
પ્રેસ્ટર જોહ્નનો પહેલો અધિકૃત સંદર્ભ ફ્રીસીંગન ઑટ્ટોના ૧૧૪૫ તવારીખમાં જોવા મળે છે. ઑટ્ટો નોંધે છે કે પ્રેસ્ટર જોહ્નના પહેલવહેલા સમાચાર પવિત્ર પૉપ સમક્ષ એન્ટીઓખ નજીકના ગબાલાના બિશપ લાવ્યા હતા. બિશપના અહેવાલ મુજબ, પૂર્વમાં કોઈ જગ્યાએ પ્રેસ્ટર જોહ્ન નામનો ખ્રિસ્તી રાજા રાજ કરતો હતો. તે માગીનો વંશજ હતો અને તેનાં રાજ્યમાં ધનદોલતની નદીઓ વહેતી હતી. પ્રેસ્ટર જોહ્ને તાજેતરમાં જ પર્સીયા અને ઍસ્સિરિયાનાં લશ્કરો ખતમ કરી નાખ્યાં હતાં અને હવે તે યેરૂસલેમની પવિત્ર ભૂમિ તરફ મુસ્લિમો સાથે યુધ્ધ કરવા આગળ વધી રહ્યો હતો. જોકે અમુક અહેવાલો મુજબ તેની પ્રગતિમાં અવળાં વાતાવરણને કારણે રૂકાવટ આવી હતી. તેનું વિશાળ સૈન્ય ટાઈગ્રીસ નદીના કિનારે વર્ષોથી પ્રતિક્ષામાં હતું કે ક્યારે નદી થીજી જાય અને ક્યારે તેઓ મુસ્લિમ પ્રદેશમાં ધસી આવે.
૧૧૬૫માં ફ્રીસિંગના ઑટ્ટોનો મૂળ જૂના અહેવાલ પર પ્રેસ્ટર જોહ્નના જણાતા મૂળ પત્રનુ યુરોપમાં આવવું એક ઓછાયા રૂપે ફરી વળ્યું. પ્રેસ્ટર જોહ્ને પોતાને ત્રિહિદુસ્તાનનો રાજા ગણાવ્યો, જેની આણ બેબેલનાં ટાવરથી લઈને સૂર્યોદયના પ્રદેશ સુધી વર્તાતી હતી; તેણે પોતાનાં સામાજ્યની ખૂબીઓ અને સંમૃદ્ધિઓ, તેનાં લશ્કર અને મહેલોની કડી બંધ વિગતો અને ઈશુના દુશ્મનો - મુસ્લિમો-નો ખાતમો કર્યા પછી રોમની મુલાકાત લેવાની તેની નેમ તેમાં જણાવી હતી. આ ઉપરાંત તેણે એક જાદુઈ અરીસાની વાત પણ તેમાં કહી હતી, જેમાં જોવાથી તે એક જ જગ્યાએથી તેનાં આખાં સામ્રાજ્ય પર નિયમન કરી શકતો હતો.
ક્યારેક, પ્રેસ્ટર જોહ્નની પરિકલ્પનાને ખરેખર જીવંત રાજાઓની સાથે સરખામણી કરવાથી ગુંચવાડો પેદા થાય છે. જેમે કે લાંબા સમય સુધી યુરોપના રાજાઓ માનતા રહ્યા હતા કે ચંગીઝ ખાન એ જ પ્રેસ્ટર જોહ્ન છે.૧૨૪૮માં મોંગોલ દરબારમાંના ચર્ચના એલચીએ પ્રેસ્ટર જોહ્નની દંતકથાને વધારે વેગ આપ્યો. તેમણે એક અહેવાલ મોકલ્યો કે પ્રેસ્ટર જોહ્ને તાંબાનો માણ્સ બનવી તેમાં સળગતો ગ્રીક અગ્નિ ભરી ઘોડા પર દોડાવીને આખાં મોંગોલ લશ્કરને સળગાવી દીધું હતું.
૧૪મી સદીની શરૂઆત સુધીમાં મોટા ભાગના યુરોપના રાજાઓ આને મોટા ભાગના પોપે પ્રેસ્ટર જોહ્નને એશિયામાં ક્યાંય પણ શોધી કાઢવાની આશા છોડી દીધી હતી, કેમકે અત્યાર સુધીમાં અનેક રાજદ્વારી એલચીઓ અને પ્રવાસીઓ એશિયાના લગભગ દરેક ભાગને ખુંદી વળ્યા હતા, પણ તેમને એ ચમત્કારીક પ્રેસ્ટર જોહ્નનો અંદેશો સરખો પણ ક્યાંય નહોતો મળ્યો. સદીઓની રાહ જોયા પછી યુરોપિયનો સખેદ સ્વીકારવા લાગ્યા હતા કે પ્રેસ્ટર જોહ્ન એ હકીકત નહીં પણ એક દંતકથા છે.
મોટા ભાગના એશિયમાં ફરતા યુરોપિયન પ્રવાસીઓ દ્વારા પ્રેસ્ટર જોહ્ન વિષે એક તસુ જેટલી પણ અધિકૃત માહિતી ન મેળવી શકવા છતાં યુરોપિયનો પ્રેસ્ટર જોહ્ન પરની આસ્થા ત્યજી દેવા તૈયાર નહોતાં. તે કશેક છે તે આશા જીવંત રાખવા તેઓ પ્રેસ્ટર જોહ્નનાં સામ્રાજ્યની પરિકલ્પના તિબેટથી જપાનથી ઈથ્યોપિયા સુધી બદલતાં રહેતાં હતાં.
યુરોપિયનોમાં જગવેલી જિજ્ઞાસાની ચિનગારી ઉપરાંત પ્રેસ્ટર જોહ્નની પરિકલ્પનાએ યુરોપિયનોને દૂર પૂર્વથી માડીને આખું એશિયા ખુંદી વળવાની પ્રેરણા પૂરી પાડી. પ્રેસ્ટર જોહ્ન વિષેની આ કલ્પના ન હોત તો એશિયા અને યુરોપ વચ્ચેના મધ્યકાલિન સમયના ઘણા સંપર્ક કદાચ ક્યારે પણ પ્રસ્થાપિત ન થયા હોત, અથવા તો કદાચ બહુ પાછળથી કદાચ શક્ય બન્યા હોત. પ્રેસ્ટર જોહ્નની પૌરાણિક કથાઓ દ્વારા આપણને સમજવા મળે છે કે વાસ્કો ડી ગામાની ૧૪૯૮ની ભારતમાં પગ મુકતી એ ઐતિહાસિક સફર પહેલાં ભારત અને ખ્રિસ્તી ધર્મ વિષે યુરોપ શું માનતું હતું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો