બુધવાર, 29 મે, 2019

ઉદ્દેશ્યો અને મહત્ત્વનાં પરિણામો- OKRs- નક્કી કરવાનો પહેલો નિયમ - પોલ નિવેન


ખરા અર્થમાં કામ આવે અને સાથે સાથે કંપનીને આગળ લઈ જાય તેવા OKRsની રચના  કરવા માટે સંચાલક અને કર્મચારી, બન્નેએ, અમલ કરવા લાયક કામગીરીનાં બે મહત્ત્વનાં ઘટક

OKRs સંસ્થાઓના માથાના દુખાવા જેવા પડકારોને અતિક્રમવામાં મદદરૂપ થયેલ છે તે તો સાબિત થઈ ચૂકેલ છે.
જેમકે, તેના વડે: સંઘભાવના અને સહકાર વિકાસ પામે છે, ઉપરથી નીચે અને નીચેથી ઉપરનાં તેમના મિશ્રિત પવાહોને કારણે સમગ્ર સંસ્થા એકજુટ બની શકે છે, અને તમારી સફળતા માટે જે અતિ મહત્ત્વનું છે તેના પર જ તમારૂં ધ્યાન કેન્દ્રિત રહે તે સુનિશ્ચિત કરે છે.
પણ તે શું ન કરી શકે તે આપણને ખબર છે? આપણે ગમે તેટલું ઈચ્છીએ કે પ્રયાસ કરીએ  OKRs કર્મચારીઓની વ્યૂહાત્મક સમજના અભાવને અતિક્રમી નથી શકતા, મોટા ભાગે તો ઊલટું થતું હોય છે . એટલે જ,લેખનાં શીર્ષકમાં પણ આ જ વાત આવરી લેવાઈ છે.
સંસ્થાની લાંબા ગાળાની વ્યૂહરચના જો બરાબર સમજી ન શકાઈ હોય તો ખરેખર મહત્ત્વની બાબતોને અસરકારક રીતે રજૂ કરી શકે એવા  OKRs તૈયાર કરવા મુશ્કેલ બની શકે છે.
પહેલાં કેટલીક પાયાની બાબતોની વાત કરીએ. OKRs શા માટે ઘડવા જોઈએ?
જવાબમાં ભાત ભાતનાં કારણો હોઈ શકે છે, પણ જો સાચું કારણ જ કહેવું હોય તો તે છે તમારી આગવી વ્યૂહરચનાનો અમલ કરવા માટે કરીને તમારા વ્યાપાર ઉદ્યોગને એકદમ ઝડપથી જાણવો.
તે સિવાય આ બધા ખેલ કરવાની જરૂર પણ શું છે? જો થોડા ચંદ્રકો મેળવવા પૂરતી કે વ્યાપારને થોડાં પગલાં ઊપર પહોંચાડવા પૂરતી જ વાત હોય તો ખોટી દિવાલ પર ખીલો ખોડાઈ રહ્યો છે.
તત્ત્વતઃ, OKRs નો ખરો આશય આપણા વ્યાપારને ચલાવવા માટે જરૂરી સુક્ષ્મદૃષ્ટિ અને મહત્ત્વનાં પરિણામોને પૂરાં ઊંડાણમાં સમજવાનો છે. એટલે 'વ્યૂહરચના અમલ'માં જે અમલ છે તેની અહીં વાત છે.
આમ અસરકારક OKRs ઘડવા માટે સ્વાભાવિક પૂર્વધારણા એ છે કે આપણા વ્યાપારની વ્યૂહરચનાની આપણને સમજણ હોય કે જેથી OKRs વડે વ્યાપારની સમગ્રતઃ સફળતામાં આપણું યોગદાન શું છે તે સમજવા માટે આપણને સંકેત મળતા રહે.
Iમોટા ભાગનાં વ્યાપાર એકમો માટે આ પૂર્વધારણા સાચી છે ખરી? જવાબ, 'ના'ની સાવ નજદીક રહેશે.
મોટા ભાગનાં સર્વેક્ષણો અને અભ્યાસો, મોટા ભાગની કંપનીઓમાં, વ્યૂહાત્મક જ્ઞાનની પરિસ્થિતિનું બહુ આશાસ્પદ ચિત્ર નથી બતાવતા.
વ્યૂહરચનાની ઘણી બધી વ્યાખ્યા કરવામાં આવી છે. લગભગ બધી જ વ્યાખ્યા માને છે કે સ્પર્ધાત્મક સરસાઈ સિદ્ધ કરવા માટે  સંસ્થા જે અગ્રતાક્રમ નક્કી કરે છે તેને વ્યૂહરચના સાથે સીધો સંબંધ છે. ગ્રાહકો કે બજારો, જેની જરૂરિયાતો પુરી કરીએ છીએ, કે આપણાં ઉત્પાદનો કે સેવાઓ, તે માટે આવશ્યક ક્ષમતાઓ,અને સંસ્થા જે કંઈ રજૂ કરે છે તે ગ્રાહક માટે અદમ્ય ખેંચાણ સ્વરૂપ મૂલ્ય સ્વરૂપ હોય , જેવા આયામો આ અગ્રતાક્રમમાં  સામાન્યતઃ આવરી લેવાતા રહે છે.
સંસ્થાના પદાનુક્રમમાં તમે ગમે તે કક્ષાએ હો, જો મૂળભૂત વ્યૂહરચના સાથે સંબંધિત આ બે સવાલોના જવાબ જો નહીં મળ્યા હોય તો સંસ્થાને લાબા ગાળે આગળ ધપાવી શકે તેવા OKRsનું ઘડતર કરવું અતિમુશ્કેલ બની રહેશે.
વ્યૂહાત્મક સમજણ વિના જે કંઈ OKRs બનશે તેનાથી નાના ક્રમિક સુધારા થતા જરૂર જણાશે, પણ વ્યૂહાત્મક આગેકદમ શક્ય બની શકશે તેમ માનવાની ભૂલ કરવા જેવી નથી.
અને હા, કંપની વ્યૂહાત્મક દિશાની આપણને બહુ ખબર નથી તે જાણવાનો સમય OKRs ઘડવા માટેની કાર્યશાળાનો ચાનો પહેલો કપ હાથમાં લેતી વખતે નથી !
'માઠા સમાચર કરતાં વધારે ખરાબ માઠા સમાચાર મોડેથી મળવા તે છે' એ કહેવત અનુસાર, કદાચ, ત્યાં સુધી ઘણું મોડું થઈ જઈ શકે છે.
ટીમ તરીકે તમારો ઉદ્દેશ્ય શું છે?
લાંબા ગાળાનાં અસરકારક પરિણામો લાવી શકે તેવા OKRs ઘડવા માટે સંસ્થાની વ્યૂહાત્મક દિશાની સાચી ખબર હોય એટલું જ પૂરતું નથી. ટીમ તરીકે, વિભાગ કે સંસ્થાના કોઈ પણ એકમ રૂપે, આપણી તેમાં ભૂમિકા શું છે તે પણ ખબર હોવી પણ એટલું જ મહત્ત્વનું છે.
પ્રશ્ન હવે વધારે પેચીદો જણાશે, પણ તેનો સામનો તો કરવો જ રહ્યો. ટીમના બારે બાર સભ્યો આ બાબતે અલગ અલગ મત અને સમજણ ધરાવતાં હશે તો અસરકારક OKRs બનાવવાની વાત કદાચ દિવાસ્વપ્ન પણ બની રહી શકે છે.
આ બધી ડરામણી સંભાવનાઓ વચ્ચે પ્રકાશનું એક કિરણ એ છે કે કર્મચારીઓને વ્યૂહરચના સમજાવવાનૂં કામ એટલું મુશ્કેલ નથી, આવું કંઈક કરી શકાય:
૧) કંપનીની સંચાલક ટીમે લાંબા ગાળાની વ્યૂહરચના અને તે સિધ્ધ કર વા માટેનું પૂરતું આયોજન કરી રાખેલ છે. જો એ પણ હજૂ થયું  ન હોય તો કામ થોડું બધારે મુશ્કેલ જરૂર કહી શકાય.
૨) વ્યૂહરચનાને લગતી માહિતી સંબંધિત ટીમ સાથે યોગ્ય  સમયે યોગ્ય સંદર્ભમાં વહેચવા માટેની તૈયારી અને પ્રતિબધ્ધતા હોવી જોઈએ. એનો અર્થ એમ નહીં કે ઈ-મેલ, પ્રેઝન્ટેશન્સ, મિટીંગ્સ અને ચાર્ટ્સનો ખડકલો કરી દેવો.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માહિતીની આપલે, ઉભયપક્ષી સંવાદના સ્વરૂપમાં હોવી જોઈએ અને માહિતીનો વિષય  સંસ્થાની વ્યૂહાત્મક દિશાના સંદર્ભમાં અત્યારે  ક્યાં અને કેમ છીએ અને હવે આગળ વધવા શું કરવું જોઈશે, જેવી બાબતો સાથે જ સંકળાયેલ રહેવો જોઈએ.
બસ, આટલું કરશો તો પછી બાકીનું કર્મચારીઓ ઉપાડી લેશે
કંપનીના માસ્ટર પ્લાનની સમજણ પડી જાય તે પછી કર્મચારીઓ એમાં તેમની ભૂમિકા શું છે, આગળ વધવા માટે શું સૌથી વધારે મહત્ત્વનું છે  અને હવે પછીના ૯૦ દિવસમાં તેનું માપ કેમ કાઢવું જેવી બાબતો તેઓ જાતે જ નક્કી કરી શકશે,
સુપરમેનની શક્તિઓને અવળી અસર કરનાર પદાર્થ ક્રિપ્ટોનાઈટ જેમ OKRsને પણ અવળી અસર કરે તેવું તત્ત્વ છે - વ્યૂહરચનાથી અજાણ હોવું. શબ્દપ્રયોગ તરીકે તે જેટલું ભયંકર દેખાય છે તેટલું વાસ્તવિક સ્વરૂપે ભલે તે ભયંકર ન હોય, પણ પરિણામો પર તેની અસર તો સારી એવી ભયાનક નીવડી શકે છે.
તેનો ઉપાય પણ સહેલો અને હાથવગો જ છે - વ્યૂહરચનાનું શક્ય તેટલું સરળ સ્વરૂપમાં ઘડતર અને સંબંધિત લોકો સાથે તે બાબત ઉભયપક્ષી, અવિરત, સંવાદ. એક વાર તેનો અમલ કરી જોવા જેવું છે. બન્ને પક્ષને જરૂર ગમશે.
ManagementMattersNetwork.com, પરના પોલ નિવેન ના અસલ અંગ્રેજી લેખ, The First Law of Creating OKRs નો (સંક્ષિપ્ત) અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો