શુક્રવાર, 3 મે, 2019

બીઝનેસ સૂત્ર | લેખમાળા સમાપન



બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપનવ્યાપાર કરવાની ભારતીય રીતરસમ

- સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.
- નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.
- બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.
- ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.
- પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
- છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી.
- ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.
- ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.
- ૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં 'જાતિ : કોણ ચડીયાતું - પુરુષ કે સ્ત્રી?', બીજા ભાગમાં પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું? અને ત્રીજા ભાગમાં નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ ની ચર્ચા કરવામાં આવી છે.
- ૧૦મા, છેલ્લા અંકમાં, દેવદત્ત પટ્ટનાઈક ભારતીયતા વિષે ચર્ચા કરે છે.. 'વ્યાપાર કરવાની ભારતીય પદ્ધતિ' વિષે વાત કરતાં પહેલા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકે નિયતિ વિ. અભિલાષા નો, બીજા ભાગમાં જુગાડ - સારૂં કે ખરાબ? અને 'રાસ લીલા - એક પરિપૂર્ણ સંસ્થા' શીર્ષસ્થ ત્રીજા ભાગમાં સંસ્થાના ઘડતરના અને સ્વરૂપના આદર્શના ભારતીય પુરાણશાસ્ત્રના દૃષ્ટિકોણ રજૂ કરેલ છે..
બીઝનેસ સૂત્ર | લેખમાળા સમાપન
આ લેખમાળાના નાંદી લેખમાં આપણે દેવદત્ત પટ્ટનાઈકનાં વ્યકત્વ્યનો સંદર્ભ પણ લીધો હતો. એ સમયે આપણે એટલું નોંધ પર લીધું હતું કે કોઈ પણ વ્યક્તિની વ્યાપાર કરવાની શૈલી તેની વર્તણૂક પર આધારિત છે, અને વ્યક્તિની વર્તણૂક પર સીધી અસર વ્યક્તિની માન્યતાઓની પડે છે. દેવદત્ત પટ્ટનાઇક તેને 'બિઝનેસ સુત્રનું ૩બી મૉડેલ' કહે છે.


પહેલી 'વરદાયિત ભૂમિ'ને 'સ્વર્ગ' - નંદનવન - તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં એક કામધેનુ કરીને ગાય છે જે બધાંની માંગ પૂરી કરે છે, કલ્પવૃક્ષ છે જેની નીચે બેસીને તમે જે કંઇ કલ્પના કરો તે તેમને ફળે છે, અને ચિંતામણિ કરીને એવો મણિ છે જે હાથમાં પકડવાથી તમે ગમે તે માગો, કોઈ પણ જાતના પ્રયાસ વગર તમને એ મળી જશે. મૅનેજમૅન્ટની ભાષામાં કહીએ તો કોઈ પણ જાતનાં રોકાણ વિના જ તમને અનંત વળતર મળે. આવાં નંદનવનનો રાજા ઈન્દ્ર છે, તે ઐરાવત જેવા હાથી પર સવારી કરે છે, જે બહુ જ શક્તિશાળી છે અને હંમેશાં આનંદ પ્રમોદમાં જ રહે છે. પણ દૈત્યો તેના રાજ્ય પર હુમેશાં હુમલા કર્યા કરે છે. પૃથ્વી પર કોઈ રાજા યજ્ઞયાગ કરે કે કોઈ યુધ્ધ છેડે તો ઈન્દ્રને પોતાનું ઈન્દ્રાસન ડોલતું લાગે અને ઈન્દ્ર તેના ઘોડા વિ. ચોરી કરવા લાગી પડે. જો કોઈ અસુર સ્વર્ગ પર ચડાઈ કરવા આવે તો ઈન્દ્ર પોતાના પિતાને તે અસુરનો વધ કરવા વિનવશે. કોઈ ઋષિ જો તપસ્યા માંડે તો ઈન્દ્ર રંભા કે ઉર્વશી જેવી અપ્સરાને એ ઋષિનો તપોભંગ કરવા મોકલી દે. ઈન્દ્ર પાસે બધું જ છે, છતાં પણ તે પોતાને હંમેશાં અસુરક્ષિત જ સમજે છે.

બીજી વરદાયિત ભૂમિ છે હિમાલયનું એક શિખર કૈલાશ. કૈલાશ હિમ વડે ઢંકાયેલું હિમાલય પર્વતનું એક શિખર છે. અહીં ભૂખને અતિક્રમવામાં આવી છે. તેનો અર્થ સમજવા માટે કૈલાશમાં વિરાજેલ શિવજીનાં કુટુંબનાં ચિત્રને ધ્યાનથી જોઈએ. આગળ નંદી દેખાય છે, પણ તેની સાથે પાર્વતીજીનું વાહન સિંહ પણ છે. કાર્તિકેયના ખભા પર મોર છે જેનો ખોરાક સાપ છે જે શિવજીની ગરદન આસપાસ વીંટળાયેલ છે. એ સાપનો ખોરાક, ઉંદર ગણેશજીના પગ પાસે તેમનું વાહન બનીને બેઠો છે. આમ આ ચિત્રમાં કેટલાય શિકારીઓ અને તેમના શિકારો શાંતિથી, કોઈ જાતના ભય સિવાય બેઠેલાં જોવા મળે છે. આમ થવા પાછળનું કારણ છે ભૂખ પરનો વિજય. ભૂખ પર કાબુ રહે છે એટલે જરૂરિયાતો, અપેક્ષાઓ અને આવશ્યકતાઓ પણ કાબુમાં છે, એટલે શિવ હંમેશાં શાંત હોય છે. પણ દેવી સાંત નથી રહી શકતાં કારણકે તે સ્ત્રી છે અને તેથી તેમને તેમનાં 'સંતાનો'ની, અન્ય લોકોની, ભૂખની ફિકર છે.

ત્રીજી વરદાયિત ભૂમિ છે ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન વૈકુંઠ. વિષ્ણુ ભગવાન શેષનાગનાં આસન પર વિરાજમાન છે, તેમની આસપાસ વિપુલ પ્રમાણમાં સમૃધ્ધિ છે. અહીં રણભૂમિ નહીં પણ રંગભૂમિ છે. અહીં અન્ય લોકોની ભૂખને પ્રાથામિકતા આપવામાં આવે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર લોકોને તેમની જરૂર પડી છે ત્યારે લોકોની સાથે વિષ્ણુ અલગ અલગ અવતારનાં સ્વરૂપે ભળી જાય છે.

આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય વરદાયિત ભૂમિઓ આપણી માન્યતા - મારી અને તમારી સાપેક્ષ વાસ્તવિકતા, સાપેક્ષ સત્ય પર આધારિત છે. વરદાયિત ભૂમિઓ સાથે સંકળાયેલ આપણી માન્યતાની વાત સમજવા માટે આપણે પશુની ભૂખ અને માનવીની ભૂખ વચ્ચેનું અંતર સમજવું પડશે. માણસની ભૂખ પશુની ભૂખથી ત્રણ રીતે જુદી પડે છે. પહેલો ફરક માત્રાત્મક છે. પશુની જરૂરિયાત અત્યારની ભૂખ છે, જ્યારે માનવીની જરૂરિયાત આજની ભૂખ, આવતી કાલની, દસ વર્ષ પછીની, પેઢી દર પેઢીની જરૂરિયાતને સંતોષવાની છે. માણસ એટલે બચત અને સંગ્રહ પણ કરે છે. બીજો ફરક ગુણાત્મક છે. આપણે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ નહીં પણ આપણું સ્થાન, માન, સત્તા, પ્રભાવ વગેરે માટે સંપત્તિની પણ જરૂરિયાત ધરાવીએ છીએ. પોતાના ખોરાકની પૂરતી ઉપલબ્ધિ માટે પશુ પણ પોતાનાં અધિકાર ક્ષેત્ર માટે પ્રયત્નશીલ રહે છે, પણ તે અધિકાર ક્ષેત્ર તે પોતાના વારસામાં નથી મૂકી જઈ શક્તું. ત્રીજો અને બહુ જ મહત્ત્વનો ફરક છે માનવીની કલ્પનાશક્તિનો, જે માનવીમાં સંવેદના પણ જન્માવી રહે છે. આપણે બીજાંની માત્રાત્મક, કે ગુણાત્મક કે તેની પ્રતિષ્ઠાની જરૂરિયાતને સમજી શકીએ છીએ. માણસની આ ત્રણ ખાસીયતો વરદાયિત ભૂમિ માટેની તેની માન્યતાને ઘડે છે.

ઈન્દ્રનું માનવું છે કે સૌ પહેલાં તેની ભૂખનું સમાધાન થવું જોઈએ. શિવ માને છે પોતાની ભૂખને અતિક્રમી શકાય, જ્યારે વિષ્ણુ કહે છે કે પહેલાં તમારી ભૂખનું સમાધાન કરીએ. નક્કી એ કરવાનું છે કે પહેલાં મારી ભૂખનું કે પહેલાં તમારી ભૂખનું સમાધાન થવું જોઈએ. મૅનેજમૅન્ટ શાસન વ્યવસ્થાની પરિભાષામાં કહીએ તો સૌ પહેલાં માલીકીઅંશધારકોની, કે કર્મચારીઓની, ગ્રાહકની કે પુરવઠાકારની, નીતિ ઘડવૈયા શાસકની કે નીતિનાં અનુપાલન જોનાર નિયમનકારની, સમાજની કે પર્યાવરણની - કોની જરૂરિયાતને પ્રાથમિકતા આપવી જોઈએ. વાસ્તવિક જીવનમાં કોઈ એક ભૂખને જ પહેલાં સંતોષવી જોઈએ એવો કોઈ જવાબ નહીં મળે. સામાન્યતઃ, એમ કહેવાય છે કે હું તમારી જરૂરિયાત વિષે વિચારૂં પણ તમારે મારી જરૂરિયાત વિષે વિચારવાનું. બીજા શબ્દોમાં કહીએ તો મારી જરૂરિયાત પૂરી થયા સિવાય હું બીજાંની જરૂરિયાત પૂરી કરવાનું નથી વિચારવાનો. મોટા ભાગનાં લોકોનું ઘડતર આ મુજબ થયું છે પરંતુ પુરાણોમાં અન્ય લોકોની જરૂરિયાત પૂરી કરવાને બહુ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે, કે જેથી હું મારી જરૂરિયાતને અતિક્રમી શકું. એટલે જ શિવ અને વિષ્ણુનાં મંદિરો બહોળા પ્રમાણમાં જોવા મળે છે. શિવ અને વિષ્ણુને તો એક જ સિક્કાની બે બાજુ કહી શકાય.
આ ચર્ચા વિષે કેટલાક વાંધા પણ સાંભળવા મળશે. પહેલો વાંધો એ કે ભૂખને અતિક્રમવાની વાત માત્ર સૈદ્ધાંતિક છે, વાસ્તવમાં તે શકય નથી. એ તો ભગવાં કપડાંધારી લોકો માટે છે, સુટ પહેરેલા વ્યાપાર જગતના સંચાલક માટે નથી. બીજો વાંધો એ છે કે તમારી ભૂખ પર ધ્યાન દેવાથી એ વ્યક્તિનો ગેરલાભ લેવા માટેનો તખ્તો ઘડાઈ શકે છે. એટલે વાસ્તવમાં આ પણ કામ ન આવે. એટલે પછી ત્રીજો વાંધો એ રહે કે ખરી વાસ્તવિકતા એક જ છે કે પહેલાં મારી જરૂરિયાત પૂરી થાય, એ પછી જ તમારી જરૂરિયાત પહેલાં પૂરી થાય તેની વાત કરવાની રહે. આપણું સ્વાભાવિક ઘડતર પણ એ જ ઘરેડમાં થયું છે કે પ્રાણી જગતમાં તો આમ જ હોય, પણ માનવ સભ્યતામાં એમ જ હોવું જરૂરી નથી. માણસમાં પોતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપ્યા સિવાય સામેનાની જરૂરિયાતને પ્રાથમિકતા આપી શકવાની ક્ષમતા રહેલી છે.

સમાપનમાં એટલું જરૂર કહી શકાય કે -

ભારતીય પુરાણોમાં વ્યાપકપણે જોવા મળતી, પણ આજની વાસ્તવિકતામાં એટલી જ ગેરહાજર, એવી વ્યાપાર કરવાની શૈલીમાં સાપેક્ષતા અને વૈવિધ્યને સહજપણે વણી લેવાયેલ છે. તે કારણે સફળતા હાંસલ કરવાના ઉપાયોમાં તેમાં વધારે અંતર્ભાવ અને સંવેદનશીલતા અનુભવાય છે. ભારતીય પુરાણો અનુસારની વ્યાપાર શૈલીમાં દુનિયાને કઈ દૃષ્ટિએ જોવી અને સમૃદ્ધિની દેવી, લક્ષ્મી, તરફ આપણો અભિગમ કેવો રહેવો જોઈએ તેના પર વધારે ભાર મૂકવામાં આવે છે.

જો સમૃદ્ધિની પાછળ દોડવું હોય, તો આપણું કાર્યસ્થળ - નિવેશકો, નિયમનકારો કે અન્ય હિતધારકો સાથેની - રણભૂમિ બની રહેશે. પણ જો આપણે એમ માનીએ કે સમૃદ્ધિ આપોઆપ આવશે, તો આપણું કાર્યસ્થળ એક એવી - આદર્શ - રંગભૂમિ બની રહેશે, જ્યાં દરેક વ્યક્તિ સ્વેચ્છાથી પોતાનું કામ કરે છે અને પરિણામે, ખુશ રહે..

આપણી માન્યતા, અને તેમાંથી પરિણમતી આપણી વર્તણૂક, જ આપણી વરદાયિત ભૂમિ નક્કી કરે છે.

નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

પાદ નોંધઃ

દેવદત્ત પટ્ટનાઈકનું 'બિઝનેસ સુત્ર' લેખમાળા શ્રેણીના બધા લેખ એક સાથે અહીં વાંચી (ડાઉનલોડ કરી)  શકાય છે.

આ લેખમાળાનું અંગ્રેજી સંસ્કરણ Devdutt Pattanaik’s TV serial: Business Sutra પણ સમાંતરે પ્રકાશિત કરેલ હતું. અંગ્રેજી સંસ્કરણના બધા લેખો એક જ ફાઈલમાં અહીં સંકલિત કરેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો