશ્વનો આદિ નથી કે નથી અંત,. ધર્મનિરપેક્ષવાદી માટે ધર્મ ખરાબ છે. મુડીવાડી માટે પૈસો સારી વાત છે, સામ્યવાદી માને છે કે જેમની પાસે છે તે જેમની પાસે નથી તેમનું શોષણ કરે છે. પૈતૃક સમાજ વ્યવસ્થામાં માનનારાં માટે વિષમલિંગી પુરુષો જ ચડિયાતા છે. નિરીશ્વરવાદી માટે ઈશ્વર એક કલ્પના માત્ર છે. વૈજ્ઞાનિક માટે જે માપી શકાય એ જ ખરૂં.
ધ્યાનથી જોઈશું તો દેખાશે કે 'માન્યતા' ધર્મથી વિજ્ઞાન સુધી કેવી પ્રસરી રહે છે. દરેક વ્યક્તિ પાસે એક કથા હોય છે, જે કેટલાંક માનવા તૈયાર છે અને કેટલાંક તૈયાર નથી. કથા કહેવી એ માનવસહજ લાક્ષણિકતા છે. માન્યતા ઘડાતી રહે છે તે માનવતાની નિશાની છે.
અહીં હવે સમસ્યા એ છે કે સાચ અને જૂઠમાં ફરક કેમ કરવો? અહેવાલને પ્રચારથી અલગ કેમ કરવો? વિચારધારા અને વાસ્તવિકતાને અલગ કેમ પાડવાં? સત્ત્વશાસ્ત્ર (વિચારશક્તિથી સ્વતંત્ર જ્ઞાન) અને વ્યાપકજ્ઞાનશાસ્ત્ર (વિચારશક્તિથી રચાયેલ જ્ઞાન)ને અલગ કેમ તારવવાં?
આ આખી વાત સમજવા માટે આપણે અબ્રાહમિક ધર્મો સાથે સંકળાયેલ પુરાણવિદ્યાનો અભ્યાસ કરવો પડશે.
અબ્રાહમિક ધર્મો પસંદ કરવાનાં બે કારણો છે - એક તો એ કે અબ્રાહમિક ધર્મો પાસે પુષ્કળ રાજકીય સત્તા છે, જે આપણી કલ્પનાની બહાર પાશ્ચાત્ય/આધુનિક/વૈશ્વિક વિવેચનોને - સંવાદોને- ચર્ચાઓને ઘડે છે. બીજું એ કે 'સત્ય એક જ  હોઈ શકે' એ આપણી પારંપારિક સમજ અબ્રાહમિક ધર્મોની નિપજ છે.
અબ્રાહમિક ધર્મોમાં 'જૂઠા ભગવાન' અને 'એક ખરા ભગવાન'ની વાત છે. આ બાબત અબ્રાહમિક પુરાણવિદ્યાની આગવી લાક્ષણિકતા છે. એક ઈર્ષાળુ દેવ છે જેને એવા જૂઠા ભગવાન પસંદ નથી જે એક સ્વરૂપમાં બંધાઈ રહેવાનું પસંદ નથી કરતા, જે નિરાકાર છે પણ ભાષા અને કળામાં નર સ્વરૂપે રજૂ કરાય છે. આ પુરાણવિદ્યા સાથે સંકળાયેલાં લોકોએ બીજા બધા દેવને નામંજૂર કરી કાઢ્યા છે. તેમની શ્રધ્ધાને સાબિત કરવા તેમણે બીજા બધા દેવોને ઉથલાવી પાડ્યા. આમ, વીસમી સદીમાં જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવા લાગ્યો, ત્યારે જૂના આદીવાસી ધર્મોનો છેદ જ ઊડી ગયો. યાદદાસ્ત જ ભુંસી નાખવામાં આવી. વિધિવિધાનો ભુલાઇ ગયાં. આઠમી સદીમાં અરેબીઆ અને પર્સિયામાં ઈસ્લામના ઉદય વખતે પણ આમ જ બન્યું હતું.
ગ્રીક પુરાણોમાં 'જૂઠા' દેવ જેવી કલ્પના નથી. એ લોકો અનેક દેવતાઓમાં માને છે. નવા દેવ આવે અને જૂનાનું મહત્ત્વ ઘટતું રહે. એક સમયના ટાઈટનને શક્તિશાળી ઓલિમ્પીઅનો પહોંચી વળ્યા. અંતે,જ્યારે રોમન સામ્રાજ્યે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો, ત્યારે ખ્રિસ્તીઓના સર્વશકિશાળી ભગવાને બધા ભગવાનોને ભગાડી મૂક્યા. સામ્રાજ્ય પર અંકુશ લાવવા માટે આ મહત્ત્વનું હતું. બહુ બધાંના ઘોંઘાટની જગ્યાએ હવે 'એક'ના આદેશ પ્રવર્તવા લાગ્યા. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં પણ કંઈક આવું જ ચલણ જોવા મળે છે - કેટલાંક લોકો સરમુખત્યારશાહીની માગણી કરવાની સાથે ભાષાઓનાં વૈવિધ્યને પણ ફગાવીને એક ભાષાનાં પ્રભુત્વની માંગ કરે છે.
પરંતુ ગ્રીક પુરાણોએ ફરીથી ચેતનવંત થયાં - તેમના દેવતા થકી નહીં, પણ તેમની કથાઓ થકી. ગ્રીક વિચારસરણીની પ્રભાવશાળી ધારા દમન અને વિદ્રોહની છે. દમન થયેલાં રહેવું એ નર્કમાં રહેવા બરાબર છે. જિંદગીનો મકસદ આવી આપખુદ સત્તાનો વિરોધ કરી, પોતાની વાતને સાબિત કરવી અને બહાદુર બનવાનો છે. ગ્રીક લોકોને વ્યક્તિગત વીર લોકો અને મતદાન વડે સ્થપાતાં વ્યક્તિગત લોકોના બહુ મતથી થતાં શાસન પસંદ હતાં. આ ગ્રીક વિચારધારાની સાથે ૧૫મી સદીનું યુરોપનું નવજાગૃતિનું મોજું આવ્યું, જેણે ચર્ચની સત્તાને અને ભગવાનની કલ્પનાને પડકારી. જેનું એક પરિણામ પ્રોટેસ્ટંટ સંપ્રદાય સ્વરૂપે જોવા મળ્યું, જે ચર્ચને નથી સ્વીકારતું પણ ભગવાનને સ્વીકારે છે. અને બીજું પરિણામ નાસ્તિકતાની ચળવળમાં પરિણમ્યું, જે ચર્ચ અને ભગવાન બન્નેને નથી સ્વીકારતી.
મૂળતઃ વિજ્ઞાન ફેંસલો નથી કરતું. તેનું કહેવું છે કે જે હું માપી શકું તે જ હું જાણું; શું માપું છું તે હું જાણું છું; તે સિવાયની મને ખબર નથી. પરંતુ વિજ્ઞાનનો ઉદ્‍ભવ ખ્રિસ્તી યુરોપમાં થયો છે, અને અબ્રાહમિક દેવની જેમ વિજ્ઞાન પણ નિશ્કર્ષ કાઢવા બેસી ગયું. તે કહેવા લાગ્યું: હું જે માપું તે જ સાચું; બાકી બધાં, તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં ફેલાવવામાં આવેલાં, જુઠાણાં  પહેલાના સમયમાં ગ્રીક લોકોએ સાચાં બાબતે પણ ફરક પાડવાનું કર્યું હતું:જે કથાઓથી ઘડાયું છે - mythos, પુરાણ શાસ્ત્ર અને જે તર્કથી ઘડાયું છે - logos, તર્કશાસ્ત્ર. ખ્રિસ્તી અસર હેઠળ પુરાણ શાસ્ત્ર જુઠાંણાંમાં ખપવા લાગ્યું, અને તર્કશાસ્ત્ર જ સાચું, અને સાચાં સિવાય બીજું કશું જ નહીં, મનાવા લાગ્યું. આમ નવજાગૃતિ વડે પુનઃજીવન પામેલ અબ્રાહમિક દેવ લડીને ફરીથી બેઠા થયા અને સૌથી વધારે આત્યંતિક લડાયક નાસ્તિકોનાં પ્રવચનોમાં જગ્યા મેળવી રહ્યા. જ્યાં સાચ અને જૂઠની વચ્ચે વારંવાર સીમા ખેંચાય છે તેવાં ખ્રિસ્તીકરણ થયેલાં વિજ્ઞાને મિશનરી શાળાઓ અને એ શાળાઓની શિક્ષણ પધ્ધતિ અપનાવેલ આધુનિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા દુનિયાના દરેક ખૂણે પગ પેસારો કર્યો.
હિંદુ ધર્મનું ઘડતર 'સાચા' કે જૂઠા" દેવની કલ્પના પર નથી થયું. હિંદુ ધર્મમાં 'ન્યાયાધિશ'ની કલ્પના પણ નથી. એ સત્યને અલગ રીતે જ જૂએ છે. તેના માટે મર્યાદિત સત્ય - મિથ્યા- કે અમર્યાદિત સચ્ચાઈ - સત્ય- છે. સીમિત માનવ વિચારશક્તિ વિશ્વની અનંતતા ક્યારેય નહીં સમજી શકે. પણ માનવ મનની શક્તિ, સંન્યાસીઓએ વિકસાવેલી યોગ, તપસ્યા કે તંત્રવિદ્યા જેવી પધ્ધતિઓથી, ખીલવી શકાય. ઋષિ જેવો જ્ઞાની જ બધું જોઈ શકે. એટલે તે, જેની પ્રજ્ઞા (બોધિ) પૂર્ણતઃ ઘડાયેલ છે એવો, બુદ્ધ છે. એટલે તે બધા ટુકડા (ભાગ) જોઈ શકતા 'ભગવાન' છે. જૈન અને બૌદ્ધ ધર્મોમાં ઋષિઓને મહાન ગુરુ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ઋષિ દેવ છે, જે નાશવંત શરીરને અતિક્રમી શકે છે. હિંદુ ધર્મમાં ભગવાન, મર્યાદાહીન, અનંત છે. આ અમર્યાદ ભગવાન પોતાની જાતને 'સંકોચી'ને 'નાશવંતની કક્ષા સુધી પોતાની જાતને ઉતારી' શકે છે. (જે અવતરી શકે છે તે)અવતારની પરિકલ્પના અહીંથી આવેલ છે.  એમનાં પર્વતનાં શિખર પરથી શિવ બધું જ જોઈ શકે છે, પણ તેઓ ત્યાં અલગ પડી ગયા છે. એટલે દેવી તેમને મેદાનોમાં, કાશીમાં, લઈ આવે છે, જ્યાં તેમની દૃષ્ટિ ક્ષિતિજથી મર્યાદિત થાય છે.
'અનંત' ભગવાન 'જૂઠ'ને ન સ્વીકારતા દેવથી સાવ અલગ છે. ભગવાન માનવ માર્યાદાઓ સાથે અનુકૂલન કરી શકે છે, જ્યારે દેવ માનવ મર્યાદાઓ નથી ચલાવી લઈ શકતા. ભગવાનને કોઈ વાતે ઉતાવળ નથી, કેમકે તે મૃત્યુના ભયની ભ્રમણા જોઈ શકે છે. જૂઠાણાંઓ વિશ્વને ઓળવી જાય તે પહેલાં દેવને દુનિયાની બચાવવી છે. એક પરમ શાંત છે, બીજા કાયમ યુદ્ધની મનોદશામાં જ રહે છે. હવે તો સમજાઈ ગયું હશે કે આજે વિશ્વ પર કોનો પ્રભાવ વધારે છે.
મજાની વિચિત્રતા એ છે કે જમણેરી હિંદુ શાખાએ ઈશ્વરનું અબ્રાહમિક સ્વરૂપ સ્વીકારવાનું શરૂ કરેલ છે, અને ડાબેરી શાખા  ઈશ્વરની આ વ્યાખ્યા સાથે સહમતિ સાધવા લાગી છે. ઈશ્વરની એ એક માત્ર વ્યાખ્યા જ હવે રહી છે. જેને નાસ્તિકો અને બોલીવુડનું પણ સમર્થન છે.
અમર્યાદ દેવ બહુ નિષ્ક્રિય હોય છે - એ સંપ્રદાયોના નેતાઓ સાથે લઈદઈ નથી પડતા. સંપ્રદાયના અગ્રણીઓને તો હીરો બનવું હોય છે એટલે એ લોકોને તો વિલનો પણ જોઈએ. માટે તેઓએ મિશનરીઓ અને ધર્મનિરપેક્ષવાદીઓ જેવા 'જૂઠા દેવ' બનાવી દીધા. પુરાણ વિદ્યાની અનુઆધાનિક વ્યાખ્યા તેઓ નથી સ્વીકારતા. એમને માટે 'માન્યતા' એટલે 'સાપેક્ષ સત્ય' નહીં પણ 'જૂઠાણું'. 'સાપેક્ષ સત્ય'વાળી વ્યાખ્યા તેમની મહાત્વાકાંક્ષાઓને અનુકૂળ નથી આવતી. જમણેરીઓમાં, સતાની શોધમાં ભમતા,અદેખા, સંપ્રદાય-અગ્રણીઓનો ઊભરાય છે. તેમને પોતાના સત્ય સિવાય કોઈ સત્યની પણ પડી નથી. એટલે હિંદુ ધર્મ જોખમમાં છે, દરેકેદરેકે કેમ જાગૃત રહેવું જોઈએ અને સામી લડત આપવી જોઈએ એવી મનગઢંત કથાઓ તેઓ ફેલાવ્યા કરે છે. પણ સંપ્રદાય-અગ્રણીઓની કથાઓમાં એક વાત હંમેશાં ધ્યાન બહાર રહી જાય છે : ખ્રિસ્તી મિશનરીઓ સામેની લડાઈ જીતવા માટે  તેઓ જ માત્ર જેના સાચા પ્રણેતા છે તેવાં હિંદૂ ધર્મના સ્વરૂપને જ સ્વીકારવું જોઈએ. આમ તેઓ પોતે જ પોતાને ખાસ પસંદની વ્યક્તિ જાહેર કરી કાઢે છે ! તેમના સંપ્રદાયના અનુયાયીઓ સિવાય બાકીના બધાને આ વક્રોક્તિ સાફ દેખાય છે.
આપણે મોટા ભાગે ભૂલી જઈએ છીએ કે પરિવર્તનનું એક બહુ શરૂઆતનું સ્વરૂપ બૌદ્ધ ધર્મ સાથે સંકળાય છે. આ પરિવર્તનો કોઈ જ પ્રકારની હિંસા વગર, માત્ર એક નેતા(બુદ્ધ)ને કારણે, એક માત્ર સિધ્ધાંત અને નિયમો (ધમ્મ)ના આધારે, અને સંસ્થા (સંઘ)ને કારણે શક્ય બન્યાં હતાં. બૌદ્ધ સાધુઓ કોઈ 'જૂઠા' કે 'સાચા' દેવ વિષે વાત ન કરતા, પણ તેમના નેતાએ ખોળી કાઢેલ 'દુન્ય્વઈ યાતનાઓના ઈલાજને લોકો સમક્ષ રજૂ કરતા. સામાન્ય માનવી માટે,આને કારણે બધ ઉપાયોના મુખ્ય સ્રોત, બુદ્ધ, દેવથી પણ વધારે મહાન માનવ, ભગવાન બની રહ્યા ! પરિણામે, પહેલાંની બધી જ પ્રથાઓને અવગણીને પણ, બુદ્ધની વિશાળકાય પ્રતિમાઓ, મધ્ય એશિયા, ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં દેખા દેવા લાગી અને પૂજાવા લાગી.  જેણે પોતે દેવો વિષે પરવા ન કરી તે ખુદ હવે ભગવાન બની ગયા. અને જેવા તે ભગવાન મનાવા લાગ્યા,તે સાથે પુરાણોમાંના શિવથી લઈને કાલીથી માંડીને કૃષ્ણ સુધીના દેવો તેમની ઉપર છવાવા લાગ્યા.
ઘણાં લોકોનું એમ માનવું છે કે ઈસુ પર 'ખોવાયેલાં વર્ષો'માં બુદ્ધનો બહુ પ્રભાવ પડ્યો હતો, જેન એપરિણામ એતેમને 'ચર્ચ' સ્થાપિત કરવાનો વિચાર આવ્યો. આ વિચાર આ પહેલાંની યહુદી વિચારધારાની બહાર હતો. જેમ જેમ ચર્ચ શક્તિશાળી બનતું ગયું તેમ તેમ રોમન સામ્રાજ્યે તેનો સ્વીકાર કરવાનું શરૂ કર્યું. નવા સેનાપતિઓએ હવે કર-બહરી શકે તેવી વધારે જમીન જીતવાને બદલે એક સાચા દેવ માટ એ લોકોનું દિલ જીતવાનું શરૂ કર્યું. પછીથી, વિજ્ઞાનના ઉદય સાથે  હવે ધર્મનિરપેક્ષ 'પૈસો' હવે દેવ હતો અને જ્ઞાનના ઉદયનો યુગ હવે સામ્રાજ્યવાદનો યુગ બની રહ્યો. ધર્મનિરપેક્ષ વિચારધારાએ પોતાનો પ્રસાર ચર્ચના સિધ્ધાંતોના આધારે કર્યો - ધર્મપરિવર્તનના પાઠ કંઈ કેટલાય માર્કેટીંગ માટેના પાઠમાં પરિવર્તિત થયા. દેવોનું સ્થાન હવે બ્રાંડોએ લઈ લીધું, રોકસ્ટાર્સ હવે નવા દેવ હતા.
આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે કથાઓ કથાઓ પર અસર કરે છે. જેમ બૌદ્ધ ધર્મની અસર ખ્રિસ્તી ધર્મની પર પડી તેમ ખ્રિસ્તી ધર્મની અસર મૂડીવાદ પર અને સામ્યવાદ પર પડી. 'એક જ સાચો દેવ' સત્યની શોધ કરતા વૈજ્ઞાનિકોને અસર કરી શકે છે.  એ જ રીતે, હિદુ ધર્મની 'અમર્યાદ દેવ'ની કથા મર્યાદિત સત્યોની કથામાં માનતા આતંકવાદીઓ અને કર્મશીલો પર અસર કરી  શકે છે.
પરિવર્તન એમ માને છે કે અંતમાં એક જ કથાનું વર્ચસ્વ રહેશે. પુનઃ-પરિવર્તન માને છે કે અમુક કથાઓ જોખમમાં છે. કથાઓનું મૂર્ત સ્વરૂપ - રિવાજો, ક્રિયાકાંડો, પ્રતિકો - ખતમ થઈ શકે છે. ભાષા (વેદોમાં, વાક્‍) ખતમ થઈ શકે છે. પણ વિચાર (વેદોમાં, માનસ) ખતમ ન થઈ શકે. દરેક કથાનું અમૂર્ત સ્વરૂપ શાશ્વત (વેદમાં, સનાતન) છે અને સદા બદલતું રહેતું (વેદોમાં, અ-નિત્ય) છે. આ જ કારણે બૌદ્ધ ધર્મન ઉદય અને પ્રસાર છતાં વેદિક વિચારધારા કર્મકાંડોની રહસ્યમાં વણયેલી વિચારધારાને મનોરંજક મહાકાવ્યોમાં પુનર્ગઠિત થઈ જીવિત રહી. આટલા માટે જ હિંદુ ધર્મમાં ઈતિહાસને ઐતિહાસિક (અ_ઇતિહાસિક) દૃષ્ટિએ જોવામાં આવે છે. સમયની સીમાઓનાં બંધન તોડી કાઢવામાં આવેલ છે. કથા, ખરેખર તો કથાનું વસ્તુ, -માત્ર ભૂતકળમાં જ નહીં પણ વર્તમાન અને ભવિષ્યમાં પણ પ્રસ્તુત હોય છે, એ ફરી ફરીને બનતું રહે છે. પરિવર્તન અને પુનઃપરિવર્તન, વિજય અને મુક્તિ, એકબીજાંને દેવો અને અસુરોનાં યુધ્ધની જેમ અનુસર્યા કરે છે. હિંદુ જંમણેરીઓને માનવું હોય કે ન માનવું હોય -ઈતિ-હાસ તો આમ હતું, આમ છે અને આમ રહેશે.
'www.dailyo.inમાં ૨૯ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Mythology of conversionનો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો